





– વીનેશ અંતાણી
સાહિત્યના વારસાને સાચવીને સમૃદ્ધ કરવાના શુભ હેતુ સાથે બીજી ઓક્ટોબર ૧૯૭૪, ગાંધીજીના જન્મદિવસે, કોલકત્તામાં ‘ભારતીય ભાષા પરિષદ’ની સ્થાપના કરવામાં આવી. પહેલી માર્ચ ૧૯૭૫ના રોજ બંગાળી ભાષાના સુપ્રસિદ્ધ સર્જક પ્રેમેન્દ્ર મિત્રાએ કવિ ઉમાશંકર જોશી અને મહાદેવી વર્મા જેવાં પ્રતિષ્ઠિત સાહિત્યકારોની ઉપસ્થિતિમાં એનું ઔપચારિક ઉદ્દઘાટન કર્યું હતું. એની સ્થાપનામાં પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને સમાજસેવક સીતારામ સેકસરિયા અને ભગીરથ કનોડિયાની મુખ્ય ભૂમિકા રહી હતી. રાષ્ટ્રીય અખંડિતતા, બહુલક્ષી સંસ્કૃતિ અને બધી ભાષાના સાહિત્યની સર્જનશીલતાને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે સ્થાપવામાં આવેલી આ બિનસરકારી સંસ્થા દ્વારા અન્ય પ્રવૃત્તિઓની સાથે ‘વાગર્થ’ નામનું હિન્દી માસિક પ્રકાશિત કરવામાં આવે છે.
‘વાગર્થ’ના જુલાઈ ૨૦૧૭ના અંકમાં એના સંપાદક શંભુનાથજીએ સંપાદકીયમાં કેટલાક વિચારણીય મુદ્દા મૂક્યા છે. તેઓ કહે છે: ‘શબ્દની ગરિમાની પ્રતિષ્ઠા સેંકડો વર્ષોથી સાહિત્યનું લક્ષ્ય રહ્યું છે. વર્તમાન સમયમાં શબ્દ સૌથી વધારે જખમી થયો છે. માત્ર રાજકારણમાં જ શબ્દોની રમત કરવામાં આવતી નથી, જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રો, મીડિયા અને પૉપ સંગીત પણ શબ્દોને લોહીલુહાણ કરી રહ્યાં છે. આજે આડંબરયુક્ત, ઉખાણા જેવી, ફતવા, અપમાનજનક શબ્દો અને ઘોંઘાટભરેલી ભાષાના મારાથી ભાષાની સંપૂર્ણ સત્તા ખતરામાં છે. મોબાઇલ, ટીવીના પરદા, છાપાંનાં પાનાં અને એફ.એમ. રેડિયોમાં વપરાતા શબ્દો સડેલા ટમાટા જેવા થતા ગયા છે. શબ્દ ત્યારે જ સડે છે, જ્યારે તે જવાબદારીપૂર્વક કહેવામાં આવ્યા ન હોય, મનોરંજન અથવા હિંસાના કે સત્તા-સંઘર્ષનાં સાધન બની ગયા હોય.’ શંભુનાથજી ચેતવણીનો સૂર ઉચ્ચારતાં કહે છે: ‘સાહિત્યને વાંચકો-ભાવકો સુધી પહોંચાડવાનું કામ ટીવીની ચેનલો નહીં કરે, કોઈ વેપારી આગળ આવશે નહીં અને ભક્તિકાળના સંતો પણ પાછા આવશે નહીં. એથી શિક્ષક, લેખક અને અન્ય બુદ્ધિજીવીઓ એમની પૂર્વનિર્ધારિત પાટા પર ચાલતી જિંદગીમાં બદલાવ લાવી સંસ્કૃતિના વિકાસના કામમાં સક્રિય થશે નહીં, તેઓ નવી સંવેદના, નવા વિચારો, નવા સ્વરૂપે અને નવી ચિંતાઓ સાથે સામે આવશે નહીં ત્યાં સુધી સાહિત્યનું ભવિષ્ય અસુરક્ષિત જ રહેશે.’ સાહિત્ય નિમિત્તે કહેવાયેલી આ વાત માનવસંસ્કૃતિને પણ સમગ્રપણે લાગુ પડે છે.
શંભુનાથજીની બીજી ચિંતા પણ સમજાવા જેવી છે. તેઓ કહે છે તેમ શબ્દોની ગરિમાનો સંબંધ મનુષ્યની ગરિમા સાથે જોડાયેલો છે. લખાતા કે બોલાતા શબ્દોમાં ગરિમા જળવાશે નહીં તો વ્યક્તિ અને સમાજના ગૌરવનું પતન થશે. એમણે અમેરિકાના કમ્પ્યૂટર નિષ્ણાંત સ્કૉટ મેકેનેલીએ કહેલી વાત યાદ કરી છે. સ્કૉટ મેકેનેલીએ ક્હ્યું હતું કે આજે માણસ જાતે વિચારવાનું ભૂલી ગયો છે. એ પોતાની બુદ્ધિથી સારા-નરસાનો ફેંસલો કરવા અસમર્થ બની ગયો છે. આજે આપણે બીજાનાં દુ:ખને સમજવાની સંવેદનશીલતા ગુમાવી બેઠા છીએ.
આપણે ગુમાવેલી સંવેદનશીલતા માટે અન્ય કારણોની સાથે દરેક ક્ષેત્રમાં આવી ગયેલું વ્યાપારીકરણ પણ જવાબદાર છે. આપણે બધું જ નફા-નુકસાનના ત્રાજવામાં માપવા લાગ્યા છીએ. ટેક્નોલોજીના વિકાસથી આજનો માનવી સંવેદના ગુમાવી બેઠો છે. શંભુનાથજી માને છે કે ટેકનોલોજીમાં એટલી તાકાત છે કે એ છાણને પણ સોનામાં બદલાવી શકે છે. હિંસા પણ એક પ્રકારનું સૌંદર્ય બની ગઈ છે. ફિલ્મોમાં આ વાત જોરશોરથી દેખાય છે. એવી માન્યતા ઘર કરવા લાગી છે કે જો ‘હિંસાનું રાજકારણ ખેલાઈ શકે તો હિંસા વ્યવસાય કેમ ન બની શકે?’
‘વાગર્થ’ના જુલાઈ ૨૦૧૭ના જ અંકમાં કશ્મીરના બારમી સદીના કવિઓથી માંડી આધુનિક સમયના કેટલાક કવિઓની કવિતા પ્રકાશિત થઈ છે. આ કવિતાઓમાંથી જોવા મળે છે કે કશ્મીરના બધા લોકો જેહાદી, આતંકવાદી અને ભાગલાવાદી નથી. તેઓ શાંતિ અને આત્મસમ્માન સાથે જીવવા માગે છે. એવા એક કવિ છે ગુલામ મોહમ્મદ મહજૂર. એમનો જન્મ ૧૮૮૫માં થયો અને ૧૯૫૨માં અવસાન થયું. એમને કશ્મીરના પહેલા આધુનિક કવિ માનવામાં આવે છે. એમની કવિતામાંથી ‘નૂતન કશ્મીરનો અવાજ’ સંભળાય છે. એમની એક કવિતા ‘ઊઠો એ બાગબાં’નો ગદ્યમાં સારાંશ જોઈએ: ‘હે બાગબાં, હે માળી, તું ઊઠ અને એક નવી વસંતની ચમક તરફ ચાલ, એવી પરિસ્થિતિ ઊભી કર કે બાગમાં ખીલેલાં ફૂલો પર બુલબુલ ગીત ગાઈ શકે. ઝાકળબિંદુઓ ઉજ્જડ થઈ ગયેલા બગીચાનો શોક મનાવે છે, દુ:ખી ગુલાબોએ પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં છે. હે માળી, તું આ ફૂલો અને બુલબુલમાં નવી જિંદગી ભરી દે. બગીચામાં વધી ગયેલી ઝેરી ઝાડીઓને મૂળ સમેત ઉખેડી નાખ, આ ઝાડીઓ ફૂલોને બરદાદ કરી નાખશે. સુંદર ફૂલોનો ગાલીચો ખીલવા માગે છે તો એમને ખીલવા દે… ઢેરોં ચિડિયાં ચહચહાતી હૈં ચમન મેં/ લેકિન અગલ-અલગ હૈં ઉનકે સૂર/ ઐ ખુદા પિરો દે ઉન્હેં એક પુરઅસર તરાને મેં…’’
છેક ૧૮૮૫માં જન્મેલા કવિ ગુલામ મોહમ્મદ મહજૂરની આ પંક્તિઓમાંથી ૨૦૧૭ના વર્તમાનની ગંધ ઊઠે છે. કહે છે: ‘દરેક દિલમાં છે એક બેચેની, પરંતુ કોઈમાં હિંમત નથી કે જબાન ખોલે. એક જ વાતનો ભય છે કે એમની આઝાદ જબાનથી ક્યાંક આઝાદી નારાજ ન થઈ જાય!’
***
શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com