સાયન્સ ફેર :: ‘ઇકોલોજીકલ આર્માગેડન’માં જીતવા માટે બિનજરૂરી લાઈટ્સ ‘સ્વિચ ઓફ’ કરો!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

હાશ, દિવાળી પૂરી થઇ! આ નિમિત્તે ‘હાશ’નો ઉદગાર એટલા માટે ઉપયુક્ત ગણાય, કારણકે છેલ્લા કેટલાક દિવસોની એકધારી દોડધામ, ઉજવણી, આનંદ અને રોશનીની ચકાચૌંધ પછી આપણા બધાના શરીરને અત્યારે થોડું રિલેક્સ ફીલ થતું હશે! એમાંય જો તમે ઝાકમઝોળથી દૂર એવા કોઈ કોઈ હિલ-સ્ટેશન પર કે શહેરથી દૂરના કોઈ ગામડે કે પછી ઘરના કોઈ રૂમમાં અંધારું કરીને આરામ કરતા હશો, તો તમને ‘રિલેકસેશનનું સુખ’ એટલે શું, એ ય બરાબર સમજાતું હશે! જાણીને નવાઈ લાગશે કે તમને અનુભવાઈ રહેલા આ ‘ફીલ ગુડ ફેક્ટર’ પાછળ બહુ મહત્વનો ફાળો ડાર્કનેસ – એટલે કે અંધકારનો છે! અંધકાર આપણા શરીર માટે બહુ જરૂરી છે.તે આપણને આરામ આપે છે.

પખવાડીયા અગાઉ ચાઇનાના ‘મેન મેડ મૂન’ વિષે આ સ્થળેથી વાત કરેલી. એ લેખમાં પૃથ્વી પર વસતા તમામ સજીવોની ‘બોડી સાઈકલ’ વિષે પણ ઉલ્લેખ હતો. પૃથ્વીના દરેક સજીવ માટે અંધારું પણ એટલું જ જરૂરી છે, જેટલો પ્રકાશ. જો સતત પ્રકાશમાં રહેવાનું આવે, તો તમામ સજીવોની બોડી સાઈકલ ખોરવાય જાય. આવું થાય તો જીવસૃષ્ટિને બહુ મોટું નુકસાન પહોંચે! કરુણ હકીકત એવી છે કે ચીનવાળા પોતાનો કૃત્રિમ ચંદ્ર બનાવે કે ન બનાવે, શહેરીકરણને પ્રતાપે પૃથ્વી ઉપરની સજીવસૃષ્ટિને આપણે કૃત્રિમ પ્રકાશનો ‘ઓવરડોઝ’ ઓલરેડી આપી જ ચૂક્યા છીએ! વધુ પડતી કૃત્રિમ લાઈટને કારણે માનવ શરીર પર તો વિપરીત અસર થાય જ છે, પણ જીવવિજ્ઞાનીઓના કહેવા મુજબ સૂક્ષ્મ જંતુઓ પણ આ અસરોથી બાકાત નથી!

ઇસ ૨૦૧૭માં જર્મન વિજ્ઞાનીઓની એક ટીમે નોંધ્યું કે વાતાવરણમાં જોવા મળતા જીવડાઓ-જંતુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મહી, મચ્છર, ફૂદાં જેવા અનેક જીવડાઓ ‘ઇન્સેક્ટ’ (insects) તરીકે ઓળખાય છે. આ જીવડાઓના શરીરમાંથી નીકળતા વેસ્ટેજ દ્રવ્યોને ‘બાયોમાસ’ તરીકે ઓળખવામાં આવે છે. આ બાયોમાસનો મુખ્ય ઉપયોગ અમુક પ્રકારના કેમિકલની બનાવટમાં રો મટીરીઅલ તરીકે થાય છે. કેટલાક બાયોમાસ એનર્જી પ્રોડક્શનના પ્રોસેસમાં પણ ઉપયોગી નીવડે છે. અને જર્મન વિજ્ઞાનીઓની ટીમે કહ્યું કે છેલ્લા અઢી દાયકા દરમિયાન, પાંખોવાળા જીવડા દ્વારા પેદા થતાં બાયોમાસના પ્રમાણમાં ૭૫% જેટલો અધધ ઘટાડો થયો છે! લેબનીઝ ઇન્સ્ટીટયુટ ઓફ ફ્રેશ વોટર ઇકોલોજીના તજજ્ઞોએ જર્મન વિજ્ઞાનીઓના તારણને ગંભીરતાથી લીધું અને બાયોમાસના ઘટાડા પાછળ જવાબદાર પરિબળોનો અભ્યાસ કરતાં તેમને જણાયું કે પાંખોવાળા જીવડાની સંખ્યા ઘટવા પાછળ રાત્રે સળગતી આર્ટીફીશીયલ લાઈટ્સનો ફાળો બહુ મોટો છે! આ તજજ્ઞોના કહેવા મુજબ કૃત્રિમ લાઈટનો વપરાશ અને બાયોમાસમાં થતાં ઘટાડા વચ્ચે સીધો સંબંધ છે.

મોટા ભાગના જીવડાઓ નિશાચર હોય છે. ખોરાકની શોધથી માંડીને રિ-પ્રોડક્શન જેવી તમામ ક્રિયાઓ માટે તેઓ રાતનો સમય જ પસંદ કરે છે. રાત્રિ સમયે મળતો ચંદ્ર અને તારાઓનો કુદરતી પ્રકાશ આ જીવડાઓ માટે પૂરતો છે. પરંતુ જ્યારે તેઓ વધુ પડતી લાઈટના સંસર્ગમાં આવે છે ત્યારે તેમની દેહધાર્મિક ક્રિયાઓ અને બોડી સાઈકલ ખોરવાઈ જાય છે. પરિણામે આ જીવડાઓનું અસ્તિત્વ જોખમાય છે.


આપણો સામાન્ય અનુભવ છે કે પાંખોવાળા જીવડા લાઈટથી આકર્ષાય છે. પણ આ જ લાઈટ તેમનો વિનાશ નોતરે છે. ‘આર્ટીફીશીયલ લાઈટ એટ નાઈટ’ને દરેક શબ્દના પ્રથમ મૂળાક્ષરો વડે ‘ALAN’ તરીકે ઓળખવામાં આવે છે. તજજ્ઞોના મત મુજબ ALANને કારણે જીવડાઓના સમૂહમાં થતું ‘કમ્યુનિકેશન’ પણ ડિસ્ટર્બ થાય છે અને જીવડાંઓ એકબીજાથી વિભાજીત થઇ જાય છે. પરિણામે ક્યાંતો આ જીવડાઓ થાકને કારણે જીવ ગુમાવે છે, અથવા તો બીજા શિકારીઓની ઝપટે ચડી જાય છે. તેઓ પોતાની આસપાસની બીજી ઇકો-સિસ્ટમ્સથી પણ જુદા પડી જાય છે. આ રીતે ઇકોસિસ્ટમથી અટૂલા પડી ગયેલા જીવડાઓમાં ‘જીનેટિક એક્સચેન્જ’ના અભાવે રોગપ્રતિકારક શક્તિ સાવ ઓછી થઇ જાય છે. પરિણામે આ જીવડાઓ ક્લાયમેટ ચેન્જ, પેસ્ટીસાઇડ અને જમીનમાં આવતાં બદલાવ સામે ટકી રહેવામાં નિષ્ફળ નીવડે છે.

પરંતુ સામાન્ય રીતે તો આપણે આવા જીવડાંઓથી ત્રસ્ત હોઈએ છીએ, અને એમનાથી બચવા માટે જાતજાતના ઉપાયો અજમાવીએ છીએ. તો પછી એમની ઘટતી વસ્તીની ચિંતા શા માટે કરવી જોઈએ?[i] આવી ચિંતા ફરજીયાતપણે કરવી પડે, કારણકે પૃથ્વી પર માત્ર માણસનો જ ઈજારો નથી! પૃથ્વીની આહાર શૃંખલામાં દરેકેદરેક સજીવ એક અગત્યની કડીરૂપે છે. આમાંની એકેય કડી તૂટે કે નબળી પડે, તો આહાર શૃંખલા-ઇકોલોજી ખોરવાઈ જાય. જેનો ભોગ બનવામાંથી માણસે ય બાકાત નહિ જ રહે! અને પર્યાવરણ વિજ્ઞાનીઓ તો જીવડાઓના ઘટતા બાયોમાસને ‘ઇકોલોજીકલ આર્માગેડન‘ (પર્યાવરણીય મહાયુદ્ધ) તરીકે ઓળખાવે છે! જો ઇન્સેક્ટ બાયોમાસના પ્રમાણમાં સુધારો નહિ થાય તો નજીકના ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓ વેઠવી પડશે. કારણકે સાવ નકામાં લાગતાં જીવડાઓ પોલીનેશન (પરાગ રજનું વહન), પેસ્ટ કંટ્રોલ અને આહારજાળમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. જો જીવડાઓનું પ્રમાણ ઘટે તો એની વિપરીત અસર સીધી બાયોડાયવર્સીટી (જૈવવિવિધતા) અને ખેતી ઉપર પડે! ખેતી લગભગ ૧૧% જેટલા ભૂ-ભાગ પર ફેલાયેલી છે. અને પર્યાવરણ વિજ્ઞાનીઓ દ્રઢપણે માને છે કે એગ્રો-ઇકો સિસ્ટમના સંવર્ધન માટે ALAN, એટલે કે રાત્રિ સમયે વપરાશમાં લેવાતી કૃત્રિમ લાઈટ્સની અસરોનો સત્વરે અભ્યાસ કરીને એના પર નિયંત્રણો મૂકવાની જરૂર છે.

લેખની શરૂઆતમાં જણાવ્યું એમ જો તમે હાલમાં ઘરના કોઈ ઓરડામાં અંધારું કરીને સુસ્તાઈ રહ્યા છો, તો તમે આળસુ નહિ પણ ‘ઇકોલોજીકલ આર્માગેડન’માં મહત્વના લડવૈયાની ભૂમિકા અદા કરી રહ્યા છો! સહુને નવા વર્ષની ઇકોલોજીકલ શુભેચ્છાઓ.


[i]


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *