





ડૉ.દર્શના ધોળકિયા
મનુભાઈ (દર્શક) જીવનની શાળાના આજીવન વિદ્યાર્થી તેમજ શ્રેયાન્વેષી શિક્ષક છે. તેથી જ તેમનું દર્શકત્વ પારદર્શક બની રહે છે. મનુભાઈની ઉત્તમ ક્ષણોમાં તેમની સાથે ચાલનારો માણસ થોડાંક ડગલાંના સંગ પછી વધારે પ્રાજ્ઞ થવો જોઈએ કેમકે એ સ્વયં, કવિતાની જેમ પ્રસન્નતાથી પ્રારંભ પામીને પ્રજ્ઞામાં જઈને ઠરતો હોય છે.’
‘દર્શક’ વિશેનો પ્રો.જયંત પંડ્યાનો આ અભિપ્રાય,સ્વાનુભવમાંથી જ જનમ્યો હશે એની સાક્ષી મનુભાઈ સાથે થોડાક ડગલાં ચાલેલાં સૌ પૂરે તેમ છે.
મનુભાઈ, મારા વિદ્યાર્થીજીવનમાં તો માત્ર પ્રશંસાપૂર્વક શ્રવણે પડેલું નામમાત્ર. એ જ ગાળામાં મામા કાન્તિપ્રસાદ અંતાણીને ઘેર ભુજમાં મનુભાઈએ એક વાર ભોજન લીધેલું ને અમે બાળકોએ તેમને પીરસીને ધન્યતાનો ભાવ અનુભવેલો.
પીએચ.ડી.નો અભ્યાસ પૂરો કર્યો તે વેળા પણ તેઓ ભુજ આવેલા ને મારા મહાનિબંધના પ્રકાશિત પુસ્તકને હાથમાં લઈને, જોઈને, અભિપ્રાયા આપેલો. એ વેળા ધન્યતા દ્વિગુણિત થયેલી.
પણ છેલ્લા ચાર-પાંચ વર્ષ દરમિયાન મનમાં વવાયેલો તેમના પ્રત્યેનો આદર ઊછરી શક્યો તેમના નિકટ સાન્નિધ્યને માણ્યા પછી. ભુજના કુદરતી ઉપચાર કેન્દ્રમાં, ડૉ.જય સંઘવી પાસે અવારનવાર મનુભાઈને સારવાર અર્થે આવવાનું થાય. આવતાવેંત તેમનો ફોન રણકે. શ્રવણેન્દ્રિયની આછી ઉપસ્થિતિને કારણે તેઓ જ વાતચીત કરે ને એમનું ધારેલું જ સમજે ને સાંભળે !
પહેલી વાર ભુજમાં આવ્યા ત્યારે મુંદ્રાની બી.એડ. કૉલેજમાં વ્યાખ્યાન આપેલું. મનેય સાથે લીધેલી. નીકળતી વખતે મારું ધ્યાન ગયું તો મનુભાઈ ખુલ્લા પગે ગાડી ભણી જઈ રહેલા. મેં પૂછ્યું ‘પગરખાં કયાં ?’ તો કહે “નડે છે તેથી પહેરતો જ નથી.” ગાંધીપ્રેર્યોય ખરો ને લોહીમાં પડેલો એવો તેમનો અપરિગ્રહ સાક્ષાત્ થયો.
આ પછી તો એમની નિશ્રામાં અનેક વાર બેસવાનું થયું. તેમની ભૂમિ ‘લોકભારતી’માંય જવાનું થયું. ત્યાં રાત્રિના સમયે કાર્યકર મિત્રો સાથે પત્તાં રમતા, બાળકોની વચ્ચે ફરતા, ચશ્માં ઉતાર-પહેર કરીને હરીન્દ્રભાઈને અંજલિ આપતું અદભુત વ્યાખાન આપતા ને વચ્ચે કાંઈ ભૂલે તો “યાદ નથી આવતું” કરીને વાતને અધવચ્ચે છોડી દેતા મનુભાઈના સહજ વ્યક્તિત્વમાંથી કલ્પનાય ન આવે એ રીતે, અંતઃસ્ત્રોતા નદીની જેમ અચાનક મંત્રવાણી ફૂટી નીકળે ને વાતવાતમાં, પતાં રમતો આ માણસ પ્રબુદ્ધતાના શિખરે બેસીને આપણને ગિરિપ્રવચનની ક્ષણોમાં મૂકી આપે.
ભુજ આવીને સૌને એકઠાં કરે ને વાત મંડાય રામકૃષ્ણની, ગાંધી ને મશરૂવાળાની, વિવેકાનંદની, મૉન્ટેસરીની. અનેક પ્રકારના વિષયોમાં અપાર રુચિ છતાં પોતાએ શિક્ષક કહેવડાવવામાં જ ગૌરવ માને. હંમેશા કહે, “સર્જન-બર્જન તો ઠીક, મારા વિદ્યાર્થીઓ કેવા છે, તે જ અગત્યનું છે. રામકૃષ્ણ પરમહંસ, જિસસ વાંચું ખરો પણ એ મારો વિષય નહીં. એ અંગે કંઈ પૂછવું હોય તો તારે મકરંદને પૂછવું.” આમ કહ્યા પછી આમાંના એક પણ મહાપુરુષનું પડતાં તેમનો કંઠ ભરાઈ જય ને તેમની સાથે બેઠા હોય તેમ ખોવાઈ જાય. આવી એક ખોવાયેલી ક્ષણમાં તેમણે કહ્યું : “ચાર ‘અ’ છે :આવાસ, અન્ન, આરોગ્ય ને આનંદ. આખરે તો આનંદ મેળવવાનો છે ને ? મૂળે હું ગાંધીનો નહીં રામકૃષ્ણનો માણસ. મરીશ ત્યારે તેમને યાદ કરીશ. આ માણસે બે હજાર વર્ષની પરંપરામાં, ઉપનિષદો પછી કહ્યું કે માયાથી ડરવાની કે ભાગવાની કોઈ જરૂર નથી. એક સિક્કાનાં બે પાસાંની જેમ માયા તે ભગવાન છે. એનર્જી ને મેટરની વાત તો આઇસ્ટાઈને પછી કરી. તે પહેલાં જ પરમહંસદેવે આ કહ્યું : ‘એનર્જી એટલે ઈશ્વર ને મેટર એટલે માયા.’ આ સમજીને કેળવણીકાર મનુભાઈએ કાઢેલું તારણ હતું : “અધ્યાત્મ ને સંસ્કૃતિ કદી વારસામાં આપી શકાતાં નથી. એ તો શીખવવાં પડે. જો વારસામાં આપી શકાતાં હોય તો ગાંધીજીને પ્રશ્નો હોત ? જ્યારે અમે કોળીના બાળકોને તૈયાર કરીએ છીએ. આ જ તો કેળવણીનો મહિમા છે.”
રામકૃષ્ણ પરમહંસ ને ગાંધીજીને આદર્શ માનતા મનુભાઈએ એ બન્નેની તુલના આગવા દ્રષ્ટિકોણથી કરી છે. તેમને મતે, ગાંધીજીનો વૈરાગ્ય મૌલિક હતો. સંસારથી ઉપર ઊઠીને સંસારને જોવાની તેમની હેસિયત રામકૃષ્ણને યાદ કરાવે એવી હતી. આ બન્ને એ સ્વ સ્ત્રી સાથે વૈરાગ્ય કેળવ્યો એ બહુ મોટી ઘટના હતી. બન્ને જનસામાન્યના માણસ. સત્યને એકેએક ખૂણેથી તપાસે. ગાંધીજીનો દાખલો ટાંકતાં ઉમેર્યું: “ગાંધીના સાથીઓ તેમની ઇન્દ્રિયો હતા. રાજાજી, વલ્લભભાઈ વગેરે. આર્યનાયકમ્ પણ તેમાંના એક. એક વર આર્યનાયકમે મારી હાજરીમાં, સેવાગ્રામમાં ગાંધીજીને કહ્યું કે, ‘મૉન્ટેસરી બોગસ છે. એના કરતાં તો તમારી નઈ તાલીમ વધારે સારી.’ મને એમના વિધાનમાં ઘમંડ જણાતાં એમના ગયા પછી મેં એ અંગે ગાંધીજીનું ધ્યાન દોરીને મૉન્ટેસરીની પ્રશંસા કરી. ગાંધીજીએ તરત જ આર્યનાયકમને મદ્રાસ પત્ર લખીને મૉન્ટેસરીને એક વાર મળી લેવા જણાવ્યું. નાના માણસનું પણ તેમને મન આટલું મૂલ્ય હતું.”
જીવનને સમગ્રતયા સમજ્યા-જીવ્યાના પૂરા પ્રયત્નો ને નિષ્ઠા છતાં મનુભાઈની વિનમ્રતા અખંડ રહી હોવાના કારણમાં તેઓ જણાવે છે તેમ, નાનાભાઈએ શીખવ્યું છે એ મુજબ, બધા પાસેથી કંઈ ને કંઈ શીખવા મળે છે. કેમકે કોઈ સર્વજ્ઞ નથી. ચર્ચિલને કેટલાંય કામ વચ્ચે એ ચિંતા રહેતી હતી કે ક્રોચે આપણા હાથમાંથી જવા ન જોઈએ. પણ એ જ ચર્ચિલ ગાંધીજીને ન સમજી શક્યા. કોઈ સર્વજ્ઞ ન હોઈ શકે એવા જ્ઞાનને લઈને જ આચાર્ય શંકરે કુમારિલ ભટ્ટનાં પત્નીના પ્રશ્નોનો જવાબ ખોળિયું બદલીને, સંસારી જીવનનો અનુભવ લઈને આપેલો.
જીવનપ્રેમી મનુભાઈની પસંદગી હંમેશા જીવનનાં ઇષ્ટ તત્વોને ચાહતા લોકો ભણી જ ઢળી છે. આ સંદર્ભે પ્લેટો-એરિસ્ટોટલ ને લિંકન તેમના પ્રિયજનો છે. એ ગાળામાં તેઓ લિંકન વિશે ‘મુક્તિદાતા’ નામક નવલકથા લખી રહ્યા હતા. તેમની વાત કરતાં તેઓ ભાવુક થઈને કહેતા : “જિસસ પછી લિંકને સૌથી વધુ સમસંવેદન અનુભવ્યું છે.” ને તેનું દ્રષ્ટાંત આપતાં કહ્યું : ‘એક વાર એક સ્ત્રીએ લશ્કરમાં ભરતી થયેલા પોતાના પુત્રને મળવા માટે લિંકનને ચિઠ્ઠી લખી. લિંકને રજા આપી. સ્ત્રીએ બીજે દિવસે લિંકનને જણાવ્યું કે, હવે તેણે પુત્રને મળવાની આવશ્યકતા રહી નહોતી કેમકે તેનો પુત્ર યુદ્ધમાં મરણ પામ્યો હતો. સાથોસાથ તેણે પોતાના ત્રીજા પુત્રને લશ્કરમાં ન ભરતી ન કરવાની પણ લિંકનને અરજ કરી કારણ કે હવે એ એક જ બચ્યો હતો. લિંકને તેની વિનંતી સ્વીકારતાં ઉમેર્યું, ‘તારા ત્રીજા પુત્રને લશ્કરમાં સામેલ નહીં કરું. પણ યાદ રાખજે કે તારો બીજો પુત્ર હું છું.” મનુભાઈએ સજળ નેત્રે ઉમેર્યું, ‘ગાંધીજી’ વહિવટમાં પડ્યા હોત તો લિંકન જેવા સાબિત થયા હોત.’
મનુભાઈએ પ્લેટો, એરિસ્ટોટલ પર વ્યાખ્યાન આપેલાં તેનો ઉલ્લેખ કર્યો. એરિસ્ટોટલનું એક વાક્ય પોતાની આગવી છટામાં વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું “કુટુંબ જ આપણું ધરોવાડિયું છે. તેમાંથી યોગ્ય રીતે નીકળેલો રોપો બીજે વાવી ઉછેરી શકાય છે.” પ્લેટો માનતા તે મુજબ બાળક રાજ્યને સોંપી દેવું જોઈએ. તો જ તેનામાં રાજ્યનિષ્ઠા વધે. પણ એરિસ્ટોટલ આ મતને ઉચિત ન ગણતા તેમના મતે તો બાળક માટે પહેલી અનિવાર્યતા કુટુંબ.
એક વાર યોગી કૃષ્ણપ્રેમની વાત નીકળી તો મનુભાઈ ગદગદ થઈ ગયા. તેમણે ગીતા વિશે લખેલા પુસ્તકની ખૂબપ્રેમપૂર્વક વાત કરી. અલબત્ત મનુભાઈને મતે ગીતા પરનું ઉત્તમ અર્થઘટન તિલકના ગીતારહસ્યમાંથી મળે. વિનોબાનું ‘ગીતા પ્રવચનો’ હિન્દુ ધર્મને ઉત્તમ રીતે સમજાવે છે, પણ ગીતાનું ક્રમશઃ અર્થઘટન તેમાંથી ન સાંપડે. હા, બાપુની ‘અનાસક્તિ યોગ’ની પ્રસ્તાવના ખૂબ ઉત્તમ છે.
આ જ સંદર્ભમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ માર્ગની વાત નીકળી તો ઉમેરેલું : ‘મહાભારત’માં ધર્મ વગેરેનાં દ્રષ્ટાંતોથી ઉત્તમ પ્રવૃત્તિમાર્ગ નિર્દેશ્યો છે. યુગનાં સત્યો એ યુગના વિજ્ઞાન પર આધારિત હોય છે. પુરાણનું બધું જ ન સ્વીકારવું જોઈએ. અલબત્ત, પુરાણોનું કાવ્યત્વ હંમેશા જળવાવું જોઈએ, કેમ કે કાવ્યનું સત્ય વિજ્ઞાનના સત્ય કરતાં જુદું હોય છે.
જીવનપ્રીતિથી દોરવાયેલા મનુભાઈ સ્વાભાવિક રીતે જ આસ્તિક તરીકે ઊપસે છે. એક વાર મારાથી તેમને કહેવાઈ ગયેલું : ‘આજુબાજુનું જગત પીડા આપે છે, તેથી કશું ગમતું નથી ને ઝીણો જીવ બળે છે.’ ઉત્તરમાં પ્રસન્ન મુદ્રા ને કંઈક ટોળના સૂરમાં તેમણે કહેલું : “એમાં મારા ને તારા કેટલાક ટકા ગયા ?” ને અચાનક પેલી મંત્રવાણી ફૂટી, જિસિસે જણાવ્યું છે : “ઈશ્વરની જગા ન લો. વેર લેવાનું, કર્મોના હિસાબ કરવાનું કામ એનું છે. તમે ચૂપચાપ જુઓ.” પછી કહે : “થાય છે તો બધું જ, પણ એને વાર લાગતી હોય છે. બાકી દુનિયાનો વિકાસ તો સતત થતો જ રહે છે. નહીંતર જંગલી અવસ્થામાંથી અત્યારે આપણે જે કંઈ થયા તે કંઈ એમ ને એમ ?” સ્વગત કહેતા હોય તેમ ઉમેર્યું : અનેક પ્રકારનાં અહમ્ ભરડો લેતા હોય છે. જાગૃતિપૂર્વક એને જોવાથી એનાથી મુક્ત થઈ શકાતું હોય છે. એ કંઈ મોટી વાત પણ નથી.” પછીથી ઉમેર્યું : “ઑગસ્ટાઈન કહેતા :’બ્રહ્મચારિણી, સન્યાસિની એવી અહમયુક્ત સ્ત્રી કરતાં અહમ્ વિનાની ગૃહસ્થી સ્ત્રી મોક્ષની અધિકારી છે. રામકૃષ્ણે પણ આજ વાત પર વજન આપ્યું છે – ‘અહમનાશ’.”
વાતમાંથી વાત નીકળતાં પૂછેલું : ‘તમારે મતે અવતારની વ્યાખ્યા શી?’ તેમનો ઉત્તર હતો : “જે વ્યક્તિ શાશ્વત ધર્મને યુગધર્મમાં પલટાવી નાખે તે અવતાર. દા.ત. ગૌતમ. અહિંસા એ શાશ્વત ધર્મને પોતાના યુગમાં પ્રવર્તાવીને તેમણે પશુહિંસા બંધ કરાવી. આ મહાપુરુષનો ચહેરો છે.”
કંઈ કેટલુંય વિચારતા, વ્યક્ત કરતા ને એ રીતે એમનો સંગ કરનારના શાણપણની સંવૃદ્ધિ કરતા મનુભાઈ પાસે બેસવું એટલે કિમતી ખજાનાની ભાળ મળવી. તેઓએ જ જણાવેલું તેમ વિનોબા સાથે તેઓ ઘણી વાર ઝઘડતા. ત્યારે વિનોબા કહેતા, “તારે આવતા રહેવું. તારા જેવા બેસવાવાળા કયાં મળે છે ?” વિનોબા જેવા આચાર્યનો જો આ અનુભવ હોય તો આપણી વચ્ચે મનુભાઈનું હોવું એટલે પ્રસન્નતાથી પ્રજ્ઞાભણીની ગતિ, ચેતોવિસ્તારની યાત્રા.
*****
ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
• ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com