સાયન્સ ફેર :: ‘મિશન વિનસ’ : ઇસરોનો શુક્ર બળવાન હોય એમ લાગે છે!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન – ઇસરો હાલમાં ‘મિશન વિનસ’ પર કાર્ય કરી રહ્યું છે. અંદાજ મુજબ ઇસ ૨૦૨૩ સુધીમાં આ મિશન પોતાની મંઝીલ સુધી પહોંચી જશે. આ મિશન માટે ઈસરોએ વિશ્વની બીજી અવકાશીય સંસ્થાઓ માટે પણ ભાગીદારીના દ્વાર ખુલ્લા રાખ્યા છે.[i]

મિશન વિનસનો મૂળ હેતુ વિનસ, એટલે કે શુક્રના ગ્રહ ઉપર ચાલતી ગતિવિધિઓના અભ્યાસનો છે. શુક્રનું વાતાવરણ કેવા પ્રકારનું છે અને સોલાર વિન્ડ – સોલાર રેડિયેશનની આ ગ્રહ ઉપર કેવીક અસરો થાય છે, એનો અભ્યાસ કરાશે. ‘મૂનમિશન’ અને ‘મિશન માર્સ’ની સફળતા બાદ ઇસરોનું આ ત્રીજું મિશન છે જે પૃથ્વી સિવાયના કોઈ ગ્રહનો અભ્યાસ કરવા માટે યોજાઈ રહ્યું છે. હા, જો ૨૦૧૯માં ‘ચંદ્રયાન-૨’ મિશનને સફળતા મળશે, તો ‘મિશન વિનસ’નો નંબર ચોથો ગણાશે. ઇસરો દ્વારા મિશન વિનસ માટે પસંદ થયેલા ઓર્બિટરનું નામ છે ‘શુક્રયાન-૧’. ઇસરો દ્વારા તરતા મૂકાનારા ઓર્બિટર ‘શુક્રયાન-૧’માં થર્મલ કેમેરા, ક્લાઉડ મોનિટરિંગ કેમેરા અને માસ સ્પેકટ્રોમીટર જેવા બાર ઉપકરણો જોડાયેલા હશે. શુક્રયાન-૧ ની પે-લોડ કેપેસીટી ૧૦૦ કિલોગ્રામ જેટલી છે અને એને ૫૦૦ વોટ પાવરની જરૂરિયાત રહેશે.

આ તો બધી શુષ્ક માહિતીની વાત થઇ. પણ ‘મિશન વિનસ’ની ખાસિયત શું છે? આ મિશનની ખાસિયત છે ફ્રાંસની ભાગીદારીમાં થનારો ‘એરોબ્રેકીંગ ટેકનોલોજીઝ’નો ઉપયોગ. એરોબ્રેકિંગ ટેકનોલોજી વિષે જાણતા પહેલા ભ્રમણકક્ષા વિષે થોડું સમજી લઈએ.

જ્યારે કોઈ ગ્રહનો અભ્યાસ કરવા માટે માનવસર્જિત ઉપગ્રહ કે સ્પેસક્રાફ્ટ મોકલવામાં આવે, ત્યારે એ ઉપકરણ સીધેસીધું પેલા ગ્રહ ઉપર નથી પહોંચી જતું. પરંતુ એ ગ્રહની આસપાસ પ્રદક્ષિણા કરે છે. કારણકે બ્રહ્માંડનો કોઈ ગ્રહ કોઈ એક જ બિંદુએ સ્થિર નથી હોતો. બલકે દરેક ગ્રહ સતત એક ચોક્કસ ભ્રમણકક્ષામાં ગતિ કરતો રહે છે. જેમ પૃથ્વી સૂર્યની આસપાસ અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ગતિ કરે છે એમ જ. આથી આ ગ્રહોના અભ્યાસ માટે મોકલાયેલા સ્પેસક્રાફટે પણ જે-તે ગ્રહના ‘ઉપગ્રહ’ની માફક, એની આજુબાજુ ચોક્કસ ભ્રમણકક્ષા – orbitમાં ભ્રમણ કરતાં રહેવું પડે છે. આથી જ આ પ્રકારના સ્પેસક્રાફટને ‘ઓર્બિટર’ (orbiter) તરીકે ઓળખવામાં આવે છે. ઇસરોનું ઓર્બિટર ‘શુક્રયાન-૧’ પણ એક ચોક્કસ ભ્રમણકક્ષામાં રહીને શુક્રની આજુબાજુ પ્રદક્ષિણા કરતું રહેશે. અને આ ભ્રમણકક્ષા વર્તુળાકાર નહી હોય, બલકે લંબગોળ (elliptical) હશે. આ રીતે જ્યારે સૂર્યમંડળના કોઈ ગ્રહની પ્રદક્ષિણા કરતી ભ્રમણકક્ષાની વાત હોય, ત્યારે એ ગ્રહ પોતાની ભ્રમણકક્ષાની બરાબર વચ્ચે હોય એ શક્ય નથી હોતું. હવે જો શુક્રનો ગ્રહ પણ શુક્રયાનની ભ્રમણકક્ષાની મધ્યમાં ન હોય, અને ભ્રમણકક્ષા લંબગોળ આકારની હોય, તો એનો અર્થ એમ કે શુક્રયાન-૧ કોઈ એમ્યુઝમેન્ટ પાર્કમાં જોવા મળતી ટોરા-ટોરા ચકડોળની જેમ શુક્રની પ્રદક્ષિણા કરશે! આવી પરિસ્થિતિમાં યાન અને શુક્રના ગ્રહ વચ્ચેનું અંતર માપવું કેમ?

આવી પરિસ્થિતિમાં ભ્રમણકક્ષાથી જે-તે ગ્રહનું અંતર માપવા માટે એક સીધી રેખામાં આવેલા બે બિંદુઓનો સંદર્ભ લેવો પડે છે. આ બન્ને બિંદુઓને ‘એપ્સીસ – apsis’ તરીકે ઓળખવામાં આવે છે. ભ્રમણકક્ષાનું જે બિંદુ ગ્રહથી નજીક હોય એને ‘પેરીએપ્સીસ’ (periapsis) અને દૂરના બિંદુને ‘એપોએપ્સીસ’ (apoapsis) તરીકે ઓળખવામાં આવે છે. શુક્ર અને શુક્રયાન વચ્ચેનું અંતર પેરીએપ્સીસ પર ૫૦૦ કિલોમીટરનું અને એપોએપ્સીસ બિંદુ પર અધધ ૬૦,૦૦૦ કિલોમીટર જેટલું હશે! બીજી તરફ, ઇસરોના વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો એપ્સીસ બિંદુઓનું શુક્રથી અંતર ઓછું હોય, તો બળતણની મહાબચત થાય! અને આ માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું વિચારણા હેઠળ છે, એ ટેકનોલોજી એટલે ‘એરોબ્રેકીંગ ટેકનોલોજીઝ’. ઇસ ૨૦૧૭-૧૮ દરમિયાન યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના વડપણ હેઠળના એક્ઝો માર્સ પ્રોજેક્ટમાં આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવેલો. ઇસરોના વિજ્ઞાનીઓ એરોબ્રેકીંગ ટેકનોલોજી એપ્લાય કરવા માટે ફ્રાંસના વૈજ્ઞાનિકો સાથે કોલબરેશન કરવા વિચારી રહ્યા છે. જો કે એરોબ્રેકિંગ ટેકનોલોજી સંદર્ભે ફ્રાંસની ભાગીદારી વિષેની આખી વાત હજી વિચારણા હેઠળ છે, પરંતુ મોટે ભાગે આ કોલોબરેશન થશે જ.

આ બધી ટેકનિકલ જાણકારીઓ સિવાય પણ એક અતિશય મહત્વની બાબત છે જેના પર ઇસરોના વિજ્ઞાનીઓ નજર રાખીને બેઠા છે. અને આ બાબત છે ‘ઇકોનોમી’. યસ, કોઈ પણ મિશન હાથ ધરવા પહેલા સૌથી પહેલો પ્રશ્ન ‘બજેટ’નો ઉભો થાય છે. સૌથી ઓછા ખર્ચે મંગળ પર પહોંચવાનો રેકોર્ડ ઇસરો દ્વારા પાર પાડવામાં આવેલ ‘મિશન માર્સ’ના નામે બોલે છે. જો ઇસરોના વિજ્ઞાનીઓને સફળતા મળશે તો ઓછામાં ઓછા ખર્ચે શુક્રનો ગ્રહ સર કરવાનો રેકોર્ડ પણ ઈસરોને નામે ચડશે! અને જો એવું થશે તો મિનિમમ બજેટમાં અવકાશીય મિશનો પાર પાડનાર સંસ્થા તરીકે ઇસરોની ખ્યાતિ વિશ્વભરમાં ફેલાઈ જશે. આનો ફાયદો એ થશે કે ભવિષ્યમાં દુનિયાના બીજા દેશો પોતાના અવકાશીય સંશોધનો-પ્રકલ્પો માટે ઇસરોની પ્રોફેશનલ સેવાઓ લેતા થઇ જશે. સ્પેસ સાયન્સના ક્ષેત્રમાં ઇસરોની આવી ‘વન અપમેનશીપ’ દેશને ગૌરવ પણ અપાવશે અને ચિક્કાર રૂપિયા પણ કમાવી આપશે. કહેવાય છે કે શુક્રનો ગ્રહ બળવાન હોય એને પુષ્કળ ખ્યાતિ પ્રાપ્ત થાય છે. ઇસરો જે રીતે એક પછી એક સફળતાઓ મેળવી રહ્યું છે એ જોતા એનો ‘શુક્ર’ નક્કી બળવાન હોવો જોઈએ! જોઈએ હવે શુક્રનું મિશન ઈસરોને કેવુંક ફળે છે.

…અને અચરજ એ વાતનું છે કે એરોબ્રેકીંગ ટેકનોલોજીનો પ્રથમ ઉપયોગ ઇસ ૧૯૯૧માં જાપાને કર્યો, પરંતુ એના કરતાં પહેલા ‘ડીન ઓફ સાયન્સ ફિક્શન રાઈટર્સ’ તરીકે જાણીતા રોબર્ટ હેનલેઈન નામના રાઈટરે છેક ઇસ ૧૯૪૮માં પોતાની સાયન્સ ફિક્શન નોવેલ ‘સ્પેસ કેડેટ’માં આ ટેકનોલોજીનો ઉલ્લેખ કરેલો!


[i]


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *