ફિર દેખો યારોં : અંધેરી નગરીના કાનૂનો અભ્યાસક્રમમાં આવે?

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

અહીં કાનૂનીવ્યવસ્થા સુચારૂ ઢબે ગોઠવાયેલી છે. તમામ સત્તા કેન્‍દ્રિત હોય છે, તેથી અન્ય કોઈની દખલઅંદાજીને માટે અવકાશ રહેતો નથી. કાનૂન સત્તાધીશ દ્વારા બનાવવામાં આવે છે, અને તેના ભંગ બદલ યોગ્ય દંડ પણ તે જ નક્કી કરે છે. શાસનતંત્ર અને ન્યાયતંત્ર બન્ને અલગ નથી, તેથી એકમેકના અધિકારક્ષેત્રમાં દખલઅંદાજી નથી. અહીંની ન્યાયપ્રણાલિ સાક્ષીઓ અને પુરાવા આધારિત હોવા છતાં ખોટી તારીખો પડતી નથી, અને મામલાઓનો નિકાલ ઝડપભેર કરવામાં આવે છે. સત્તાની ઊતરતી પાયરીએ અહીં દિવાન હોય છે, જેમની ભૂમિકા મુખ્ય સત્તાધીશને ન્યાયપ્રણાલિમાં સહાય કરવા પૂરતી મર્યાદિત હોય છે. આ નગરનું નામ પણ કેટલું ઉચિત છે! સદાય જ્યાં ‘અંધેર’ છવાયેલું રહે છે એવી આ નગરીનું નામ પણ ‘અંધેરી નગરી’ છે.’

આ લખાણ ગમ્મત પૂરતું ઠીક છે. પણ કાનૂની વિદ્યાશાખાના પાઠ્યપુસ્તકમાં તેનો સમાવેશ કરવામાં આવે તો? તુક્કા ખાતર પણ આવું કોઈને ન સૂઝે, જ્યારે વાસ્તવિકતા ક્યારેક કલ્પનાને આંટી દે એવી હોય છે.

બ્રિટીશ લેખિકા જે.કે.રોલિંગની હેરી પૉટર શ્રેણીની નવલકથાઓએ જગતભરમાં ધૂમ મચાવી છે. તેની અજાયબ સૃષ્ટિએ વાચકોમાં અનોખું આકર્ષણ ઊભું કર્યું છે. પૉટરની કાલ્પનિક સૃષ્ટિ એટલે કે ‘પૉટરવર્સ’માં પ્રચલિત કાનૂનને પાઠ્યપુસ્તકનું સ્વરૂપ અપાવવાની ગત સપ્તાહે ઘોષણા કરવામાં આવી છે. કોલકાતાની ‘નેશનલ યુનિવર્સિટી ઑફ જ્યુરિડીકલ સાયન્‍સીઝ’ના સહાયક પ્રાધ્યાપક શૌવિકકુમાર ગુહા દ્વારા તૈયાર કરાયેલા આ અભ્યાસક્રમનું નામ ‘એન ઈન્‍ટરફેસ બીટવિન ફેન્‍ટેસી ફિક્શન લિટરેકર એન્‍ડ લૉ: સ્પેશ્યલ ફોકસ ઑન રોલિંગ્સ પૉટરવર્સ’ રાખવામાં આવ્યું છે. જાદુટોનાની આ નગરીનાં કાનૂની પાસાંઓનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવશે. કુલ 45 કલાકનો આ અભ્યાસક્રમ છે.

“કાનૂની શાળાઓમાં વિદ્યાર્થીઓને નિશ્ચિત વિષયો ભણાવવામાં આવતા હોય છે. અભ્યાસક્રમ કાયદાકાનૂન તેમજ કાનૂની સિદ્ધાંતોની આસપાસ ઘુમરાયા કરે છે, જે અમુક સમય પછી કંટાળાજનક બની રહે છે. આ અભ્યાસક્રમનો હેતુ વિદ્યાર્થીઓને કાનૂની સિદ્ધાંતો લાગુ પડવામાં સહાયરૂપ બનવાનો છે, ચાહે તે વ્યાપારી કાનૂન હોય, બંધારણીય કાનૂન હોય કે ફોજદારી કાનૂન હોય.” આમ જણાવતાં શ્રી ગુહાએ વધુમાં કહ્યું: ‘હેરી પૉટરનાં પુસ્તકોમાં આપણને જાદુટોનાની દુનિયાના કાનૂનો તેમજ જાદુ મંત્રાલયની કામગીરી વિશે જાણવા મળે છે. આ અભ્યાસક્રમ દ્વારા અમે અમારા વિદ્યાર્થીઓને કાનૂન તેમજ કાનૂની સિદ્ધાંતોનું પૃથક્કરણ તેમજ ઘડતર કરવાનું કહીશું. ચોક્કસ પરિસ્થિતિઓને બદલે અમે તેમને હેરી પૉટરની સૃષ્ટિ સાથે પરિચીત કરાવીશું, જેથી તેઓ નીતિઓના ઘડવૈયા બની શકે અને એ જાદુઈ સૃષ્ટિમાં પરિવર્તન લાવી શકે.”

કોઈ જાણીતી કૃતિનાં એક યા બીજા પાસાંનો સમાવેશ અભ્યાસક્રમમાં કરવામાં આવે એ નવાઈની વાત નથી, પણ આવી માયાવી નગરીની વાત કાનૂન જેવા ગંભીર અને માનવજીવન સાથે સીધી રીતે સંકળાયેલા ક્ષેત્ર સાથે સાંકળવામાં આવે એ અચરજભર્યું અવશ્ય ગણાય. અલબત્ત, હેરી પૉટરની કથાઓ માટે આ કંઈ પહેલવહેલો બનાવ નથી. અમેરિકાની કાન્‍સાસ સ્ટેટ યુનિવર્સિટીમાં ‘હેરી પૉટર્સ લાયબ્રેરી’ તેમજ ફ્રોસ્ટબર્ગ યુનિવર્સિટીમાં ‘સાયન્‍સ ઑફ હેરી પૉટર’ જેવા અભ્યાસક્રમો ચાલે છે, જેમાં આ કથાશ્રેણીમાંના રાજકીય નિર્દેશોનો અભ્યાસ સામેલ છે. વાત જ્યારે કાનૂની વિદ્યાશાખાની હોય ત્યારે મામલો ગંભીર બની રહે છે. કેમ કે, આમાં એક માયાવી સૃષ્ટિ અને તેના નીતિનિયમોની વાત છે. તે ગમે એટલા તર્કબદ્ધ અને વ્યવહારુ જણાય, તેનો અંતિમ હેતુ રોમાંચનો, અને તેના થકી મનોરંજનનો છે. સર્વોચ્ચપણું સ્થાપવાની ઈચ્છા અને એ માટે જે આડે આવે તેનો એક યા બીજી રીતે ખાત્મો બોલાવી દેવાની વૃત્તિ, અને છેવટે એક સુચારુ વ્યવસ્થાતંત્રને નષ્ટ કરી દેવા સુધી પહોંચી જવું એ આ પ્રકારની કથાઓનાં મુખ્ય લક્ષણ છે. તેમાં વર્ણવાયેલી બાબતોનાં અનેક અર્થઘટન થઈ શકતાં હોય છે, અને થવાં પણ જોઈએ. આ અર્થઘટનોને વ્યવહાર સાથે સાંકળવાનો અખતરો જોખમી છે.

ભાવિ કાનૂનવિદોના મનમાં એકદમ પ્રચ્છન્નપણે પણ આ મોડેલ રચાય તો એ શું પરિણામ લાવશે એ કહી શકાય એમ નથી, કેમ કે, કઈ કથામાંથી કોણ, શો બોધ ગ્રહણ કરે અને તેનો કેવો ઊપયોગ કરે એ કહી શકાતું નથી. કાનૂનવિદોએ જે તે દેશના કાયદાકાનૂન અને ન્યાયતંત્રને આધીન રહીને પોતાનું કાર્ય કરવાનું હોય છે. કાયદાના શુષ્ક થોથાંની વચ્ચે આવો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને રાહત પ્રદાન કરશે, પોતાની સરકારની કાનૂની સ્થિતિની સરખામણી કરવાનો મંચ તે બની રહેશે, તેમજ વિદ્યાર્થીઓની સર્જનશક્તિ ખીલવવાની એક વિરલ અનુભૂતિ બની રહેશે, એવો હેતુ આ અભ્યાસક્રમનો જણાવાયો છે. આવી કોઈ નવતર પહેલ કરવામાં આવે ત્યારે તેનો આશય શુભ જ હોય છે. લોકો તેમાંથી શું અને કેટલું ગ્રહણ કરે છે એ અગત્યનું છે. કેવળ સંદર્ભ લેખે આ કથાઓ અને તેમાંની વિગતોની જાણકારી અભ્યાસક્રમમાં સમાવવામાં આવે એ અલગ બાબત છે. પણ એક વિષય તરીકે તે ભણાવાય ત્યારે વધુ ગંભીરતાથી તેના દૂરગામી પરિણામો વિશે વિચારવું પડે.

કાનૂનનાં શુષ્ક થોથાંઓ ભણતા વિદ્યાર્થીઓને રાહત મળે એ માટે બહુ દૂર નજર ક્યાં દોડાવવી? આપણા દેશમાં બનતી વિવિધ ભાષાની ફિલ્મોમાં દર્શાવાતી કાનૂની પ્રક્રિયા ભરપૂર મનોરંજન પૂરું પાડી શકે એમ છે. ‘તારીખ પે તારીખ’ની ગર્જનાઓ, સુનવણીના દિવસે હાજર રહેનારા સાક્ષીને કોઈ પણ ભોગે અટકાવવા માટેના દિલધડક પ્રયાસો, ચુકાદો સંભળાવ્યા પછી અદાલતમાં વ્યાપી રહેતો ગણગણાટ અને તેને શાંત કરવા માટે વપરાતો લાકડાનો હથોડો- આ બધું ઓછું દિલરંજક છે? જો કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં જે રીતે દૃશ્યો ભજવાઈ રહ્યાં છે એ જોતાં ફિલ્મોનું મનોરંજન પણ મોળું લાગે. સરકાર પ્રજા પાસેથી મનોરંજન કર વસૂલતી નથી એ જ એનો મોટો ઊપકાર છે.

મૂળ સવાલ તો હાલ જે તંત્ર અમલમાં છે તેમાં બહેતર કામ શી રીતે થઈ શકે એ જોવાનું છે. પ્રવર્તમાન પ્રણાલિમાં લોકોને વિશ્વાસ બેસે એવું કશુંક નક્કર થાય તોય ઘણું. એ સિવાય આવા ઊપક્રમોનું મહત્ત્વ એક ગતકડાંથી વિશેષ હોતું નથી.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧-૧૧-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *