ફિર દેખો યારોં : ‘અવની’ પછી હવે ‘સુંદરી’નો વારો?

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

દિવાળીના દિવસ પહેલાં મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાના પંઢરકાવડા-રાલેગાંવ વનવિસ્તારમાં અવનિ નામની એક વાઘણને વનવિભાગના કર્મચારીઓ દ્વારા ઠાર મારવામાં આવી. આ વાઘણ આદમખોર બની ગઈ હતી, અને તેણે છેલ્લા બે વરસમાં તેર જેટલા માનવોનો ભક્ષ કર્યો હતો. વાઘણના આ શિકારથી સ્થાનિક લોકોએ છૂટકારાની લાગણી અનુભવી હતી અને તેથી ફટાકડા ફોડીને તેની ઉજવણી કરી હતી. બેએક મહિના અગાઉ આ વાઘણનો, તેને ઠાર મારવાના આયોજનનો ઊલ્લેખ આનુષંગિક મુદ્દાઓ સાથે અહીં ચર્ચવામાં આવ્યો હતો, એ આ કટારના વાચકોને યાદ હશે.

અવનિની હત્યાનો જોરશોરથી વિરોધ થયો. વનવિભાગે સુયોગ્ય પુરાવાઓ દ્વારા તેનું વાજબીપણું સિદ્ધ કર્યું. સામાજિક નેટવર્કિંગ માધ્યમો પર રાબેતા મુજબ આ પગલાંના તરફેણની અને વિરોધની ચર્ચાઓ ચાલી, અને વાત પૂરી થઈ.

અવનિનો મુદ્દો કોઈ છૂટોછવાયો કિસ્સો નથી, અને તેના આદમખોર બનવાથી તેને ઠાર મારવા સાથે વાત એમ પૂરી થતી નથી. પર્યાવરણ અને પ્રકૃતિ સાથે પોતાના તરંગ મુજબ ચેડાં કરતાં રહેવું માનવજાતની આદત બની ગઈ છે. વાઘણ કે અન્ય કોઈ વન્ય પશુ ચોક્કસ સંજોગોમાં, જીવનમરણનો પ્રશ્ન આવે ત્યારે જ માનવ વસતિ પર હુમલા કરે છે. માનવ પોતાના મોજશોખ કે નિજાનંદ ખાતર પર્યાવરણ અને પ્રાણીઓનો ભક્ષ કરતો આવ્યો છે. હવે આટલી સદીઓ પછી તો તેનાં આવા કરતૂતોનાં પરિણામ પણ નજર સામે દેખાઈ રહ્યાં છે, પણ તેની આદતમાં ખાસ સુધારો થયો જણાતો નથી.

ઓરિસ્સાના સતકોસિયા આરક્ષિત વનમાં એક વાઘ મૃત હાલતમાં મળી આવ્યો હોવાના તાજેતરના અહેવાલ છે. આ વાઘને મધ્યપ્રદેશના વાઘના આરક્ષિત વન કાન્‍હામાંથી લાવવામાં આવ્યો હતો. બીજેથી લાવવામાં આવેલા વાઘના મૃત હાલતમાં મળી આવવાનો આ બીજો કિસ્સો છે. આ અગાઉ ઑક્ટોબરમાં ઓરિસ્સાના દેબ્રીગઢ અભયારણ્યમાં એક વાઘ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેની ગરદનના ભાગમાં પાંચેક દિવસ જૂનો હોય એવો ઊંડો ઘા હોવાનું જણાયું હતું, જે તેના મૃત્યુનું સંભવિત કારણ મનાય છે.

કોઈ એક વિસ્તારમાંથી વાઘને અન્ય વિસ્તારમાં સ્થાનાંતરિત કરવાની વાત જ સાવ વિચિત્ર છે. વાઘને બચાવવા માટેની ગમે તેટલી યોજનાઓ બનાવવામાં આવે, તેના માટેની નિર્ધારીત કાર્યપદ્ધતિઓ (સ્ટાન્‍ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર = એસ.ઓ.પી.) રચાય, છેવટે માણસે પોતાના તરંગ મુજબ વર્તવાનું હોય તો એ બધાનો કશો અર્થ સરતો નથી. વાઘની સંખ્યા ઓછી થતી રહેશે, અને તેની વિરુદ્ધ વાઘ કદી અવાજ ઉઠાવવાનો નથી. આ વર્ષના જૂન મહિનામાં એક વાઘ અને ‘સુંદરી’ નામની એક વાઘણને આ અભયારણ્યમાં લાવવામાં આવ્યા હતા. સતકોસિયાની વાઘની વસતિ ઘટતી જતી હતી. આ ઘટાડાને સરભર કરવા માટે મધ્ય પ્રદેશનાં વિવિધ સ્થળેથી વાઘ લાવવામાં આવ્યા. આ રીતે કુલ છ વાઘને લાવવાનું આયોજન હતું. આ પ્રકલ્પના સંરક્ષણવાદી ડૉ. ઉલ્લાસ કારંથે અગ્રણી અંગ્રેજી દૈનિક ‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’ને અગાઉ ચેતવણીના સૂરે જણાવેલું: ‘શિકારનું પ્રમાણ ઓછું હોય અને માનવ તેમજ ઢોરનું પ્રમાણ અતિશય હોય એવા વિસ્તારમાં વાઘને ઠાલવવાથી માનવ અને વાઘ વચ્ચેના વિખવાદને નોંતરવા જેવું છે. વાઘના સંરક્ષણમાં લોકોનો સહયોગ આવા પગલાંઓથી નહીં મળે.’

વાઘના સંરક્ષણ અને જાળવણી માટે સરકારે ‘નેશનલ ટાઈગર કન્‍ઝર્વેશન ઑથોરિટી’ (એન.ટી.સી.એ.)ની સ્થાપના કરેલી છે, જે ‘પ્રોજેક્ટ ટાઈગર’ અંતર્ગત આ કામ માટે જવાબદાર છે. આ સંસ્થાની વેબસાઈટ પર વાઘને લગતી વિવિધ પ્રક્રિયાઓની સાત ‘એસ.ઓ.પી.’ મૂકવામાં આવી છે. એટલે કે તમામ પાસાં પર પૂરતો વિચાર કરીને આ પદ્ધતિઓ ઘડવામાં, અને તેને જાહેરમાં મૂકવામાં આવી છે. પણ બિચારા વાઘને આમાં શી ખબર પડે? જેમ કે, ‘એક્ટિવ મેનેજમેન્‍ટ ટોવર્ડ્ઝ રિહેબીલીટેશન ઑફ ટાઈગર્સ ફ્રોમ સોર્સ એરિયાઝ એટ ધ લેન્‍ડસ્કેપ લેવલ’ (ભૂમિવિસ્તારના વાઘના પુન:સ્થાપન માટેનું સક્રિય વ્યવસ્થાપન) માટેની ‘એસ.ઓ.પી.’માં એક પગલાંમાં લખ્યું છે: ‘સીમલીપાલ અને સતકોસિયાના ‘ટાઈગર રિઝર્વ’માં વાઘનો એવો વંશ મોજૂદ છે, જેમાં ઘેરા કાળા રંગના ચટાપટાવાળા (મેલાનિસ્ટિક) વાઘ પેદા થાય છે. આ વિશિષ્ટતા ધરાવતા વાઘ આ વિસ્તારમાં અનન્ય છે. તેમની આ વિશેષતા જળવાઈ રહે એ માટે મધ્ય ભારતના વિસ્તારોમાંથી વાઘનું આ વિસ્તારમાં પુન:સ્થાપન ટાળવું જોઈએ.’

આ જોગવાઈ કાગળ પરની થઈ. મધ્યપ્રદેશમાંથી આ વિસ્તારમાં વાઘના સ્થળાંતરનું મહત્ત્વાકાંક્ષી આયોજન છે, જેનો અમલ શરૂ થઈ રહ્યો છે. આ અમલનાં પરિણામ પણ દેખાવા માંડ્યાં છે. સુંદરી નામની વાઘણે આ વિસ્તારમાં બે માણસોને ફાડી ખાધા. તેને પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ વનવિભાગના અધિકારીઓ પર હુમલો કર્યો અને સતકોસિયામાં વનવિભાગની કેટલીક માલમિલકતને આગ ચાંપી. આ વિસ્તારમાંથી બધેબધા વાઘને હટાવવાની માગણી કરી તેમણે ઊગ્ર દેખાવો કર્યા. સુંદરીને જેર કરવા માટે નિષ્ણાતોની ટીમ આવી અને તેને ઘેનની દવા આપીને બેહોશ બનાવી. એ હાલતમાં સુંદરીને પાંજરે પૂરવામાં આવી.

બધી જાણ હોવા છતાં અવિચારીપણે પ્રકૃતિ સાથે ચેડાં કરવામાં આવે ત્યારે તેનાં કેવાં પરિણામ આવે તેનાં આ ઊત્તમ ઊદાહરણ છે. હજી તો સરદાર સરોવર અને નર્મદા બંધના વિસ્તારમાં પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક આકર્ષણોની સાથેસાથે એક ટાઈગર સફારી બનાવવાની ઘોષણા પણ તાજેતરમાં કરવામાં આવી છે. એ યોજના અનુસાર પ્રાણીબાગમાં ઊછરેલા કુલ આઠ વાઘને અહીં વસવાટ માટે લાવવામાં આવશે. ચાલીસ હેક્ટરના વિસ્તારમાં આ સફારી વિકસાવવામાં આવશે. આમ કરવાનું મુખ્ય અને એક માત્ર કારણ પ્રવાસીઓને આકર્ષવાનો છે.

આવા સમાચારો એ હકીકતને પુરવાર કરે છે કે ગમે એટલો હોંશિયાર અને જાણકાર હોય, માણસ સુધરવા માંગતો નથી. પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણીની ડાહીડાહી વાતો, કાર્યક્રમો અને શાણાં સૂત્રો બનાવવામાં તેને કોઈ ન પહોંચે. અને આમાં આપણા સહુનો સમાવેશ ઓછેવત્તે અંશે થઈ જાય છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨-૧૧-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *