ગીત-ગઝલ-અછાંદસ

Facebooktwitterredditpinterestlinkedinmail

-નંદિતા ઠાકોર

              ૧. ગીત

એણે કૂંપળ ફૂટ્યાની વાત કહી’તી.
એમ કાંઈ અમથી હું લીલીછમ થઇ’તી?

એવો વરસાદ કાંઈ ઝીંકાયો આંગણે કે જીવતરિયું આખું તરબોળ.
આભલાએ મુજને સંકોરી શું સોડમાં મેં અલબેલા કીધા અંઘોળ.

પછી વાયરેય વાત્યું કંઈ વહી’તી,
લે એમ કાંઈ અમથી હું લીલીછમ થઇ’તી?

વાદળ વરસે કે મારી વરસે છે ઝંખાઓ ધોધમાર વરસે છે અવસર .
પાલવડે ઝીલું છું લીલ્લેરો લ્હાવ જાણે અનહદનાં ઉભરાતાં સરવર.

જરી શમણાંની હેઠ ઉભી રહી’તી ;
લે એમ કાંઈ અમથી હું લીલીછમ થઇ’તી? ….

                        * * *

               ૨. ગ઼ઝલ

કંઈક ક્ષણ ટોળે વળી ગઈ બાંકડે.
વારતાઓ કંઈ મળી ગઈ બાંકડે.

સાવ ધૂંધળા કાચથી દેખ્યા કરે.
સાંજ શું પાછી ઢળી ગઈ બાંકડે?

સાંભરણ પાછાં થયાં જીવતાં જરી.
ગઈકાલ જે સઘળાં ગળી ગઈ બાંકડે.

સૌ અનિશ્ચિત આવતી કાલો હવે.
આજમાં આવી ભળી ગઈ બાંકડે.

આથમ્યા અજવાસની અંતિમ પળે,
લ્યો જિંદગી પાછી મળી ગઈ બાંકડે.


                   ૩. અછાંદસ

તે દિવસે વહેલી સવારે
વરસાદી છાલકથી ભીના ભીના ગુલમહોર નીચેથી પસાર થતાં
અચાનક મારા શ્વાસ થઈ ગયા ગુલમહોરી.

ખીલી ઊઠયું મારામાં એક આખું વન-
માદક કેસરિયા ફૂલોનું.
ને મારું હોવું આખુંય મઘમઘ!

માત્ર એ જ સમજાયું નહીં
કે આ કેસરિયું ખીલવું ને મઘમઘવું
વરસાદી ગુલમહોરને આભારી હતું

કે મારી હથેળીમાં ભીડાયેલ
તારી હથેળીના સ્પર્શને?

                              * * *

સંપર્કઃ nanditathakor@gmail.com

* * *

(તાજેતરમાં GLA of NA, ગુજરાતી લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના ત્રણ દિવસના અધિવેશનમાં મુલાકાત થઈ, કવયિત્રી નંદિતાબહેન ઠાકોરની. મૂળ અમદાવાદનાં, પણ હાલ અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં સ્થાયી થયેલાં નંદિતાબહેન અંગ્રેજી સાહિત્ય સાથે માસ્ટર્સ થયેલાં છે. તેમણે બૅચલર ઑફ જર્નાલિઝમ તથા માસ કોમ્યુનિકેશનનો પણ અભ્યાસ કર્યો છે અને શાસ્ત્રીય સંગીતમાં વિશારદ છે. તેઓ કવયિત્રી છે, સ્વરકાર છે અને એક અચ્છાં ગાયિકા પણ છે. સુગમ સંગીત અને ખાસ તો ગુજરાતી કાવ્યસંગીત પર તેમની ખાસ હથોટી છે. હાલમાં ” સ્વરાંકન’ ગ્રુપ ચલાવે છે. એમના ત્રણ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે. ગીત, ગ઼ઝલ અને અછાંદસ એ ત્રણેય પ્રકારમાં તેઓ લખે છે. એમનું એક પત્રસંપાદનનું પુસ્તક પણ નોંધપાત્ર છે. –દેવિકા ધ્રુવ, ‘વેગુ’ સાહિત્ય સમિતિ)

2 comments for “ગીત-ગઝલ-અછાંદસ

 1. November 18, 2018 at 10:06 pm

  સરસ રચનાઓ. ગઝલ ‘બાંકડે’ વિશેષ ગમી.
  સરયૂ પરીખ

 2. Darsha Kikani
  November 18, 2018 at 11:55 pm

  એણે કૂંપળ ફૂટ્યાની વાત કહી’તી.
  એમ કાંઈ અમથી હું લીલીછમ થઇ’તી?
  વાહ! લીલાછમ થવાનું કારણ પણ લીલુંછમ્!
  બહુ સુંદર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *