બે ગીત

Facebooktwitterredditpinterestlinkedinmail


                     (૧) ગીત – કાન થનક થૈ નાચે

આસોની અજવાળી પૂનમની રાતમાં, રાધાની સંગ કાન નાચે,
હો.. રાધાની સંગ કાન નાચે ..!
રાસડાની રમઝટમાં ગોપીઓ ભાન ભૂલી, કાનૂડાની સંગસંગ નાચે,
હો.. કાનૂડાની સંગસંગ નાચે ..!
હો.. હો.. કાન થનક થૈ.. થનક થૈ નાચે …
મોરપીંછ માથે ‘ને પગમાં છે મોજડી ‘ને મોજડીમાં હિરલાની જોડ,
વાંકળિયા વાળ એની લટકાતી ચાલ એની કેડમાં છે મીઠો મરોડ,
ચાંદાના ચમકારે મલકંતા મોહનજી, રાધાનું દલડુંયે વાંચે…,
હો.. રાધાનું દલડુંયે વાંચે.! …
હો.. હો.. કાન થનક થૈ.. થનક થૈ નાચે …!

પ્રેમ સંગ ખેલવાને રાધાયે ડોલી ને, ગોપીઓયે સંગસંગ ડોલી,
થનગનતી રાતડીએ ચાંદાની સંગ, આજ ચાંદનીયે ઝિણેરું બોલી,
કાનાની સંગ રાસ લીલાઓ રમવાને નવરંગી દલડાંઓ યાચે..,
હો .. નવરંગી દલડાંઓ યાચે., .,
હો.. હો.. કાન થનક થૈ.. થનક થૈ નાચે …!

અજવાળી રાતોમાં કાનાની આંખડીયે તાલીઓના તાલમાં ડોલે,
સૂર અને તાલમાં ભાન ભૂલી ગોપીઓ કાનાનું નામ ધીમું બોલે,
વાંસળીના સૂર ચાર દિશામાં ગુંજતા ‘ને સંગસંગ મનડાંઓ નાચે .
હો .. સંગસંગ મનડાંઓ નાચે..!
હો.. હો.. કાન થનક થૈ.. થનક થૈ નાચે …!

                                                                                              – હર્ષિદા ત્રિવેદી

                                               * * *

                          (૨) ગીત – પડઘો સવા લાખનો

એક રે ગગન ગુંજતો પડઘો સવા લાખનો ….કોઈ ઝીલો રે…. કોઈ ઝીલો …!!
વાયરે પુગી આવતો તડકો સવા લાખનો ….કોઈ ઝીલો રે…. કોઈ ઝીલો …!!

પગમાં પવન પાવડી પહેરી લીધી આશમાં …ક્યાંક ઊડું રે ….ક્યાંક ઊડું ….!
મન તો સોનલ-માછલી તરવા લાગી શ્વાસમાં.. કેમ બૂડું રે….. કેમ બૂડું …?

અમથો પડી ભાગતો ફડકો સવા લાખનો ….કોઈ ઝીલો રે…. કોઈ ઝીલો …!!
એક રે ગગન ગુંજતો પડઘો સવા લાખનો ….કોઈ ઝીલો રે…. કોઈ ઝીલો …!!

સપનાનું જળ શામળું ગઢમાં ઘૂસી આવતું …છલછલે રે…. છલછલે !
છલનાનું છળ પાતળું પગલાં ભૂંસી નાખતું …છલછલે રે…. છલછલે !

કોઈના માટે ઝૂરતો મનખો સવા લાખનો ….કોઈ ઝીલો રે…. કોઈ ઝીલો …!!
એક રે ગગન ગુંજતો પડઘો સવા, લાખનો ….કોઈ ઝીલો રે…. કોઈ ઝીલો …!!

                                                                                             – દીપક ત્રિવેદી

                                               * * *

સંપર્કઃ
હર્ષિદા દીપક ત્રિવેદી
મોબાઈલ – 91 9737774743
email – harshida21@gmail.com

* * *

(અગાઉ ‘વેગુ’માં પગરણ કરી ચૂકેલાં રાજકોટનાં વતની હર્ષિદાબેન ત્રિવેદી ગુજરાતી અને મનોવિજ્ઞાન વિષય સાથે બી.એ. થયેલાં છે. ગુજરાતી ટીવી.ની ચેનલ પર કાવ્યગોષ્ઠિમાં ભાગ લે છે. તાજેતરમાં “રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ વર્ષ ૨૦૧૮ એવોર્ડ” શ્રી રાજશેખર બ્રહ્મભટ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો. આ એવોર્ડ હર્ષિદા ત્રિવેદી અને દીપક ત્રિવેદીને સંયુક્ત રીતે તેમના કાવ્યસંગ્રહો ‘ ધત્ તેરી કી’ અને ‘ ઝાકળની હેલી ‘ બદલ આપવામાં આવ્યો છે. બંનેની એક એક રચના અત્રે ‘વેગુ’ માટે મોકલી આપવા બદલ ધન્યવાદ. – દેવિકા ધ્રુવ, ’વેગુ’ સાહિત્ય સમિતિ)

1 comment for “બે ગીત

  1. December 2, 2018 at 9:33 pm

    બહુ સરસ. નવાં રાસ ગરબાની રમઝટની જરૂર છે.
    સરયૂ પરીખ.

Leave a Reply to SARYU PARIKH Cancel reply

Your email address will not be published. Required fields are marked *