બાળવાર્તાઓ : ૧ : સસો અને સસી

Facebooktwitterredditpinterestlinkedinmail

જાણીતાં બાળ સાહિત્યકાર પુષ્પાબહેન અંતાણીએ કારકિર્દીની શરૂઆત આકાશવાણીના ભુજ કેન્દ્રમાં ઍનઉંસર તરીકે કરી તે પછી અમદાવાદ-વડોદરા કેન્દ્રમાં જોડાયાં અને ૩૩ વર્ષ સુધી એનાઉન્સર તરીકે સેવા આપીને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. એમણે વર્ષો સુધી રેડિયો પર બાળકો માટે કાર્યક્રમ રજૂ કર્યા. તેમાં જુદા જુદા વિષય પર તે જ વખતે રચાતી જતી બાળવાર્તાઓ લાઇવ રજૂ કરી. પાછળથી બાળવાર્તાઓનું લેખિત સ્વરૂપમાં સર્જન કરવાનો આરંભ કર્યો.અત્યાર સુધી બાળવાર્તાઓનાં એમનાં ૧૦ પુસ્તક પ્રકાશિત થયાં છે.

એમની સાહિત્યસેવાની આછેરી ઝલક:

 • પહેલા જ પુસ્તક વાર્તાશોખીન જૂઈબહેન‘ને ગુજરાત સાહિત્ય અકાદમીનું તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક,
 • ત્રીજા સંગ્રહ દેડકીનું બચ્ચું અને વિમાન’ને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પારિતોષિક અને
 • બન્ટીના સૂરજદાદા’ માટે ૨૦૧૬ના વર્ષનો સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવૉર્ડ. 1

પુષ્પાબહેન બાળવાર્તાલેખનમાં ભાષાની સરળતા અને વાર્તાવસ્તુ દ્વારા બાળકોમાં મૂલ્યબોધ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. વેબગુર્જરી પર પુષ્પાબહેન અંતાણીનું સ્વાગત કરીએ છીએ.

આજથી દર મહિનાના બીજા મંગળવારે વેબગુર્જરી પર પુષ્પાબહેન અંતાણીની એક એક બાળવાર્તા પ્રકાશિત કરીશું.

સંપાદક મંડળ

સસો અને સસી

પુષ્પા અંતાણી

ટ્રીન… ટ્રીન… ટેલિફોનની રિન્ગ વાગી. સસાએ રીસિવર ઉપાડ્યું, “હલ્લો, સસારાણા સ્પિકિન્ગ! હલ્લો… હલ્લો… ભાઈ, બરાબર સંભળાતું નથી… હલ્લો… શું કહ્યું? મારો અવાજ તમને સંભળાય… હલ્લો… હલ્લો… પણ મને બરાબર સંભળાતું નથી… હલ્લો… અમારા લેન્ડ લાઈન ફોનમાં થોડી ગરબડ છે… એક કામ કરો, મને મોબાઈલ પર ફોન કરો… મારા મોબાઈલ નંબર છે તમારી પાસે કે લખાવું?… હલ્લો… હલ્લો… ઓ..હો..!”

ફોન મૂકીને સસાએ સસીને બૂમ પાડી, “અરે સસીરાણી, ક્યાં ગયાં તમે?”

અંદરથી જવાબ મળ્યો, “કામમાં છું… શું કામ છે?”

સસાએ કહ્યું, “આપણો ફોન ખરાબ છે, જરા કમ્પલેઈન નોંધાવી દેજોને!”

કામમાં ડૂબેલી સસીએ જવાબ આપ્યો: “અરે, ભાઈ! આજે મને જરાસરખો પણ ટાઈમ ક્યાં છે!” સસો બોલી ઊઠ્યો, “હા…હા.. મને ખબર છે, મારી સસીરાણી! આજે અનાથાશ્રમનાં બચુડાં સસલાંને તમે લન્ચ માટે બોલાવ્યાં છે એ હું જાણું છું… પણ તમે જરા મારી પાસે આવશો?”

સસી ત્યાં આવી અને બોલી: “ઓહોહો…! આટલો મોટો બિઝનેસ એકલા હાથે ચલાવો છો, પણ ઘરમાં તો મારા વગર એક ઘડીય ચાલતું નથી!”

સસો કહે: “તમે છો તો આ બિઝનેસ છે, મારી સફળતાનો આધાર પણ તમે જ છો. તમારા વગર તો હું એકડા વગરાના મીંડા જેવો છું! પછી મને તમારા વિના કેમ ચાલે?”

સસી બોલી: “એ વાત સાચી! પણ એ તો કહો, તમે કોટબોટ ચડાવી, તૈયાર થઈને ક્યાં ઉપડ્યા? આજે તો તમે ઘેર જ રહેવાના હતાને?”

સસો કહે: : “સોરી, સસીરાણી! એવું છે કે બિઝનેસનો એક મોટો કરાર ફાઈનલ કરવાનો છે. એમાં એક જગ્યાએ મારી સાઈન કરવાની રહી ગઈ છે. આજે જ બધું ફાઈનલ કરવાનું છે. એથી મારે જવું જ પડે એમ છે. તમે તમારી તૈયારી કરો, હું આ ગયો ને આ આવ્યો, લન્ચ પહેલાં પહોંચી આવીશ.”

સસો તો ગયો. સસીએ વિચાર્યું, જલદીથી બધું કામ પતાવવું પડશે. એ રસોડા બાજુ દોડી, નોકરચાકરોને હુકમ કર્યો, “ચાલો, ચાલો, બધાં કામે લાગી જાઓ. ગગલી સસી, તું શાક સમારી લે, અલી એય, તું લોટ બાંધી લે, સસા મા’રાજ, તમે ગેસ પર રસોઈ શરૂ કરી દો.”

બધાં કામે લાગી ગયાં. સસી પણ બીજી વ્યવસ્થામાં પડી ગઈ. એટલામાં સસા મા’રાજ હાંફળાફાંફળા થતા રસોડામાંથી બહાર આવ્યા. “શેઠાણીજી, ગેસ ગયો…” સસી પણ ગભરાઈ ગઈ, “હેં? શું વાત કરો છો? આટલો જલદી ગેસ ન જાય, વળી ગેસનો બીજો બાટલો મારી ફ્રેન્ડ મંજી સસી લઈ ગઈ છે… હે ભગવાન, હવે શું થશે? લાવ, સસારાણાને ફોન કરું.”

સસીએ સસાને મોબાઈલ લગાવ્યો, “હલ્લો? ક્યાં છો? રસ્તામાં છો કે ઑફિસમાં પહોંચી ગયા છો?”

સસાએ કહ્યું, “ના, હજી રસ્તામાં જ છું, બોલો, શું કામ પડ્યું?”

સસી ઉતાવળથી બોલી: “આ જુઓને, આપણો ગેસ ગયો અને બીજો બાટલો મારી ફ્રેન્ડ લઈ ગઈ છે. આપણા સેવક સસાને કહોને કે ગેસનો બાટલો ક્યાંકથી જલદી મેળવી આપે.”

સસો વચ્ચે જ બોલ્યો: “પણ સેવક તો આજે એના ગામ ગયો છે.”

“ઓહ!”

સસાએ પૂછ્યું: “તો હવે તમે કરશો શું?”

સસીએ મનમાં કંઈક ગોઠવણ કરી લીધી અને બોલી: “સારું, સારું, હું કંઈક કરું છું.”

પણ સસાને મજા નહોતી આવતી, એણે કહ્યું: “ગેસ વિના તમે રસોઈ કેમ કરશો? તમને તકલીફ પડશે, મને ચિંતા થાય છે.”

સસી તરત બોલી: “ના, ના. તમે ટેન્શન ન લેશો. અહીંની ચિંતા કર્યા વગર તમારું કામ ફતેહ કરીને લન્ચ પહેલાં આવી જજો. હું બધું મેનેજ કરી લઈશ.”

મોબાઈલ બંધ કરી સસી રસોડામાં આવી. એ જાણે દોડી રહી હતી. એણે બધો પ્લાન વિચારી લીધો હતો. એણે એ પ્રમાણે કામ શરૂ કરી દીધાં. લન્ચનો સમય થતાં સુધીમાં તો બધી રસોઈ તૈયાર થઈ ગઈ.

જમવાનો સમય થતાં અનાથાશ્રમમાંથી બાળસસલાં આવી પહોંચ્યાં. સસીએ બધાંને શરબત પાઈને સ્વાગત કર્યું. સૌને જમવા બેસાડ્યાં. બધાંને હોંશે હોંશે જમાડ્યાં. સૌને જમવાની બહુ જ મજા આવી. જમ્યા પછી બધાં બાળસસલાં જતાં હતાં ત્યાં સસીએ ગગલી સસીને કહ્યું: “આપણે જે ભેટ લાવ્યાં છીએ તે દરેકને આપો.”

એટલામાં તો સસારાણાની કારનું હોર્ન વાગ્યું. એ દોડતા દોડતા આવ્યા. બધાં બાળસસલાંને જવાની તૈયારી કરતાં જોઈને બોલ્યા: “અરે, બધાંએ જમી પણ લીધું? પણ, સસીરાણી, તમે કેવી રીતે મેનેજ કર્યું?”

સસી કહે: “તમે બેસો જરા, શ્ર્વાસ ખાવ, હું બધાંને બાય કરીને આ આવી.”

બધાંને મૂકી આવીને સસીએ પૂછ્યું: “બોલો, તમારું કામ બરાબર પતી ગયું?”

“મારા કામની વાત પછી, પહેલાં તમે એ કહો કે તમે આટલી બધી રસોઈ આટલી ઝડપથી કેવી રીતે બનાવી? ગેસનો બાટલો ક્યાંયથી મળ્યો?”

સસી આનંદથી બોલી: “ગેસનો બાટલો મળવાની તો શક્યતા જ નહોતી. બીજે ક્યાંયથી એની વ્યવસ્થા કરવાનો મારી પાસે ટાઈમ પણ નહોતો. થોડી વાર તો હું બહુ મૂંઝાઈ ગઈ હતી, પણ પછી તરત જ યાદ આવ્યું કે તમે આ ઘરમાં સુખસગવડનાં નવાં નવાં કેટલાં બધાં સાધનો વસાવી દીધાં છે. મને થયું કે આવી તકલીફ ઊભી થઈ છે ત્યારે આ સાધનોનો લાભ ન લઉં તો બધું કામનું શું?”

સસાએ આશ્ર્ચર્યથી પૂછ્યું: “એટલે તમે… તમે ગેસ વગર…”

સસી વચ્ચે જ બોલી: “હા, ગેસ વગર જ! જુઓ, એક રાઇસ-કૂકરમાં ફટાફટ જીરા રાઇસ અને બીજા રાઇસ-કૂકરમાં ફટાફટ દાળ ફ્રાય બનાવતી ગઈ. એ જ રીતે ઓવનમાં બેક ડિશ અને માઇક્રોવેવમાં સબજી બનાવ્યાં. હોટ પ્લેટ પર ફ્લેટ તવો મૂકી પરાઠાં ઉતાર્યાં. લાડુ તો કાલે જ બનાવી લીધા હતા. ડેઝર્ટમાં ઠંડો મજાનો આઇસક્રીમ ફ્રીજમાંથી કાઢીને ખવડાવ્યો. બધાં રાજીનાં રેડ થઈને ગયાં.”

આ સંભળીને સસો બોલ્યો: “વાહ મારાં સસીરાણી, વાહ! મુશ્કેલીના સમયે રસ્તો કાઢવાની તમારી કુશળતા પર તો હું વારી ગયો છું! અને સાચું કહું, તમે જરૂરિયાતવાળા લોકોને જે રીતે મદદ કરીને સાચી સમાજસેવા કરો છો, એનાથી જ મારા બિઝનેસમાં આટલી બરકત થાય છે.” પછી હસતા હસતા બોલ્યા: “તમે તો મારાં ચતુર નાર, બડી હોશિયાર છો!”

સસીરાણી શરમાઈ ગયાં, બોલ્યાં: “હવે મારાં બહુ વખાણ કરવાં રહેવા દો અને ચાલો જલદી જમવા, આપણા બધાં સેવકો પણ ભૂખ્યાં છે.”

બધાં સાથે બેસીને આનંદથી જમ્યાં.

***


1

2 comments for “બાળવાર્તાઓ : ૧ : સસો અને સસી

 1. Neetin Vyas
  November 13, 2018 at 8:42 pm

  આપ બાળસાહિત્ય માટે સરસ કામ કરી રહ્યા છો. આપણી વારતા વાંચી શ્રી ગિજુભાઈ બધેકા, શ્રી મોંઘીબેન જેવા બાળસાહિત્ય નાં સંનિષ્ટ લેખકો ની યાદ આવી ગઈ.

 2. January 25, 2019 at 3:22 am

  અમને ગમતી વાત. અહીં એ સમાચાર અને કાયમી સ્થાન …

  http://evidyalay.net/?p=109397

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *