બીઝનેસ સૂત્ર | ૯.૧| જાતિ: કોણ ચડીયાતું – પુરુષ કે સ્ત્રી?

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત અશોક વૈષ્ણવ

બીઝનેસ સૂત્ર | | ભેદભાવ

– સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન’ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી.

નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે.

– બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે.

– ચોથા અંકમાં ‘સંઘર્ષ’ની ચર્ચા નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને ‘સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે’?ના સંદર્ભમાં કરેલ છે.

– પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ, બીજા ભાગમાં જ્ઞાન હસ્તાંતરણ અને ત્રીજા ભાગમાં પ્રશિક્ષણ માટેનાં પ્રોત્સાહનની ચર્ચા કરવામાં આવેલ.

– છઠ્ઠા અંકમાં ‘માપ’ની ચર્ચા માટે તેઓએ પહેલા ભાગમાં . ‘શું માપી શકાય?’, બીજા ભાગમાં ‘હેતુલક્ષી વિ. વિષયલક્ષી વાસ્તવિકતા’ અને ત્રીજા ભાગમાં આ પ્રકારની માપણીના આધારે ‘તમે કેટલા મહાન છો?‘ની ચર્ચા કરી હતી.

– ૭મા અંકના પહેલા ભાગમાં ‘પર્યાવરણ’ વિષયને અનુલક્ષીને કરાયેલ ચર્ચા દરમ્યાન ફલિત થતું જણાય છે કે માનવ સભ્યતાનો વિકાસ કુદરતી સંસાધનોના ભોગે થાય છે. બીજા ભાગમાં બતાવાયું છે કે જ્યારે માનવી પોતાનાં સાધનોનો સંપોષિત રીતે ઉપયોગ કરવાની સીમા ઉલ્લંઘે છે ત્યારે કુદરત વળતો પ્રહાર કરે છે.

– ૮મા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કૌટુંબીક ઝઘડા’ને પ્રસ્તુત શ્રેણીમાં ચર્ચાના વિષય તરીકે પસંદ કરેલ છે. જેની ચર્ચાની શરૂઆતમાં પહેલા ભાગમાં તેમણે ‘ભાઈઓની ત્રણ જોડી‘માં નૈતિક સ્તરે માલિકીની ભાવનાને, બીજા ભાગમાં ‘સ્વ અને સ્વ-છબી‘ને અને ત્રીજા ભાગમાં નિષ્ઠા અને ધર્મ ને સાંકળી લીધેલ છે.

૯મા અંકના વિષય તરીકે દેવદત્ત પટાનઈક આપણી સમક્ષ ભેદભાવને રજૂ કરે છે. પહેલાં શું આવ્યું – જાતિ આધારિત ભેદભાવ કે પૌરાણિક શાસ્ત્રો? પૌરાણિક શાસ્ત્રો જાતિ આધારિત ભેદભાવને અનુમોદન આપે છે? કે પછી, જાતિ આધારિત ભેદભાવનું પૌરાણિક શાસ્ત્રોમાં પ્રતિબિંબ પડે છે? પ્રતિકોની એક સમસ્યા એ છે કે લોકો તેના દેખીતા અર્થને પકડી લે છે અને તેની પાછળ રહેલ બીજા બધા સંદેશ ધ્યાન પર જ નથી લેતાં. પૌરાણિક શાસ્ત્રો કોઈ એક વિચારને પ્રતિકોનાં સ્વરૂપે દસ્તાવેજિત કરે છે. એ દૃષ્ટિએ, નર સ્વરૂપ ‘સૂચક’ છે ‘સૂચિત’ નહીં. માદા સ્વરૂપનું પણ એ જ પ્રમાણે છે. દુર્ગા જ્યારે દૈત્યોનો નાશ કરે છે ત્યારે સ્ત્રી શક્તિએ દાનવ પુરુષનો નાશ કર્યો એ મહત્ત્વનું નથી. ‘સુચક પાટીયાં’ને ઓળખ આપવાની આપણી ઉતાવળમાં આપણે આ પ્રતિકનો ગૂઢાર્થ જાણવાનો પ્રયાસ જ નથી કરતાં. ભેદભાવને લગતી આ સમસ્યાને ભારતીય પુરાણ શાસ્ત્રોની કથાઓની મદદથી શાસ્ત્રોમાં જે કહેવાયું છે તેના પરિપ્રેક્ષ્યમાં મુકવાનો પ્રયાસ દેવદત્ત પટ્ટનાઈક કરે છે.

બીઝનેસ સૂત્ર | ૯.૧| જાતિ: કોણ ચડીયાતું – પુરુષ કે સ્ત્રી?

ભેદભાવની શબ્દકોષની એક વ્યાખ્યા છે અલગ વ્યવહાર. એટલે કે, કોઇ વ્યક્તિ, કે ચોક્કસ સમુદાયની સાથે તેમની નાત, જાત, રંગ, દેશ કે અન્ય કોઈ પણ કારણોસર અલગ વ્યવહાર કરવો.

ભેદભાવનો બીજો એક અર્થ વિવેક બુદ્ધિ પણ થાય છે જેનો સંબંધ યોગ્ય અને અયોગ્ય કે સાચું અને ખોટું નક્કી કરવા સાથે છે. આપણી આ શ્રેણીની હાલની ચર્ચા પુરતી આપણે આ વ્યાખ્યાને ધ્યાનમાં નહીં લઈએ.

જાતિ આધારિત ભેદભાવ એ એવી પરિસ્થિતિ છે જેમાં કોઈ વ્યક્તિની સાથે તેની જાતિને કારણે ઉતરતી કક્ષાનો વ્યવહાર કરવામાં આવે. મોટા ભાગના કિસ્સાઓમાં આવી પરિસ્થિતિઓમાં ગેરફાયદે રહેતો પક્ષ નારી જાતિ હોય છે.

અહીં પણ બે દૃષ્ટિકોણ અપનાવવામાં આવે છે. જાતિ આધારીત ન્યાયસંગતતાનો સંબંધ પુરુષ કે સ્ત્રીને તેમની જરૂરિયાત અનુસાર થતા વ્યવહારનાં ઔચિત્ય સાથે છે. યુનિસેફ અનુસાર, જાતિ આધારિત સમાનતાનો સંબંધ દરેક સમાજમાં કોઈ પણ નાત, જાત, રંગ કે વ્યવસાયનાં સ્ત્રી કે પુરુષને સમાન હક્કો, સંસાધનો,તકો કે રક્ષણ આપોઆપ જ મળી રહેવા સાથે છે.

જાતિ આધારિત ભેદભાવ જાણીસમજીને કે અજાણપણે હોઈ શકે છે અને દેખીતી, આડકતરી કે સુક્ષ્મ એવાં વિવિધ સ્વરૂપે દેખા દે છે. ઘણા દેશોમાં જાતિ આધારિત ભેદભાવ કાર્યસ્થળને લગતા, કૌટુંબીક બાબતોને લગતા કે મતપાત્રતા કે લોકપ્રતિનિધિત્વને લગતાં સામાજિક જીવનનાં વિવિધ પાસાંઓ કાયદા સ્વરૂપે દેખા દે છે. ૨૦મી સદીના અંતથી આ દિશામાં થયેલા ઘણા પ્રયાસો છતાં મોટા ભાગના કાયદા કે સામાજિક વિજ્ઞાનના નિષ્ણાતોનું માનવું છે કે જાતિ સમાનતાનું લક્ષ્ય હજૂ બહુ દૂર દેખાય છે.

પ્રોફેસર મેરી બીયર્ડનું ૨૦૧૭માં પ્રકાશિય થયેલ પુસ્તક[1] Women & Power: A Manifesto પશ્ચિમમાં નારી સમાજનું અને જાહેર જીવનમાં તેમના અવાજ માટેની લડતનું સંક્ષિપ્ત અને સચોટ વિશ્લેષણ છે. ૨૦૧૫ અને ૨૦૧૭નાં તેમના બે વ્યકત્વ્યોના આધાર પર તેઓએ પ્રાચીન ગ્રીસ અને રોમના ઈતિહાસથી માંડીને અત્યાર સુધી નારી જગતની સામે ઉભી કરાતી રહેલ અડચણોની તવારિખ અહીં આવરી લેવાઈ છે.

પાશ્ચાત્ય પૌરાણિક શાસ્ત્રોમાં નારીની સ્થિતિ વિષે ઘણાં પુસ્તકો અને પ્રમાણભૂત લેખોનું સાહિત્ય મળી આવે છે. આપણે તેમાંથી માર્ક્સ કાર્ટરાઈટના ત્રણ લેખોની પ્રતિનિધિ લેખો તરીકે અહીં નોંધ લીધી છે.

· Women in Ancient Greeceમાં તેઓ નોંધે છે કે પ્રાચિન ગ્રીક સમાજમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને બહુ ઓછા હક્કો હતા. મત ન આપવા મળવો, સંપત્તિની માલીકી ન હોવી કે વારસામાં હક્ક ન હોવો જેવી અનેક બાબતોમાં અસમાન વ્યવહાર અનુભવતી સ્ત્રીનું સ્થાન ઘરની ચાર દિવાલોમાં છોકરાં જણવાં અને પોષવાનું જ બની રહ્યું હતું. જોકે, સામાન્ય સ્ત્રીઓની સરખામણીમાં ઘણી વ્યાવસાયિક સ્ત્રીઓ અપવાદરૂપે ગ્રીક સમાજમાં આગળ વધી હતી અને કાવ્યલેખન(લેસબૉસનાં સૅફો), તત્ત્વચિંતન (સીરીનનાં અરીટ), નેતૃત્વ (સ્પાર્ટાનાં ગૉર્ગો અને ઍથેન્સનાં ઍસ્પેસીઆ), ચિકિત્સકો (ઍથેન્સનાં ઍગ્નોડીસ) જેવાં પુરુષાધિકારનાં ક્ષેત્રોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરાવી શક્યાં હતાં. સમાજમાં બહુ મર્યાદિત ભૂમિકા હોવા છતાં ગ્રીક ધર્મ અને પુરાણોમાં સ્ત્રી પાત્રો ખૂબ પ્રભાવશાળી જોવા મળે છે. આ કાલ્પનિક પાત્રોની ખરેખરના સમાજ જીવન પર શું અસર હતી એ જેટલો પેચીદો સવાલ છે તેટલો જ સવાલ એ પણ છે કે ગ્રીક સ્ત્રી સમાજ ખુદ આ પુરુષ આધિપત્ય વિષે શું માનતો હતો. જવાબ કદાચ ક્યારેય જાણવા ન મળે !

· The Role of Women in the Roman World માં માર્ક કાર્ટરાઈટ એવાં તારણ પર પહોંચે છે કે રોમન પુરુષો રોમન સ્ત્રીઓને પોતા બરાબર ભલે નહોતા સમજતા, પણ તેઓ સ્ત્રીઓને ધીક્કારતા પણ નહીં. રોમન પુરુષોની આવી અવઢવવાળી મનોદશાનો ચિતાર સમ્રાટ ઓગસ્ટ્સનાં એક વ્યક્તવ્યમાં જોવ મળે છે જ્યારે તેમણે મેટલ્સ ન્યુમિડીકસને ટાંકીને કહ્યું હતું કે કુદરતે એવી વ્યવસ્થા ગોઠવી છે કે તેમની સાથે સુખે રહેવાતું પણ નથી અને તેમના વિના ચાલતું પણ નથી.

· થોડા પૂર્વ તરફ જઈએ તો The Women In Ancient Egyptમાં જોવા મળે છે કે પ્રાચિન ઈજીપ્તની સંસ્કૃતિના એક કેન્દ્રવર્તી મૂલ્ય, મા’ત (ma’at),માં જણાવાયું છે તેમ પ્રાચિન ઈજિપ્તની સ્ત્રીઓ વ્યવસાય સિવાય લગભગ બધી બાબતોમાં પુરુષને સમાન હતી.


વ્યવહાર અને આદર્શ કથનીમાં જેમ સ્ત્રીઓ વિષે આજના સમાજના બે ચહેરા જોવા મળે છે તેમ પૌરાણિક પાશ્ચાત્ય ગ્રંથોમાં સ્ત્રીઓ બાબતે વ્યવહાર અને આદર્શના સંદર્ભે સામ સામા છેડાના આચાર અને વિચાર જોવા મળતા જણાય છે. પુર્વ તરફ આવતાં પ્રાચીન ઈજિપ્તમાં સ્ત્રીઓ તરફના દૃષ્ટિકોણમાં કંઇક સંતુલન આવતું જણાય છે. આપણા આ એક લેખનાં કાર્યક્ષેત્રમાં આ વિષે બહુ વિશદ ચર્ચા કરીને પુરાવાઓ આધારિત ઠોસ તારણ પર તો આવી શકાય તેમ નથી, એટલે આપણે હવે આપણું ધ્યાન હિંદુ પુરાણો તરફ ફેરવીએ અને જોઈએ કે દેવદત્ત પટ્ટનાઈક બીઝનેસ સૂત્ર શ્રેણીના ૯મા અંકભેદભાવ-ના પહેલા ભાગજાતિ : કોણ ચડીયાતું પુરુષ કે સ્ત્રી? -માં આજના વિષયે શું આપણી સમક્ષ રજૂ કરે છે.

હિંદુ પુરાણોમાં શુભનું પ્રતિક દેવી છે તો સૌથી વધુ પુજનીય એવા એ ઈશ્વરનું સ્વરૂપ એક ગોવાળ – સારથિ છે. આપણાં દેવીદેવતાઓ પ્રત્યેની આપણી ભક્તિ પર તેમની જાતિ કે જાતનો પ્રભાવ ક્યારે પણ નથી પડતો. તેમ છતાં, સ્ત્રીઓની સતામણી અને ઊંડાં મૂળ નાખીને પથરાયેલી વર્ણપ્રથા માટે ભારત બદનામ છે.

પૌરાણિક શાસ્ત્રોનો જાતિ પ્રત્યેનો અભિગમ કેવો છે?

પૌરાણિક શાસ્ત્રો એ સાપેક્ષ સત્ય છે જેનો ફેલાવો કથાઓ, પ્રતિકો અને આચારપધ્ધતિથી દ્વારા થાય છે. તમે ક્યારેય એકલેર ચૉકલેટ ખાધી છે ?

હા, ઘણી વાર.

એમાં સૌથી સારો ભાગ કયો?

વચ્ચેનો.

હં..,વચ્ચેનો, ખરૂંને ! હવે એ ચૉકલેટ દબાવતં વચ્ચેથી ફુટી નીકળતા ચૉકલેટના રગડાને એક વિચાર સાથે સરખાવી જૂઓ. મારે જો વિચારને તમને જણાવવો હોય તો કોઈ ઘાટમાં વણી લેવો પડે.ચૉકલેટનું બહારનું પડ એક ઘાટ છે, અને એ તેની અંદર ચૉકલેટના રગડારૂપી વિચારને વણી લઈને આપણે તેને બીજાં સુધી પહોંચાડીએ છીએ. ઘાટ બે પ્રકારના હોઈ શકે છે- નર સ્વરૂપ અને માદા સ્વરૂપ. નર સ્વરૂપનો ઘાટ એક પ્રકારના વિચાર જણાવે છે તો માદા સ્વરૂપના ઘાટ બીજા પ્રકારનો વિચાર જણાવે છે. શાસ્ત્રોનો અભિગમ નર અને માદા સ્વરૂપ પ્રત્યે આમ વિચારને વહેંચવા માટેના ઘાટનો રહ્યો છે. એ વિચાર શું છે? એ વિચાર મન અને આપણી આસપાસનાં વિશ્વના સંબંધને રજૂ કરે છે.મનને નર સ્વરૂપે અને વિશ્વને માદા સ્વરૂપે જોવામાં આવેલ છે. આ આખી વાતને આપ્ણે એક કથાનાં સ્વરૂપમાં સમજવા પ્રયાસ કરીએ.

શિવજી આંખો બંધ કરીને ધ્યાન ધરતા સાધુ છે. તેઓ જ્યારે આંખો મીંચી લે છે ત્યારે દુનિયા વિરાન ભાસે છે. સૂર્ય ઉગતો નથી, એટલે સખત ઠંડી પડે છે; પવન નથી ફુંકાતો, પાણી નથી વહેતાં, ચારે બાહુ બરફ જ બરફ છવાયેલો રહે છે. નથી કંઈ ઉગતું કે નથી કંઈ હાલતું ચાલતું. વિશ્વની આ સ્થિતિમાં તેમની સામે નગ્ન,આકુળવ્યાકુળ અને લોહી તરસ્યાં , ચારેતરફ વીખરાયેલા વાળવાળાં કાલિ તેમના પર નર્તન કરે છે. કાલિની મૂર્તિઓ જોઈશું તો તેમાં શિવ સ્થિર સ્થિતિમાં સુતેલા દેખાશે જેમના પર કાલિ માતા નૃત્ય કરતાં હશે. જ્યારે તમે દુનિયા તરફ નીરસ બની જાઓ ત્યારે આમ જ બનતું હોય છે. જેવા ભગવાન ધ્યાન આપે છે, તેમનાં નેત્ર ખૂલે છે. તેવા શિવ હવે શંકર બની જાય છે અને ખુંખાર કાલિ બની જાય છે હવે વિનમ્ર ગૃહિણી ગૌરી. મનમાં થયેલો ફેર વિશ્વમાં પણ ફરક લાવે છે, જે હવે નર દેવ અને નારી દેવીનાં સ્વરૂપમાં જોવા મળે છે. એટલે વાત દેવ કે દેવીની નથી, પણ મન અને તેની આસપાસનાં વિશ્વની છે.

એટલે તમારૂં કહેવું છે કે મન નર સ્વરૂપે અને વિશ્વ-દ્રવ્ય-તત્ત્વ નારી સ્વરૂપે રજૂ કરાયાં છે. આ વિચારને રજૂ કરવા માટેનાં સ્વરૂપ માત્ર છે. હું નારીવાદી ન હોવા છતાં, તેમ કહેવાવાનું જોખમ વહોરીને પણ એક સવાલ પુછવાનું નથી રોકી શકતી – જો નારી દ્ર્વ્ય તરીકે અને નર મન તરીકે રજૂ કરાતાં હોય તો એનો અર્થ એમ થયો કે દ્રવ્ય મનને આધીન ગણવામાં છે એમ નારી હંમેશાં નરને આધીન જ ગણાય?

પહેલી વાત તો એ કે મનને, બહુ ધ્યાન રાખીને, સંભાળપૂર્વક, નર સ્વરૂપ કહેવું જોઈએ. અહીં મૂળ વાત એ છે કે મનનું સ્વરૂપ નર છે, તે ભૌતિક રૂપે નર નથી. સ્વરૂપ અને વાસ્તવિકતા આ બન્ને વચ્ચે એક પાતળી ભેદ રેખા છે, પણ એ રેખા બન્નેને અલગ તો પાડે જ છે. પૌરાણિક શાસ્ત્રોને વાંચવામાં લોકો અહીં જ મોટી ભૂલ કરી જાય છે. એ લોકો સ્વરૂપ દ્વારા થતી રજૂઆતને વાસ્તવિકતા માની લે છે.અહી આપણે રજૂઆત દ્વારા વ્યક્ત થતા વિચારની વાત કરીએ છીએ. વિચાર તેની રજૂઆત માટે વપરાયેલાં સ્વરૂપ કરતાં વધારે મહત્ત્વનો છે. એ નથી શિવ કે નથી શંકર જે નર સ્વરૂપ મન દ્વારા વ્યક્ત થતા વિચાર છે. એ રીતે, કાલિ કે ગૌરી મહત્ત્વનાં નથી, પણ તેમના દ્વારા વ્યક્ત થતાં વિશ્વ સાથેના સંબંધ મહત્ત્વના છે. મન અને વિશ્વને અલગ પાડવાં શક્ય નથી.

હવે ‘વિશ્વ મનને આધીન છે કે નહીં?’ તમારા એ સવાલ પર આવીએ. આ તો મરઘી અને ઈંડાંવાળી પરિસ્થિતિ છે. સંસ્કૃતિ પહેલાં આવી કે પહેલાં આવી પ્રકૃતિ? સ્વાભાવિક છે કે પહેલાં તો પ્રકૃતિ જ આવી હોય અને સંસ્કૃતિ તેના પાછળ પાછળ જ આવી હોય. એટલે વિશ્વ/ તત્ત્વમાંથી મનમાંથી આવે છે અને મનમાંથી આવે છે વિશ્વ. આને નર અને નારીનાં સ્વરૂપમાં કહીએ તો એમ કહી શકાય કે નારીમાંથી નર આવે છે અને નરમાંથી પછીથી આવે છે નારી. આ વાતને ઋગ્વેદનાં બહુખ્યાત વાકય – દક્ષ અદિતિમાંથી આવે છે અને અદિતિમાંથી દક્ષ -માં કહીને એમ સમજાવવાની કોશીશ કરવામાં અવી છે કે કોણ પહેલાં આવ્યું એ કહી શકાય નથી. આ વાતને અર્ધનારીશ્વરનાં પ્રતિક રૂપે પણ રજૂ કરાઈ છે જેમાં એક તરફ શિવ છે અને બીજી બાજૂ શક્તિ છે. બન્નેને એકબીજાંથી અલગ પાડી શકાય તેમ નથી. એ જ રીતે મન અને વિશ્વને પણ એકબીજાંથી અલગ કરી શકાય એમ નથી.

મારૂં મન અને મારૂં વિશ્વ એકબીજાં પર આધારિત છે. મારૂં મન મારા વિશ્વમાં છે અને મારૂંવિશ્વ મારા મનમાં છે. જેવું મન તેવું વિશ્વ. એટલે જો મારૂં મન શિવ જેવું હોય અને બહારની દુનિયા તરફ આંખ બંધ કરીને બેઠું હોય તો એ દુનિયા કાલિના જેવી ડરામણી અનુભવાશે. પરંતુ, શંકરની જેમ મારૂં મન બહારની દુનિયામાં પરોવાયેલું હશે તો એ ડરામણાં કાલિ વિનમ્ર, સુંદર ગૌરી બની રહેશે. ઘાટનાં ઉદાહરણ દ્વારા આપણને આ સંદેશો જણાવાઈ રહ્યો છે.

એક વાત મને હજૂ ખુંચ્યા કરે છે – મનને હંમેશાં પુરુષ સ્વરૂપે જ કેમ રજૂ કરવામાં આવે છે? તેને નારી સ્વરૂપે કેમ નથી રજૂ કરાતું? નેતા હમેંશાં પુરુષ જ કેમ હોય છે? કે પછી, નેતૃત્ત્વને લગતી પૌરાણિક કથાઓ હંમેશાં નર જાતિમાં જ કેમ હોય છે?

અહીં બે બાબતો ધ્યાનમાં રાખવી જોઈશે – એક તરફ પુરુષ ઘાટમાં રજૂ થતું નેતાનું સ્વરૂપ છે તો બીજી તરફ નારી ઘાટમાં રજૂ થતું સંસ્થાનું સ્વરૂપ છે. હવે મન હંમેશાં નર સ્વરૂપે જ કેમ રજૂ થાય છે તેનો જવાબ શોધી શકાશે. ઉપલ્બધ માહિતી સામગ્રીનાં વિશ્લેષણથી જણાય છે કે નેતા હંમેશાં નર સ્વરૂપે અને સંસ્થા હંમેશામ નારી સ્વરૂપે રજૂ થાય છે. આવી ભેદ રેખાનું કારણ પુરુષપ્રધાન વ્ય્વસ્થા છે કે પછી શરીર વિજ્ઞાન છે? હું એવી માન્યતા ધરાવતા વર્ગનો છું જે માને છે કે આ વર્ગીકરણ પુરુષપ્રધાન વ્યવસ્થાને કારણે નહીં પણ શરીર વિજ્ઞાનને કારણે છે. પૌરાણિક શાસ્ત્રોના રચયિતાઓનો કેન્દ્રવર્તી રસ ‘વિચાર’ છે. તેમને જાતિનાં રાજકારણમાં રસ નથી.

ચાલો, આખી બાબતને શરીર વિજ્ઞાનની દૃષ્ટિએ જોઇએ. શરીર વિજ્ઞાન પ્રમાણે પુરુષ જીવનનું સર્જન તેનાં શરીરની બહાર કરે છે, જ્યારે સ્ત્રી તે પોતાનાં શરીરની અંદર કરે છે. એટલે નર સ્વરૂપ નેતૃત્ત્વની રજૂઆત માટે વધારે બંધ બેસે છે કારણકે નેતા એકલો, અને પોતાનામાં, કદી પણ સંપત્તિ પેદા નથી કરી શકતો.તેના માટે તે સંસ્થા પર આધાર રાખે છે. તે સંપત્તિ સર્જન સંસ્થાની અંદર કરે છે. નારી સ્વરૂપ સંસ્થાની રજૂઆત માટે વધારે બંધ એટલે બેસે છે જે રીતે સ્ત્રી પોતાનાં શરીરની અંદર જીવને પાંગરે છે તેમ સંપત્તિનું સર્જન પણ સંસ્થાની અંદર થાય છે. આમ સંસ્થાની રજૂઆત કરવ અમાટે નારી સ્વરૂપ વધારે ઉપયુક્ત નીવડે છે. સંપત્તિની સર્જન કરવાને પહેલ નેતા લે છે, પણ તેનું ખરેખર સર્જન સંસ્થાની અંદર થાય છે. સંપત્તિ સર્જનનો વિચાર એક વાર નેતા પાસેથી ફલિત થાય પછી નેતાનું બહુ મહત્ત્વ નથી રહેતું. એ પછી સંસ્થાની ભૂમિકા શરૂ થઈ જાય છે. પણ સંસ્થાનું અસ્તિત્ત્વ નેતા સિવાય શક્ય છે ખરૂં? ના. નેતા સંસ્થા પર અધાર રાખ્યા વિના ટકી શકે? ના.બન્ને એકબીજાં પર, અર્ધનારીશ્વર જેમ, આધારિત છે.

એટલે એકને બીજાંથી ચડીયાતાં ચીતરવાનો કોઇ જ પ્રયાસ નથી કરાયો.

બસ, દુઃખની વાત જે એ છે કે લોકો એમ ધારી લે છે કે પૌરાણિક શાસ્ત્રો જાતિ આધારિત અધિક્રમ સૂચવે છે. પૌરાણિક શાસ્ત્રો એમ બિલકુલ નથી કરતાં. સમાજમાં જાતિ આધારિત અધિક્રમ છે, તેને લોકોએ પૌરાણિક શાસ્ત્રો પર આધારિત હોવાનું ઠસાવવાનો પ્રયાસ કર્યો છે. છે ખરેખર ઉલ્ટું. પૌરાણિક શાસ્ત્રો સહસ્તિત્ત્વની વાત કહે છે, પણ કમનસીબે સમાજ એવું માને છે કે એક કરતાં બીજું ચડીયાતું છે.

શારીરીક તફાવતને કારણે બળ જ્યાં વધારે જરૂર પડે તેવા સંજોગો વધારે ઊભા થયા હશે કે નવજાત શિશુને ઉછેરવા માટે નારી સહજ શારીરીક આવશ્યકતાઓને કારણે હશે, પણ માનવ સમાજના પુરુષને ચડીયાતો ગણવાની ઘરેડ કેમ રૂઢ બની ગઈ એ એક અલગ અબ્યાસનો વિષય છે. પરંતુ એ પણ હકીકત છે કે આવા જ શારીરીક તફાવતો પ્રાણીઓમાં પણ છે, અને વળી ત્યાં તો સંવનન માટે માદાને રીઝવવા માટે નરને કંઈ કેટલાય ખેલ પાડવા પડતા હોય છે. તેમ છતાં, પ્રાણી જગતમાં નર કે માદાના ચડિયાતાંપણાંની કોઈ પ્રથા નથી તો ઘર કરી ગઈ કે નથી તો તેની એ વિષે કોઈ ચર્ચાઓ. જોકે માનવ સમાજમાં પણ સ્ત્રીપ્રધાન વ્યવસ્થાઓનું અસ્તિત્ત્વ તો રહ્યું છે, પછી ભલે ને તે મહદ અંશે આદીવાસી પ્રજામાં જોવા મળતું હોય કે પછી તેને અપવાદ રૂપ માનવામાં આવે ! ખેર, આજની ચર્ચામાંથી આપણે શું તારણ કાઢવાનું પસંદ કરીશું?

જવાબ જો મુશ્કેલ જણાતો હોય તો ચાલો હવે બીઝનેસ સૂત્રની આ ટીવી શ્રેણીના ૯મા અંકભેદભાવ– ના બીજા ભાગમાં દેવદત્ત પટ્ટનાઈકની આ ચર્ચાને ભેદભાવ આધારિત અધિક્રમની રચના એ શીર્ષક હેઠળ આગળ વધારીશું.


[1] Mary Beard: Women in Power

1 comment for “બીઝનેસ સૂત્ર | ૯.૧| જાતિ: કોણ ચડીયાતું – પુરુષ કે સ્ત્રી?

  1. Vishnu Acharya
    November 23, 2018 at 5:53 am

    Shiva without Shakti is shava. Not to forget taht the female chromosome Y is much larger and stronger than X-chrome. Also in mitochondria, the cellular energy factories, Y chrome only is transmitted and thus all men and women of all time. Ma AdyaShakti’s offspring.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *