વાર્તામેળો : ૨ : ચક્રમ ચુલબુલ

Facebooktwitterredditpinterestlinkedinmail

ધ્વનિ  જાદવ 

શાળાઃ ઍમિટી સ્કૂલ, ભરૂચ

ચુલબુલ નામે એક છોકરો તેની માતા સાથે રહે. તેની માતા એકવાર બીમાર પડી. આથી ચુલબુલ નજીકમાં જ રહેતી તેની નાનીના ઘેર જાય અને જમે, સાથે માતાનું જમવાનું પણ લેતો આવે. એકવાર તેની નાનીએ તેને સોય આપી. સોય લઈને તે ઘેર પાછો ફરતો હતો. રસ્તામાં તેને ઘાસનું ગાડું મળ્યું. તેણે ઘાસના ગાડામાં સોય ખોસી દીધી. રમતમાં તે ભૂલી ગયો. ને ગાડું આગળ જતું રહ્યું. બીજે દિવસે તેની નાનીએ પૂછ્યું, “ચુલબુલ સોય મમ્મીને આપી ?” ચુલબુલે ખૂબ જ યાદ કર્યું ત્યારે તેને યાદ આવ્યું કે તે સોય તો ઘાસના ગાડામાં જ ભૂલી ગયો છે. નાનીએ તેને સમજાવતા કહ્યું કે, “આવી અણીદાર કે ધારદાર વસ્તુ કાપડમાં ખોસીને લઈ જવાય.”

એક દિવસે તેની નાનીએ તેને કાતર આપી. તે કાતર લઈ ઘર તરફ જવા નીકળ્યો. તેને યાદ આવ્યું કે નાનીએ કહ્યું હતું કે આવી ધારદાર વસ્તુ કે અણીદાર વસ્તુ કાપડમાં ખોસીને લઈ જવાય. તેણે કાતર તેના ખિસ્સામાં ખોસી દીધી. આથી ખિસ્સું ફાટી ગયું. બીજે દિવસે તેની નાનીએ પૂછ્યું કે, “ચુલબુલ તે કાતર મમ્મીને આપી ?” ત્યારે તેણે નાનીને ખિસ્સું ફાટી જવાની વાત જણાવી. નાનીએ કહ્યું, “આવી વસ્તુ પેન્ટના ખિસ્સામાં મૂકીને લઈ જવાય.”

ચુલબુલ જમવા બેઠો. જમીને ઊઠ્યો ત્યારે નાનીએ જણાવ્યું કે આજે હું રસોડાનો સામાન લેવા માટે માંગલેજ ગામ જવાની છું. તો આજે હું તને મારા ચપટુ(કૂતરો)ને આપીશ. તું એને તારા ઘરે લઈ જજે. ચુલબુલ તો ચપટુને લઈને ઘર તરફ જવા નીકળ્યો. તેને યાદ આવ્યું કે નાનીએ તો ખિસ્સામાં લઈ જવાનું કહ્યું હતું. તેણે ચપટુને ખિસ્સામાં નાખી દીધો. ઘરે જઈને તેને બહાર કાઢ્યો તો તે બેભાન થઈ ગયો હતો. થોડીવાર પછી તે હોંશમાં આવ્યો અને તેની સાથે રમવા લાગ્યો.

બીજે દિવસે તે ચપટુને લઈને નાનીને ઘેર ગયો. તેણે નાનીને ચપટુની આખી ઘટના જણાવી. નાનીએ તેને ધમકાવતા કહ્યું, “એને તો દોરીને લઈ જવાયચક્રમ !” ચુલબુલ સમજી ગયો. તે દિવસે નાનીએ તેને પીઝા આપ્યા. ચુલબુલ ચપટુ અને પીઝા લઈ ઘરે જવા નીકળ્યો. તેને યાદ આવ્યું કે, નાનીએ દોરીને લઈ જવા કહ્યું હતું. આથી તેણે પીઝાના ડબ્બા પર દોરી બાંધી અને દોરીને ઘસડીને લઈ ગયો. તે આગળ ચાલે અને પાછળ ચપટુ અને પીઝા. ઘરે જતાં સુધીમાં તો ચપટુએ પીઝા ખાઈ લીધા. બીજા દિવસે નાનીને તેણે ચપટુએ પીઝા ખાઈ લીધા, તેની વાત કરી.

નાની તો ગુસ્સામાં આવી ગઈ. તેમણે કહ્યું, “ચુલબુલ, તું ક્યારે સુધરીશ ? તને ક્યારે અક્કલ આવશે ? પીઝાને દોરીને ક્યારેય ના લઈ જવાય !” ત્યારે ચુલબુલે નાનીને પૂછ્યું, “તો કેવી રીતે લઈ જવાય ?” ત્યારે નાની ક્રોધે ભરાયા અને બોલ્યા, “તારા માથા પર મૂકીને લઈ જવાય !”

થોડીવાર પછી જમીને તે ઘરે જવા નીકળ્યો. નાનીએ તેને બટર લઈ જવા આપ્યું. રસ્તામાં ચુલબુલને યાદ આવ્યું કે માથા પર મૂકીને લઈ જવાનું નાનીએ કહ્યું હતું. ચક્રમે તો બટર માથા પર મૂકી દીધું. સરસ મજાનો સૂર્યનો તડકો અને રસ્તે ચાલતો ચુલબુલ, વળી માથે બટર. બટર તો પીગળી ગયું. ચુલબુલ તો બટરથી પૂરેપૂરો નવાહી ગયો હતો. ઘરે પહોંચ્યો ત્યારે નાની પણ આવી પહોંચ્યાં હતાં.

ચુલબુલની આવી દશા જોઈ નાની અને મમ્મી બોલ્યા, “ચક્રમ ચુલબુલ, તારું કંઈ જ થાય નહીં !”


૨૦૧૮ની સ્પર્ધાની  વાર્તા


‘વાર્તા મેળો’ સ્પર્ધાનું આયોજન દર્શા કિકાણી આત્મન ફાઉન્ડેશન, અને વિચારવલોણું પરિવાર, અમદાવાદ તેમ જ પ્યોરિટી ફ્લેક્ષ લિ., વડોદરા,ના સહયોગથી કરે છે.


સંપર્ક:  દર્શા કિકાણી :  ઈ –મેલ –  darsha.rajesh@gmail.com


સંપાદકીય નોંધ :


આ લેખમાળા અહીં સમાપ્ત થાય છે. સુશ્રી દર્શાબહેન તેમના આ અભિનવ પ્રયોગને વર્ષોવર્ષ નવા આયામ આપી શકતં રહે, આ પહેલનો પ્રસાર ખૂબ વ્યાપક બને અને  તેની અસર રૂપે કૅટલાંક જીવનને નવી ધિશા સાંપડતી રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ.

સંપાદકો – વેબ ગુર્જરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *