





૩૧/૦૩/૨૦૧૮
દર્શા કિકાણી
બુલેટ ટ્રેનમાં ચડવાની સરળતા રહે તે માટે અમારે અમારી સાથે ઓછો સામાન રાખવાનો હતો. અમે સવારે સાત વાગ્યામાં એક બેગ રીશેપ્શન પર આપી દીધી જે અમને ત્રણ દિવસ પછી પાછી મળવાની હતી. બ્રેકફાસ્ટ માટે રોજના જ ટેબલ પર બેસવા કરતાં આજે અમે બેસવાની જગ્યા બદલી. રૂમની અંદરનો અનુભવ પણ લેવો જરૂરી હતો! મિત્રો સાથે વાતો કરતાં કરતાં નાસ્તો કરી અમે હોટલમાંથી ચેક-આઉટ કર્યું. બે-ત્રણ દિવસમાં જ ટોકયો સાથે લગાવ થઈ ગયો! સુંદર, સ્વચ્છ અને મનમોહક શહેર!
ટોકયોથી નીકળી આશરે ૨૦૦ કિ.મિ. દૂર કાનાગાવા વિસ્તારમાં આવેલ હકોને ગામ નજીક આવેલ આશીકોનો અથવા આશી સરોવરમાં ક્રુઝ લીધી. વોલ્કેનોના ક્રેટરમાંથી બનેલ આ આશી સરોવર બહુ મનોહર સરોવર છે. વાદળ વગરનો દિવસ હોય તો આશી સરોવરમાં નૌકાવિહાર કરતાં કરતાં માઉન્ટ ફુજી ચોખ્ખો અને સરસ દેખાય છે. અમે બહુ નસીબદાર હતાં. બસમાંથી સરોવર કિનારે ઊતાર્યાં ત્યારે વાતાવરણ એકદમ ચોખ્ખું હતું. દરેક ગામની બહાર હોય છે તેવા સુંદર કેસરી દરવાજાની પાસે જ અમારી બસ ઊભી રહી. દરવાજાની પાસે જ ફોટો-સેશન થઈ ગયું!
ક્રુઝની ટિકીટો લીધેલી હતી એટલે જેવું વહાણ આવ્યું કે અમે બધાં તેમાં ચડી બેઠાં.વહાણ સરસ હતું, માણસો કરતાં જગ્યા વધારે હતી એટલે વહાણના દરેક ખૂણાની મુલાકાત લીધી. થોડી વારમાં તો વહાણ પર એક ચહલપહલ મચી ગઈ. વહાણે દિશા બદલી અને માઉન્ટ ફુજીના દર્શન થયાં. વાદળ વિનાનું વાતાવરણ હતું, તડકો હતો અને આકાશ ચોખ્ખું હતું એટલે બધાંની અપેક્ષા મુજબ માઉન્ટ ફુજી આકાશમાં સરસ દેખાતો હતો. આપણા માટે જે માહત્મ્ય માઉન્ટ એવરેસ્ટ કે કૈલાસ માટે છે તેવું જ માહત્મ્ય જાપાનીઓ માટે માઉન્ટ ફુજીનું છે.
લગભગ ૪૦ મિનિટના નૌકા વિહારનો આનંદ માણ્યા પછી અમે પાછાં જમીન પર આવી ગયાં. ક્રુઝ-સ્ટેશનની બહારથી જ એક રોપ-વે શરૂ થતો હતો પણ તેમાંથી માઉન્ટ ફુજીનો વ્યુ બરાબર ન હતો, તેથી બસમાં બેસી થોડે દૂર આવેલ કોમાગાટકે રોપ-વે પર ગયાં. એક જ કેબલકારમાં ૧૦૦ યાત્રીઓને બેસાડી શકાય તેવી વ્યવસ્થા હતી. રોપ-વેની યાત્રાને વધુ રોમાંચક બનાવવા કેબલકારના સ્ટેશનની બહાર જ પ્રોફેશનલ ફોટોગ્રાફરો ફોટા પાડતા હતા, જેની પ્રિન્ટેડ કોપી તમે પાછાં ફરતાં ત્યાંથી જ મેળવી શકો. અમે બધાં એક સાથે જ કેબલકારમાં બેસી દસ મિનિટમાં તો પર્વતના શિખર પર આવી ગયાં.
અહીંથી માઉન્ટ ફુજીનો સુંદર વ્યુ આવતો હતો. અમે નૌકાવિહાર દરમ્યાન તો માઉન્ટ ફુજીના દર્શન કર્યા જ હતા, આ તો વધુમાં! પર્વતની ટોચ પરથી આશી સરોવર બહુ જ સુંદર અને મનમોહક લાગતું હતું. આસમાની પાણી હતું,ચારે બાજુ હરિયાળી હતી અને વચમાં ક્યાંક નાની નાની બંગલીઓ હતી ….! આખા કુદરતી માહોલમાં ક્યાંય દખલગીરી ન થાય તે રીતે રોપ-વે બનાવ્યો હતો.પર્વતની ટોચ ઉપર ઊભા હોઈએ એટલે ૩૬૦ ડીગ્રીનો વ્યુ મળે.પર્વતના શિખર પર પવન ઘણો હતો અને ધીરે ધીરે વાદળ ઘેરવા લાગ્યાં હતાં. પાછળના ભાગમાં જૂની હકોને શ્રાઈન હતી અને ત્યાં પહોંચવા માટે એક સરસ વોકિંગ ટ્રેક બનાવ્યો હતો. અમે પણ ચાલીને શ્રાઈન સુધી ગયાં, રંગીન સુંદર શ્રાઈનના ફોટા પડ્યા અને બીજી બાજુથી ચાલીને પાછાં રોપ-વેના સ્ટેશન પર આવી ગયાં. દસેક મિનિટમાં કેબલકાર આવી ગઈ અને અમે બધાં એક સાથે નીચે આવી ગયાં. આકાશમાં વાદળો હતાં એટલે તડકો ઓછો હતો. નીચે આવવાની સફર વધુ રોમાંચક અને મઝેદાર રહી. અમારા ફોટા તૈયાર હતા પણ કિંમત ઘણી વધારે હતી. અમે કોઈએ ત્યાંથી ફોટા ખરીદ્યા નહીં. બસમાં બેસી ‘ગોતામ્બે ઇન્ડિયા’ નામની રેસ્ટોરાંમાં જમવા ગયાં. જમવાનું સરસ હતું, મોડું થયું હતું અને બધાં થાક્યાં હતાં એટલે જમવામાં સારો એવો સમય લાગી ગયો.
ટોકયો સ્ટેશને જવા બસ સમયસર ઊપડી પણ રસ્તા પર કોઈ કારણસર બહુ ભીડ હતી અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. બસ બહુ ધીમે ધીમે ચાલતી હતી. ચાર વાગીને પાંચ મીનીટે અમારે બુલેટ ટ્રેન પકડવાની હતી. પોણા ચાર સુધી અમે હજી સ્ટેશને પહોંચ્યાં ન હતાં. બસમાં અમે સૌ અજંપો અને કચવાટ અનુભવતાં હતાં. નાનાં-નાનાં ગ્રુપ બનાવી જાતજાતની કોમેન્ટ્સ કરતાં હતાં. જો બસ સમયસર સ્ટેશન નહીં પહોંચે તો શું થશે? જો કે આ બધી ધમાલ વચ્ચે પણ ડ્રાઈવર અને અમારા ગાઈડ પ્રેમલભાઈ બંને એકદમ શાંત હતા. અમે ટ્રેન ઉપાડવાના સમય કરતાં ૧૫ મિનિટ પહેલાં સ્ટેશન પહોંચ્યાં. ટિકિટ તૈયાર હતી એટલે સ્પેશિયલ ગેટથી આખા ગ્રુપને પ્લેટફોર્મ પર જવા દીધું. ૧૪ નંબરનો ડબ્બો હતો. પ્લેટફોર્મ પર તે ડબ્બો ક્યાં આવશે તે નક્કી હતું. અમે સૌ ત્યાં લાઈન લગાડી ઉભાં રહ્યાં. ટ્રેન તેના નિયત સમયે આવી અને તેના નિયત સ્થળે ઊભી રહી. અમે સૌ આપણી આદત મુજબ બિનજરૂરી ધક્કામુક્કી કરી ટ્રેનમાં ચઢી ગયાં. બધાં ચઢી ગયાં પછી પણ ટ્રેન ઊભી હતી. બધાં પેસેન્જર સરખી રીતે ટ્રેનમાં ચઢી જાય તે કન્ફર્મ કર્યા પછી જ ટ્રેન ઉપાડે છે એટલે ધમાલ કરવાની કોઈ જરૂર નથી તે અમને સમજાયું.
ટોકાઈડો શીન્કાન્સેન (Tokaido Shinkansen) ટ્રેન બુલેટ ટ્રેન તરીકે વધુ પ્રખ્યાત છે. કલાકના ૩૦૦ કિ.મિ.ની ઝડપે દોડતી આ ગાડીઓ એકદમ સમયસર હોય છે. અડધી મિનિટ પણ મોડી પડે તો અધિકારી જાતે આવી મુસાફરોની માફી માંગે! બુલેટ ટ્રેન સામાન્ય રીતે મોડી પડતી નથી. આખા જાપાન દેશમાં ફરતી બધી ગાડીઓનો આ વર્ષનો સરેરાશ મોડા પડવાનો રેટ ૧૮ સેકન્ડ છે! આપણા ટાઈમ ટેબલ સાથે સરખાવીએ તો આપણી કલ્પના બહારની વાત છે. પણ આટલી બધી સમય સાચવવાની જંજાળને લીધે ટ્રેનના ડ્રાઈવરની નોકરી બહુ તણાવયુક્ત હોય છે.
બે કલાકમાં ઓસાકા સ્ટેશને અમારે ટ્રેન બદલવાની હતી. અમારે હિરોશીમા જવું હતું એટલે થોડું આગળ જઈ પાછાં આવવાનું હતું. એક બુલેટ ટ્રેનમાંથી ઊતરી અડધા કલાક પછી આવતી બીજી બુલેટ ટ્રેનમાં બેસવાનું હતું. સદનસીબે, અમારે પ્લેટફોર્મ બદલવાનું ન હતું. વળી બુલેટ ટ્રેનના અનુભવ પછી બધામાં એક વિશ્વાસ પણ આવી ગયો હતો. બપોર પડી ગઈ હતી. વળી અમે કૉફીનાં શોખીન. ગરમ-ગરમ કૉફી મળે તો? ઠંડાં પીણાંના ડિસ્પેન્સર તો ઘણાં હતાં, પણ ગરમ કૉફી મળવી મુશ્કેલ લાગતી હતી. પ્લેટફોર્મ પર ડિસ્પેન્સર નજીક એક બહેન ઊભાં હતાં, તેમને પૂછતાં તેમણે ડિસ્પેન્સરમાં જ ઉપર ઓવન હતું તેમાં કૉફીનું કેન ગરમ કરી અમને સરસ ગરમ કૉફી આપી! પ્લેટફોર્મ પર ઊભાં ઊભાં અમે ગરમાગરમ કૉફી પીધી. બીજી ટ્રેન સમયસર આવી અને અમે સૌ શાંતિથી તેમાં ચઢી ગયાં. ટ્રેનમાં ખાવા માટે થેપલાંનું ફૂડ પેકેટ અમને આપ્યું હતું. બીજા નાસ્તા પણ હતા. બધાએ ટ્રેનમાં વાતો, બૂમાબૂમ અને ધમાલ કરતાં કરતાં જમવાનો પ્રોગ્રામ પતાવ્યો. ટ્રેન કલાકના લગભગ ૩૦૦ કિ.મિ.ની ઝડપે ચાલતી હતી પણ અંદર બેઠાં પછી એક આંચકો ય આવે નહીં. જાપાની મુસાફરો પણ શાંત અને સુશીલ. કોઈ જાતના અવાજ વગર મુસાફરી કરે. ઘણી વાર આપણું વર્તન આપણને જ શરમજનક લાગે!
બીજા બે કલાકની સફર પછી અમે હિરોશીમા પહોંચ્યાં. મોડું થઈ ગયું હતું છતાં ‘નમસ્તે’ નામની રેસ્ટોરાંમાં સરસ જમ્યાં. હોટલ થોડી દૂર હતી એટલે પાછા શહેરનું દર્શન કરતાં કરતાં અમે હોટલે પહોંચ્યાં. બહુ જ મોટી અને ભવ્ય હોટલ હતી. હોટલના પ્રાંગણમાંમાં જ ગરમ પાણીના ઝરા આવેલા હતા. અને લાભ લેવો હોય તો સ્પા રાતના બાર વાગ્યા સુધી ખુલ્લું હતું. જો કે બધાં એવાં થાક્યા હતાં કે રૂમ પર જઈ સૂઈ ગયાં. ૧૬મા માળનો અમારો રૂમ બિલકુલ ખાડી પર પડતો હતો. પૂનમની રાત હતી એટલે ચંદ્રનું અજવાળું પાણીને સુંદર આભા અર્પતું હતું. ‘રેશમી ઉજાલા હે, મખમલી અંધેરા’ ફિલ્મીગીતની યાદ આવી જાય. રાતના ઝાંખા પ્રકાશમાં ઓછો ખ્યાલ આવતો હતો પણ નીચે લીલુંછમ ઉપવન હશે તે ચોક્કસ. વળી એ હરિયાળીની વચ્ચે નાનો સ્વિમિંગ પુલ પણ દેખાતો હતો! દરિયાનું પાણી, ચંદ્રનો આછો પ્રકાશ, લહેરાતી હરિયાળી, સ્વિમિંગ પુલ….. બધું જોઈને જ આનંદ માણવાનો હતો! એ બધું જોતાં જોતાં અમે ક્યારે સૂઈ ગયાં તે પણ ખબર ન પડી !
સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
Very nice article. I feel that I was also there with you.
ખુબજ સુંદર અને સરસ હૂબહૂ વર્ણન ક છે..ત્યાં જવાની ઈચ્છા થઈ જાય…
Thanks, Sweety! You are always with us!
વંદનાનાબેન, તમે તો આટલું બધું ફરો છો !ક્યારેક જાપાન ચોક્કસ જજો!
Very fine tour of Japan
Love it well as the description is like watching a cinema through your eyes
Jai Ho
Thanks, Surenbhai! I am happy that you enjoyed the details! Keep reading!