





૦૧/૦૪/૨૦૧૮
દર્શા કિકાણી
પહેલી એપ્રિલ, એટલે મોબાઈલમાં જાતજાતના રમૂજી મેસેજથી સવાર પડી. બારી બહારનું દ્રશ્ય એકદમ આલ્હાદક હતું. રાતના અંધારામાં જે દ્રશ્ય જોઈને અમે દિવસના દ્રશ્યની કલ્પના કરી હતી તેનાથી ઘણું વિશેષ હતું આ સૂર્યોદયમાં ! દરિયામાં એડવેન્ચર સ્પોર્ટસ માટેની સગવડ હતી, મોટર બોટ્સ અને સ્કૂટર હતાં. નાનીનાની નૌકાઓ પણ હતી. બગીચાની વનરાજી એટલી તો ગીચ હતી કે જમીન દેખાય નહીં. આટલી સરસ રૂમમાં માત્ર સૂવા માટે જ આવવાનું! ઘણો અફસોસ થયો!
સવારનો નાસ્તો કરી અમે બસમાં ગોઠવાઈ ગયાં. આજે અમારે ઇત્શુકુશીમા ટાપુ કે જે મિયાજીમા આઈલેન્ડના હુલામણા નામે પણ ઓળખાય છે ત્યાં જવાનું છે. મિયાજીમા આઈલેન્ડ એટલે શ્રાઈનનો ટાપુ. જાપાનની ત્રણ સારામાં સારી જોવાલાયક જગ્યામાંની આ એક છે અને જે એક UNESCO world heritage site પણ છે. જાપાનના પશ્ચિમ ભાગમાં હિરોશીમા-બેમાં આવેલ ફક્ત ૩૦ ચો.કિ.મિ.નું ક્ષેત્રફળ ધરાવતો આ ટાપુ ત્યાંના મંદિરો અને જંગલો માટે પ્રખ્યાત છે. બસમાંથી ઊતરી પંદર-વીસ મિનિટનો નૌકા-વિહાર કરી અમે મિયાજીમા આઈલેન્ડ પહોંચ્યાં. વહાણમાંથી દૂરનો આ ટાપુ બહુ સુંદર લાગતો હતો.
ટાપુમાં પ્રવેશ કરવા કેસરી રંગનો મોટો વિશાળકાય તોરી ગેટ બનાવ્યો છે. ઠેરઠેર બીજાં વૃક્ષોની સાથે સાથે ચેરી-બ્લોસમનાં પણ અનેક વૃક્ષો હતાં. બારમી સદીમાં પહેલીવાર બનેલ આ ઇત્શુકુશીમા શ્રાઈન અથવા બુદ્ધમંદિરનું વિશાલ સંકુલ લાકડાના મજબૂત થાંભલાઓ પર બનાવેલ છે. દરિયામાં ભરતી હોય ત્યારે થાંભલાઓ પાણીમાં ડૂબી જાય છે અને જાણે આખું સંકુલ પાણીમાં તરતું હોય તેવું લાગે છે ! ઓટ આવે ત્યારે થાંભલા આખા દેખાય. આ નિત્યક્રમ તો દિવસમાં બે વાર સદીઓથી થતો આવે છે! અમે પહોંચ્યાં ત્યારે ભરતી ધીરે ધીરે ઓછી થવા લાગી હતી એટલે સંકુલમાં સરસ પાણી હતું. પાણીની સાથેસાથે સખત ભીડ હતી. અમે બધાં છૂટાં પડી ગયાં. વહાણમાંથી ઊતર્યા પછી ખાસ્સું ચાલવાનું છે. મેળા જેવું વાતાવરણ છે : લોકોની ભીડ અને તેને અનુરૂપ ખાણીપીણીની વ્યવસ્થા છે. લગભગ કલાકે અમે શ્રાઈનના સંકુલમાં પહોંચ્યાં. રસ્તામાં ચાલતાં ચાલતાં પણ આસપાસના વાતાવરણનો ભરપૂર લાભ ઊઠાવતાં હતાં.પાણીમાં તરતું કેસરી અને સોનેરી રંગથી ઓપતું વિશાળ શ્રાઈન સંકુલ, સાત માળનું પેગોડા, નાની-મોટી અનેક મૂર્તિઓ અને મહાકાય કેસરી તોરી ગેટ….. બધું મળીને એક અલૌકિક વાતાવરણ ખડું થતું હતું. નાસ્તિક માણસ પણ ઘડીભર આસ્તિક થઈ જાય તેવું મોહમયી વાતાવરણ હતું. લોકસાહિત્ય અને સાંસ્કૃતિક વસ્તુઓનું મ્યુઝીઅમ નજીકમાં જ હતું પણ અહીંથી નીકળવું મુશ્કેલ હતું. અહીં આખો દિવસ રહીને ભરતી-ઓટ તથા દિવસ-રાત બંનેની મઝા માણવી જોઈએ.
