લ્યો, આ ચીંધી આંગળી : અલકમલકનો એક મુલક મલાવી….

Facebooktwitterredditpinterestlinkedinmail

– રજનીકુમાર પંડ્યા

(વિશેષ નોંધ:

1998માં મલાવી દેશના મહત્વના શહેર બ્લેન્ટાયરના હિંદુ મંદીરના એક પૂજારી જિતુભાઇ ભટ્ટે મને માત્ર એક વાચક તરીકે પત્ર લખ્યો. અને તેમાંથી આગળના એક પગથિયા તરીકે મલાવીના જબરદસ્ત કાઠીયાવાડી ઉદ્યોગપતિ સ્વ. હંસરાજ કાલરીયાની જીવનકથા આલેખવાનું નિમંત્રણ આવ્યું. ત્યાં (અને આફ્રિકાના અન્ય દેશોમાં) અઢી માસ રહીને મેં ‘હંસપ્રકાશ’ શિર્ષકથી તેમનું જીવનચરિત્ર લખ્યું ત્યારે ત્યાંના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ નામદાર બકીલી મલૂઝીએ મને-લેખકને- કંઇક કહેવાની ઇચ્છાથી ત્યાંના રાષ્ટ્રભવનમાં ભોજન માટે નિમંત્ર્યો. એ બધી વાતો તો પુસ્તકમાં સમાવિષ્ટ છે. પણ અહિં રજુ કરું છું એ ઓછા જાણીતા આફ્રિકન દેશની થોડીક આંતરિક વાતો. અલબત્ત, આ બધી વાતો 1998 સુધીના કાલખંડની છે. વર્તમાનમાં એમાં ઘણો ફેરફાર હોઇ શકે છે.)

‘જરા ગાડી રોકો !’

સવાસો કિલોમીટરની ઝડપે અમારી લેન્ડરોવર વાન દોડી રહી હતી. વાન ડ્રાઈવ કરી રહેલા અમારા યજમાનને અમે બારીમાંથી ખાવાની આઈટમ વેચવા ઊભેલા ફેરિયા તરફ આંગળી ચીંધતાં કહ્યું : ’તમારા મલાવી મુલકની આ કોઈ નવી આઈટમ લાગે છે. જરા ચાખી લઈએ…’

મારું આમ કહેવું સ્વાભાવિક હતું. મલાવી નામના મધ્ય આફ્રિકામાં આવેલા નાનકડા દેશનો બ્લેન્ટાયરથી લિલોંગ્વે લઈ જતો હાઈ-વે ખરેખર સીધો, સપાટ,ચકચકતો અને સાવ આછા ટ્રાફિકવાળો હતો, પણ ન તો રસ્તામાં ભારતની જેમ કોઈ હાઈ-વે હોટેલ્સ આવતી હતી કે ન તો કોઈ ગામ આવતાં હતાં. લાંબા અંતરે ડેડઝા-ચેવ-લીઝુરુ-બલાકા જેવાં નાનકડી હાટબજાર જેવાં ગામ આવતાં હતાં, પણ ત્યાંય ખાણી-પીણીની કોઈ જગ્યા જ નહોતી. હા, થોકબંધ, ટનબંધ રસદાર સંતરાના ઢગલા અને એની છલોછલ છાબડીઓવાળા જોવા મળતા હતા. પેટ્રોલ પંપ પર જરા વાર માટે ગાડી ઊભી રાખતાંવેત જ અમને સંતરાવાળા ઘેરી વળતા હતા અને પોતાનો માલ વેચવા માટે પડાપડી કરતા હતા. ભાવ?પાંચ કે દસ કવાચાની આખી છાબડી ! મતલબ, માત્ર એક કવાચાનાં દોઢ કે બે ફળ !

‘કવાચા’ મલાવીનું ચલણ છે. કવાચાનો અર્થ થાય છે નવપ્રભાત. અત્યારના હિસાબે દોઢ રૂપિયાનો એક કવાચા થાય.

(ક્વાચાની ચલણી નોટ)

એક જમાનામાં એક કવાચાના દસ રૂપિયા મળતા હતા. હવે અહીંનું અર્થકારણ જરા કથળ્યું છે. કવાચાના ભાવ ગગડ્યા છે. રૂપિયાના જેમ આપણે ત્યાં સો પૈસા છે તેમ અહીં એક કવાચાના સો ‘તમ્બાલા’ છે. તમ્બાલાનો અર્થ થાય છે કૂકડો અને આ રીતે જોતાં એવો અર્થ થાય કે સો કૂકડા એક સાથે બાંગ પોકારે ત્યારે નવપ્રભાત (કવાચા) થાય !

(તમ્બાલાની ચલણી નોટ)

હોટેલ-ઢાબાની આ સ્થિતિ હતી તો રસ્તામાં ક્યાંય અંતરદર્શક ચિહ્નો એટલે કે માઈલસ્ટોન પણ આવતા નહોતા, એટલે હજુ મલાવીની 1975થી મનાયેલી નવી રાજધાની લિલોંગ્વે અહીંથી કેટલી દૂર છે તેનો અંદાજ પણ નહોતો આવતો. પેટમાં બિલાડાં બોલતાં હતાં એટલે જ મેં રસ્તામાં એક ગરીબ આફ્રિકન-હબસીને લાકડી પર કાળાં જાંબુ લટકાવેલાં જોઈને ગાડી રોકવાનું મારા યજમાનને સૂચન કર્યું.

‘મલાવીની નવી આઈટેમ લાગે છે…’

‘ગાડી રોકવા જેવું નથી.’ એમણે સ્પીડ વધારતાં કહ્યું :’એ આપણને ભાવે એવી કોઈ વાનગી નથી.’

‘તો ?’

‘એ સૂકવેલા નાનકડા ઉંદર છે. બોલો, ખાશો આ આઈટેમ ?’

શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું. ખોરાકની તંગી કે પછી લોકોની ખોરાકની ટેવ ? ખોરાકની એવી ટેવ હોય તો નિર્જન રાજમાર્ગ પર એ ગરીબ હબસી (બ્લેક) એકલોઅટૂલો, ગ્રાહકવિહોણી હાલતમાં તીવ્રવેગે પસાર થતાં વાહનો સામે ઉંદર લટકાવેલી લાકડી લઈને શા માટે ઊભો રહે ?

*********

કદમાં ઈંગલેન્ડથી જરાક જ નાનું એવું મલાવી દુનિયાનું છઠ્ઠા નંબરનું ગરીબ રાષ્ટ્ર છે. માથાદીઠ આવક બહુ નીચી છે. 1964 સુધી તો એ બ્રિટિશરોના તાબામાં હતું. એ પછી પણ છેક 1994 સુધી સ્વતંત્રતાના નામે એ એક જ પ્રમુખ ડૉ. કમુઝ-બાન્ડાની એકહથ્થુ સત્તા નીચે હતું.

હજુ સુધી(એટલે કે 1998 સુધી, તે પછીની જાણ નથી) પોતાનું ટી.વી.સ્ટેશન ન ધરાવતા આ નાનકડા રાષ્ટ્ર મલાવીનો પ્રજાજન ધીરજવાન છે. 1994 પછી બહુપક્ષી સરકાર રચવાના રેફરેન્ડમ પછી નવા પ્રમુખ, યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના વડા બકીલી મલૂઝીના પ્રમુખ તરીકે સિંહાસન પર બેઠા પછી ખરેખરા અર્થમાં નવપ્રભાત ઊગવાનાં એંધાણ તે જોતો થયો. ડૉ. બાન્ડા ધર્મે ખ્રિસ્તી હતા અને 1991માં જ એમની પડતીના ચાળા શરૂ થઈ ગયા હતા. એક રાષ્ટ્રનો વડો એકત્રીસ વર્ષ સુધી સત્તારૂઢ હોય તો રાષ્ટ્ર કેટલી પ્રગતિ સાધી શકે એ આપણે ત્યાં સ્થિર સરકારના સમર્થકો સારી રીતે વિચારી શકશે.

ડૉ. બાન્ડાના રાજ્યમાં બંધિયાર પાણી બંધિયાર રહ્યાં અને ઊલટાના ભારતીયો-એશિયનોની ભારે કનડગત થઈ તે બાબત આખો એક અલગ લેખ માગી લે છે, પણ સંક્ષિપ્તમાં એટલું જ કહી શકાય કે જે એશિયનો અને ખાસ કરીને ભારતીય લોકોએ મલાવીને સમૃદ્ધ કરવામાં આટલો ફાળો આપ્યો, જે એશિયનોએ નાનામાં નાનાં ગામડાં કે વગડા વચ્ચે દુકાનો સ્થાપી અને મલાવીના અર્થતંત્રના રક્તને આ દેશના વિશાળ નેટવર્કમાં સંચારિત રાખ્યું તે એશિયનોને ગામડાં ખાલી કરીને માત્ર ચાર જ મોટાં શહેરમાં વસવાનું ફરમાન કરીને ડૉ. બાન્ડાની સરકારે મલાવીના પ્રજાજન અને એશિયનો વચ્ચેના આદાનપ્રદાનના પુલને સાવ ટૂંકાવી નાખ્યો.

મલાવી 1964ની છઠ્ઠી જુલાઈએ આઝાદ જાહેર થયું. તે પહેલાં એ અગ્નિપરીક્ષાના અનેક તબક્કામાંથી પસાર થઈ ચૂક્યું. 45,747 ચોરસ માઈલના વિસ્તારમાંથી પાંચમો ભાગ એટલે કે 9347 ચોરસ માઈલનો વિસ્તાર તો લેક મલાવી નામનું મીઠા પાણીનું સરોવર રોકે છે. આ દેશનું અસલ નામ ન્યાસાલેન્ડ છે અને આ સરોવરનું નામ પણ લેઈક ન્યાસા જ હતું. આ સરોવર મોટા ભાગના મલાવીની સીમાઓને સ્પર્શે છે. ઉપરાંત, એનો અમુક ભાગ ટાન્ઝાનિયાને અને અમુક ભાગ મોઝામ્બિકને પણ સ્પર્શે છે. એ રીતે જોઈએ તો ખારાં પાણીના રત્નાકરને બદલે મીઠાં પાણીના સરોવરને કિનારે આવેલું મલાવી કુદરતી રીતે ઘણું જ સમૃદ્ધ ગણાય. એની પાસે આ સરોવર ઉપરાંત અત્યારે પાંચ તો રાષ્ટ્રીય ઉદ્યાન છે અને નાનાં-મોટા ક્રીડા માટેનાં ઉદ્યાન તો અનેક. વળી, ભારતની જેમ ત્યાં આઠ મહિના ભયાનક ગરમી પણ રહેતી નથી. આપણે ત્યાં મેથી જૂનમાં ઉનાળાની ભઠ્ઠીમાં શેકાવાનું હોય છે તે વખતે તો મલાવીમાં હિલ સ્ટેશન જેવી ઠંડક હોય છે અને આવી ઠંડક માત્ર સપ્ટેમ્બર – ઓક્ટોબર બાદ કરતાં અને ચોમાસાના નવેમ્બરથી એપ્રિલ બાદ કરતાં આખું વરસ રહે છે. આફ્રિકા ગરમ પ્રદેશ છે એ માન્યતાનું ખંડન આ ટચૂકડો દેશ કરે છે.

પણ આ દેશનું આફ્રિકા ખંડમાં હોવું એ એની સૌથી મોટી કમબખ્તી હતી. સૌ જાણે છે તેમ આફ્રિકાની કાળી પ્રજા આખા વિશ્વમાં ગુલામ તરીકે જતી અને એમાં પણ મલાવીથી થોડે જ દૂર આવેલું ઝાંઝીબાર ગુલામોના વેપારનું જંગી મથક ગણાતું. સ્વાહીલી આરબોનાં ધાડાનાં ધાડાં ત્યાં ઊતરતાં, કાળા લોકોનાં જહાજનાં જહાજ ભરીને પોતાના દેશમાં ઉપાડી જતા અને અન્ય દેશોમાં પણ લઈ જતા. આપણે ત્યાં જૂનાગઢ પાસે અમુક ગામોમાં આવા લોકોની મોટી વસતિ છે, જેને લોકો ‘સીદી બાદશાહ’ના નામે ઓળખે છે. આ ‘બાદશાહો’ પણ વાસ્તવમાં અનેક પેઢી પહેલાં ભારતમાં ગુલામ તરીકે આવેલી પ્રજાના વંશજો જ છે, જે આજે પણ કોઈ ઊંચું જીવનધોરણ પામ્યા નથી. અલબત્ત, ભારતમાં ગુલામીપ્રથાનું અસ્તિત્વ નહીંવત હતું એ કબૂલ કરવું પડે.

આ ગુલામીપ્રથા સામે અવાજ ઉઠાવનારા યુરોપના મિશનરીઓ હતા. આવા એક મિશનરી અને સાહસિક ડેવિડ લિવિંગ્સ્ટને પોતાની છેંતાલીસ વરસની વયે સ્કોટલેન્ડથી આવીને આ દેશમાં પહેલવહેલો પગ મૂક્યો. અહીં પગ મૂકનાર એ પ્રથમ! એ સાલ 1859ની. એણે જ આ સરોવરનું નામ સરોવર ન્યાસા પાડ્યું અને દેશને નામ આપ્યું ન્યાસાલૅન્ડ. ગુલામીપ્રથાની નાબૂદી અર્થે એણે પોતાના અન્ય મિશનરી બંધુઓનું તેડું કર્યું અને 1861માં એવા બીજા ચર્ચની અહીં સ્થાપના થઈ. એ પછી ધીરેધીરે એણે પોતે આ દેશમાં પગપેસારો કર્યો અને એમ કરતાં કરતાં એ જ આ દેશમાં યુરોપિયન વેપારીઓનો પગદંડો જમાવવામાં નિમિત્ત બન્યો. 1984માં આ રીતે એને પોતે સ્કોટલૅન્ડમાં સ્થાપેલી ‘ધ લિવિંગ્સ્ટન સેન્ટ્રલ આફ્રિકન મિશન કંપની’નું નામ બદલીને ‘ધ આફ્રિકન લેઈક કૉર્પોરેશન’ કર્યું અને એને મલાવીમાં બોલાવી. એક રીતે જોઈએ તો ડૉ. લિવિંગ્સ્ટનનો ઈરાદો પણ બીજી રીતે કાળા લોકોને ગુલામ જ રાખવાનો હતો એટલે તો એણે પોતાની કહેવાતી મિશનરી (ધાર્મિક) પ્રવૃત્તિઓની સાથે સુસંગત ન હોવા છતાં ‘આફ્રિકન લેઈક કૉર્પોરેશન’ની છૂટક ચીજવસ્તુઓની દુકાનો આખા મલાવીમાં (તે વખતના ન્યાસાલૅન્ડમાં) ગામેગામ ખોલી અને એ રીતે અહીંના મૂળ કાળા વતનીઓ પોતાના અંકુશમાં રાખવાના પ્રયોગ આદર્યા. એની આ આફ્રિકન કંપની ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ ચલાવતી અને એના પણ મનમાન્યા ભાવ ગરીબ કાળા લોકો પાસેથી વસૂલ કરતી અને આમ દરેક પ્રકારે એમનું શોષણ કરતી.

પણ દરેક શાસનને છેવટે તો પોતાનો અંત હોય જ છે એ ન્યાયે છેવટે એનો પણ એક દહાડે અંત આવ્યો.

ભારતમાં જેમ ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ દ્વારા ગોરાઓએ આપણા પર શાસનની ધૂંસરી પહેરાવી દીધી હતી એમ આમાં પણ આફ્રિકન લેઈક કૉર્પોરેશન દ્વારા ન્યાસાલેન્ડ પર છેવટે બ્રિટિશ શાસન આવી જ ગયું. આ વાત લગભગ 1981ના અરસાની ગણાય, પણ એના અંતના આરંભની શરૂઆત તો એ પછી લગભગ વીસેક વર્ષે થઈ.

આપણા દેશમાં જેમ મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા વિશેનો અભ્યાસ, એને લગતા વાંચન અને મનન ઈંગ્લેન્ડમાં કર્યા તેમ જ જહોન ચિલેમ્બ્વે નામના ન્યાસાલૅન્ડના વતનીએ પણ પોતાના દેશના સ્વાતંત્ર્ય માટેની વિચારણા પોતાના અમેરિકાવાસ દરમિયાન આરંભી હતી. પોતાના જ દેશમાં પોતાને બ્રિટિશ શાસન દરમિયાન મળતો બીજા વર્ગના પ્રજાજન તરીકેનો દરજ્જો જોઈને એની આંતરડી કકળી ઊઠતી હતી. એ હતો તો પાદરી,પોતાના દેશ ન્યાસાલૅન્ડ (મલાવી)માં એની 1914માં પાદરી તરીકે નિમણૂક થઈ. એણે શરૂઆત તો મલાવીમાં ચા-કોફી અને કપાસના વાવેતર પરના પ્રયોગો દ્વારા કરી, પણ આખરે એનું લક્ષ તો પોતાના જાતભાઈઓનું ગોરાઓ દ્વારા થતું શોષણ અટકાવવાનું જ હતું.

(જહોન ચિલેમ્બ્વે (ડાબે))

પોતાના મજૂરી કરતા જાતભાઈઓ સામેની એ એલ. બ્રુસની ત્રણ હજાર એકર જમીનમાં રોજ મજૂરીએ જતા હતા અને જહોન ચિલેમ્બ્વેને શંકા હતી કે ઘડિયાળનો સમય આગળ-પાછળ કરીને એમની પાસેથી આઠ કલાકથી વધુ સમય માટે કામ ખેંચાવવામાં આવે છે.

આ શોષણ અટકાવવા એણે પોતાના દેવળનો સમયસૂચક ઘંટ નિયત સમયે વગાડવા માંડ્યો. પરિણામે મજૂરોને કામ પૂરું કરવાનો સમય પૂરો થયાની સાચી ખબર પડવા માંડી. મિસ્ટર બ્રુસ આથી ક્રોધે ભરાયા અને એણે જહોન ચિલેમ્બ્વેને આમ ન કરવા તાકીદ કરી. આ વાતમાંથી મોટો ભડકો થયો અને એનો અંજામ છેવટે બ્રુસની એસ્ટેટના મૅનેજર વિલિયમ જર્વિસ- લિવિંગ્સ્ટનની હત્યામાં આવ્યો. 1915ની 23 જાન્યુઆરીએ છેવટે જહોન ચિલેમ્બ્વેના સમર્થકો એ મૅનેજરના ઘરમાં ઘૂસી ગયા અને એનો એની પત્ની, બાળકો અને મહેમાનોની હાજરીમાં શિરચ્છેદ કર્યો.(એ લિવિંગ્સ્ટન એ પ્રથમ લિવિંગ્સ્ટન નહીં)

આ પછીની આ દેશના સ્વાતંત્ર્યની કથા તો અતિશય લાંબી છે, પરંતુ ટૂંકમાં કહેવું હોય તો એટલું કહી શકાય કે મકાઈ,તમાકુ, શેરડી અને ચા જેવા સંપત્તિ સર્જી આપનારા પાકો,પૂરતો વરસાદ, ઠંડકભરી શાંત-બિનતોફાની મોસમ,સમશીતોષ્ણ હવામાન અને એશિયનો દ્વારા સુખ-સગવડ અને સમૃદ્ધિની ભરમાર છતાં મલાવીના પ્રજાજનો એનો લાભ ઉઠાવી શક્યા નહીં…..

બ્રિટિશ સરકારે છેવટે 1953માં ન્યાસાલૅન્ડ પ્રોટેક્ટોરેટ બાજુમાના રહોડેશિયા સાથે એકછત્રનીચે આણીને ‘ફેડરેશન ઑફ રહોડેશિયા એન્ડ ન્યાસાલૅન્ડ’ રચી આપ્યું. આને કારણે ન્યાસાલૅન્ડનું અલગ અસ્તિત્વ મટી ગયું. દક્ષિણ રહોડેશિયા, ઉત્તર રહોડેશિયા અને ન્યાસલૅન્ડ-એ ત્રણેના ફેડરેશનની સંયુક્ત રાજધાની થઈ સાલ્સબરીમાં (જે પાછળથી હરારે તરીકે ઓળખાયું). એનો પ્રથમ વડા પ્રધાન રૉય વેલેન્સ્કી થયો. આ ફેડરેશન વાસ્તવમાં તો રાષ્ટ્રવાદી ચળવળના સમર્થકોના વિરોધ છતાં રચાયું હતું, જેથી એ કંઈ બહુ લાંબુંચાલ્યું નહીં. બ્રિટિશ સરકારે અંતે એ ત્રણે રાષ્ટ્રને પોતપોતાનું અલગ અસ્તિત્વ આપવું જ પડ્યું અને 6 જુલાઈ,1994ના રોજ એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે મલાવીનો ઉદય થયો.

મલાવી નામ જૂની મારવી જાતિ પરથી કદાચ આવ્યું.છે. આ દેશનું સરોવર એટલું વિશાળ-વિરાટ છે કે એના પર તપતો સૂર્ય એને સદાય ચળકતાં જળવાળું રાખે છે. આને કારણે એ ચળકતા જળવાળા સરોવર તરીકે ઓળખાય છે. આને માટે અહીંની ચેચવા ભાષામાં શબ્દ છે મલાવી. એના પરથી આ દેશનું નામ મલાવી પાડવામાં આવ્યું અને ન્યાસાલૅન્ડ નામ કાળની ગર્તામાં વિલીન થઈ ગયું. એ જ રીતે નોર્ધન રહોડેશિયાને નવું નામ મળ્યું ઝામ્બિયા અને સધર્ન રહોડેશિયાને નવું નામ મળ્યું ઝિમ્બાબ્વે.

‘આપણે ભારતીય લોકો, ખાસ કરીને ગુજરાતીઓને અને આ દેશને શો સંબંધ ?

આનો જવાબ રસિક છે.

********

‘પહેલામાં પહેલો અહીં પગ મૂકનારો ભારતીય કોણ ?’ એના જવાબમાં આમ તો જામનગરના લાલપુર ગામના મેમણ સાહસિક ઓસમાણ આદમનું નામ આવે છે. એણે 1887ની સાલમાં અહીં છૂટક અને જથ્થાબંધ વેપારની પેઢી શરૂ કરી હતી, જેનું બોર્ડ અને ઈમારત બન્ને હજુ સાચવવામાં આવ્યા છે. હવે તો એની પોતાની પેઢી અહીંના શહેર બ્લેન્ટાયરમાં ધંધો કરે છે. એનાં બિલ્ડિંગ્સ નવા રંગ-રૂપે, નવી નવી જગ્યાએ શહેરમાં જોવા મળે છે.

એ તો વેપારવણજની વાત થઈ, પણ માત્ર ઐતિહાસિક દૃષ્ટિએ વાત કરીએ તો અહીંના તુવેર દાળના વિખ્યાર ઉત્પાદક અને ઉપલેટા પાસેના ચીખલિયા ગામના મૂળ વતની અને 1946થી અહીં સ્થાયી થયેલા વેપારી મગનભાઈ ઘોડાસરા સ્મૃતિમાંથી અને એમનો યુવાન પુત્ર અજય ઈન્ટરનેટમાંથી કેટલીક ઉપયોગી સચોટ માહિતી આપે છે.

ભારતીય જ કહેવું હોય તો શા માટે એકલા ગુજરાતીને જ ગણતરીમાં લેવા? ભારતીય જ શામાટે? એશિયનની પણ વાત કરવી ઘટે. એ રીતે જોતાં મુંબઈથી સઢવાળા વહાણમાં બેસીને 1890ના અંતમાં કે 1891ની શરૂઆતમાં ચાલીસ જેટલા શીખ અને ત્રીસ જેટલા હૈદરાબાદી (સિંઘ) મુસ્લિમ બંધુઓ બ્રિટિશ લશ્કરના સિપાહીઓ તરીકે કાળા લોકોની ગુલામીવિરોધી પ્રવૃત્તિમાં મદદરૂપ થવા એ વખતની બ્રિટિશ ગવર્નમેન્ટની સૂચનાથી ન્યાસાલૅન્ડ ઊતર્યા હતા. એ પછી 1893માં સિત્તેર શીખ સોલ્જર વતન પરત ગયા અને બીજા બસો નવા સરદારજી આવ્યા. એ પછી 1900ની સાલમાં વેપાર અર્થે તીરથરામ નામના હિંદુ પંજાબી બ્રાહ્મણ અને એમ.જી.ધાપ નામના મહારાષ્ટ્રીયન સદગૃહસ્થ આવ્યા, પણ આમ છતાં સૌથી પહેલો આ ધરતી પર પગ મૂકનાર તરીકેનો ઓસમાણ આદમનો દાવો જ સાચો ઠરે છે, કારણ કે એમણે અહીં 1887માં આવીને કારોબાર શરૂ કર્યો અને 1894માં એમણે 1/4 એકર જમીનનો પ્લોટ ખરીદી પોતે અહીં કાયમી રહેવા આવ્યા છે એની મુદ્રા આ ધરતી પર મારી દીધી.

આ પછી તો અનેક સાહસિક ગુજરાતીઓ આ ધરતી પર આવ્યા. એમનાં સૌનાં નામ ગણાવવા બેસીએ તો અતિ લાંબું લિસ્ટ થાય. છેક 1934માં સઢવાળા વહાણમાં બેસીને, રોજનું માત્ર સિગારેટના એક ડબલા જેટલું પીવાનું પાણી પીને ત્રણ મહિનાની વાયા મોમ્બાસા, ઝાંઝીબાર, દારેસલામની મુસાફરી તય કરીને જામજોધપુર પાસેના ગીંગણી જેવા નાનકડા ગામડાના હંસરાજ ભાણજી પટેલ સાવ ઓગણીસ વર્ષની કાચી વયે અહીં આવ્યા અને જામનગરના એક વેપારી ટી.કે.વાલેરાની કંપનીમાં સામાન્ય ગુમાસ્તા-વાણોતર તરીકે જોડાયા. એ વાલેરાનું તો આજે અહીં નામ-નિશાન નથી, પણ હંસરાજ ભાણજી કાલરિયા(પટેલ)ના પુત્રોએ અહીં એટલું જબરું નામ હાંસલ કર્યું છે કે લોકો એમને મલાવીના ધીરુભાઈ અંબાણી તરીકે ઓળખે છે.(એમની જીવનકથા 1998 માં મલાવી જઇને અને ત્યાં રહીને આ લખનારે ‘હસપ્રકાશ’ પુસ્તક રૂપે આલેખી છે.)

(હંસરાજભાઈના વતન ગીંગણીમાં તેમનું મકાન)

હોલસેલ વ્યાપારની અનેક પેઢીઓ, ઉપરાંત ખાતરનાં કારખાનાં, ખાણો, ખાંડનો જથ્થાબંધ વ્યાપાર, બાંધકામ ઉદ્યોગ અને પ્રિન્ટિંગ પ્રેસ ઉપરાંત ગણ્યાં ગણાય નહીં એટલા વ્યવસાયો અને વ્યાપારોમાં આજે હંસરાજભાઈનો પરિવાર જવલંત સફળતા મેળવી ચૂક્યો છે. હંસરાજબાપા તો 1997માં બ્યાંસી વર્ષની વયે અવસાન પામ્યા, પણ એમના પુત્રો પ્રમોદભાઈ, અશોકભાઈ અને બીજા એમના સાઠ જેટલા દેશમાંથી બોલાવીને અહીં વસાવેલાં સગાવહાલાં એ કાલરિયાઓનો મેઈન ‘મેનપાવર’ છે.

(કાલરિયા દંપતિ: હંસરાજભાઈ અને સાકરબેન)

કાલરિયા પરિવાર દેશી તેમ જ અહીંના કાળા લોકોમાં એકસરખા લોકપ્રિય છે, કારણ કે એમના વ્યવસાયમાં 3000 જેટલા માણસ નિયમિત રોજી પામે છે. કાલરિયા પરિવાર પર 1986-87ના અરસામાં રાજકીય કિન્નાખોરીને કારણે ભારે આફતના ઓળા ઊતર્યા હતા. કોઈનું વેર કોઈના પર વાળવા માટે એમની મિલકતોને સદંતર ખાલસા કરવા માટે ક્રૂર ગણાય તેવો જૂનો ફોરફીચર એક્ટ, 1966 લાગુ પાડવામાં આવ્યો હતો અને કંઈક અંશે ભ્રષ્ટ ગણાય એવી અમલદારશાહીનો ભોગ એમણે બનવું પડ્યું હતું. એ લોકો બ્રિટિશ નાગરિક ગણાતા હોઈને બ્રિટિશ ગવર્નમેન્ટના માર્ગરેટ થેચરે એમાં દરમિયાનગીરી કરવી પડી અને અંતે 1991માં એમની કરોડોની ખાલસા થયેલી સંપતિમાંથી અમુક એમને પાછી મળી, પણ રાખમાંથી ફિનિક્સ પંખી ફરી બેઠું થાય તેમ આ લોકો બેઠા થઈને, ફરી વાર પાંખો ફફડાવીને આકાશને આંબી ગયા છે. ફોરફીચરના 1991માં અંત પછી માત્ર સાત જ વરસના ગાળામાં તેમણે ફરી વેપારવણજ પૂર્વવત વિકસાવી દીધો હતો.

(સાકરબેન અને હબસી નોકરો)

હંસરાજબાપા અવસાન પામ્યા ત્યારે ખરખરે આવનારા હજારો લોકોમાં પ્રમુખ મલુઝી અને એમના ચાર-પાંચ મિનિસ્ટર પણ હતા. ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી આ ઘટના હતી. આમ તો વર્ષોથી અહીં આવીને, વસીને અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે આબરૂદાર સ્થાન હાંસલ કરનાર ગુજરાતીઓમાં હાલના વિખ્યાત વકીલ ઈંદુ મામતોરાના પિતા લાલજી કુરજી તથા બીજાઓમાં અમરશી દેવશી જેવાઓનો સમાવેશ થાય છે. એક પંજાબી ડોક્ટર કોકરીએ પણ લિલોંગ્વેના એશિયનોમાં ભારે ઈજ્જતભર્યુ સ્થાન હાંસલ કર્યું હતું. બીજાં અનેક નામ ઉલ્લેખનીય છે, પણ અહીં એ બધાનાં નામ લખવાં શક્ય નથી.

માત્ર વેપારવણજ ઉપરાંત અહીંના ભારતીયો બીજી કેટલીક સામાજિક પ્રવૃત્તિઓમાં પણ રસ લે છે. અમેરિકાની જેમ અહીં પણ મંદિર સ્થાપીને એના નેજા હેઠળ પ્રવૃત્તિ થાય છે.

(હંસરાજભાઈ (હાથમાં પુસ્તક સાથે), તેમનાં પરિવારજનો અને મહેમાનો)

મલાવીનાં મુખ્ય મોટાં ચાર શહેર-લિલોંગ્વે, બ્લેન્ટાયર – લિમ્બી (એક જ કહેવાય), ઝામ્બા અને મઝુઝુ. આમાં લિલોંગ્વે અને બ્લેન્ટાયરમાં એક-એક હિંદુ મંદિર છે. એને ‘હિંદુ સેવા સમાજ’ના નામે ઓળખવામાં આવે છે. બ્લેન્ટાયરનું હિંદુ મંદિર જરા વધુ સક્રિય છે. તેમાં ગયા વરસે કાશીરિટર્ન વિદ્વાન પૂજારી જિતુભાઈ ભટ્ટ હતા, જેમને હવે એમનો કૉન્ટ્રાક્ટ પૂરો થતાં લંડનમાં કોઈ મંદિરમાં સમાવી લીધા. અહીંના મંદિરના પૂજારી તરીકે જુનાગઢની ‘વિવેકાનંદ હાઈસ્કૂલ’ના માજી પ્રિન્સિપાલ દિનકરભાઈ ભટ્ટના પુત્ર સંજીવભાઈ ભટ્ટ છે(1998 સુધી).

(હંસરાજભાઈની જીવનકથાના આલેખન માટે મલાવી ગયેલા લેખક સાથે મલાવીના પ્રમુખ બકીલી મલુઝી)

પૂજારીઓ પગારદાર હોય છે એટલે મંદિરની કશી આવક એમને મળતી નથી, પણ મંદિરની બહાર જઈને યજમાનોને ત્યાં કરાવાતા ક્રિયાકાંડ કે વિધિની આવક એમને થાય છે. બ્લેન્ટાયરના હિંદુ ટેમ્પલમાં વેણીભાઈ ગણાત્રા, મગનભાઈ ઘોડાસરા, ગુણવંત ગણાત્રા, ભાવિન પટેલ,વિકેશ વણઝારા,બાબુભાઈ પોપટ, નટુભાઈ અનડકટ અને અન્ય કાર્યરત છે તેથી મંદિર પ્રવૃત્તિથી ધમધમે છે. અઠવાડિયામાં બે વાર સત્સંગ, કીર્તન જેવું થાય છે. તેમાં એક વાર ફિલ્મી પ્લેબૅક સિંગર થવા નીકળનાર, પણ હાલ વયોવૃદ્ધ વેપારી તુલસીભાઈ સિંધી મીઠી હલકથી જૂના જમાનાનાં ફિલ્મી-બિનફિલ્મી ભજન તો ક્યારેક ભક્તિગીતો સંભળાવે છે. અમુક બહેનો પણ સંભળાવે છે. લિલોંગ્વેમાં પણ આવું મંદિર છે. ત્યાં જ્યોત્સનાબહેન ઠકરાર જેવાં સન્નારી ભજનો સંભળાવે છે. લિલોંગ્વેના મંદિરમાં પ્રમોદ પટેલ, જયંતીભાઈ ઠકરાર, જયંતીભાઈ કોટેચા, દુર્લભભાઈ ઠકરાર,જિતુભાઈ અને નરસીભાઈ પટેલ ઉપરાંત વિદ્વાન પૂજારી ચંદુભાઈ ભટ્ટ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચલાવે છે. મંદિર અને સમાજને ધમધમતો રાખવામાં સાડા ત્રણસો હિંદુઓ ઉપરાંત મિરઝા બ્રધર્સ જેવા મુસ્લિમબંધુઓનો ફાળો પણ છે.

નવાઈની વાત છે કે હિંદુ લોકોએ, ખાસ કરીને મગનભાઈ અને હંસરાજભાઈએ અહીં વિકસાવેલા સ્મશાનમાં હવે ગોરા લોકો પણ ‘બળવાનું’ પસંદ કરે છે. ધાર્મિક ક્રિયાકાંડ મુજબ ખ્રિસ્તીઓમાં તો દફન થવાનું ફરજિયાત હોય છે, પણ સ્મશાનનો વિકાસ જોઈને કે ગમે તેમ, અમુક ગોરાઓ અને એકાદ મુસ્લિમે પોતે અહીં દહનક્રિયા પામે એવી ઈચ્છા વીલમાં વ્યક્ત કરી અને એમની એ ઈચ્છાને એમના મરણ બાદ માન પણ આપવામાં આવ્યું. મલાવીમાં 1974માં એશિયનોની વસતિ 22,000 જેટલી હતી, જે ઘટીને હવે ઓછી થઈ રહી છે. વસતીનો બે તૃતીયાંશ ભાગ મુસ્લિમોનો છે ને એક તૃતીયાંશ હિંદુનો છે. અલબત્ત, અહીં હિંદુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ જેવા બહુ ભેદભાવ જોવા મળતા નથી. બ્લેન્ટાયરના શીખ ગુરુદ્વારામાં કેટલાક હિંદુ ટ્રસ્ટીઓ પણ છે એય નવીનવાઈની વાત ગણાય.

હા, એક વાત ચિંતાજનક છે. નવી પેઢીમાંથી ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે. વેણીભાઈ ગણાત્રા કહે છે તેમ થોડા વખતમાં માત્ર નામશેષ થઈ જશે. એનો પુરાવો બ્લેન્ટાયરના મંદિરમાં આવેલી લાઈબ્રેરી છે. અમે ત્યાં જવાની ઈચ્છા વ્યક્ત કરી તો મને કહેવામાં આવ્યું કે ત્યાં જઈને શું કરશો ? ઉપર લાઈબ્રેરીનું બોર્ડ છે, પણ સમ ખાવા એક પણ પુસ્તક કે મૅગેઝિન નથી !


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.:

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

3 comments for “લ્યો, આ ચીંધી આંગળી : અલકમલકનો એક મુલક મલાવી….

 1. November 28, 2018 at 1:32 am

  રજનીકુમારનું “હંસપ્રકાશ” મારું પ્રિય પુસ્તક છે. એના વિશે મારી લેખમાળા વાંચોઃ
  પ્રથમ હપ્તાની લીંકઃ
  https://girishparikh.wordpress.com/2010/07/31/%E0%AA%B9%E0%AA%82%E0%AA%B8-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B6%E0%AA%83-%E0%AB%A7-%E0%AA%97%E0%AA%BF/

 2. November 28, 2018 at 10:29 am

  What an amazing story so amazingly recounted Rajnikumar bhai! You such a great racanteur. Without getting just a hagiography, your story becomes an epical tale of human sagacity… Thank you so much for giving us such inspiring stories. Will buy a copy…

  • Rajnikumar Pandya
   November 29, 2018 at 1:00 pm

   Thanks
   Pl check your Whatsapp inbox

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *