





હીરજી ભીંગરાડિયા
સરકસમાં વાઘ-સિંહ જેવા ખુંખાર પ્રાણીઓને એનો રીંગમાસ્ટર કહે તેમ હુકમ પાલન કરતા અને હાથી જેવા મહાકાય પ્રાણીને ટેબલ પર ચડી, પાછલા બે પગ પર ઊભો થઈ, સુંઢ અને આગલા બે પગથી સલામી દેતા કરી દેવાય છે. પણ એ અભિનય તો વીજળીના ચાબુક-મારના ભયથી થતો રહેતો હોય છે. એક બીજો પ્રકાર; ડર વિનાની તાલીમથી પણ પ્રાણીઓ વશમાં વર્તતાં હોય છે. જેમકે માકડું મદારી કહે તેવા જુદા જુદા ખેલ કરતું આપણે ભાળીએ છીએ, એ તાલીમ આપ્યાનું જ પરિણામ છે. એવું જ સાંતીડે ચાલતા બળદોને ‘હાલ્ય’ કહીએ ત્યાં હાલતા થાય અને ‘વળ્ય’ કહીએ ત્યાં એક બાજુ વળી જાય, ‘ધર’ કહી, રાશ જરા નીચી કરીએ એટલે ગાડાની ધુંસરી કાંધ પર ધરી લે છે, પણ એ ય બધું એને એ જાતની તાલીમ દીધા પછીના જવાબ રૂપેનું હોય છે. જ્યારે ત્રીજી રીત પરસ્પરના પ્રેમની અભિવ્યક્તિ છે. જેમાં પાલક અને પશુ વચ્ચેના પ્રેમની, વફાદારીની અને લાગણીના સંબંધની, અને એ પણ કોઇ જાતની ખાસ તાલીમ આપ્યા વિના, ડર તો નહીં જ, પણ પાલક અને પશુના એકબીજાના રોજબરોજના સહવાસ, એને મળતું વાતાવરણ અને પાલક તથા પશુઓના અંદરોઅંદરના સહેજે વહેંચાતા રહેતા નિર્વ્યાજ પ્રેમની અસર આપણે ત્યાં કઈ કક્ષા સુધી થઈ શકતી હોય છે તેની વાત કરવી છે.
, રીંગમાસ્ટર આ ડરાવનારા ચાબુક વિના જાય તો હિંસક પ્રાણીઓ એને જ ફાડી ખાય ! કે હાથીએ રીંગમાસ્ટરને કચડી દીધાના દાખલાય છે. જ્યારે તાલીમ અપાયાથી વશ વર્તતાં પ્રાણીઓ પણ માલિકને ચહતાં તો નથી જ, દોરી ન બાંધે તો માંકડું નાસી જ જાય ! પણ એવી તાલીમમાં થોડોકેય પ્રાણીપ્રેમ ભળે છે તો બળદ પાલકને કે તેના ઘરને ભૂલતો નથી. ગો-વંશમાં પ્રેમ પારખવાનું મનોબળ વિશેષ છે. છતાંએ તાલીમ પામેલ બળદ પણ કોઇવાર પાલકને વગાડી દે છે ખરા. તાલીમની એ મર્યાદા છે. પણ જ્યાં કેવળ ‘પ્રેમ’ એકબીજાને જોડી રાખતો હોય ત્યાં કેવા આશ્ચર્યકારક કિસ્સાઓ બને છે, એ મારે તમને કહેવા છે.પણ એ પહેલાં સરખામણી કરવાનું ફાવે એદ્રષ્ટિએ ઇઝરાઇલ દેશની કે જ્યાંઅમે તાજેતરમાં જઈઆવ્યા ત્યાંના ગો-પાલનની વાત કરીએ.
સાચુ કહેજો હો !: આપણો કોઇ દેશવાસી ગાય વિયાણા ભેળું જ એના બચલાને એની ‘મા’ થી કાયમ મટે દૂર હડસેલી દેવા જેટલો નિર્દય બની શકે ખરો ? જ્યારે ઇઝરાઇલમાં અમે જોયું કે ગાય વિયાણી ? તો તાજા જન્મેલા એના બચ્ચા પર એની માની નજર ન પડે તેમ દૂર ખસેડી લે છે, બસ, એવી જ ઝડપેસલાક પ્રથા ! એ લોકો ગણાય છે પાછા પૂરા જાણકાર ! તાજી વિયાયેલ ગાયનું શરૂઆતનું દૂધ “ખીરુ” એ બચ્ચા માટે હોય છે રોગપ્રતિકારક શક્તિ બક્ષનારું. એટલે શરૂઆતના 3 દિવસ બચ્ચાને ખીરૂ પાવું ફરજિયાત, પણ ગાયના આંચળ મોઢામાં લેવરાવી- ધવરાવીને નહીં, અલગ જગ્યાએ ટોટી દ્વારા ચુસાવીને. વાછરડું ધાવે અને એની માતાના વાત્સલ્યભાવ-સ્નેહ-પ્રેમના પ્રતિસાદ રૂપી ગાય ‘પારહો’ મૂકે, અડાણ માહ્યલાં દૂધ-દ્વાર ખૂલે અને અમિની સરવાણીઓ ફૂટી આપમેળે વાછરુના મોંમાં વહેવા માંડે ! અરે, ક્યારેક તો વાછરુ ધાવ્યે ન પહોંચે એટલા જોરથી ધાવણનો પ્રવાહ વહી આવે કે વાછરુના મોં પાસેથી છ્લકાઇને જમીન પર પડવા માંડે, એવું વિરલ દ્રશ્ય તો આપણા દેશમાં જ જોવા મળે !
ઇઝરાઇલમાં મોટેભાગે એચ.એફ. બ્રીડની ‘કાવ’ ને પહેલેથી ટેવ જ એવી પડાય છે કે ગાયને પિંજરામાં ખડી કરી દેવાની,આઘી-પાછી ન થઈ શકે તેમ ઝકડીને લોક કરી દેવાની, અડાણ પર દૂધ-દોહન મશીન ચોટાડી દેવાનું અને પછી દબાવવાની સ્વીચ, કે જેથી દોહણિયું [કૃતિમ મુઠી] માંડે આંચળ પર એવી હલચલ મચાવવા કે પારહો-બારહો વાળવાની વાત કોરાણે રહી-આંચળના દ્વાર પરાણે જાય ખુલી, અને કાવની મરજી હોય કે ન હોય, દોહણિયું એકવાર આંચળે ચોટી ગયું ? પછી આઉમાંનો હાજર જથ્થો બધો વેક્યુમ-પ્રેસરથી ખેંચી લીધા પછી જ આંચળનો છુટકારો કરે બોલો !
ત્યાં અમે જોયું કે ગૌશાળાની બધી જ ગાયોને ખાણદાણ અને ચારો ખાવા હોય એટલા ખવરાવે, દિવસમાં ત્રણ ત્રણ ને પાંચ-પાંચ વાર નવરાવે, પણ એની ગોવાળી કરનાર કોઇ જણ એના બરડે, માથે કે ડીલે હાથ ફેરવી સ્નેહભર્યા બે બુચકારા મોઢેથી બોલી, વહાલ વરસાવવા નહીં-એની પાસેથી વધુમાં વધુ દૂધ કેમ કઢાવી શકાય એવી જ એક માત્ર દાનતથી એ બધા કારહા અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા હોય છે. અને પરિણામે ત્યાંના ‘કાવ’ જનાવરોની દૂધ આપવાની ક્ષમતા અધધ….આપણા માન્યામાં ન આવે એવડી હો ! 60-70 થી માંડી 80 અને 85 લીટર 24 કલાકમાં એક એચ,એફ.કાવ દૂધ દેતી હોય એવી મોટાભાગની ગાયો ભાળી. અને 20-25 લીટરથી ઓછું દૂધ કરનારી ગાયો એમને પોસાણ બહારની ગાયો બની જાય છે ભાઇ ! અને આ ગાયોને પછી હવે માત્ર ગૌશાળામાંથી જ નહીં, એની જીંદગીમાંથી જ અપાઇ જાય છે મુક્તિ ! કતલખાનું જ એનો અંતિમ વિસામો બની રહેતું હોય છે. એનું દૂધ પીનારા જ એને ખાઇ જવાના ! મિત્રો ! એમની ગૌશાળાનું યુનીટ વાયેબલ બને છે, એનું સૌથી મોટું કારણ બસ એજ જણાયું કે એમને જેમ આપણે ઉછરતાં, ઓછું દૂધ આપતા, ઘરડા-બુઢ્ઢા કે બિન ઉપયોગી વાછરડા પાછળ સેવા કે ખર્ચ કરવાના થતાં હોય છે એવા એમને થતા નથી.ઉલટાના એવાપશુઓ ખોરાકી માધ્યમ બની રહેછે તે વધારામાં
આપણામાં અને એનામાં ફેર એક જ કે ત્યાંની “કાવ” જીવતું પ્રાણી હોવા છતાં એની સાથે જે વ્યવહાર કરવામાં આવે છે તે “જીવતા જીવ” તરીકેનો નહીં, દૂધ આપનાર જાણે કે એક યંત્ર હોય તેવો વ્યવહાર કરવામાં આવે છે. અને આપણે જેમ રસોડાનું કોઇ વાસણ કે ખેતીકામનું કોઇ સાંતીડું જૂનું થઈ, બરાબર કામ આપતું બંધ થતાં જેમ ભંગારી કે કબાડીમાં કૂટવટાવ કરી વાળીએ છીએ, બસ એમ જ ઓછા ઉપયોગી પશુઓને રદ-બાતલ કરી દેવાય છે. જ્યાં માણસો અને પશુઓને એટલો ભેળહારો જ નથી, પશુઓએ પાલક તરફથી પ્રેમ ભાળ્યો જ નથી, જે પશુઓમાં પોતાના બચ્ચા માટેય સ્નેહ-પ્રેમ વરસાવતી ગ્રંથીને જ કુંઠિત કરી દેવામાં આવી છે, તે પશુ તેના પાલકને પ્રેમ કેમ આપી શકે, કહો !
જ્યારે આપણે ત્યાં ગાય, વાછરુ, બળદ કે કોઇ પણ પાલતુ પશુ કુટુંબના સભ્ય હોય એટલો પાલકનો પ્રેમ પામતા હોય છે. કેટલાક “કરડુ” પાલકોને બાદ કરતા મોટાભાગના ને પોતાનું પાલતુ પશુ હૈયાનો હાર હોય છે. એના દુ:ખે દુ:ખી અને એના સુખે સુખી રહેતા હોય છે. આપણે ત્યાંના ભારતીય ગોવંશમાં અને એમાંયે અમને અનુભવ છે એવા ગીર ગો-વંશમાં ખાસ પ્રકારની કોઇ તાલીમ આપ્યા વિના કે કોઇ પ્રકારનો ભય-બીક દેખાડ્યા વિના પણ પાલક સાથેના સહજ સહવાસ અને રોજબરોજના વાતાવરણ-વ્યવહારમાંથી જ પશુઓ પ્રેમ પારખી લેતા હોય છે, અને પાલક સાથે એનું દિલ જોડી દેતા હોય છે. અરે ! આપણા સુખ-દુ:ખને એના સુખ-દુ:ખ સમજવા લાગતા હોય છે. એ તો એમને રજુ કરવાની ભાષા પ્રકૃતિએ આપી નથી એટલે શું કરે બિચારાં ? છતાં એનાથી થઈ શકે એ રીતના હાવભાવ અને વર્તન પ્રસંગ આવ્યે એ દેખાડીને જ રહેતાં હોય છે.
આ રહ્યા કેટલાક બોલતા પૂરાવા :
[1] વાછરુંને ગોળ કુંડાળે ફરતાં ભાળ્યાં : અમારે નાનાભાઇ વજુનો નાનો દીકરો ખુશ અમદાવાદમાં ગૌશાળા ચલાવે છે. અમે થોડા દિ’ પહેલાં એની મુલાકાતે ગયા હતા. તો માળો મને કહે, “ બાપા ! તમારે નાટક જોવું છે ?” હું તો વિચારતો હતો કે આ ધોળા દિવસે કેવું નાટક કરવાનો હશે ?” ત્યાં તો એ રેલીંગ ટપીને વાછરુના વાડામાં કુદ્યો અને મને કહે “બાપા, આ બાજુ જૂઓ !” મેં એની તરફ નજર કરી તો ખુશ બે હાથ ઊંચા કરી વાડામાં ગોળ ગોળ દોડવા માંડ્યો તો વાછરુ બધાં તેની પાછળ દોડવા માંડ્યા. એક ચક્કર મારી ઊભો રહી ગયો તો તેની ફરતે બધા ઊભા રહી ગયા ! ખરું નાટક કર્યું પાલક અને પશુબચ્ચાંઓએ ! છોકરો કરે એમ ગાયનાંબચ્ચાં પણ કરે? ખરું કહેવાયને ! આને નર્યા પ્રેમસિવાય બીજું શું કહીશું કહો
[2]………..ધાવણો વાછરડો પાલકની સાથે વાડીમાં રખડે : પંચવટી બાગમાં ગયા વરસે શ્યામલી ગાય વિયાણી. એનો વાછરડો ગાયની ગોવાળી કરનાર અમરશીભાઇની સાથે એવો હળી ગયો કે વાછરડો ગાયને ધાવતો હોય અને અમરશીભાઇ ડેલા બહાર નીકળી વાડીમાં હાલતા થાય એટલે વાછરડો ધાવવાનું પડતું કરી અમરશીભાઇની વાંહોવાંહ દોડતો થઇ જાય, અરે ! પાછો વાળી એને બાંધી ન દઈએ તો એ જ્યાં જાય ત્યાં પાછળો પાછળ ફર્યા કરે ! શું આપી દીધું હશે અમરશીભાઇએ એવડા નાનકુડા વાછરડાને- પ્રેમ જ કે બીજું કાંઇ ?
[3]…….આખું ટોળું એના ગોવાળની આજ્ઞાને અનુસરે : માલપરામાં અમારા “પંચવટી” મકાન ના દરવાજા આગળથી ગાયોનું મોટું ટોળું સવારે સીમમાં ચરવા જવા અને સાંજે ચરીને પાછું ફરતાં એમ દિવસમાં બે વખત પસાર થાય છે. હાજર હોઉં ત્યારે હું જોયા કરું છું કે ભીમો માલધારી ખભે ડંગોરો લઈ આગળ હાલ્યો જતો હોય અને એની પાછળ ગાયોનું આખું ટોળું કે જેમાં અંદર દુજણી ગાયો હોય, ગાભણી ગાયો હોય, કેટલીય વોડકીઓ હોય, અધવધડિયા વાછરુ અને ઘરડી-બુઢ્ઢી ગાયો પણ હોય, અને ઝપટે ચડ્યા એના ઉકરડામાં માથા ભરાવી ધૂળની ડમરીઓ ઉડાતતો આવતો અને ભ્હાં….ભ્હાં…જેવી ત્રાડુ દેતો ખૂંટડોય ભેળો ભલેને હોય, બધા જ એની પાછળ પાછળ જાણે શિક્ષકની પાછળ નિહાળિયાનું ટોળું ડાહ્યું-ડમરું થઈ હાલ્યું જતું હોય તેમ ગાયોનું આખું વૃન્દ ચાલ્યું જતું ને આવતું ભળાયા કરે છે. ભીમો ઊભો રહે તો ટોળું આખું ઊભું રહે, અને એના એક જ ડચકારે પાછું આખું ટોળું હાલતું થાય બોલો ! પશુઓને ભીમા તરફથી મળતા સ્નેહ-પ્રેમનો જ આ પ્રતાપ ગણાય કે બીજુ કાંઇ !
[4]……….ગોવાળની ભેરે દોડી આવી ગાયો : હું લોકભારતીમાં ભણતો હતો [1962-65]ત્યારે ત્યાંની ગૌશાળામાં બનુબાપુ નામે ગોવાળ હતા. એક દિવસ બપોર વચાળે ગાયોનું ટોળું ચોરવડલાના બીડમાં ઘાસચરી ધરાઇને લીમડાને છાંયડે બેઠું બેઠું વાઘોલતું હતું. અને બનુબાપુ દૂર બીજા લીમડાને છાંયડે લાકડીને ટેકો દઈ ઊભા હતા, એવે ટાણે અમે 3-4 નિહાળિયા ત્યાં જઈ ચડ્યા, અને બાપુ સાથે બખાળે વળગ્યા.”અરે બાપુ ! એકલા એકલા આટલી બધી ગાયોને લઈને ચોરવડલાના બીડમાં ચરાવવા જાઓ છે તે એક-બે ને કોઇક લઈ જાશે તો સંસ્થાને શું જવાબ દેશો ?” બાપુ હતા પૂરા મોજમાં. “અરે, મારી ગવતરીને કોઇ હાથ તો અડાડી જૂએ ?” અમે કહ્યું “પછી તમે શું કરી લ્યો હેં ?” તો કહે, “શું કરી લઈં એની ખબર ઇ…. ટાણે….પ…ડે..!” એવો બાપુનો લવો પૂરો ન વળ્યો ત્યાં અમારી સાથે એક ‘ડુટલો’ કરીને આદીવાસી પહેલવાન છોકરો હતો તેણે માળે બાપુને ઓચિંતાના પાછળથી આવી બાથ ભરીને એવા ઉંચા કરીને તોળી લીધા કે ડુટલાની બાથમાંથી છૂટવા બાપુ બોલવાનું બંધ કરી, હાથ-પગ હલાવી હવામાં હાવલા મારવા મંડી ગયા ! અને આઘેના લીમડે બેઠેલી ગાયોને ‘ગોવાળને કંઇક મુશ્કેલી ઊભી થઈ છે’ એવો અણસારો આવી ગયો. અને માળી ફટોફટ ઊભી થઈ, પૂંછડાં ઉંચા લઈ, ઠારથી જે હડી કાઢી કે ડુટલાએ અને અમારે બધાને બાપુને બાથમાંથી હેઠા મૂકી, ગાયોથી બચવા ભાગીને જે જડ્યો તે લીમડે સડસડાટ ચડી જવું પડ્યું. કોણે શિખવ્યું હતું એના ગોવાળ-માલિકનું રક્ષણ કરવાનું આ ગાયોને કહો ! ગાયોને મળતા બાપુના પ્રેમનો જ આ બદલો ગણાય ને ?
[5]……….અમારી ‘ગોરી’ ગાય કરજ ચૂકાવવા પાછી આવી.: આવું ન કરવું જોઇએ, પણ સંજોગવશાત અમારે કરવું પડ્યું. પંચવટી બાગમાં ધીરે ધીરે કરતા ઢોરાંની સંખ્યા એટલી બધી વધી પડી કે વાડીમાં કામ કરનાર ભાગિયાને ઊભી મોલાતની જરૂરી માવજત કરવી કે આ બધાં ટોળાંએક ઢોરાંની ગોવાળી કરવી ? એમને તાણ્યોપંથ પડવા માંડ્યો છે એવું નજરે ચડતાં 8-10 નાનામોટાં ઢોરાંને જરૂરી રકમ ભરી ઢસાની મહાજન-પાંજરાપોળમાં મૂકી આવ્યા. તેમને બેએક મહિના ઢસામાં રાખ્યા પછી તેમણે છાપરિયાળી-ઝેસર મહાજનમાં મોકલી દીધેલાં, અને અંદાજે બારેક મહિના વીતી ગયા હશે ! ને માળું, એક દિવસ સવારમાં વાડીએ દરવાજામાં દાખલ થતાં પહેલાં જ બહારના ઢોરવાડામાં નજર જતાં એક અજાણી ગાય નજરે ચડી. જીપ ઊભી રાખી નીરખીને જોયું તો “અલ્યા ! આ તો માહાજનમાં વરસ દિ’ પહેલા મોકલી દીધી હતી એ,આપણી ‘ગોરી’ જ પાછી આવી લાગે છે !” એવું મનમાં બોલાઇ ગયું. દરવાજામાં જઈ, ભાગિયાને પૂછ્યું તો કહે “રાત્રિ દરમ્યાન વાડાની વાડ્ય ટપીને એનીમેળે અંદર આવી ગઈ છે.” અમે એ ગાયને હવે જાકારો ન દીધો. રાખી લીધી. એ ગાય ગાભણી નીકળી, અને સમય પૂર્ણ થતાં વિયાણી. ત્રણ મહિના દૂધ દોહ્યું. અને એક દિ’ ઓચિંતાનો રાત્રિ દરમ્યાન એવો તાવ ચડ્યો અને શરીર ગાંઠો ગાંઠોવાળું થઈ ગયું. સવારે પશુ ડોક્ટરને લાવું લાવું એ પહેલાં પ્રાણ તજી ગઈ. અમે તો નિષ્ઠુર બની એને મહાજનમાં મૂકી આવેલા છતાં એ ગાય અમને ભૂલી નહીં, ગાળો મળતાં ટોળામાંથી સરકી જઈ, વાડીએ આવી ગઈ, વિયાણી, દૂધ આપ્યું. સમજાતું નથી કે 60 કિ.મી.દૂર આવેલી વાડીની ભાળ એણે કેમ કાઢી હશે ? એને વાડીએ આવવાનો રસ્તો કેમ સુજ્યો હશે ? પણ કર્તા તો કુદરત છે ને ! એને ઉપરવાળાની ભેર મળી ગઈ હશે એમ જ સમજવું રહ્યું.પણ અમે કરેલા અપકારનો બદલો એણે ઉપકારથી વાળ્યો. આ છે ગીર-ગો-વંશની વફાદારી !
આપણા દેશવાસીઓના લોહીના સંસ્કાર જ એવા છે કે આપણે પશુ-પક્ષીઓ પ્રત્યે પણ દયા અને પ્રેમની લાગણીથી જ વર્તીએ. અને એમાંય ગાયને તો આપણે માતાનું બિરૂદ આપી પૂજનીય ગણીએ છીએ. જોકે સમય બદલાતાં હવે ‘શ્રમ’ નો મહિમા ઘટ્યો છે, એનો વા ખેડૂતોમાં પણ વાયો છે. ખેડૂતો પંડ્ય મહેનતથી બચવા ખેતીકાર્યોમાં બળદને બદલે યંત્રોથી કામ લેતા થઈ જતાં ગાયોને પેટે જન્મતા નર વાછરડાંને બિન ઉપયોગી બનાવવા માંડ્યા છીએ, ગામડાં અને શહેરોની બજારોમાં એ રેઢિયાળ થઈ રખડતાં થઈ ગયા છે, ભૂંડ અને રોઝડાંની જેમ ખેતર-વાડીઓમાં એના પણ રખોપાં રાખવાના માથાના દુખાવા શરૂ થઈ ગયા હોવા છતાં તેને કસાઇખાને મોકલી નિકાલ કરવાનો વિચાર સુદ્ધાં આપણા દિલને આંચકો આપનારો બને છે. રસ્તો બીજો જે કોઇ લેવો પડે તે શોધીએ, બાકી તેને મૃત્યુદંડ દેવાનું તો કરી જ શકીશું નહીં. ઇઝરાઇલ જેવા નિર્ણયો આપણે કોઇ સંજોગોમાં લઈ શકીએ નહીં.કારણ કે આપણી અને પશુ-પક્ષીઓની લાગણીઓ પરસ્પર એકબીજાની સાથે જોડાએલી,અંદરો અંદર વણાએલી છે. આપણે ગાયને માત્ર દૂધ આપનારું મશીન નહીં, પણ માતાને સ્થાને બેસાડેલ છે. આપણા લોહીમાં ‘જીવો અને જીવવા દો’ મંત્રનો અવાજ ગુંજી રહ્યો છે. ગોપાલનનો વ્યવસાય કદાચ ઓછો વાયેબલ બને તો મંજુર, બાકી ‘કતલ’ કરવાનો આદેશ આપણું હૈયુ નહીં ઝીલી શકે ! ઉપાય કોઇ બીજો જ શોધવો પડશે.
સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
ઇઝરાઇલની વાત વાંચીને દુઃખ થયું.
ઇઝરાઇલની વાત વાંચીને દુઃખ થયું.