વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી – કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનો અહેવાલ: કારખાના કાયદાનો અમલ

જગદીશ પટેલ

૧૮૮૧માં અંગ્રજ સરકારે ભારતમાં ફેક્ટરી એક્ટ લાગુ કર્યો. તે પછી વખતો વખત તેમાં સુધારા થતા ગયા. ૧૯૮૪માં ભોપાલ દુર્ઘટના પછી મોટો સુધારો થયો. આર્થીક ઉદારીકરણનો જે દોર નરસિહ રાવના સમયથી શરુ થયો તે મોદી કાલ સુધી લંબાતો રહ્યો છે. ઉદ્યોગોને ઉત્તેજન આપવા વહીવટી સરળતા કરી આપવાના ઉદેશથી કેન્દ્ર અને રાજ્ય સરકારો વિવીશ પગલા લે છે. કેટલાક પગલા પ્રગટ હોય છે અને કેલાક અપ્રગટ. અપ્રગટ પગલામાં મજુર કાયદાઓના પાલન તરફ આંખ મીચામણા તે મુખ્ય છે. તેમ કરવા માટે મજુર ખાતામાં ભરતી ન કરવી અને ઇન્સ્પેકટરોને કારખાનાની મુલાકાત લેવા માટે હતોત્સાહ કરવા જે કરવું પડે તે કરવું. મોદી સરકારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે એવા પગલા લીધા કે મજુરોના અધિકારો માટે જાણે માલિકોએ કશું કરવાનું નથી. કારખાના કહેતા ફેક્ટરી એક્ટમાં પણ કેટલાક સુધારા કર્યા અને હવે તો અનેક કાયદા ઓગાળી માત્ર ૪ લેબર કોડ લાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. તેવા સમયમાં સીએજીનો અહેવાલ આવ્યો છે જેની હવે સરકારોને કોઈ કિંમત રહી નથી. આ અહેવાલ વિધાન સભામાં એવા સમયે મુકાય જયારે તેના પર ચર્ચા કરવાનો સમય સભ્યોને મળે નહિ અને તે કળા આજના વડાપ્રધાન ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યાંરે તેમણે હસ્તગત કરી હતી.

ગુજરાતમાં રાજકોટમાં તેનું કાર્યાલય છે. આ કાર્યાલય દ્વારા ગુજરાતની કારખાના નિરીક્ષણ કચેરીના કામનું 2012 થી 2016 સુધીના સમયગાળાનું ઓડિટ કરવામાં આવ્યું. આ ઓડિટનો તાજેતરમાં અહેવાલ પ્રગટ થયો છે. આ વિસ્તૃત અહેવાલના કેટલાક અંશો આ સાથે પ્રસ્તુત છે. આમ તો આ અહેવાલ માટે “ચોકાવનારો” એવું વિશેષણ વાપરી શકાય પણ સામાજિક સ્થિતિ એવી છે કે મજૂરોની સ્થતિ માટે ચોક્નારું હવે કોઈ રહ્યું નથી જે ચોકે તો મજૂરોની સ્થિતિમાં પરિવર્તન લાવી શકે.

ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થની (ડીશ) ક્ષેત્રીય કચેરીઓ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આવેલી છે. કચેરીઓમાં જાળવવામાં આવતા રેકોર્ડ તપાસવામાં આવ્યા અને દરેક ક્ષેત્રની 10 ફેક્ટરીઓની એટલે કે કુલ 40 ફેક્ટરીઓની સંયુક્ત મુલાકાત લેવામાં આવી.

આ કચેરીઓનું મુખ્ય કામ નવા એકમો માટે લાઇસન્સ કાઢી આપવા, જુના લાયસન્સને તાજા કરી આપવા, કારખાનાઓમાં કાયદાનું પાલન થાય છે કે કેમ તે જોવા માટે નિરીક્ષણ કરવું, મળેલી ક્ષતીઓમાં સુધારો થાય તે માટે અનુકાર્ય કરવું વિગેરે છે. ઓડિટ દરમિયાન જાણવા મળ્યું કે ડીશની મુખ્ય કચેરી કે ક્ષેત્રીય કચેરીઓ આ પ્રવૃત્તિઓ અંગેના પૂરતા અને યોગ્ય રેકોર્ડ જાળવતી નથી. રેકોર્ડને અભાવે રાજ્યમાં સદર કાયદાના પાલનનું સુરેખ ચિત્ર ઉપસાવવામાં ઓડિટરોને તકલીફ પડી. જે અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો છે તે ઉપલબ્ધ રેકોર્ડને આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

2016 ના ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં 43,052 એકમો કારખાના કાયદા હેઠળ નોંધાયા હતા. જે લાયસન્સ કાઢી આપવામાં આવે છે તે બીજા વર્ષના ડિસેમ્બર સુધી માન્ય રહે છે. ઓડિટ દરમિયાન એમ જોવા મલ્યું કે રાજ્યમાં આવેલા તમામ કારખાનાઓ નોંધાયેલા છે કે નહિ તેની કોઈ ખાતરી ડીશ દ્વારા કરવામાં આવી નથી. કસોટી કરવા માટે ઓડિટરે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (પીએફ) હેઠળ નોંધાયેલા હીરાના અને કાપડના એકમોની માહિતી મેળવી. પ્રોવિડન્ટ ફંડ હેઠળ નોંધાયેલા એકમોની સંખ્યા કરતા ફેક્ટરી એકટ નીચે નોંધાયેલા એકમોની સંખ્યા ઓછી જોવા મળી. માર્ચ 2017 સુધીમાં 2,055 હીરાના એકમો અને 6,870 કાપડ એકમ પ્રોવિડન્ટ ફંડ હેઠળ નોંધાયેલા હતા જ્યારે કારખાના કાયદા હેઠળ કાપડના માત્ર 3,092 અને હીરાના માત્ર 431 એકમો નોંધાયા હતા. ડીશ દ્વારા એ માટે જ ખુલાસો કરવામાં આવ્યો જે ઓડિટરોએ માન્ય રાખ્યો નથી.

2009માં સુપ્રીમ કોર્ટે કાઝી નુરૂલ પેટ્રોલ પંપ અને અન્ય વિરુદ્ધ ઈ.એસ.આઇ કોર્પોરેશનના દાવામાં એવું ઠરાવ્યું કે પેટ્રોલ પંપ ફેક્ટરીની વ્યાખ્યામાં આવી જાય છે તેથી તમામ પેટ્રોલ પંપોને આ કાયદા હેઠળ આવરી લેવા. 31 માર્ચ 2017 સુધી રાજ્યમાં આવેલા 3,302 પેટ્રોલપંપો પૈકી માત્ર પાંચ ટકા એટલેકે 156 પેટ્રોલ પંપ ફેક્ટરી એક્ટ નીચે નોંધાયેલા હતા.

આ કચેરીનું બીજું કામ લાયસન્સને તાજા કરવાનું પણ છે. માલિક એક વર્ષ અથવા 10 વર્ષ માટે લાયસન્સ તાજુ કરવા માટેની અરજી કરી શકે છે. લાયસન્સની મર્યાદા પૂરી થાય તેના બે મહિના પહેલા તેણે અરજી કરવાની હોય છે. 1180 કારખાનાઓના લાઇસન્સની ફાઇલોનું ઓડીટ કરતા એમ જાણવા મળ્યું કે ૧૬૪ નોંધણી પામેલા એકમ એટલે કે ૧૪ ટકા એકમોના લાઇસન્સ 2005 અને 2016 વચ્ચે પુરા થયા હતા. એ પણ જોવા મળ્યું કે કાર્યાલય પાસે લાઇસન્સ ધરાવતા એકમોએ લાયસન્સ તાજુ કરાવવા માટે સમયસર અરજી કરી છે કે નહિ તે જોવા માટે કોઈ વ્યવસ્થા ઉભી કરી નથી. એથી કાર્યાલય આ એકમોને લાયસન્સ તાજુ કરાવવા કોઈ નોટિસ આપી ન હતી કે અન્ય કોઈ પગલાં લીધાં ન હતા. લાયસન્સ તાજું કરાવવા માલિક પોતાની જાતે સ્વૈચ્છીક રીતે અરજી કરે તો તેને તાજુ કરી આપવામાં આવે છે તેવું જોવામાં આવ્યું. આમ 164 એકમ લાયસન્સ વગર ઉત્પાદન કરતા હતા.

નિરીક્ષણો (ઇન્સ્પેકશન):

2005માં ડીશ દ્વારા એવી સૂચના આપવામાં આવી હતી કે નોંધણી પામેલ દરેક એકમનું વર્ષમાં એકવાર નિરીક્ષણ કરવું. તે માટે દર મહિને ડેપ્યુટી ડાયરેક્ટરે 10, આસિસ્ટન્ટ ડાયરેક્ટરે 24 અને આઈ.એસ.એચ અધિકારીએ 24 એકમોનું નિરીક્ષણ કરવું. ઓડિટરોએ જોયું કે ડીશ પાસે હાલ જે સ્ટાફ છે તે મુજબ ૨૦૧૨ થી ૨૦૧૫ વચ્ચેના ગાળામાં 77,020 એકમોના લક્ષ્યાંક સામે 57,966 એટલે કે ૭૫ ટકા એકમોનું નિરીક્ષણ થઈ શકે. પરંતુ એકમોની સંખ્યા વધવાને કારણે અને નિરીક્ષણ કરનારા સ્ટાફની સંખ્યા ઘટવાને કારણે 2013માં 43 ટકા અને 2014માં 55 ટકા નિરીક્ષણો ઓછા થયા. આમ સ્ટાફની ઘટને કારણે કાયદાના અમલ ઉપર દેખરેખ રાખવાનું કામ થઈ શક્યું નહિ.

ભારત સરકારના ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગની સુચના મુજબ માર્ચ 2016થી રાજ્ય સરકારે જોખમ આકલનના ધોરણોને હિસાબે કમ્પ્યુટર દ્વારા તૈયાર થયેલ યાદીમાં સમાવેલા એકમોનું સંયુક્ત નિરીક્ષણ કરવાની વ્યવસ્થા અમલમાં મૂકી. નીરીક્ષણ માટેના ધોરણો અને ઉપલબ્ધ માનવ સંસાધનને આધારે મેં,2016થી માર્ચ 2017 સુધીમાં 12,784 એકમોના નિરીક્ષણ થવા જોઈતા હતા તેને બદલે માત્ર 6381 એટલે કે ૫૦ ટકા એકમોના નિરીક્ષણનું જ આયોજન કરવામાં આવ્યું. તે પૈકી માર્ચ 2017 સુધીમાં માત્ર 4651 (73 ટકા) એકમોનું જ નિરીક્ષણ થઈ શક્યું. ડીશ દ્વારા વર્ષ દરમિયાન જે એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું તેની વિગતો દર્શાવતો કોઈ રેકોર્ડ જળવાતો નથી. નિરીક્ષણ દરમિયાન આપવામાં આવેલી સૂચનાઓનું પાલન થાય છે કે કેમ તેમજ અનુવર્તી પગલાઓ અંગેનો પણ કોઈ રેકોર્ડ રાખવામાં આવતો નથી.

નિરીક્ષણ દરમિયાન અધિકારીઓ દ્વારા જે રીમાર્ક લખવામાં આવે છે તે સામાન્ય પ્રકારની હોય છે જે તે ઉદ્યોગ માટેના વિશેષ મુદ્દાઓ પર આધારિત હોતી નથી. જે તે કારખાનાની પોતાના સલામતીના મુદ્દાઓને ધ્યાનમાં લીધા વગર તમામ કારખાનાઓ માટે એક સરખી રિમાર્ક લખવામાં આવે છે તેમ નોંધવામાં આવ્યું. વળી, લખેલી રિમાર્ક મુજબ પાલન થયું કે કેમ તે પણ જોવામાં આવતું નથી. સંયુક્ત મુલાકાત દરમિયાન એ જોવામાં આવ્યું કે એક પણ એકમે રિમાર્ક મુજબના પાલન અંગેનો અહેવાલ જમા કરાવ્યો ન હતો.

1963ના ગુજરાત કારખાના નિયમ મુજબ અકસ્માતનું મોટું જોખમ ધરાવતા એકમોનું વર્ષમાં એકવાર નિરીક્ષણ કરવામાં આવવું જોઈએ. ડિસેમ્બર 2016 સુધીમાં ગુજરાતમાં આવા 406 એકમો હતા. આસિસ્ટન્ટ ડાયરેક્ટર (કેમિકલ)ની મંજૂર થયેલી ચાર જગ્યાઓ પૈકી જાન્યુઆરી 2014માં માત્ર એકની નિમણૂક કરવામાં આવી હતી. આ અધિકારીએ 2015માં 197 એકમ, 2016 માં 174 એકમ અને માર્ચ 2017 સુધીમાં 72 એકમોનું નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાત કારખાના નિયમ મુજબ અલંગ-સોસીયાના જહાજ ભાંગવાનુ કામ કરતાં એકમો જોખમી પ્રક્રિયા ધરાવતા હોવાનું ઠરાવાયું છે. આ સંકુલમાં 170 એકમ નોંધણી પામેલા છે. 31 ડિસેમ્બર 2016માં તે પૈકી 132 એકમો કાર્યરત હતા. રાજકોટના ક્ષેત્રીય કાર્યાલયમાં જળવાતા અકસ્માતના રજીસ્ટર મુજબ 2012 થી 2016 સુધીના ગાળામાં અલંગ-સોસીયામાં 47 જીવલેણ અકસ્માતોમાં 56 કામદારોના મોત થયા હતા. ઓડિટ દરમિયાન જોવા મળ્યું કે સૌથી વધુ 22 કામદારો ધાતુના ભારે વજનવાળી વસ્તુઓ સાથે અથડાવાના કારણે અને 12 કામદારો ઊંચાઈ પરથી પડવાને કારણે માર્યા ગયા. પાંચ અકસ્માત આગને કારણે, 1 વીજળીના ઝટકાને કારણે, 1 વાહનને કારણે અને 6 અન્ય કારણે થયા હતા. માર્ચ 2014થી માર્ચ 2017 દરમિયાન ડીશ દ્વારા માત્ર 12 એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બધું જોતાં જણાય છે કે ડીશના અધિકારીઓ દ્વારા કરાતા નિરીક્ષણો ઇચ્છિત પરિણામો મેળવવામાં નિષ્ફળ નીવડ્યા છે.

કામદારોની તબીબી તપાસ:

કાયદો અને નિયમો મુજબ રાજ્ય સરકાર કામદારોની તબીબી તપાસ પર દેખરેખ રાખવા સર્ટીફાઇન્ગ સર્જનોની નિમણૂક કરી શકે છે. સર્ટીફાઇન્ગ સર્જનો પોતાની મુલાકાત દરમિયાન ફેક્ટરી ઇન્સ્પેક્શન બુકમાં પોતાની રિમાર્ક નોંધી શકે છે. મહિનાને અંતે તેઓ પોતાની માસિક ડાયરી અને રીમાર્કની નકલ ક્ષેત્રીય અધિકારીને જમા કરાવે. 2013થી 2016 દરમિયાન સર્ટીફાઇન્ગ સર્જનની મંજુર કરેલ 21 જગ્યાઓ પૈકી માત્ર 9 સર્જન નિમવામાં આવ્યા હતા.

જુલાઈ ૨૦૧૧માં રાજ્યના દરેક સર્જને દર મહિને 1500 કામદારોની તબીબી તપાસ કરવાનું ઠરાવ્યું હતું. પરંતુ એમ જોવામાં આવ્યું કે 9 સર્ટિફાઇડ સર્જનોએ 2013થી 2016 દરમિયાન માત્ર 11,227 એકમો ની તપાસ કરી હતી. 6,48,000 કામદારોની તપાસના લક્ષ્યાંક સામે તેઓ માત્ર 1,42,287 કામદારોની તપાસ કરી શક્યા હતા. એટલે કે 5,05,713 (78%) કામદારોની તપાસ થઈ નહીં. ડીશ દ્વારા કામદારોના આરોગ્યની તપાસ અંગેની જોગવાઈઓનો અમલ ઉપર દેખરેખ અને આયોજનનો અભાવ જણાઇ આવ્યા. સર્ટીફાઇન્ગ સર્જનોએ 2012થી 2016 દરમિયાન કાયદો અને નિયમોમાં જણાવ્યા મુજબ ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા ન હતા.

સર્ટીફાઇન્ગ સર્જનો દ્વારા લખવામાં આવેલી રિમાર્ક સામાન્ય પ્રકારની હતી અને કામદારોની શી તપાસ કરવામાં આવી તેની કોઈ વિગત આવી ન હતી. સર્ટિફાઇગ સર્જન દ્વારા પોતાની મુલાકાત દરમિયાન કામદારોની તપાસની વિગતો નોંધવા માટે કારખાનાએ આરોગ્ય રજીસ્ટર નિભાવવાનું નિયમો મુજબ જરૂરી છે. જે ચાલીસેક એકમોની મુલાકાત લેવામાં આવી તે પૈકી 10 એકમો પાસે આવું કોઈ રજીસ્ટર ન હતું.

ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર અને ફેક્ટરી મેડીકલ ઓફિસર:

ગુજરાત કારખાના નિયમો મુજબ 50 કે તેથી વધુ કામદારો હોય તે દરેક એકમે કારખાનામાં ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર નિભાવવાનું હોય છે. જોખમી પ્રક્રિયા હોય અને 200 કામદારો હોય તો કારખાનાએ પૂરા સમયના ફેક્ટરી મેડિકલ ઓફિસરની નિમણૂક કરવાની હોય છે. ડીશ દ્વારા ડીજીફસલીને 2016માં મોકલાવેલા અહેવાલ મુજબ 356 ફેક્ટરી મેડિકલ ઓફિસર સામે 342 ફેક્ટરી મેડિકલ ઓફિસર ઉપલબ્ધ છે. પરંતુ ડીશ દ્વારા આપવામાં આવેલી આંકડાકીય માહિતીને આધારે જોવા મળ્યું કે રાજ્યમાં જોખમી પ્રક્રિયા હોય અને 200 કે તેથી વધુ કામદારો હોય તેવા 485 એકમો છે. આ એકમોએ 753 ફેક્ટરી મેડીકલ ઓફિસરો નીમવા પડે. આમ રાજ્ય સરકાર દ્વારા પૂરા સમયના ફેક્ટરી મેડિકલ ઓફિસર અંગેની ખોટી માહિતી ડીજીફસલીને આપી.

સર્ટીફાઇન્ગ સર્જનો દ્વારા કરવામાં આવેલી 834 રિમાર્ક જોતા જણાયું કે તેઓએ 83 એકમોમાં ફેક્ટરી મેડિકલ ઓફિસર નહીં હોવા અંગે અને 19 એકમોમાં ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર ન હોવા અંગે નોંધ કરેલી હતી. પરંતુ ડીશ દ્વારા આ રીમાર્કના સંદર્ભમાં અમલ માટે કોઈ પગલા લેવામાં આવ્યા નહીં. જે 40 એકમોની સંયુક્ત મુલાકાત લીધી તે પૈકી 19 એકમોમાં ફેક્ટરી મેડિકલ ઓફિસરની નિમણૂક કરવી જરૂરી હતી. પરંતુ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2017માં 19 પૈકી 8માં ફેક્ટરી મેડિકલ ઓફિસર ન હતા. ફેક્ટરી મેડિકલ ઓફિસર ન હોય તે કારણે નિયમોમાં જણાવ્યા મુજબ કામદારોની નિયમિત તબીબી તપાસ થઈ શકે નહીં.

ઇન્ડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરી:

કાયદા મુજબ કારખાનાના માલિકે કામદારોને માટે સલામત અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવાનું છે. કાર્યસ્થળના વાતાવરણમાં હવાની ગુણવત્તા, ધૂળ અને અવાજનું પ્રમાણ ઇન્ડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરી એ માપવાનું હોય છે. ગુજરાતના ચાર વિસ્તારોમાં ડીશ દ્વારા 4 ઇન્ડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરીઓ સ્થાપવામાં આવી છે. માર્ચ 2017 સુધીમાં ઇન્ડસ્ટ્રીયલ હાયજીનીસ્ટની મંજૂર થયેલી 4 જગ્યાઓ અને લેબોરેટરી આસિસ્ટન્ટની 8 જગ્યાઓ પૈકી ઇન્ડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરી પાસે માત્ર ૩ લેબોરેટરી આસિસ્ટન્ટ છે. 2012થી 2017 સુધીમાં ઇન્ડસ્ટ્રીયલ હાયજીનીસ્ટની પોસ્ટ ભરાઈ નહીં. ઓડિટ દરમિયાન જોવામાં આવ્યું કે 2012 થી 2016 દરમિયાન લેબોરેટરી આસિસ્ટન્ટે માત્ર 3315 કારખાનાની મુલાકાત લીધી. તેમણે લીધેલા 18,519 નમૂનાઓ પૈકી 947 નમૂનાઓમાં રસાયણો અને ઝેરી પદાર્થોનું પ્રમાણ કાયદાના બીજા પરિશિષ્ટમાં જણાવેલ થ્રેશોલ્ડ લિમિટ વેલ્યુ કરતા વધુ હતું. નમૂનાઓનું પરિણામ જે તે વિસ્તારના ઈન્સ્પેક્ટરને મોકલવામાં આવ્યું હતું. પણ જરૂરી પગલા લેવા માટે કારખાનાને મોકલવામાં આવ્યું ન હતું. સંબંધિત અધિકારીએ પણ કારખાના દ્વારા તેનો અમલ થાય તે માટે કોઈ પગલાં લીધા નહીં. આમ નમૂનાઓ લઈને તેનું પૃથક્કરણ કરવાનું જે હેતુ હતો તે માર્યો ગયો.

ઇન્ડસ્ટ્રીયલ હાયજીન લેબોરેટરી, સુરત દ્વારા લેવામાં આવેલ 58 નમૂનાઓનું યથેચ્છ (રેન્ડમ) ચેકિંગ કરતા જોવા મળ્યું કે ત્રણ જિલ્લાઓના સાત કારખાનાઓમાં 2012થી 2016 દરમિયાન લેવામાં આવેલ 17 મુલાકાતો દરમિયાન અવાજ નું પ્રમાણ ટીએલવી કરતા સતત વધુ જોવા મળ્યું. છતાં એક પણ કામદારનો ઓડિયોમેટ્રી ટેસ્ટ કરવાની સુચના અપાઈ નહિ. જો એમ થયું હોત તો વધુ અવાજની કામદારોની સાંભળવાની શક્તિ પર થતી અસરનો ખ્યાલ આવી શક્યો હોત. પુરવણી ચારમાં લેબોરેટરી આસિસ્ટન્ટ કારખાનામાં ઝેરી રસાયણોના સંપર્કની વિગતો આપી છે. લેબોરેટરી આસિસ્ટન્ટે આપેલા અહેવાલ ઉપર જે તે વિસ્તારના નિરીક્ષકોએ કોઈ પગલા લીધા નહીં. તે કારણે કામના સ્થળે પ્રદુષણ અંગેની કાયદા અને નિયમોની જોગવાઈઓનો અમલ નબળો રહ્યો.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.