બંદિશ એક, રૂપ અનેક – ૪૯ – "જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચા સાગરનાં મોતી"

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

આ મણકામાં માણીએ સંત શિરોમણિ દેવીદાસજીનું પ્રિય ભજન,”જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચા સાગરનાં મોતી

કેવી રીતે દેવો રબારી બન્યો દેવીદાસ

તેઓ ગાયો ચરાવતા હતા. એક દિવસ તેઓને બિલખાથી દયાળ ગામ જવાનું હતું. આ ગામમાં બ્રાહ્મણ ઘણા રહેતા હતા. બ્રાહ્મણો તે દિવસે શિવજીની પૂજા કરવા માટે મંદિરે ભેગા થયા હતા. ત્યારે મુખીએ બૂમ પાડીને ત્યા હાજર કેદાર નામના ગરીબ બ્રાહ્મણને કહ્યું કે તારી માતાને શરીરે રક્તપિત નિકળ્યું છે માટે તું પુનમના દિવસે તારી માતાને દરિયામાં નાંખી દે. આથી ગામમાં રક્તપિત આગળ ન વધે અને તારે ચાકરી પણ ન કરવી પડે. કેદારે કહ્યું ભલે મુખી.

કેદારે માતાને બધી વાત કરી કે ગામના આગેવાન તેને દરિયામાં નાખી દેવાનું કહે છે. તેની માતાએ પણ કહ્યું કે જો ગામનું સારું થતું હોય તો હું તૈયાર છું. ગામવાળાએ બધાએ ભેગા મળી કેદારની માતાને દરિયામાં ફેંકી દીધી. બીજી બાજુ આ દેવો રબારી આ ગામમાંથી પસાર થઈ રહ્યો હતો, તેને સમગ્ર વાતની જાણ થતાં તે દરિયા તરફ દોડ્યો અને આ માજીને દરિયામાંથી બચાવી લીધા. દેવો રબારીએ આ માજીને લઈ પરબ રહેવાનું નક્કી કર્યું અને ત્યાં નકલંકપીરને ગુરુ ધારણ કરી તેની સેવા ચાકરી શરૂ કરી. એવું પણ કહેવાય છે કે તેઓએ સેવાની શરૂઆત છોડવડી ગામથી કરી હતી.

ધીમે ધીમે આ વાત વાયુવેગે બધે ફરતી થઈ કે પરબ સંત આવ્યા છે અને રક્તપિતના દર્દીઓની સેવા કરે છે. પછી તો ધીમે ધીમે જગ્યાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. દેવા ભગતની શ્રદ્ધા અને માનવ સેવાથી પ્રસન્ન થઈ ગિરનારી સંત જેરામ ભારથી એ દેવા રબારીમાંથી દેવીદાસનું નામ આપ્યું.

દેવીદાસે આજુબાજુના ગામમાંથી ભોજન લાવવા માટે કાવડ ચાલુ કરી અને ભૂખ્યાઓને ખવડાવવા લાગ્યા. રક્તપિતીયાઓને લીમડાના પાણીથી નવડાવી સેવા કરી નવું જીવન આપવા લાગ્યા.

‘અમર સંત દેવીદાસ’ એક અદના ઈન્સાન હતા, જેમણે પોતાનું આખુંય જીવન ગરીબો તેમજ પીડિતોની સેવા પાછળ ખરચી નાખ્યું છે અને તે પણ આજથી બે સૈકા પૂર્વના અંધાધુંધી તેમજ અરાજકતાના વિપરીત અને વસમા કાળમાં માનવતાની એ પુનીત જ્યોતને પ્રગટાવીને અને એને જલતી રાખવાનું ભગીરથ કાર્ય એ કરી ગયા છે, એટલું જ નહિ, પરંતુ દીર્ધકાળ પર્યંત એ જ્યોત જલતી રાખીસકે એવું સમર્થ સંત-મંડળ પણ સર્જી ગયા હતા.

સંતો તો આ દેશમાં અનેક થયા છે, પણ એ સર્વમાં સંત દેવીદાસ અનોખા છે, અદ્વિતીય છે. ઘોર અજ્ઞાનના કપરા કાળમાં એકલા હાથે તેમણે આદરેલી પુનીત પ્રવૃત્તિ ની નોંધ લેતાં પુસ્તકો લખાયાં છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે એમાંની કથાના તમામ પાત્રો સમાજની પછાત કોમોના જ છે અને પરમાત્મા પ્રત્યેની અડગ શ્રદ્ધા-ભક્તિ તેમજ માનવસેવાની પુનીત પ્રવૃત્તિ દ્વારા જ એ સહુ તેઓને પ્રાપ્ત થયેલા.દેવીદાસ બાપુનું પરબ ધામ. ઈસના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્ટ્ર પ્રદેશ માટે કપરા પસાર થયાનું ઇતિહાસકારો નોંધે છે.

આ સમયે પ્રર્વતેલા દુષ્કાળથી કચ્છ અને સિંધ પ્રાંતમાંથી દુકાળગ્રસ્ત માનવ સમુદાય સૌરાષ્ટ્રમાં ઉતરી પડેલો અને ભુખ તરસ સંતોષવા ચારે તરફ ફરતો રહેતો. વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ માનવતા દાખવી પોતાનાં સ્થાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો ગણી, નાતજાતના ભેદભાવ ન રાખવા, ભૂખ્યાને આશરો અને રોટલો આપવાનો, માનવીના સેવા ધર્મનું અનુકરણ કરવાનો સંદેશો આપી ગયા છે. જલારામ ભગતનું વીરપુર, ગીગા ભગતનું સતાધાર, શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધાર અને દેવીદાસ ભગતનું પરબ માનવ સેવાનો સંદેશો આપતાં જાગતાં સ્થાન છે. જે પાપને નિવારે છે, હિતની યોજના કરે છે, ગુણોને પ્રકટ કરી પ્રકાશ આપે છે, આપદ્ વેળાએ આશરો અને સહાય કરે છે, આવા દૈવી ગુણોવાળા માનવને આપણે સંતો કહીએ છીએ તેમના વિષે શું લખી શકાય? સંતોના આ જાગતા સ્થાનકોની માનતા પુરી થતા દર્શન અને પ્રસાદ લેવા આવતો જનસમુહ જ પ્રત્યક્ષ પ્રમાણ છે. જૂનાગઢ શહેરથી ૪૦ કિલોમીટર સડક રસ્તે આવેલું પરબનું સ્થાન સૌરાષ્ટ્રની સિદ્ધભૂમિની શોભા છે. આ સ્થાન મહાભારતના સમયકાળના સરભંગ ઋષિનો પ્રાચીન આશ્રમ હોવાનું મનાય છે. આ આશ્રમની પશ્ચિમે રાણપુર, પૂર્વમાં વાવડી તેમજ આજુબાજુ ભેંસાણ અને ખંભાળીયાના આ ગામોનો રાજમાર્ગ આ સ્થાનક પાસેથીજ નીકળે છે.

બિરદ અપના પાળતલ,

પૂરન કરત સબ આશ,

જાકો જગમેં કોઈ નહિ,

તાકો દેવીદાસ.

આવી પ્રચલિત લોકોક્તિ વડે જાણીતા પરબના આ સ્થાનકનું બે સૈકા પૂર્વે ચૈતન્ય જાગતું કરનાર દેવીદાસનું સંતજીવન પૂર્વેનું નામ દેવો ભગત હતું. તેમના પિતા પુંજા ભગત અને માતા સાજણબાઇ ભાવિક શ્રદ્ધાળુ રબારી દંપતી હતા. દેવા ભગતે માનવસેવાની શરૂઆત છોડવડી ગામેથી શરૂ કરી હતી. તેમના ગુરૂ જેરામભારથી ગિરનારના સંત મહાત્મા હતા અને તેમાં લામડીધાર ઉપર તેમના બેસણા હતા.

ગિરનારજીની આસપાસ ફરતાં પર્વતો આવેલા છે, તેમાં ઉત્તરેથી જતાં ઉત્તર રામનાથ, બાબરીયો, ખોડીયાર, લાખામેડી, કાબરો, કનૈયો અને ગધેસંગ નામના પર્વતો આવેલા છે. ગધેસંગ પર્વતનો આકાર સીધો સપાટ દિવાની શગ જેવો છે તેની પાછળ લામડીધાર છે. સંત જેરામભારથીના આ ધાર ઉપર બેસણા હતા. આ ઉપરાંત દક્ષિણેથી જતાં દક્ષિણ રામનાથ, ટટાકીયો, ભેસલો, અશ્વસ્થામાનો પહાડ, દાતારનો પહાડ, લક્ષ્મણ ટેકરી, મંગલાચલ, રેવતાચલ, જોગણીયો વિગેરે ગિરિ પર્વતો વચ્ચે ગિરનારજી છે. આ રમણીય પર્વત શૃંગો વચ્ચે થઈને હજારો વર્ષથી ભાવિકો પુરાણા અને પવિત્ર ગિરિનારાયણ ગિરનારજીને ફરતી પરિક્રમા કરે છે.

આ ભાવિક યાત્રાળુઓનો પ્રથમ વિશ્રામ ઉત્તર રામનાથ ઉપર આવેલ જીણાબાપુની મઢીએ થતો હતો. જીણાબાપુ સરળ પ્રકૃતિના વયોવૃદ્ધ સાધુ હતા. તેથી આ મઢીએ ઘણા સંતો પધારતા હતા. તેમના સમકાલીન પ્યારાબાવા, લોહલંગરીજી, યોગીની માતા, કમંડલકુંડના હંસગીરીજી, મુસ્લીમ સંત નુરાસાંઈ અને જેરામભારથી વિગેરે સંતો હતા. દેવા ભગત આ સંત મહાત્મા વચ્ચે શ્રદ્ધાથી યાત્રીકોની સતત સેવા કરતા રહેતા. આથી એક દિવસ દેવા ભગતની શ્રદ્ધા અને માનવ સેવાથી આ ગિરનારી સંત જેરામભારથી પ્રસન્ન થયાં અને દેવા ભગતને કહે કે, દેવા ભગત, આજસે તુમ દેવીદાસ હોતે હો. તુમ એક યોજન દુરી કે પાસ જાઓ, લોગ સરભંગ ઋષિ કા આશ્રમ બતાતે હૈ વહાં પર દત્ત મહારાજકા ધુના કંઈ બર્ષો સે સુના પડા હૈ, ઉધર જાઓ ઔર સુનો સબસે બડા ધરમ યહી હૈ કી અભ્યાગતો કી, અનાથો કી સેવા કરના. જાઓ વહાં ટુકડા રોટી દેતે રહેના. આવા પ્રસન્ન થયેલ ગુરૂના આશીર્વાદ સાથે અપરિગ્રહ વ્રત રાખીને આ સ્થાનકે પહોંચવા દેવા ભગતે તરતજ પ્રસ્થાન કર્યું.

સરભંગ ઋષિના પુરાતન આશ્રમ સમીપે દેવીદાસબાપુ આવ્યા, એ સમયે અહીં મંદિર કે દેવમુર્તિ જેવું કંઈ ન હતું લીમડા નીચે મેકરણ કાપડીનો ધુણો અને ત્રિશુળ હતાં. તેમજ ત્રણ અણઘડાયેલ આરામગાહ હતી. તેમણે પવિત્ર ધુણામાં અગ્નિ પ્રગટાવી ધુણો ચેતનવંતો કર્યો અને લીમડા ડાળે ધજા ફરકતી કરી આ સ્થાનકને આપણે આજે દેવીદાસજીની પરબના નામથી ઓળખીએ છીએ. બસો વર્ષ જૂના આ સમાધી મંદિર ઉપર નૂતન મંદિર આ જગ્યાના મહંતશ્રીની દેખરેખ નીચે આકાર લઈ રહ્યું છે. અહીં દાદા મેકરણનો – સાદુદ પીરનો ઢોલીયો, પરબકુંડ, કરમણપીર અને દાનેવપીરની સમાધી અહીં છે.

સત્ ધરમને પામવા કરવા અદ્યતમ નાશ

ઘરપરબપર પ્રગટયા નકલંક દેવીદાસ.

અનેક યાત્રાળુઓ પરબના આ સ્‍થાનને વંદન કરવા આવે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે.

(પ્રસ્તુત માહિતી ગુજરાતી “વિકિપીડિયા” અને અખબાર “દિવ્યભાસ્કર” માંથી સાભાર)

“કબીર વાણી” માંથી ભજન અમને જડિયાં રે સાચા સાગરનાં મોતી

પ્રથમ સાંભળીયે શ્રી હેમુ ગઢવી અને સાથીઓને

(આ ઓડીયો ક્લિપ માટેની યુ ટ્યુબ વિડીયો ક્લિપમાં મુકેલી છબી માં શ્રી હેમુ ગઢવી સાથે શ્રી શિવ કુમાર શર્મા સંતુર વગાડતા નજરે પડે છે, પણ ગીત ની ધુન માં ક્યાંય સંતુર સંભળાતું નથી)

રાજકોટનાં સંગીત “રત્ન” પુરસ્કૃત શ્રી હેમંત ચૌહાણ

ગુજરાતી ચિત્રપટ “અમર સંત દેવીદાસ” માં પાશ્વ ગાયિકા અને ભજનિક શ્રી ભારતીબેન વ્યાસ

અમદાવાદના ભજનિક શ્રી પરેશભાઈ વડીયા

શ્રી નિરંજનભાઈ પંડ્યા

સંગીતાબેન લાબડીયા

https://youtu.be/-UJoimts0TM

શ્રી કાનદાસ બાપુ,, એક જૂનું અપ્રાપ્ય ધ્વનિ મુદ્રણ

ભજનનો ખરો રસ તો તેના અસલી ઢાળમાં અને અંદરની આરતથી તે ગવાય તેમાં ગવાય, તેમાં રહેલો છે. ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહેછે। આ શબ્દ – સૂરનાં સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઇ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે. આ શ્રવણની સાથોસાથ જો શ્વાસનો, હૃદયનો, જીવનનો તાલ મળે તો ભજન પ્રકાશની એક કેડી બની જાય છે.
ભાંગતી રાતે ગવાતાં અને મનુષ્યના ગહન એકાંતે પોતાના સરજનહાર સાથે તાર સાંધતાં આ ભજનોમાં કોઈ દૂરના નક્ષત્રોના અણબોટ્યા પવનની લેરખી વહી આવેછે। તે મનુષ્યની વાણીને તો પાવન કરેજ છે, પણ સંસારની ધૂળ ખંખરીને અંતરાકાશમાં મુક્ત પણે વિરહવા પાંખોયે આપે છે.

-શ્રી મકરન્દભાઈ દવે

અંતમાં શ્રી હેમુ ગઢવીના સ્વરમાં પ્રભાતિયું:


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

4 comments for “બંદિશ એક, રૂપ અનેક – ૪૯ – "જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચા સાગરનાં મોતી"

 1. Prasanna Kane
  November 17, 2018 at 2:34 pm

  I enjoyed the entire compilation !!

 2. Hasmukh Doshi
  November 20, 2018 at 12:01 pm

  Thanks for the true entertainment. Keep it doing excellent effort.

 3. Prakash Majmudar
  November 21, 2018 at 9:12 am

  નીતિનભાઈ,
  ખૂબ જ સુંદર! જુદા જુદા સમયે જુદા જુદા ગાયકોના સ્વરે ગવાયેલ આ ગીત ખૂબ જ સુંદર છે.
  શ્રી મકરન્દભાઈ એ બરાબર લખ્યું છે:
  “ભજન શબ્દ વડે કહે છે તે કરતાં સૂર વડે વધુ કહેછે। આ શબ્દ – સૂરનાં સંગાથથી જે વાતાવરણ રચાય છે તેમાં જો મનુષ્યનો પ્રાણ સ્પંદિત થઇ ઊઠે તો ભજન પૂરું સમજાય, ન સમજાય તોપણ અંતરમાં એક ઊજળી રેખા અંકિત કરી જાય છે.”

  ખૂબ ખૂબ આભાર ! આજ રીતે અવનવા પ્રયોગો કરી અમારું જ્ઞાન સાથે મનોરંજન કરતા રહેશો।
  -પ્રકાશ મજમુદાર –

 4. Hasmukh Doshi
  December 20, 2018 at 10:38 am

  We should celebrate 50 th edition, next month.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *