ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર : આઝાદી માટેનો સંઘર્ષ પ્રકરણ ૯: વારાણસીનો વિદ્રોહ

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

આપણે આઠમા પ્રકરણના અંતમાં કહ્યું તે પ્રમાણે અઢારમી અને ઓગણીસમી સદી અંગ્રેજો માટે હતી. પરંતુ હિન્દુસ્તાનીઓ માટે એ સદીઓ પરાજયને પરાજય ન માનવાની હતી. બંગાળ પર કંપની બહાદુરનું રાજ હતું. દક્ષિણના વિદ્રોહની કથાની વિસ્તૃત કથાની એક ઝલક આપણે મેળવી લીધી. સંન્યાસીઓનો વિદ્રોહ, ચુઆડોનો વિદ્રોહ અને દક્ષિણમાં કંપની વિરુદ્ધ બનેલા સંઘોનો વિદ્રોહ. હવે અઢારમી સદીમાં જ વારાણસીના રાજા ચૈત સિંહના વિદ્રોહની આજે વાત કરવી છે.

પરંતુ આગળ વધતાં પહેલાં એક વાતની નોંધ લઈ લઈએ. ૧૭૫૭ પછી ૧૮૭૫ સુધી અંગ્રેજોને જનતાએ લડતા રાખ્યા. આ ૧૧૭ વર્ષોમાં છૂટાછવાઈ કે નાની અથવા મોટી ૧૧૦ વિદ્રોહી ઘટના બની છે. એટલે કે લગભગ ૧૫ મહિને જનતામાંથી – ખેડૂતો, આદિવાસીઓ અને નાના જાગીરદારોનો – અંગ્રેજો સામે વિરોધનો પ્રબળ અવાજ ઊઠ્યો છે અને એમાં દેશનો કોઈ ખૂણો બાકાત નથી રહ્યો. અફસોસ એ છે કે આપણી પાસે આ ઘટનાઓનો આધારભૂત ઇતિહાસ નથી. જેમણે નોંધ લીધી તે બધા અંગ્રેજી ઇતિહાસકારો હતા. એટલે જે ઘટનાઓને એમણે મહત્ત્વહીન ગણાવી છે તે ભારતીય ઇતિહાસકારો માટે પણ અગત્યની નથી રહી. આ બધી ઘટનાઓ કંઈ ઓચિંતી નહોતી બની. જુલમનો એક દોર શરૂ થયો હતો અને એના પડઘા દાયકાઓ સુધી પડતા રહ્યા. આ જ ભાવનાનું નવીનીકરણ થતું રહ્યું. ૧૮૫૭નો સ્વતંત્રતા સંગ્રામ, ગદર આંદોલન કે કોંગ્રેસની સ્થાપના આ સળંગ સાંકળની કડીરૂપ માત્ર છે.

આપણે ફરી રાજા ચૈત સિંહ તરફ પાછા વળીએ. વારાણસી આમ તો અવધના નવાબ હેઠળ હતું પણ એના જાગીરદાર બલવંત સિંહે પોતાના માટે ‘રાજા’ બિરુદ પસંદ કર્યું હતું બલવંત સિંહના અવસાન પછી ચૈત સિંહે સત્તા સંભાળી. એ વખતે વૉરેન હેસ્ટિંગ્સ ભારતનો ગવર્નર જનરલ હતો. એ મૈસૂરના હૈદર અલી સામે યુદ્ધે ચડ્યો હતો અને આ યુદ્ધ માટે એણે ખાસ કર નાખ્યો હતો. અંગ્રેજોની પઠાણી ઊઘરાણીઓથી કંટાળીને અવધ નવાબે વારાણસી અને બીજા કેટલાક ઇલાકા કંપનીને સોંપી દીધા. આના પછી ૧૭૭૮ અને ૧૭૭૯માં હેસ્ટિંગ્સે વારણસીના રાજા ચૈત સિંહ પાસેથી દર વર્ષે પાંચ-પાંચ લાખ રૂપિયા કરને નામે પડાવી લીધા હતા. એક કરાર હેઠળ રાજાએ ૫૦ લાખ રૂપિયા આપવાના હતા પણ એની કુલ વાર્ષિક આવક માત્ર ૨૪ લાખ રૂપિયા હતી. રાજાએ કંપનીના ઘોડેસવાર દળ માટે પૈસા આપવાના હતા પણ અંતે એણે કંપનીને ના પાડી દીધી અને અંગ્રેજોથી નારાજ તત્ત્વો સાથે ગુપ્ત વાતચીતો શરૂ કરી દીધી. એની યોજના તો કંપની પર હુમલો કરવાની હતી પણ કંપનીને એની બાતમી મળી ગઈ.

અંગ્રેજોએ ચૈત સિંહ પર બમણા જોરથી હુમલો કર્યો. હેસ્ટિંગ્સ પોતે પૈસા વસૂલ કરવા માટે વારાણસી આવ્યો અને થોડા હિન્દુસ્તાની સૈનિકોની ટુકડી મોકલીને ચૈત સિંહને એના જ ઘરમાં નજરકેદ કરી લીધો. ચૈત સિંહને બીજા જાગીરદારોની મદદ મળવાની આશા હતી પણ એ આશા ઠગારી નીવડી. ચૈત સિંહ કંઈ જ વિરોધ કર્યા વિના શરણે થઈ ગયો.

પરંતુ એને સજા થઈ હોવાના સમાચાર ફેલાતાં લોકોમાં ઉશ્કેરાટ વધી ગયો અને લોકો લડવા માટે તૈયાર થઈ ગયા. એમણે કિલ્લા પર હુમલો કરી દીધો, અંગ્રેજી ફોજનો જે સૈનિક નજરે ચડ્યો તેને મોતને ઘાટે ઉતારી દીધો. ચૈત સિંહને જ્યાં કેદ રાખ્યો હતો ત્યાં લોકો પહોંચી ગયા. એમણે પાઘડીઓ જોડીને દોરડું બનાવ્યું અને ચૈતસિંહને પાછલી બારીએથી ભગાડીને સહીસલામત અવધ પહોંચાડી દીધો.

અવધમાં એને થોડી જાગીર મળી. પરંતુ અંતે એ ગ્વાલિયર જઈને ઠરીઠામ થયો અને ૧૮૧૦ની ૨૯મી માર્ચે એનું અવસાન થયું. દરમિયાન અંગ્રેજોએ એના ભાણેજ મહીપ નારાયણ સિંહને રાજા બનાવી દીધો. એણે પણ કંપની માટે ૪૦ લાખ રૂપિયાનો વેરો ચુકવવાનો હતો.

આ ઘટનાનું મહત્ત્વ એટલા માટે છે કે તે પછી તરત હેસ્ટિંગ્સે વારાણસીમાં જે પગલું લીધું તેની વિરુદ્ધ ભારે ઉહાપોહ થયો. બ્રિટનની આમસભાએ એની વિરુદ્ધ દોષારોપણ કર્યું તેમાં વારાણસીની ઘટનાઓને અગત્યની નોંધ લેવામાં આવી હતી.

સંદર્ભઃ

https://www.indianetzone.com/37/benaras_rebellion_1781-1782_british_india.htm

https://navrangindia.blogspot.com/2015/01/fall-from-glory-to-disgrace-raja-chait.html


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો

ઈમેલઃ dipak.dholakia@gamil.com

બ્લૉગઃ મારી બારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *