પળ-અકળ

Facebooktwitterredditpinterestlinkedinmail

દેવિકા ધ્રુવ

જન્મની પળ કંઈ એવી અકળ અહીં,

પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં.


ઘોડિયાએ માંડેલી વારતામાં, તડકા ને છાંયડાની શાહી ઢોળાય.

કોરાકટ કાગળ પર એક પછી એક નવા રંગોની ઢગલીઓ થાય..

રોજ રોજ પાના તો જાય એમ સરી, જેમ સાગરમાં બૂંદ જાય વહી..

પણ પહોંચે ન કોઈ એ વિસ્મયની તળ મહીં…. …..જન્મની પળ કંઈ એવી અકળ અહીં..


અંદર છે અંતર ને અંતરની ભીતર, કંઈ ધબકે નિરંતર.

શોધી શોધીને ને કોઈ થાકે પણ જડતું ના કોઈને સદંતર..

સદીઓથી સૂફીઓએ લળી વળીને ખૂબ કહી, કળ કહી,

તોય પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં……….. જન્મની પળ કંઈ એવી અકળ અહીં..


ને વારતાને છેડે વમળ જેવી સળ કંઈ હાથમાંય રાખી, ના કોઈને કીધી.

લાવે સવારી બહુ જ અણધારી, તો ક્યારેક પરીક્ષા, પ્રતીક્ષાની લીધી.

છેલ્લું વિકટ પાન દિસે નિકટ તહીં, દેખાય ના એક્કે સિક્કા કે સહી..

આખરી પળ પણ એવી અકળ અહીં……………………પામે ન કોઈ એ વિસ્મયની તળ મહીં..


દેવિકા રાહુલ ધ્રુવ   નવે.૧૬,૨૦૧૮

સંપર્કસૂત્રો :-

https://devikadhruva.wordpress.com/
email:  ddhruva1948@yahoo.com
Phone ++281 415 5169

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *