લ્યો, આ ચીંધી આંગળી : અંધારાં ફરી વળે એ પહેલાં….

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડ્યા

થોડા વર્ષ પહેલાં ગુજરાતી-અંગ્રેજી અખબારોમાં એક મહત્વના સમાચાર પ્રગટ થયા હતા. જો કે, એ અજવાળાના નહીં, પણ અંધારાના હતા. વલસાડ નજીકના ધરમપુર ગામની ‘શ્રીમદ રાજચંદ્ર આશ્રમ’ સંચાલિત હૉસ્પિટલમાં નજીકના આસલોણા ગામનાં નવ જેટલાં આદિવાસી સ્ત્રી-પુરુષો આંખે મોતિયાના કારણે ફરી વળેલી ઝાંખપ દૂર કરાવવા ગયાં હતાં ને ઝાંખપની જગ્યાએ થોડો અજવાસ તો શું, પણ નર્યો અંધકાર લઈને પાછાં આવ્યાં. એમ તો આ બધાં જ કમભાગીઓનાં ઑપરેશન આધુનિક લેસર પદ્ધતિથી સાવ મફતના ધોરણે કરી આપવામાં આવ્યાં હતાં, પણ ન જાણે શું થયું કે એ બધાં અંધારું લઈને પાછાં ફર્યા. અંધકાર તો મફત મળે તોય કોઈએ લેવાનો ન હોય. હવે સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. તપાસ ‘તારણ’ આપી શકશે, તેજ પાછું નહીં આપી શકે.

‘શ્રીમદ રાજચંદ્ર હૉસ્પિટલ’ની નિષ્ઠા વિશે કોઈ શંકા ન હોય, પણ સવાલ તબીબી કૌશલ્ય, નેત્રમણિની ગુણવત્તા તથા પૂર્વસંભાળ અને પશ્ચાત સંભાળનો છે. ખેર, તપાસને અંતે જે જાણવા મળે તે, પરંતુ એના કારણે ગામડાંની નિર્ધન, અગવડગ્રસ્ત પ્રજાના અંધાપા નિવારણના ક્ષેત્રે કામ કરતી બીજી સંસ્થાઓની ગતિવિધિ ખોરંભે ન પડવી જોઈએ.

ગુજરાતમાં આવી અનેક સંસ્થા અને ડોક્ટર્સ છે. હવે તો આ દુનિયામાં નથી એવા રાજકોટ પાસેના વીરનગરના ડૉ. શિવાનંદ અધ્વર્યું, નેવું વર્ષની ઉંમરેય કાર્યરત આણંદ પાસેની ચીખોદરાની ‘વિરાટ આઈ હોસ્પિટલ’ના ડૉ. રમણીકલાલ દોશી હતા. એ પણ હવે હયાત નથી, નવસારીની ‘રોટરી આઈ ઈન્સ્ટિટ્યૂટ’ના ડૉ. અશોક શ્રોફ, અઠવાડિયાના દર બુધવારે મા-બાપની સ્મૃતિમાં કોઈને પણ નિઃશુલ્ક ઑપરેશન કરી આપતા અમદાવાદના મણિનગર ડૉ. સુભાષ દવે…. આવી ચૅરિટેબલ હૉસ્પિટલ ગરીબોના અંધાપા સાથે બાથ ભીડે છે, પણ આ સેવાપ્રવૃત્તિ અતિ ખર્ચાળ છે. ઘણાને અપયશ પણ અપાવે છે. દાતાની મદદા વગર ખર્ચને પહોંચી શકાતું નથી. આમ છતાં આ સદકાર્ય ચાલે છે.

વિશ્વના અવિકસિત કે અલ્પવિકસિત દેશોમાં ગરીબી અને આરોગ્યસેવાઓના અભાવે જીવતા લોકોના સંભવિત અંધાપા સામે લડવાના દૃઢ નિર્ધાર સાથે વિદેશમાં વસી ગયેલા ભારતીયો (એનઆરઆઈ)ની એક સંસ્થા અમેરિકાના મેડિસન શહેરમાં અસ્તિત્વમાં આવી છે, જે ધીરે ધીરે વિશ્વના એવા દેશોમાં પોતાની પ્રવૃત્તિ સફળ રીતે વિસ્તારી રહી છે, જ્યાં જન્મજાત નહીં,પણ પાછળથી આવી પડનારા અંધાપાની વિકરાળ સમસ્યા હોય.

એ સંસ્થાનું નામ છે ‘કોમ્બેટ બ્લાઈન્ડનેસ ઈન્‍ટરનેશનલ.’(COMBAT BLINDNESS INTERNATIONAL) એમાં મોટા ભાગે ગુજરાતીઓ હોવા ઉપરાંત બીજા ભારતીયો અને બિનભારતીયો પણ પણ સંકળાયેલા છે. 1984માં અમેરિકામાં શરૂ થયેલી આ સંસ્થાની સ્થાપનાનો વિચાર સૌથી પહેલા ‘યુનિવર્સિટી ઑફ વિસ્કોન્સિસ’ના નેત્રશાસ્ત્ર (ઓપ્થેલ્મોલૉજી)ના પ્રોફેસર ડૉ. સુરેશચંદ્રને આવેલો.

મૂળ ઉત્તર પ્રદેશના ડૉ. સુરેશચંદ્ર છેલ્લા ત્રણેક દાયકાથી અમેરિકામાં સ્થાયી થયા છે. સંસ્થાની વેબસાઈટ પર તેમનો વિસ્તૃત પરિચય આ રીતે અપાયો છે.

(ડૉ. સુરેશચંદ્ર)

Suresh Chandra, MD founded Combat Blindness Foundation in 1984. He has authored more than 165 publications and ten book chapters. He is also a Council Member of Vision 2020: The Right to Sight, a global joint initiative of the World Health Organization (WHO) and the International Agency for the Prevention of Blindness (IAPB).

Dr. Chandra is currently the Director of the Division of International Ophthalmology at the University of Wisconsin-Madison School of Medicine and Public Health. He’s been a professor in the Department of Ophthalmology and Visual Sciences since 1974.

આ ફાઉન્ડેશન કે જેનું નામ અત્યારે COMBAT BLINDNESS INTERNATIONAL છે, તેના દ્વારા અત્યાર સુધીમાં એમણે ભારતની મુલાકાત લઈને સોળસો ઉપરાંત નેત્રયજ્ઞની શિબિર કરી છે. સાડા પાંચ લાખ દરદીને તપાસ્યા છે અને સવા લાખ જેટલા નેત્રમણિ બેસાડી આપ્યા છે.( આ જૂના આંકડા છે) એમણે દક્ષિણ ભારતના મદુરાઈમાં મહર્ષિ અરવિંદના નામ પરથી ‘ઓરો લેબ’ની સ્થાપના કરી છે, જ્યાંમોતિયાનાં ઑપરેશનમાં વપરાતા ઈન્ટ્રા ઓક્યુલર લેન્સ અને સૂચર્સ (ટાંકા લેવાની સામગ્રી)નું ઉત્પાદન થાય છે. અહીં દર વર્ષે એકસો પંચોતેર લાખ લેન્સનું અને દસ લાખ સૂચર્સનું ઉત્પાદન થાય છે. અન્ય ઉત્પાદકો કરતાં પડતર કિંમતે એ આ લેન્સ અને સૂચર્સ આર્થિક રીતે નબળા એવા 120થી વધુ દેશને પૂરા પાડે છે. ‘કોમ્બેટ બ્લાઈન્ડનેસ ફાઉન્ડેશન’ દ્વારા ભારત ઉપરાંત ફિલિપાઈન્સ, આફ્રિકા અને દૂર પૂર્વની સેવાભાવે કામ કરતી નેત્રરોગની સંસ્થાઓને દસ લાખ ડોલરથી વધુ રકમની મદદ પૂરી પાડવામાં આવી છે. વિટામિન-એની ઊણપને કારણે ’ઝેરોપ્થેલિમ્યા’ (દૃષ્ટિક્ષય) રોગથી પીડાતાં બાળકોને આ ફાઉન્ડેશને સારવાર આપી છે.

ડૉ. સુરેશચંદ્ર ભલે ઉત્તર પ્રદેશના હોય, પણ એમની સાથે જે ખમતીધર સાથીઓ છે એ મોટા ભાગે ગુજરાતી છે. ડૉ. સુરેશચંદ્રના પડોશી અને મિત્ર ડૉ. અશ્વિન અમેરિકામાં જ વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ છે અને એમના બનેવી ડૉ. યશવંત પટેલ મૂળ આણંદના, પણ આફ્રિકાના નાઈરોબીમાં ડોક્ટર છે. આમ તો ડૉ. યશવંત પોતાનાં પુત્ર-પુત્રીને કે સાળાના પરિવારને મળવા અમેરિકા જાય ત્યારે ત્યાં ડૉ. સુરેશચંદ્રની મુલાકાત પોતાના સાળા ડૉ. અશ્વિનના મિત્ર અને પડોશી હોવાના કારણે થાય.

આવી જ એક મુલાકાતમાં ડૉ. સુરેશચંદ્રે ‘કોમ્બેટ ફાઉન્ડેશન’ને વિશ્વના આટલા બધા દેશોને લાભાન્વિત કર્યા છતાં ગુજરાતમાં હજુ કંઈ કરી શકાયું નથી એનો સહેજ વસવસો વ્યક્ત કર્યો હતો. એ જ અરસામાં ડૉ. યશવંત અને એમનાં આવા કાર્યમાં સાથ પુરાવતાં પત્ની સુરેખાબહેનને રાજસ્થાનની સરહદ પાસે આવેલા મેઘરજના આદિવાસી, વગેરેની સેવા કરતી સંસ્થા ‘જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ’ની જાણ હતી. એ ટ્રસ્ટ સાથે સંકળાયેલા ડૉ. બંસીભાઈ પટેલ,અશોકભાઈ-કાંતિભાઈ ગાંધી, વગેરે સરસ કામગીરી બજાવતા હતા એટલે ડૉ. સુરેશચંદ્રને એ સંસ્થા દ્વારા ગુજરાતમાં નેત્રજ્યોતનું કાર્ય શરૂ કરવાનું સૂચન મળ્યું. પછી તો બધું ફટાફટ થવા માંડ્યું. સરકારે સત્તાવાર રીતે જાહેર કરેલા આ ડાર્ક ઝોન-અંધારા મુલકની ‘જલારામ આરોગ્ય સેવાટ્રસ્ટ હોસ્પિટલ’માં સૌ પ્રથમ 2006ના 12 ફેબ્રુઆરીએ ત્રણ દિવસીય નેત્રમણિ કૅમ્પ યોજવામાં આવ્યો અને એમાં સાવ નિર્ધન, અબુધ એવા સાતસો પાંત્રીસ જેટલા દરદીઓએ અંધકારમાંથી અજવાસની રાહ ભાળી. આવા સંભવિત દરદીઓને પોતાની જાતે તો મેઘરજ સુધી આવવાનું સૂઝે નહીં એટલે કૅમ્પના આયોજન પહેલાં ટ્રસ્ટની એમ્બ્યુલન્સ આજુબાજુનાં ગામડાં ખૂંદી આવી. પછી ઑપરેશન પહેલાં લાવવા અને ઓપરેશન બાદ એમનાં ઘરે પરત કરવા સુદ્ધાંની વ્યવસ્થા પણ ગોઠવી. ઉપરાંત,મહિનો ચાલે એટલું અનાજ, ધોતી કે સાડી, તેલ-ઘી સાથે બંધાવવાની ગોઠવણ પણ કરી દીધી.

મેઘરજના કૅમ્પની આ જબરદસ્ત સફળતાથી પ્રેરાઈને બીજે વર્ષે પણ કેમ્પ કર્યો અને ત્રીજા વર્ષે તો 2008માં ‘જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ’ની આ હોસ્પિટલમાં આઈ વૉર્ડ પણ ખડો કરી દીધો. એ પછી ગયા વર્ષે પણ નેત્રચિકિત્સક ડૉ. હીરેન નિનામાએ 800 દરદીની આંખમાં વિના મૂલ્યે નેત્રમણિનું આરોપણ કર્યું. હમણાં પણ 14 ફેબ્રુઆરીએ મોટા પાયે કેમ્પનું આયોજન થયું હતું, જેમાં દરેક દરદીને આ વખતે દર વર્ષે આપવામાં આવતાં રાશન-ભોજન, વગેરેની સગવડ ઉપરાંત ’અર્પણ ફાઉન્ડેશન તરફથી જૂના કપડાંની એક એક જોડ પણ આપવામાં આવી હતી. પૂજ્ય મોરારિબાપુ અહીં આવ્યા ત્યારે એમણે સંસ્થાને ‘નેત્રતીર્થ’ તરીકે ઓળખાવીને ચરણે ધરાયેલું કશુ લેવાને બદલે સામેથી પાંચ હજાર રૂપિયા આપીને ગયા !

મોડાસાથી માત્ર વીસ કિલોમીટર દૂર આવેલા મેઘરજ ગામની આ હોસ્પિટલ આમ તો ભયંકર નાણાભીડ વચ્ચે પ્રસૂતિ અને સ્ત્રીરોગ, હૃદયરોગ અને સર્જિકલ વિભાગ ગરીબો માટે ચલાવે છે, પરંતુ’કોમ્બેટ બ્લાઈન્ડનેસ ફાઉન્ડેશને’ એના નેત્રરોગ વોર્ડને જોતજોતામાં બીજી હોસ્પિટલ્સ માટે રોલ-મોડેલ બનાવી દીધો.

મેઘરજ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ‘કોમ્બેટ બ્લાઈન્ડનેસ ફાઉન્ડેશને’ પોતાની કામગીરી વિકસાવી છે. 1972 -73માં ડૉ. યશવંત પટેલે સેવામૂર્તિ મધર ટેરેસાના આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારથી એ સેવાની હોટલાઈન (આ મધરના શબ્દો છે) બની રહ્યા છે.

આ અમેરિકન ફાઉન્ડેશનનો મુખ્ય ધ્યેય એકથી છ વર્ષનાં બાળકોમાં પોષણ કે અપોષણને કારણે આવી પડતો અંધાપો રોકવાનો છે. આ માટે ડૉ. યશવંત પટેલ ગુજરાતભરના સેવાભાવી આઈ સ્પેશિયાલિસ્ટ્સ અને સંસ્થાઓ સાથે સહયોગ સાધી રહ્યા છે અને બહુ જલ્દી પૂરા ગુજરાત-સૌરાષ્ટ્રને આવરી લેવાની એમની નેમ અને તૈયારી બન્નેછે.


(નોંધ- રૂબરૂ મુલાકાતના આધારે લખાયેલો આ લેખ થોડા વર્ષ જૂનો છે. એ પછી આ ફાઉન્ડેશને ઘણો બધો પ્રવૃત્તિવિસ્તાર કર્યો હોય એ સ્વાભાવિક છે. રસ ધરાવનારા વાચકો તેની વેબ-સાઇટ https://www.combatblindness.org/ (E-mail: info@combatblindness.org) જોઇને અપ-ડેટેડ થઇ શકે)


યુ એસ એમાં સંપર્ક-

PO Box 5332, MADISON WI, 53705-0332

Phone: (608) 238-7777 / e-mail: akpatel@wisc.edu

ભારતમાં સંપર્ક( મારફત) :

શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ : વાત્રક નદીના કિનારે, ઊંડવા રોડ, મેઘરજ – 383 350, જિલ્લો : સાબરકાંઠા, ફોન નંબર :02773-244345. || ડૉ. બંસીભાઈ પટેલ : +91 94263-88670


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.:

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

2 comments for “લ્યો, આ ચીંધી આંગળી : અંધારાં ફરી વળે એ પહેલાં….

  1. Neetin D Vyas
    November 12, 2018 at 8:29 am

    ધર્માદા ની ઇસ્પિતાલ માં અસફળ જતાં ઓપરેશન ની જવાબદારી કોની? અને જે વ્યક્તિને દાક્તરની ભૂલ ને લીધે આંખનાં રત્ન ગુમાવ્યા તેનું હવે પછીનું જીવન કેવું જશે? મોતિયા નાં ઓપરેશન પણ જ્યાં સફળતા પૂર્વક ન થતા હોય તેવી ઇસ્પિતાલો સામે સરકાર પગલાં કેમ નથી લેતી?

  2. Chandrashekhar Pandya
    November 12, 2018 at 9:59 am

    અમારી રોટરી કલબ ઓફ બરોડા દ્વારા વડોદરાથી સાવલી જતા રસ્તે મંજુસર ગામમાં રોટરી નેત્રાલય ચલાવે છે. બિલકુલ રાહત દરે અથવા તો જરૂરિયાતમંદ માટે સંપૂર્ણ નિઃશુલ્ક આંખના ઓપરેશન થાય છે. પરંતુ દુઃખદ એ કે ધારી સંખ્યામાં દર્દીઓ લાભ લેતાં નથી!

Leave a Reply to Chandrashekhar Pandya Cancel reply

Your email address will not be published. Required fields are marked *