કર્ણ કૃષ્ણ સંવાદ

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

મહાભારતમાં કર્ણ અને કૃષ્ણનો એક સંવાદ (કાલ્પનિક?) અંગ્રેજીમાં વાંચ્યો હતો. તેનો ભાવાનુવાદ.

કર્ણએ કૃષ્ણને પૂછ્યું કે મારી માતાએ જન્મતા જ મારો ત્યાગ કર્યો હતો. હું એક અનૌરસ બાળક તરીકે જન્મ્યો તેમાં મારો શું વાંક? આને કારણે હું ક્ષત્રિય ન ગણાયો એટલે ગુરૂ દ્રોણાચાર્યે મને શિક્ષા ન આપી. ત્યારબાદ હું પરશુરામ પાસે શિક્ષા લેવા ગયો ત્યારે તેમણે મને શિક્ષા તો આપી પણ તેમને જાણ થઇ કે હું કુંતીપુત્ર છું એટલે તે હિસાબે હું ક્ષત્રિય ગણાઉં. મારૂં શિક્ષણ પૂરૂં થઇ ગયું હતું એટલે મને શ્રાપ આપ્યો હતો કે અણીને સમયે હું તેમણે આપેલી બધી વિદ્યા ભૂલી જઈશ. દ્રૌપદીના સ્વયંવરમાં પણ હું અડધૂત થયો હતો.

પોતાના પુત્રોને બચાવવા નાછૂટકે કુંતીએ મને બધી વાત કરી હતી અને મને તેની માતા તરીકે સ્વીકારવાનું કહ્યું હતું. પણ જે કાઈ મેં મેળવ્યું છે તે બધું દુર્યોધન થકી. તો પછી તેનો પક્ષ લેવામાં શું વાંધો?

ઉત્તરમાં કૃષ્ણએ કહ્યું કે હું જેલમાં જન્મ્યો હતો અને જન્મતાં જ હું મારા માતા-પિતાથી વિખૂટો પડી ગયો હતો. તું તારા જન્મથી જ તલવારના અવાજ, રથો, ઘોડા, બાણ અને તીર વચ્ચે ઉછર્યો છે. મારા બાળપણમાં તો મારા માટે ગમાણ, ગાયો અને છાણ લખાયા હતાં.

મારા બાળપણમાં હું ચાલી શકું તે પહેલા મને મારી નાખવા કેટલાય પ્રયાસો થયા હતા. વળી ન કોઈ સૈન્યની તાલીમ, ન કોઈ ભણતર. અરે, લોકો તો મને જ બધી સમસ્યાઓનું મૂળ સમજતા હતાં.

તમે બધાએ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને તમારા ગુરૂ પાસેથી પ્રશંસા મેળવી હતી ત્યારે છેક ૧૬મા વર્ષે હું સાંદીપની ઋષિનાં ગુરૂકુળમાં દાખલ થયો હતો.

તું તો તારી પસંદગીની કન્યા સાથે વિવાહ કરી શક્યો પણ હું જેને ચાહતો હતો તે મને ન મળી. હકીકતમાં જે મને ચાહતા હતા તે કન્યાઓ અથવા જેને હું રાક્ષસો પાસેથી છોડાવીને લાવ્યો હતો તેમની સાથે મારે વિવાહ કરવા પડ્યા હતાં. જરાસંધથી બચાવવા મારે મારી આખી કોમને યમુના કિનારેથી દૂર છેક સાગર કિનારે વસાવવી પડી હતી. આમ જતાં રહેવાને કારણે મને કાયર પણ ગણવામાં આવ્યો !

હવે જો દુર્યોધન યુદ્ધ જીતશે તો તને તે માટે ઘણી બધી શાબાશી મળશે પણ જો ધર્માત્મા આ યુદ્ધ જીતશે તો? તો યુદ્ધ માટે અને તેને કારણે ઉદ્ભવેલી સમસ્યાઓ માટે ,,,,,,,,,,,

એક વાત યાદ રાખ કર્ણ, દરેકને પોતાના જીવનમાં પડકારનો સામનો કરવો પડે છે. જીવન કોઈ માટે સીધું અને સરળ નથી. પણ શું સાચું (ધર્મ) છે તે તારા મગજ (વિવેકબુદ્ધિ)ને જાણ છે. ગમે તેટલી અનુચિતતા આપણને મળે, ગમે તેટલી વાર આપણે નામોશ થઈએ, ગમે તેટલી વાર આપણે પડીએ, જીવનમાં અનુચિતતાને લઈને આપણને ઊંધા માર્ગે જવાનું કોઈ કારણ નથી મળતું. અગત્યનું એ છે કે તેનો તે વખતે તમે કેવો પ્રત્યાઘાત આપો છો.

હંમેશા યાદ રાખજે સમયાંતરે જીવન કઠીન હોય પણ આપણે પહેરેલા જોડાને કારણે નહીં પણ આપણે કેવા ડગ માંડીએ છીએ તેના ઉપર નિયતિનો આધાર છે.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

6 comments for “કર્ણ કૃષ્ણ સંવાદ

 1. રજનીકાન્ત વ્યાસ
  November 19, 2018 at 9:56 am

  કાલ્પનિક સંવાદમાં પણ ભારોભાર સત્ય છે. પોસ્ટ બહુ ગમી.

  • Niranjan Mehta
   November 23, 2018 at 1:23 pm

   આભાર આપને આ ગમ્યું તેનો આનંદ

 2. Samir
  November 19, 2018 at 1:29 pm

  સંવાદ માં ગણું સત્ય અને ઊંડાણ છે. ખુબ ગમ્યું .
  આભાર .

  • Niranjan Mehta
   November 23, 2018 at 1:23 pm

   આભાર આપને આ ગમ્યું તેનો આનંદ

 3. યોગેશ
  January 14, 2019 at 9:42 am

  આપણે પહેરેલા જોડાને કારણે નહીં પણ આપણે કેવા ડગ માંડીએ છીએ તેના ઉપર નિયતિનો આધાર છે.
  અદભૂત અને સાર ગર્ભિત…. અતિ સુંદર… આભાર

  • Niranjan Mehta
   January 16, 2019 at 3:05 pm

   સાચી વાત છે તમારી. લેખ ગમ્યો તેનો આનંદ અને આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *