ફિર દેખો યારોં : વર્તમાન અને ભાવિના ભોગે ભૂતકાળમાં રાચવું કેટલું યોગ્ય?

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

દિવાળીના તહેવારો પૂરા થયા અને લાંબી રજાઓ પછી પાછા સહુ પોતપોતાની ઘરેડમાં ગોઠવાઈ ગયા હશે. હવે લગ્નગાળો ચાલુ થશે, અને નવેસરથી લોકો તેમાં પરોવાશે. એકધારી ઘરેડમાં તહેવારો સુખદ અપવાદ બનીને તાજામાજા થવાનો મોકો આપે છે. તહેવારો એક રીતે સંસ્કૃતિનું પ્રતિબિંબ હોય છે. તહેવારોની બદલાતી જતી ઊજવણીની પદ્ધતિ જોઈને ખ્યાલ આવે છે કે સંસ્કૃતિની વ્યાખ્યા ઘણી તરલ હોય છે. આ વર્ષે સર્વોચ્ચ અદાલત દ્વારા બહાર પાડવામાં આવેલી ફટાકડા નિર્ધારીત સમયમર્યાદામાં ફોડવાની માર્ગદર્શિકા ચર્ચામાં રહી અને ઘણે અંશે મજાકનો વિષય પણ બની રહી.

ખાસ કરીને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો કે જ્યાં અભિવ્યક્તિસ્વાતંત્ર્ય સોળ નહીં, બત્રીસે કળાએ ખીલેલું હોય છે તેની પર ઘણા લોકોએ આ માર્ગદર્શિકાની પોતપોતાની રીતે ઠેકડી ઊડાડી. કોઈકે પોતે ‘સવિનય કાનૂનભંગ’ કર્યો હોવાનું જણાવ્યું, તો કોઈકે એવા ‘નિર્દોષ’ સવાલો કર્યા કે સમયમર્યાદા અગાઉ સળગાવેલો ફટાકડો સમયમર્યાદા પછી ફૂટે તો તેને કાનૂનભંગ ગણાય કે કેમ! ઘણા બધા જાગ્રત અને પ્રબુદ્ધ નાગરિકોએ આને અદાલતની પોતાની સંસ્કૃતિમાં દખલઅંદાજી પણ ગણાવી. તહેવારો શી રીતે ઊજવવા એ પણ અદાલત કહે એ ઘણાને વધુ પડતું લાગ્યું. તેમનો પક્ષ સાંભળીએ તો લાગે કે વાત સાચી છે. અદાલત, અને એ પણ સર્વોચ્ચ અદાલત આવી માર્ગદર્શિકાઓ બહાર પાડે એનો શો અર્થ? અલબત્ત, શા કારણે સર્વોચ્ચ અદાલતે આ મામલે સુધ્ધાં દખલઅંદાજી કરવી પડી એ મુદ્દો ભાગ્યે જ ચર્ચાયો. ઘણા બધાએ તો તહેવાર છે એટલે નહીં, પણ અદાલતની માર્ગદર્શિકાની ખીલ્લી ઊડાડવા માટે જ ફટાકડા ફોડતા હોય એવો જુસ્સો દેખાડ્યો. અભિવ્યક્તિસ્વાતંત્ર્યના અતિરેકમાં આમ કરનારાઓએ આ ઘટનાને દેશનો બીજો સ્વાતંત્ર્ય દિન ન ગણાવ્યો એટલો એમનો ઊપકાર! અંગ્રેજી શાસનમાં ગાંધીજીની હાકલને માન આપીને જેમ સહુ શાસક વિરુદ્ધ નીકળી પડતા, એવા જ ઉત્સાહ અને ઉન્માદનું ઘણા નાગરિકોએ પ્રદર્શન કર્યું.

આનાથી શું સાબિત થયું? સૌથી ગાઢ લીટી એ હકીકત નીચે દોરાઈ કે કાયદાકાનૂન, અદાલત કે નિયમો બધું ઠીક છે. એ તોડવા માટે જ હોય છે. દેશના ઘણા બધા નાગરિકો માર્ગદર્શિકાનું પાલન નહીં કરે તો અદાલત શું કરી લેવાની? તે ક્યાં ક્યાં પહોંચી વળશે? દિવાળી હોય એટલે ફટાકડા ફોડાય જ, અને તેને લઈને ધ્વનિ પ્રદૂષણ યા વાયુ પ્રદૂષણ થતું હોય તો ભલે થતું! ફટાકડા ફોડવા આપણો જન્મસિદ્ધ હક છે, કેમ કે, એ આપણી સાંસ્કૃતિક પરંપરા છે.

ફટાકડા ફોડવા આપણી સાંસ્કૃતિક પરંપરા હોય તો પર્યાવરણની જાળવણી પણ આપણી સાંસ્કૃતિક પરંપરા છે. કદાચ તે આપણી સાંસ્કૃતિક પરંપરા ન હોય તો પણ તેને એ સ્થાન આપવું જોઈએ. એ દલીલ સૌથી હાથવગી હોય છે કે અદાલતને ફક્ત હિંદુ તહેવારો જ નડે છે અને અન્ય વિધર્મી (એટલે કે મુસ્લિમ) તહેવારોની ઊજવણી બાબતે તે સામાન્યપણે મૌન હોય છે.

એ હકીકત સ્વીકાર્યા વિના ચાલે એમ નથી કે તહેવાર યા ઊજવણી કોઈ પણ ધર્મની હોય, તેનાથી સાર્વજનિક નુકસાન થતું હોય તો તેની પર પુનર્વિચાર કરવો જોઈએ. કોઈ પણ રીતે તે કોઈ પ્રજાની યા સંસ્કૃતિની ઓળખ યા ગૌરવ બનવું ન જોઈએ. એમ બને તો એ પ્રજાને કેળવણીની (શિક્ષણની નહીં) તાતી જરૂર છે એ સ્વીકારવું રહ્યું. નાણાંની રેલમછેલ કરીને, પર્યાવરણ તેમજ જાહેર સુરક્ષાની ઐસીતૈસી કરીને થતી કોઈ પણ ઊજવણી બહુ વરવી અને બિભત્સ બની રહે છે. અને આવી ઊજવણીઓ ધર્મનિરપેક્ષ હોય છે. કેમ કે, તમામ ધર્મોવાળા ‘બીજા’થી ચડીયાતી રીતે તેને કરવાનો પ્રયત્ન કરે છે. ઘણા વખતથી અનુભવી શકાય છે કે આપણા તહેવારોની ઊજવણીમાં સહજતાને બદલે ઝનૂન અને ઉન્માદ વધી રહ્યાં છે. મોટા ભાગના તહેવારો તેના હાર્દથી ઘણા દૂર થઈ ગયા છે. ધ્વનિ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ કે અન્ય પ્રકારનાં પ્રદૂષણમાં તેનાથી ઊત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે.

અમસ્તું પણ આપણે ત્યાં વાતાવરણ એવું હોય છે કે કાનૂનપાલન કે નિયમપાલન કરનારને પોતે મૂર્ખ હોવાનો અને તેને કારણે લઘુમતિમાં હોવાનો અહેસાસ સતત થતો રહે. પોતાની ફરજમાં આવતું, પોતે જેના માટે વેતન મેળવે છે એ કામ કરવું પણ આપણે ત્યાં ‘કર્મયોગ’ ગણાતો હોય ત્યાં બીજી કોઈ વાત કરવાનો અર્થ જ નથી. અદાલત બધે પહોંચી વળે એ શક્ય નથી, કે નથી તે ઈચ્છનીય. નાગરિકો પોતે જ એટલા જાગ્રત બને તો બીજા કશાની જરૂર જ ન રહે. પણ આ ‘તો’ ખરા અર્થમાં તોંતેર મણનો બની રહ્યો છે. આ શી રીતે થાય? આ કંઈ રાતોરાત થનારી પ્રક્રિયા નથી, પણ વર્તમાન યુગમાં પર્યાવરણ કે પ્રદૂષણનાં આટઆટલાં જોખમો નજર સામે દેખાઈ રહ્યાં હોય ત્યારે હવે વિલંબ કરવો પાલવે એમ નથી. આપણે એ નક્કી કરવું પડશે કે આપણી સાંસ્કૃતિક પરંપરા અને ભવ્ય ભૂતકાળની ચ્યુઈંગ ગમને ચગળ્યા કરવી છે કે પછી આપણા વર્તમાન તેમજ આગામી પેઢીના ભાવિને સુનિશ્ચિત કરવું છે?

વ્યક્તિગત કે સામૂહિક ઊજવણી કરવાની હોય ત્યારે કોઈની રાહ જોયા વિના જાતે જ તેનો આરંભ કરી દેવો ઈષ્ટ ગણાય. બધી બાબતો માટે કાયદો બને ત્યાં સુધી રાહ જોવાની હવે જરૂર નથી, એમ કાયદો, નિયમ કે માર્ગદર્શિકાનું પાલન કરવું એ કોઈ સામાજિક શરમ નથી, બલ્કે નાગરિક તરીકેની ફરજ, અને એથી આગળ વધીને વર્તમાનની તાતી જરૂરિયાત છે એ સમજવું અને સ્વીકારવું પડશે. દિવાળી તો ગઈ, ત્યાર પછી લગ્નગાળો આવશે, ઈશુનું નવું વર્ષ, ઊત્તરાયણ, હોળી, ગણેશોત્સવ, મોહરમ, નવરાત્રિ જેવા તહેવારો પણ આવતા રહેશે. સંસ્કૃતિ, ઓળખ કે પરંપરાનું મિથ્યાગૌરવ મૂકીને હવે પર્યાવરણને વધુ બગડતું અટકાવવા માટેનાં પગલાં ભરવાનો સમય પાકી ગયો છે. ઠાલી શુભેચ્છાઓ અને પોકળ સંદેશાઓનું વહન બહુ થયું, નક્કર પગલાં વ્યક્તિગત સ્તરે ભરવામાં નહીં આવે તો જે સંસ્કૃતિનું આપણે ગૌરવ લઈ રહ્યા છીએ એ જ નહીં બચે!


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫-૧૧-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *