ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : પ્રણવ અને ચાર મૂળભૂત બળ

Facebooktwitterredditpinterestlinkedinmail

 ચિરાગ પટેલ

નારદપરિવ્રાજક ઉપનિષદમાં વિવિધ શ્લોકના સમૂહને ઉપદેશ તરીકે પ્રસ્તુત કર્યાં છે. એમાંથી આઠમા ઉપદેશમાં કંઈક એવું કહેવાયું છે, જે લગભગ 100-150 વર્ષો પહેલાં આપણે પ્રથમવાર આધુનિક વિજ્ઞાન અને વિશેષતઃ ક્વૉન્ટમ ભૌતિકશાસ્ત્રમાં  જાણ્યું! સહુપ્રથમ આઠમા ઉપદેશના એ શ્લોક અને એમના અર્થ જોઈએ.

अथ हैनं भगवन्तं परमेष्ठिनं नारदः पप्रच्छ संसारतारकं प्रसन्नो ब्रूहीति। तथेति परमेष्ठी वक्तुमुपचक्रमे ओमिति ब्रह्मेति व्यष्टिसमष्टिप्रकारेण। का व्यष्टिः का समष्टिः संहारप्रणवः सॄष्टिप्रणवश्चान्तर्बहिश्चोभयात्मकत्वात्त्रिविधो ब्रह्मप्रणवः। अन्तःप्रणवो व्यावहारिकप्रणवः। बाह्यप्रणव आर्षप्रणवः। उभयात्मको विराट् प्रणवः। संहारप्रणवो ब्रह्मप्रणवोऽर्धमात्राप्रणवः॥ ८-१ ॥

ત્યારબાદ બ્રહમાજીને નારદે પ્રશ્ન કર્યો, “હે ભગવાન! સંસાર તરાવનાર મંત્ર કયો છે? કૃપા કરી મને જણાવો.” બ્રહ્માજીએ તથાસ્તુ કહી જણાવ્યું કે, “ૐ એ તારક મંત્ર છે. એ જ બ્રહ્મ છે. વ્યષ્ટિ અને સમષ્ટિ બેય સ્વરૂપે એનું ધ્યાન કરવું. નારદે ફરી પૂછ્યું, “વ્યષ્ટિ અને સમષ્ટિનો અર્થ શું?” બ્રહ્માજીએ કહ્યું કે, “વ્યષ્ટિ અને સમષ્ટિ બ્રહ્મના અંગ-અવયવ છે. એક જ બ્રહ્મના ત્રણ ભેદ છે – સંહાર પ્રણવ, સૃષ્ટિ પ્રણવ, અને ઉભયાત્મક પ્રણવ. ઉભયાત્મક પ્રણવના બે ભેદ છે અંતઃ પ્રણવ અને બાહ્ય કે વ્યાવહારિક પ્રણવ. બાહ્ય પ્રણવને આર્ષ પ્રણવ કહે છે. ઉભયાત્મક પ્રણવને વિરાટ પ્રણવ કહે છે. સંહાર પ્રણવને બ્રહ્મ પ્રણવ કહે છે. એને અર્ધમાત્રા પ્રણવ પણ કહે છે.” 8-1

ओमिति ब्रह्म। ओमित्येकाक्षरमन्तःप्रणवं विध्दि। स चाष्टधा भिद्यते। अकारोकारमकारार्धमात्रानादबिन्दुकलाशक्तिश्चेति। तत्र चत्वार अकारश्चायुतावयवान्वित उकारः सहस्त्रावयवान्वितोमकारः शतावयवोपेतोऽर्धमात्राप्रणवोऽनन्तावयवाकारः। सगुणो विराट्प्रणवः संहारो निर्गुणप्रणव उभयात्मकोत्पत्तिप्रणवो यथाप्लुतो विराट्प्लुत प्लुतः संहारः॥ ८-२ ॥

આ ૐ બ્રહ્મ છે. આ અંતઃ પ્રણવને જ એકાક્ષર મંત્ર જાણો. એ આઠ ભાગમાં વહેંચાયેલો છે. અકાર, ઉકાર, મકાર, અર્ધમાત્રા, નાદ, બિંદુ, કલા અને શક્તિ આ આઠ ભેદ ૐના રૂપ છે. આ પ્રણવ માત્ર ચાર-ચાર માત્રાઓ જ નહિ, પરંતુ એની એક-એક માત્ર અનેક ભેદોથી યુક્ત છે. અકાર દસ હજાર અંગ અવયવોથી પરિપૂર્ણ છે. ઉકારના એક હજાર અને મકારના સો અંગ છે. અર્ધમાત્રા પણ અનંત અંગ-અવયવોથી પરિપૂર્ણ છે. વિરાટ પ્રણવ સગુણ અને સંહાર પ્રણવ નિર્ગુણ મનાય છે. સૃષ્ટિ પ્રણવ સગુણ અને નિર્ગુણ એમ બંનેથી સંબંધિત છે. વિરાટ પ્રણવ અકારાદિ ચાર માત્રાઓ વાળો છે અને સંહાર પ્રણવ પણ ચાર માત્રાઓથી યુક્ત છે.

આધુનિક વિજ્ઞાન પ્રમાણે ચાર મૂળભૂત બળ છે – ગુરુત્વાકર્ષણ (gravitational), વિદ્યુત ચુંબકીય (electromagnetic), દુર્બળ (weak), અને પ્રબળ (strong).

વિદ્યુતચુંબકીય અને દુર્બળ બંને  એક જ પ્રકારના બળ વિદ્યુત દુર્બળ (electroweak) બળની જુદી અભિવ્યક્તિ માત્ર છે. પરમાણુના પ્રાથમિક બંધારણનો ક્ષય થવાથી જે વિકિરણો જન્મે છે એ દુર્બળ બળને આભારી છે. વિદ્યુત ચુંબકીય કિરણો, જે અનેકગણા મોટા ફલક પર અનુભવાય છે એ દુર્બળ બળની બાહ્ય અભિવ્યક્તિ છે. આપણે વિદ્યુત દુર્બળ બળને ઉભયાત્મક પ્રણવ સાથે સરખાવીએ તો જણાશે કે, દુર્બળ બળ એ અંતઃ પ્રણવ અને વિદ્યુતચુંબકીય બળ એ બાહ્ય પ્રણવ છે. વિરાટ પ્રણવ જે બાહ્ય પ્રણવ છે એ સગુણ છે. વિદ્યુતચુંબકીય બળની વિવિધ અસરો જેમ કે, મેઘધનુષ, ઘર્ષણ, વીજળી, લેસર, કમ્પ્યુટર, ટીવી, સેટેલાઇટ કમ્યુનિકેશન વગેરે આપણે અનુભવીએ છીએ, માણીએ છીએ. એ સર્વે બાહ્ય પ્રણવ છે. દુર્બળ બળ કે જે અંતઃ પ્રણવ છે એના ફર્મિઓન કણ પ્રમાણે બાર પ્રકાર છે. આ બળ આપણે સીધી રીતે અનુભવી શકતા નથી.

સૃષ્ટિ પ્રણવ એ પ્રબળ બળ લાગે છે. પ્રબળ બળ પરમાણુના પ્રોટોન-ન્યુટ્રોન બંધન માટે આવશ્યક છે. પ્રબળ બળને લીધે જ પરમાણુની નાભિ બને છે અને પરસ્પર અપાકર્ષણ ધરાવતાં કણો સહ-અસ્તિત્વ ધરાવે છે. એ ના હોય તો પરમાણુ ના હોય અને પરમાણુ ના બને તો આ સૃષ્ટિનું અસ્તિત્વ ના હોય!

સંહાર પ્રણવ એ ગુરુત્વાકર્ષણ બળ છે. સંહાર પ્રણવ નિર્ગુણ છે. દરેક પદાર્થ કે કણ જેને જથ્થો છે એ ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે. સંહાર પ્રણવથી સૃષ્ટિ ટકી રહી છે. ઉપનિષદમાં સંહાર પ્રણવ વિષે વધુ વર્ણન નથી, પરંતુ એક જ વાક્યમાં વિરાટ પ્રણવને સગુણ તથા સંહાર પ્રણવને નિર્ગુણ ગણાવ્યા છે. એટલે, આડકતરી રીતે સમષ્ટિના અસ્તિત્વ માટે વિદ્યુત ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળને સમતુલ્ય માન્યા છે. ઉપનિષદ પ્રમાણે સૃષ્ટિ  સગુણ અને નિર્ગુણ બંને ગુણોથી સંબંધિત છે.

ઉપરના શ્લોકોમાં જે માત્રાઓ વિષે ઉલ્લેખ છે એ આધુનિક વિજ્ઞાનના કયા ગુણધર્મ પર પ્રકાશ પડે છે એ વિષે હું ચોક્કસ નથી. એ વિષે ફરી ક્યારેક.


શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ઋતમંડળ

· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com2 comments for “ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : પ્રણવ અને ચાર મૂળભૂત બળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *