સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૧૮)…. બેક્ટેરીયા/જીવાણુ

પીયૂષ મ. પંડ્યા

આપણે જોઈ ગયા કે બેક્ટેરિયા જેવા અતિશય સુક્ષ્મ સજીવોમાં પણ જાતિય/લિંગી પ્રજનન જોવા મળે છે. ગઈ કડીમાં જોયું એમ કેટલાક કોષોમાં તેમના મૂળ ડીએનએ કે જેંને કેન્દ્રીય ડીએનએ કહેવાય છે, તેના ઉપરાંત ‘પ્લાઝમીડ’ કહેવાતા નાના કદના વધારાના ડીએનએ અણુના ટૂકડા હોય છે. આવા ટૂકડા વિશિષ્ટ એવા અલગ અલગ ગુણધર્મો માટે જવાબદાર હોય છે. અમુક પ્લાઝમીડ જે તે કોષની લૈગિંકતા માટે જવાબદાર હોય છે. આવા પ્લાઝમીડ ‘નરકારક’ તરીકે ઓળખાય છે. આપણે એ પણ જોયું કે જેનામાં નરકારકની ઉપસ્થિતિ હોય એવા કોષો F+ તરીકે અને એ ન ધરાવતા કોષો F- તરીકે ઓળખાય છે. F+ અને F વચ્ચે સર્જાતા સંયુગ્મનની ગતિવિધી જાણ્યા પછી આજની કડીમાં આપણે અલગ પ્રકારના સંયુગ્મન બાબતે ચર્ચા કરીએ.

ચોક્કસ સંજોગોમાં નરકારક ડીએનએ, કેન્દ્રીય ડીએનએ સાથે જોડાણ કરી લે છે. હવે એ પોતાનું અલગ સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી, કેન્દ્રીય ડીએનએનો અંતર્ગત ભાગ બની રહે છે. જે કોષોમાં આમ બનવા પામે તેને Hfr કોષો કહેવામાં આવે છે. આવા કોષો પણ દાતા તરીકે વર્તવાનું ચાલુ રાખે છે. જ્યારે અનુકૂળ સંજોગોમાં આ પ્રકારના કોષના સંપર્કમાં F- એટલે કે ગ્રાહી કોષ આવે, ત્યારે એ બન્ને વચ્ચે સંયુગ્મન સધાય છે. આવા જોડાણને Hfr X F- પ્રકારનું સંયુગ્મન કહેવાય છે. અહીં યાદ કરીએ F+ અને F- કોષો વચ્ચે થતા સંયુગ્મન દરમિયાન થતી જનિનીક ફેરબદલીની, જે બાબતે આપણે ગઈ કડીમાં વિગતે ચર્ચા કરી ગયા છીએ. એ ગતિવિધીમાં દાતા કોષ તરફથી ગ્રાહી કોષ તરફ માત્ર અને માત્ર નરકારકનું જ વહન થાય છે. આજે આપણે જે વાત કરી રહ્યા છીએ એ સંયુગ્મનની કાર્યપધ્ધતિ બિલકુલ અલગ છે. અહીં Hfr પ્રકારનો દાતા કોષ, F- એટલે કે ગ્રાહી કોષ સાથે પોતાના લિંગી પ્રવર્ધની મદદથી જોડાય છે, ત્યારે દાતા કોષનો નરકારક ડીએનએ, કેન્દ્રીય ડીએનએના અંતર્ગત ભાગ તરીકે હોય છે. સફળ જોડાણ સ્થાપિત થયા પછીના તબક્કામાં જનિનીક ફેરબદલીની શરૂઆત થાય છે. આ પ્રકારના સંયુગ્મન દરમિયાન માત્ર અને માત્ર કેન્દ્રીય ડીએનએની જ ફેરબદલી થાય છે. આપણે ગઈ કડીમાં જાણ્યું એમ, ડીએનએનું દ્વીગુણન થાય ત્યારે એના બે તંતુઓ એકબીજાથી અલગ પડતા હોય છે. સંયુગ્મન સમયે દાતાના કેન્દ્રીય ડીએનએના બે તંતુઓ પૈકી એક, એ કોષને ગ્રાહી કોષ સાથે જોડતા લિંગી પ્રવર્ધ વાટે ગ્રાહી કોષમાં પ્રવેશવા લાગે છે. જેમ જેમ એ તંતુ પ્રવેશતો જાય એમ એમ ગ્રાહી કોષ એના પ્રતિતંતુનું નિર્માણ કરતો જાય છે. આમ, દાતા કોષ તરફથી જનિનીક દ્રવ્યની ફેરબદલી ગ્રાહી કોષમાં ક્રમશ: આગળ વધતી જાય છે. અહીં એ નોંધવું જરૂરી છે કે દાતા કોષના ડીએનએનો એક તંતુ એ કોષમાં જ સચવાઈ રહે છે અને એના પ્રતિતંતુનું નિર્માણ ખુદ દાતા કોષ કરતો રહે છે. આમ, આ પ્રકારનું જનિનીક ‘દાન’, વિદ્યાદાન જેવું ગણી શકાય _ આપવાથી ઘટતું નથી! આના પરિણામે ગ્રાહી કોષ એક ફલિતાંડમાં રૂપાંતરિત થતો રહે છે. અત્યંત રસપ્રદ બાબત એ છે કે બેક્ટેરિયામાં કુદરતી સંજોગોમાં સર્જાતા સંયુગ્મન દરમિયાન સામાન્ય રીતે દાતા કોષનો કેન્દ્રીય ડીએનએ પૂરેપૂરો ગ્રાહી કોષમાં બદલી પામતો નથી. આપણે એક ઉદાહરણ વડે આ સમજીએ. એશ્કીરીશીયા કોલાઈ નામે જાણીતાં બેક્ટેરિયામાં પ્રયોગશાળામાં સર્જાયેલા આદર્શ સંજોગોમાં રચાતા સંયુગ્મન વખતે દાતા કોષમાંથી પૂરેપૂરો કેન્દ્રીય ડીએનએ ગ્રાહી કોષમાં દાખલ થઈ શકે એ માટે લગભગ ૯૦ મિનીટનો સમયગાળો જરૂરી છે. આટલી લાંબી અવધિ સુધી કુદરતી સંજોગોમાં દાતા તેમ જ ગ્રાહી કોષો જોડાયેલા રહી શકતા નથી. આ કારણથી જ્યાં સુધી એ બન્ને કોષો સંયુગ્મી બની રહે ત્યાં સુધીમાં જેટલો દાતાનો કેન્દ્રીય ડીએનએ ગ્રાહીમાં દાખલ થયો હોય, એનાથી એ કોષે ચલાવી લેવું પડે છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે થોડા સમયગાળા માટે ચાલેલા સંયુગ્મન દરમિયાન દાતા કોષના કેન્દ્રીય ડીએનએના લગભગ (૧/૫૦૦)મા ભાગ થી લઈને (૧/૨૦૦)મા ભાગ જેટલો નાનકડો ટૂકડો ગ્રાહી કોષમાં પ્રવેશી શકે છે. પરિણામે જે ફલિતાંડ રચાય છે તે સંપૂર્ણ નહીં પણ અધુરું હોય છે. આ રીતે સર્જાતા ફલિતાંડને ‘અપૂર્ણ ફલિતાંડ’ તરીકે ઓળખવામાં આવે છે. આવા અપૂર્ણ ફલિતાંડમાં હાજર એવા બે પ્રકારના ડીએનએ અણુઓ વચ્ચે આનુવંશિકતાના કુદરતી નિયમો અનુસાર આંત:ક્રિયા થાય છે અને એના પરિણામે આગવાં લક્ષણો ધરાવતો કોષ અસ્તિત્વમાં આવી શકે છે.

આમ, બેક્ટેરિયામાં જોવા મળતા અને સંયુગ્મન નામે ઓળખાતા લિંગી પ્રજનનની વિશિષ્ટતા એ છે કે એ બે વૈકલ્પિક કાર્યપ્રણાલીઓમાંની કોઈ પણ એક વડે થતું રહે છે. આવી સુવિધા અન્ય વિકસીત સજીવોમાં જાણવા મળી નથી. હજી આના કરતાં પણ વધારે હેરતજનક બાબત તો એ છે કે સંયુગ્મન ઉપરાંત લિંગી પ્રજનન માટે બેક્ટેરિયા પાસે બીજી બે વિશિષ્ટ પ્રકારની સુવિધાઓ છે. એ બન્નેમાં જોવા મળતી ખાસિયત એ છે કે દાતા અને ગ્રાહી કોષ એકબીજાના સીધા સંપર્કમાં બિલકુલ આવતા નથી. હકિકતે દાતાનું જનિનીક દ્રવ્ય ગ્રાહી કોષમાં પ્રવેશે એ પહેલાં દાતા કોષનું અસ્તિત્વ મીટી ગયું હોય છે! આવનારી કડીમાં એ વિશે વાત કરશું.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.