>
મંદિરની પાછળ જ ચેરી-બ્લોસમનું જંગલ હતું! ફૂલોથી લચી પડેલા ચેરી-બ્લોસમનાં અનેક વૃક્ષો ટાપુની શોભા વધારતાં હતાં. આંખોથી જોઈને મનમાં ભરી લેવું કે ભવિષ્યમાં જોવા માટે કેમેરામાં કેદ કરી લેવું તે સમજાય નહીં. જેટલાં ફોટા પાડો તેટલા ઓછા! આંખો, દિલ કે કેમેરા કંઈ ધરાય નહી. સમયનું બંધન હતું એટલે બધાં સભ્યો નિયત જગ્યાએ ભેગાં થઈ ગયાં. બસમાં બેસી હિરોશીમા પાછાં આવ્યાં અને ‘કનક’ રેસ્ટોરાંમાં સરસ જમ્યાં. અમારી જમવાની વ્યવસ્થા ઘણી સારી રીતે થાય છે. નજીકમાં હોઈએ ત્યારે જ અમારા પહોંચવાની જાણ હોટલમાં કરી દેવાય છે એટલે અમે ત્યાં પહોંચીએ ત્યારે લગભગ તો થાળીઓ તૈયાર હોય છે અને થોડા જ સમયમાં જમવાનો કાર્યક્રમ પતી જાય છે.
જમ્યાં પછી હિરોશીમા શાંતિ સ્મારક ગયાં. રસ્તામાં જ હિરોશીમા વિષે અને બોમ્બ વિસ્ફોટ વિષે ઘણી માહિતી મળી. કેવો બોમ્બ હતો? કેમ હિરોશીમામાં બોમ્બ ફોડ્યો? પર્લ હાર્બરનો કાંડ શું હતો? પહેલા અને બીજા વિશ્વયુદ્ધમાં જાપાન અને અમેરિકાનો રોલ શું હતો…… વગેરે ચર્ચાસ્પદ વિષયો પર બસમાં ઘણી વાતો થઈ. બસમાંથી શાંતિ સ્મારક જોવા ઊતર્યા ત્યારે મગજમાં વિશ્વયુદ્ધ, બોમ્બ, વિસ્ફોટ, વિનાશ …. બસ એ જ વિચારો ચાલતા હતા.
શાંતિ સ્મારકની બહાર ચેરી-બ્લોસમનાં વૃક્ષોથી સુશોભિત સુંદર બગીચો છે. અમે બધાંએ ધમાલ મસ્તી કરતાં કરતાં ફોટા પડાવ્યા. થોડુક ચાલીને પથ્થરનું સ્મારક જોયું. બોમ્બ-વિસ્ફોટના સમયથી ચાલુ રાખેલ જ્યોત જોઈ. હજી સ્થળની ગંભીરતાનો અમને એહસાસ થયો ન હતો. નદી કિનારે પુલની નજીક જ આવેલ એક ફેક્ટરી બિલ્ડીંગમાં બોમ્બ-વિસ્ફોટથી નુકસાન તો ઘણું થયું હતું પણ કડવી યાદ રૂપે તેને જેમનું તેમ સાચવી રાખેલ છે, તે જોયું. જીર્ણશીર્ણ એ મકાનની બહાર વિસ્ફોટમાંથી બચેલ એક ભાઈ મળ્યા. તેમની આપવીતી તેમની જ જુબાની સાંભળી. વિસ્ફોટ પછીની તેમની અને તેમના કુટુંબની, ગામની, પાડોશીઓની જે કફોડી હાલત થઈ હતી તે સાંભળી. એટલી કરુણ કથની હતી….. જગતના નેતાઓ પોતાની ઘેલછા માટે કેટકેટલાં આમજનોની જિંદગી પળ ભરમાં કુરબાન કરી દે છે! યુદ્ધમાં જીત ભલે ગમે તે પક્ષની થાય, હાર તો માનવતાની જ થાય છે! ગમે તે બાજુના હોય, માં-બાપ વગરના બાળકો, ઘર વગરની ગૃહિણીઓ, અપંગ પુરુષો…….. કઈ જીત આ બધાંને અપનાવી શકે ? આ બધી વાતો સાંભળી અમે શાંતિ સ્મારકના પ્રદર્શનમાં ગયાં. અંગ્રેજીમાં કોમેન્ટ્રી સાંભળી શકાય તેવું ટી.વી.ના રિમોટ જેવું નાનું સાધન દરેકને આપ્યું. ઇઅરપીસ કાનમાં નાખવાનો. જે નંબરના એક્ષિબિટની સામે ઊભા હોઈએ તે નંબર દબાવવાનો એટલે તેની વિગતો અંગ્રેજી ભાષામાં સંભળાય. વચ્ચે એક મોટા પડદા પર વિસ્ફોટમાં પાયમાલ થયેલ પણ છતાં જીવિત રહી ગયેલ લોકોની કહાણી બતાવાતી હતી. વર્ષો સુધી વિકિરણની અસર વાતાવરણમાં રહી હતી. ત્યાં જે જોઈએ અને સાંભળીએ તેનાથી હાથ-પગ ધ્રુજવા લાગે અને મગજ કામ કરતું બંધ થઈ જાય. શરૂઆતના ૮-૧૦ એક્ષિબિટ હું જોઈ શકી, પણ પછી ચક્કર આવવા લાગ્યાં. હું સોફા પર બેસી પડી. મારામાં આગળ જોવાની હિંમત ન હતી. આસપાસ જાણે વિસ્ફોટમાં ઘાયલ થયેલ પુરુષોની બૂમો કાનને ઘેરી વળતી હતી, તો સ્ત્રીઓનું અફાટ આક્રંદ મગજ ફાડી નાખતું હતું. સ્કૂલે જતાં બાળકોના ડૂસકાં કાનમાં સંભાળતાં હતાં. હું ત્યાં જ બેસી રહી. મગજ સુન્ન દશામાં હતું. રાજેશ થોડી વારમાં પ્રદર્શન જોઈ મને બહાર લઈ ગયા. અમારામાંથી ઘણાની હાલત મારા જેવી હતી. કદાચ અમને બધાંને પાછાં મૂડમાં લાવવા માટે જ શાંતિ સ્મારકની મુલાકાત બાદ શોપિંગનો કાર્યક્રમ રાખ્યો હશે!
અમને અમદાવાદની રતનપોળ જેવા શહેરના ગીચ વિસ્તારમાં બસે ઊતાર્યાં. ચારપાંચ દુકાનોનાં નામ-સરનામાં આપ્યાં. જેને ખરીદી કરાવી હોય તેને માટે સરસ જગ્યા હતી. અમારે ખાસ કંઈ ખરીદી કરવી ન હતી. ચર્કોલની ટુથપેસ્ટ કોઈએ મંગાવી હતી એટલે તે ખરીદી. દરેક વસ્તુ ૧૦૦ યેનમાં મળે તેવા સ્ટોરમાં ગયાં, પણ મઝા આવી નહીં. ભીડ અને રોશનીથી કંટાળી અમે સરસ કાફેમાં બેસી કૉફી પીધી અને સમયસર નિયત સ્થળે પહોંચી ગયાં. ગ્રુપના ઘણાં સભ્યો આવી ગયાં હતાં પણ થોડા સભ્યો બાકી હતાં, તેમની રાહ જોતાં અમે એક સ્ટોરની બહાર ઊભાં. ભીડમાં અમે ૨૦-૨૫ જણ એક દુકાનની બહાર ઊભા રહ્યાં એટલે દુકાનવાળો પણ થોડી વારમાં અમને ત્યાંથી ખસેડી ગયો. સમય થતાં બસ આવી પણ એક બહેન ગાયબ! હજી હમણાં તો અહીં હતાં ને જોતજોતામાં ક્યાં ગયાં? તેમની પાસે ફોન નહીં, પૈસા નહીં, જાપાનની ભાષા કે અંગ્રેજી આવડે નહીં….. શું થશે તેમનું? એ વિચારે અમે બધાં ગભરાઈ ગયાં. તેમને શોધવામાં ૫-૭ મિનિટ લાગી ગઈ. મુખ્ય રસ્તા પર બસ ઊભી રખાય નહીં. તેમના પતિદેવ તથા બીજા બે સભ્યોને ત્યાં જ છોડી બસ આગળ ચલાવવી પડી. પાંચ જ મિનિટ બસ ચાલી હશે ત્યાં તો મેસેજ આવી ગયો કે બહેન મળી ગયાં હતાં. અમે જે સ્ટોરની બહાર ઊભા હતાં તે જ સ્ટોરમાં તેઓ વોશરૂમમાં ગયાં હતાં. પણ સ્ટોર એટલો મોટો હતો કે બહાર નીકળવાનો દરવાજો તેઓ ચૂકી ગયાં અને બીજા દરવાજે બહાર નીકળ્યાં. અમને બધાંને જોયાં નહીં એટલે બહેન ઘાંઘા થઈ ગયાં. સ્ટોરની આસપાસ ફરતાં કોઈ લોકલ માણસોએ ભારતીય મહિલા જોઈ અમારા ગ્રુપના સભ્યોને ત્યાં મોકલ્યાં અને બહેન મળી ગયાં! જો કે બસને બદલે તેમને ટેક્ષી કરી ‘મસાલા’ રેસ્ટોરાં પર જમવા આવી જવું પડ્યું!
પર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
बहुत रोचक वर्णन— सुन्दर शब्दावली—अभिनंदन ??
Thank you, Manjuji!
Nice and Best journey of Japan by you.
Really khub khub saras writing chhe
Very nice description. I really enjoyed reading this and felt I was there. Thank you.