એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું [૧૦]

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

અમુક સમયે લગભગ સરખી સિચ્યુએશન પર બનતાં ગીતો, અમુક શબ્દપ્રયોગોનું બહુ પ્રચલિત હોવું કે અમુકતમુક ગીતોની લોકચાહના અમુકતમુક શબ્દપ્રયોગોના સમુહને કારણે હોવાની માન્યતા જેવાં કંઈ કેટલાં કારણો મુખડાની સામ્યતામાં કારણભૂત હોઈ શકે છે. પરંતુ આ વિષયને કેન્દ્રમાં રાખીને જે ગીતો મળશે તેની સંખ્યા આટલી બધી થશે તે કલ્પના તો ન હતી. એવાં પણ ઘણાંક ગીતો છે જે આ લેખમાળા શરૂ કર્યા પછી અનાયાસ મળી આવ્યાં છે.

આજે એ યાત્રાનો એક નવો પડાવ પાર કરીએ.

ધીરે ધીરે આ રે બાદલ ધીરે ધીરે જા, મેરા બુલબુલ સો રહા હૈ શોર ન મચા – કિસ્મત (૧૯૪૩) – ગાયકો: – અમીરબાઈ કર્ણાટકી, અરૂણ કુમાર – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર : પ્રદીપજી

‘કિસ્મત’ ફિલ્મમાં જ નહીં પણ હિંદી ફિલ્મનાં રોમાંસસભર ગીતોમાં સદા મોખરાનાં સ્થાને રહેલુ આ યુગલ ગીત ભાવમાધર્યથી હર્યું ભર્યું છે.

આખી ફિલ્મની જ્યારે રીમેક બનતી હોય ત્યારે આટલાં સદાબહાર લોકપ્રિય ગીતની સીચ્યુએશન ફરી વાર ઊભી કરવાની લાલચ થાય એ પણ સ્વાભાવિક ગણાય. બસ, ગીતના મુખડામાંથી ‘ધીરે ધીરે’નો પ્રયોગ કરીને બાદલને બદલે હવાને વહેવાનું કહેવાનું કહીને, ‘કિસ્મત’ રીમેક, ૧૯૬૧ની ફિલ્મ ‘બૉયફ્રેન્ડ’નું ગીત ધીરે ધીરે ચલ અય ભીગી હવા કે મેરે બુલબુલકી હૈ નીંદ જવાં‘ (ગાયક: મોહમ્મદ રફી – સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: હસરત જયપુરી)મૂળ ગીતના ‘બુલ બુલ’ શબ્દ પ્રયોગને પણ વણી લેવામાં આવ્યો છે.

મૂળ ગીત જેટલું માધુર્યભર્યું આ ગીત ભલે ન હોય, પણ અપ્રતિમ સુંદરતાની મૂર્તિ આંખોનાં પોપચાં બંધ કરીને હળવી નિંદ્રામાં પોઢી ગઈ હોય ત્યારે આવું ગીત સુઝી આવવું તો સહજ છે !

આડ વાત

‘કિસ્મત’નાં ગીતોની યાદી જોતાં જોતાં નજરે પઢ્યું પારૂલ ઘોષના સ્વરમાં ગવાયેલું બીજું એક અદ્‍ભૂત લોકચાહના મેળવી ચૂકેલું ગીત

પપીહા રે.. મોરે પિયાસે કહિયો જા…

મુખડાના આ બોલ જોતાંવેંત એમ થયું કે કાલિદાસને બાદલ સાથે સંદેશો કહેવડાવવાનું જચી ગયું હતું તેમ હિંદી ફિલ્મોનાં ગીતોમાં ‘પપીહા’નું ચલણ એટલું છે કે કોઈને કૉઇ જગ્યાએ તો ફરી એક વાર ‘પપીહા’ને કાસદ બનાવવાની તક જરૂર ઝડપી લેવાઈ હશે. ઠીક ઠીક શોધખોળ કરવા છતાં સાવે સાવ આ જ શબ્દોનો પ્રયોગ થયો હોય તેવું તો ગીત ન મળ્યું, પણ પિયાને સંદેશો કહેવડાવવાના લગભગ ભાવને રજૂ કરતું બીજું એક એટલું જ અદ્‍ભૂત ગીત યાદ આવી ગયું –

મેરે પિયા સે કોઈ જા કે કહ દે જીવનકા સહારા તેરી યાદ હૈ – આશિયાના (૧૯૫૨) – ગાયિકા: લતા મંગેશકર – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

મદન મોહન- લતા મંગેશકરની જુગલબંધીનો આરંભ જ આટલી ઊંચાઈથી થયો હોય તો પછીની સફર વધારે ને વધારે ઊંચાં શીખર સર કરે તેમાં શી નવાઈ !

બીજા કોઈ લેખ વિષે કામ કરતાં ‘મોહિની’ (૧૯૫૭ )નું ગીત કહાં ચલે હો જી પ્યાર મેં (ગાયિકા: શમશાદ બેગમ – સંગીતકાર: એન દત્તા – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન) સાંભળવા મળ્યું.

આ ગીત તો પહેલી જ વાર સાંભળ્યું, પરંતુ મુખડાના બોલ સાંભળતાં જ શબ્દોમાં થોડા ફેરફારો સાથેનાં બીજાં બે ગીત તરત જ યાદ આવી ગયાં –

કહાં લે ચલે હો બતા દો મુસાફિર, સીતારોંસે આગે યે કૈસા જહાં હૈ – દુર્ગેશ નંદિની (૧૯૫૬) – ગાયિકા: લતા મંગેશકર – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

તુમ કહાં લે ચલે હો સજન અલબેલે યે કૌન સા જહાં હૈ બતાઓ તો – પુનમ કી રાત (૧૯૬૫) – ગાયકો: લતા મંગેશકર, મૂકેશ – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: શૈલેન્દ્ર

થોડા શબ્દોના ફેરફારો સાથેના મુખડાની વાત કરતાં બીજાં બે ગીત પણ યાદ આવે છે –

રામ નામ જપના પરાયા માલ અપના – સુવર્ણ સુંદરી (૧૯૫૭) – ગાયક: મોહમ્મ્દ રફી – સંગીતકાર: આદિ નારાયણ રાવ – ગીતકાર: ભરત વ્યાસ

ફિલ્મમાં ગીત કેવી સીચ્યુએશનમાં ફિલ્માવાયું હશે તે કલ્પવું મુશ્કેલ છે, પરંતુ ભરત વ્યાસ જેવા ગીતકારને એકદમ પ્રચલિત મુહાવરાને મુખડામાં સમાવી લેવાનું ઠીક લાગ્યું છે તે તો નક્કી જ છે.

આવો જબરદસ્ત મુહાવરો હોય અને તેને બંધબેસતી સીચ્યુએશન હોય તો તેને તો ગીતમાં સમાવવાનું કોને ન ગમે ! ‘દો દિલ’ (૧૯૬૫)માં હેમંત કુમાર જેવા સંગીતકાર અને કૈફી આઝમી જેવા કવિ-ગીતકારને પણ આ પ્રવાહમાં ઘસડાવું પડ્યું છે.

ઘણીક વાર મુખડાના શરૂના શબ્દોનું સરખાપણું એક સ્વાભાવિક યોગાનુયોગને કારણે પણ શક્ય બની જતું હશે, જેમકે –

તંગ આ ચુકે હૈ કશ્મકશ-એ-ઝિંદગીસે હમ – પ્યાસા (૧૯૫૭) – ગાયક: મોહમ્મદ રફી – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: સાહિર લુધ્યાનવી

‘પ્યાસા’માં નાયક એક શાયર છે એટલે તેની પાસે ગીત ગવરાવવાને બદલે પ્રસંગોપાત બળબળતા શેર તેના હોઠ પર રમી રહે છે.

તંગ આ ચુકે હૈ કશ્મકશ-એ-ઝિંદગીસે હમ – લાઈટ હાઉસ (૧૯૫૮) – ગાયિકા: આશા ભોસલે – સંગીતકાર: એન દત્તા – ગીતકાર:: સાહિર લુધ્યાનવી

જ઼માના, ઝિંદગી, રસ્મોરિવાજથી તંગ આવી જવું એ બહુ સામાન્ય ઘટના કહી શકાય, ‘પ્યાસા’ના કવિના હોઠ પર એ વ્યથા બળબળતા નિશ્વાસ રૂપે શેરનાં સ્વરૂપે બહાર આવે છે તો ‘લાઈટ હાઉસ’ની નાયિકાના હોઠ પર દ્રદની નઝ્મ બનીને વહી નીકળે છે. સાહિર માટે બન્ને પરિસ્થિતિઓ માટે મુખડાના પહેલા બોલ તો સરખા જ સ્ફુરે, તે પણ સાહજિક કહી શકાય ! એસ ડી બર્મન અને એક સામયે તેમના આસીસ્ટંટ એન દત્તા બન્ને અનુભૂતિઓને અલગ અલગ અંદાજ઼માં ઘુંટે છે.

મુખડાના શબ્દોમાં સારૂં એવાં સરખાપણું હોવા છતાં, અલગ અલગ સંગીતકારો દ્વારા અલગ ફિલ્મોમાં તેને ગીતમાં સમાવીને લેતી હજૂ પણ કેટલીક રચનાઓ છે, જે હવે પછીના અંકમાં સંભળીશું.

4 comments for “એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું [૧૦]

 1. November 24, 2018 at 3:21 am

  Enjoyed.

 2. November 24, 2018 at 11:27 am

  આપને ગમ્યું, એ આનંદની વાત. હાર્દિક આભાર.

 3. Samir
  November 24, 2018 at 2:33 pm

  બહુ વખતે ” કિસ્મત” અને “બંધન ” ના ગીતો સાંભળવા મળ્યા. “દુર્ગેશ નંદીની” નું જાણીતું ગીત આટલું લાંબુ છે તે આજે ખબર પડી ! “આશિયાના” ના ગીતે મન ને તરબતર કરી દીધું .
  ખુબ આભાર

 4. November 24, 2018 at 4:41 pm

  ઘણાં ગીતોને અમુક વિષયના પરિપ્રેક્ષ્યમાં સંભળવાની હવે એક ઓર મજા છે.

  પ્રેરક પ્રતિભાવ બદલ હાર્દિક આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *