કુછ દિન તો ગુજારો ગીર મેં

Facebooktwitterredditpinterestlinkedinmail

અજિત મકવાણા,

ગાંધીનગર

કુછ દિન તો ગુજારો ગુજરાત મેં. ગુજરવું જ હોય તો આવો ગીરમાં. ત્યાં હાવજ છે, સાવજ, સિંહ. આમ પણ સિંહના હાથે, વીરના હાથે ગુજરવું (એટલે મરવું) કોને ના-પસંદ હોય! ગીરનો આ એક લ્હાવ. ગીરનું દેશ્ય – પ્રાદેશિક ઉચ્ચારણ તો ગર્ય છે. ગીર એક પ્રદેશ છે. જેમ કે કચ્છ. કચ્છમાં કચ્છ નામનું કોઈ ગામ નથી તેમ ગીરમાં ગીર નામનું કોઈ ગામ નથી. ગીરમાં સાવજ કહેતાં સિંહનો નિવાસ છે. ગામડાં પણ છે. માણસો પણ. ઢોર તો ઘણાંય છે, ગણાય નહીં એટલાં. ગાય-ભેંસ ને બકરાં. બિલાડાં ને કૂતરાંય ખરાં. માનવકૂતરાં નથી એ સારું છે. એટલે સ્ત્રીઓ, એકલી સ્ત્રી પણ સલામત છે. જેમ સિંહ એમ ત્યાંની ગાયોય વખણાય. ગોકુળ જેવી ગાય. લાલ. ને ભેંસો, બીક લાગે એવી, હાથી જેવી. માથે આંટિયાળાં (મરોડદાર) શિંગ. એક ઢીંકમાં હાવજ જેવા હાવજને ખોખરો કરે તેવી. એકલી ના હોય, ટોળેટોળાં હોય. રખડતી હોય, માંદણમાં પડી હોય કે ચરતી હોય. બેઠી બેઠી વાગોળતીય હોય. નેસમાં રહેતી હોય કે ગામમાં કે સીમમાં કે જંગલમાં, ગીરની ભેંસને સિંહનો ભોં નથી હોતો. એના રખેવાળનેય નહીં. આવા હર્યાભર્યા હરિયાળવા ગીરમાં હિરણ, માલણ જેવી મસ્ત મજાની કલબલ વહેતી નદીઓ છે ને એ નદીઓની આસપાસ જ, કિનારાના વિસ્તારોમાં સિંહ રહે છે. વર્ના પાણી પીવા તો આવે જ છે.

ગીરમાં જવા માટેના બે રસ્તા. પહેલો તે જૂનાગઢથી. બીજો સોમનાથથી. બંને સ્થળે જવા માટે બસ, લક્ઝરી અને ટ્રેન મળે. ટ્રેન અને બસમાં, બંનેમાં પહેલાં જૂનાગઢ આવે પછી સોમનાથ. અનુકૂળતા મુજબ સ્થળ પસંદ કરી શકાય. સીધી ગીર જતી સ્લીપર કોચ લક્ઝરી પણ અમદાવાદથી મળતી હોય છે.

જૂનાગઢથી ક્લબ મહિન્દ્રા ગીર વાયા મેંદરડા, અંબાલા રસ્તે જવાય. કુલ ૫૨.૬ કિ.મી., બે-અઢી કલાકનો રસ્તો થાય. મેંદરડા સુધીનો રસ્તો સારો છે. થોડો ઊબડખાબડ ખરો પણ વાંધો ન આવે. મેંદરડાથી આગળનો રસ્તો વધુ ખાડાવાળો છે, વધુ ઊબડખાબડ. ૩૦-૪૦ની સ્પીડથી વધુ ન જ જવાય તેવો. આગળ જતાં જંગલ ચાલુ થઈ જાય. બંને તરફ પથ્થરની નાની દીવાલ, દીવાલ પાછળ જંગલ અને વચ્ચે સિંગલ પટ્ટી રસ્તો. સામેથી વાહન આવતું હોય તો ખૂબ ધીમેથી બંનેએ ક્રોસ કરવું પડે, પણ મજા આવે. જંગલ શરૂ થાય એટલે હરણ, નીલગાય જોવા મળે, જો રસ્તા પર વાહનોના અવાજ ઓછા હોય તો.

જંગલી પ્રાણીઓ વાહનના અવાજથી ટેવાયેલાં નથી હોતાં. બીકણ હોય. હરણ ખાસ. એટલે સહેજ પણ અવાજ આવે એટલે કાન ઊંચા ને ડોક અવાજની દિશામાં કરી આંખોમાં આંખો પરોવી પ્રેમ કરતાં હોય તેમ જુએ, પણ હોય ભય. પૂંછડી પટપટ પટપટાવે, પછી સેકન્ડોમાં ઠેક મારે ને સડસડાટ જંગલમાં, ઝાડીઓ વચ્ચે થઈ ભાગી જાય. આવું જ શિયાળ, જરખ, નોળિયા, નીલગાય બધાં માટે કોમન છે. સિંહ મસ્તીથી ચાલ્યો જાય. પણ સિંહ ઝાડીઓ કરતાં ખુલ્લામાં રહેવાનું વધુ પસંદ કરે છે.

આ જંગલ વિસ્તાર શરૂ થયા પછી વીસેક મિનિટે જંગલનો દરવાજો આવે. ત્યાંથી ગીરનું પ્રતિબંધિત જંગલ શરૂ થાય. આગળ જતાં, દેવળિયા પાર્ક જવાની ચોકી આવે, જમણા હાથે જતો રસ્તો દેવળિયા જાય ને સીધો સાસણ તરફ. સાસણ તરફ આગળ જતાં એકાદ કિ.મી.ના અંતરે, જમણી બાજુ વળી જવાથી ક્લબ મહિન્દ્રા (હરિપુર, ગીર) જવાય, પાંચેક કિ.મી. દૂર. આ આખો રસ્તો સૂમસામ ભાસે. હરણ કે સિંહ ના મળે, પણ જંગલ ખરું. આગળ જતાં અડધો કિ.મી.એ હરિપુર ગામ છે. ને એ સીધા રસ્તે તલાલા જવાય. ત્યાંથી સોમનાથ.

અમદાવાદથી સોમનાથની બસ ટ્રેન બંને મળે છે. સોમનાથથી ક્લબ મહિન્દ્રા વાયા તલાલા, ચિત્રાવડ, હરિપુર થઈ ૩૮ કિમીનો રસ્તો છે. તલાલામાં બસસ્ટેન્ડથી આગળ જતાં સર્કલ આવે ત્યાંથી ડાબી બાજુ વળી જતાં ડાબા હાથ પર પોલીસ ક્વાર્ટર્સ આવે. બરાબર આ જ રસ્તે ચિત્રાવડ હરિપુર આવે. પછી ક્લબ મહિન્દ્રા. એક દોઢ કલાકનો રસ્તો થાય. આ આખો રસ્તો જંગલભર્યો છે. દિવસના ગમે તે સમયે ધીમી ગતિએ (૨૦-૩૦ની સ્પીડ) વાહન ચલાવતાં જતાં રસ્તામાં ઘણા બધા ઢાળ-ઢોળાવ, ખાડાવાળો ઊબડખાબડ રસ્તે ઢગલાબંધ હરણનાં ટોળાં જોવા મળી આવે. સવારના નવ વાગ્યા પહેલાં અને સાંજના છ વાગ્યા પછી આ રસ્તે હરણ વધુ જોવા મળે. આ વિસ્તાર સિંહનો નથી જ, છતાં, સિંહ થોડો કહે કે હું અહીંથી નહીં નીકળું. એ તો રાજા છે, ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે. અને એટલે જ, આ રસ્તે પણ જો નસીબ હોય તો સિંહ જોવા મળી શકે. ન મળે તોયે, આ આખો રસ્તો એટલો મજાનો, ડરામણો છે કે પૂછો મત. જંગલમાં રખડ્યાનો સાચો આનંદ આ રસ્તેથી પસાર થનારને થાય જ થાય. મને લાગે છે કે, સોમનાથથી ક્લબ મહિન્દ્રા જવું વધુ સુગમ રહે. એક કારણ એ પણ ખરું કે, આખો જંગલ વિસ્તાર પ્રતિબંધિત છે. દરેક રસ્તે રોડ પર ચોકી આવે, દરવાજો આવે. સાંજે સાતેક વાગ્યે આ દરવાજા બંધ કરી દેવાય. તે સવારે સાત વાગ્યે ખૂલે. આખી રાત દરમિયાન આ રસ્તા બંધ રહે. કોઈ આવન જાવન, વાહન નહીં. પરંતુ, સોમનાથથી સાસણવાળો વાયા તલાલા, હરિપુરવાળો રસ્તો ચોવીસે કલાક ખુલ્લો હોય છે. રાતના પણ ત્યાં આવી-જઈ શકાય. હિંમત હોય તો રાત્રે કે વહેલી સવારે ચાલતાં પણ જઈ શકાય. કોઈ રોકટોક નથી.

ટ્રેન જૂનાગઢ સવારે પાંચેક વાગ્યે ઉતારે ને સોમનાથ સાતેક વાગ્યે. સોમનાથ ઊતરીને રેલવે પ્લેટફોર્મ પર જ ફ્રેશ થઈ જવાય. પછી સીધા સોમનાથ મંદિરે દર્શન કરવા. આઠથી નવ સુધીમાં આરામથી દર્શન થાય. આજુબાજુ ફરી ઐતિહાસિકતા જાણી-માણી શકાય. પછી દરિયાલાલ. સોમનાથનો દરિયો તોફાની છે, એટલે નહાવા પડવામાં જોખમ છે. પણ છે મજાનો, શંકરના રુદ્ર સ્વરૂપનો અનુભવ કરવા માટેય આ દરિયો જોવો જોઈએ. ત્યાંથી બસ-માર્ગે કે શટલ ટેમ્પો, જીપ દ્વારા તલાલા આવી જવાય. તલાલા અગિયાર વાગ્યા પછી અવાય તો મજો હી મજો. અહીં, સોમનાથ તરફના છેડે બે-ત્રણ હોટેલ છે, નાની, રેસ્ટોરાં જેવી. ત્યાં બપોરનું જમી લેવાય. રૂા. ૭૦ થી ૧૮૦માં પર-હેડ જમી શકાય. ત્યાંથી છકડામાં કે રિક્ષામાં ક્લબ મહિન્દ્રા ઝિંદાબાદ! સમયસર પહોંચી શકાય, ચેક-ઇન ટાઇમ બે વાગ્યા પહેલાં.

આમ, કરવાથી બે-ત્રણ બચત થાય ને એક લાભ. લાભ સોમનાથનાં દર્શનનો. ભારતના અંતિમ છેડે ઊભા રહ્યાનો. ને બચત સમયની ને પૈસાની. ક્લબ મહિન્દ્રામાં આલા-કાર્ટ જમીએ તો બે વ્યક્તિના સહેજે ૫૦૦-૭૦૦ રૂપિયા થઈ જાય. ને જૂનાગઢથી આવીએ તો ટેક્સીના હજાર ખર્ચાય તે આ રસ્તે બસ્સો-ત્રણસોમાં વાત પતે. ને જંગલનો અનુભવ મળે તે નફામાં.

જૂનાગઢ ઊતરી જઈને ગીર આવવું હોય તો, ટ્રેન જૂનાગઢમાં વહેલી સવારે ઉતારે કે તરત જ ફ્રેશ થઈ બહારથી ટેક્સી કરો વાયા મેંદરડા, દેવળિયા, સાસણ, ક્લબ મહિન્દ્રાના રૂટની.

આમાં દેવળિયા કેમ આવે તે હમણાં સમજાવું.

સવારે છ-સાત વાગે ટેક્સી કરીએ તોયે નવ પહેલાં ગીરના જંગલ વિસ્તારમાં પહોંચી જવાય. એટલે, હરણ વગેરે, જો નસીબ હોય તો, જોવા મળી આવે. આ ટેક્સી સીધી સાસણ સુધી જવા દેવાની. સાસણમાં ચા-નાસ્તો કરવાનો. ને પાછા એ જ રસ્તે દેવળિયા આવવાનું. દેવળિયા પાર્ક સવારે આઠ વાગ્યે ખૂલી જાય છે. આમ, એટલા માટે કરવાનું કેમ કે, દેવળિયા પહેલાંના રસ્તેથી સાસણ સુધીના રસ્તામાં સવારે સવારે સિંહ મળી જવાની શક્યતા વધુ હોય છે.

સાસણથી દેવળિયા પાર્ક જવાનું. દેવળિયાની ચોકી રોડ પર જ છે, ત્યાંથી (સાસણથી આવતાં ડાબી તરફ, ને મેંદરડાથી આવતાં જમણી તરફ દેવળિયાનો રસ્તો વળી જાય છે.) દેવળિયા પાર્ક છ-સાત કિ.મી. જેટલો દૂર છે ને દરવાજાઓ વચ્ચે બંધ છે. દેવળિયા ચોકીના દરવાજેથી પ્રવેશો તે સાતેક કિમી દૂર દેવળિયા પાર્ક આવે ત્યાં પાર્કની પાસે જ બીજો ગેટ છે. ત્યાં જંગલની સરહદ પૂરી. એટલે, દેવળિયા ચોકીથી દેવળિયા પાર્કનો આખો રસ્તો જંગલ જ છે. ધીમી ગતિએ વાહન ચલાવવાથી નીલગાય, હરણ, શિયાળ જોવા મળી આવે. રસ્તામાં ત્રણેક ઝૂંપડા જેવાં મકાનો આવે, ખેતર પણ. લોકો રહે છે આ પ્રતિબંધિત જંગલમાં, એ એમનું ઘર છે, સિંહનું ને જંગલી પ્રાણીઓનું પણ ઘર જ છે. એ બધા પાડોશી કહેવાય.

દેવળિયા પાર્કમાં વાહન બહાર પાર્ક કરી ત્યાં વ્યવસ્થા છે તે પ્રમાણે ટિકિટબારી પરથી ૧૮૦ રૂપિયાની પર-હેડ ટિકિટ લેવાની રહે. ત્યાં બસમાં જવાની એકમાત્ર વ્યવસ્થા છે. બીજાં વાહનોને પ્રવેશ નથી મળતો. બસમાં ૩૫ની સીટ હોય છે. બસ ભરાઈ જાય એટલે ઊપડે, પાર્કમાં. પાર્કમાં અડધો, પોણો કે એક કલાક થાય. જો લોકેશન તરત આવી જતાં હોય તો અડધો નહીંતર કલાક. દેવળિયા પાર્કમાં ગીરના જંગલમાં જોવા મળતાં બધાં જ જંગલી પ્રાણીઓને ખુલ્લામાં જ, જંગલ-લાઇફ જીવતાં હોય તેમ, રાખ્યાં છે. સિંહનાં એક બે ઝુંડ, એક દીપડો, ઢગલાબંધ હરણ, કાળિયાર ને નીલગાય, શિયાળ, જરખ, નોળિયા, બધું જોવા મળે જ મળે. પાર્કમાં તમને એકલા ફરતા ચોકીદાર, વન વિભાગના કર્મચારી પણ જોવા મળશે. એમાં ફિમેલ ગાર્ડ પણ છે. થશે કે આમાં તો સિંહ પણ છે તો આમને બીક નહીં લાગતી હોય? એ બધાં ને સિંહ પણ જંગલનો જ ભાગ છે, એટલે સાથે રહી શકે છે, સાથે જીવી શકે છે ને એટલે એકબીજાનો ડર નથી લાગતો.

ગીરમાં જનાર દરેકે દેવળિયા તો જવું જ જોઈએ, કારણ કે ત્યાં જવાથી સિંહ જોવાનો મકસદ પૂરો થઈ જાય છે. નેશનલ પાર્ક (સેંક્ચ્યુરી પાર્ક)માં સિંહ જોવા મળશે જ, તેની કોઈ ગેરંટી આજ સુધી ક્યારેય કોઈએ નથી આપી, નથી આપતું ને નહીં આપે. નેશનલ પાર્કમાં હરણ, કાળિયાર ને નીલગાય, શિયાળ, જરખ, નોળિયા, જંગલી ભૂંડ જોવા મળશે, જંગલના કાચા રસ્તે ફરવા મળશે. ઝાડીઓની ગીચતા, ભેંકારતા, પંખીઓનો ચહચહાટ, પાંદડાંનો ખખડાટ ને એક અજીબ-શી જંગલની સુગંધ (ગંધ), જે માત્ર જંગલમાં જ હોય– પ્રાણીઓનાં મળ-મૂત્રની, સડેલાં માંસની, સડેલાં પાંદડાની, બંધિયાર હવાની ગંધ, સુગંધ, જેને ફેફસાંમાં ભરીને સાચવી રાખી શકાય, યાદમાં, સ્મૃતિ તરીકે.

દશ-અગિયાર વાગતાં સુધીમાં દેવળિયા પાર્ક જોવાઈ જાય એટલે બારેક સુધીમાં પહોંચી જવાનું સાસણ. (જૂનાગઢથી કરેલી ટેક્સી ક્લબ મહિન્દ્રા સુધી રાખવાની). ત્યાંથી એટીએમમાંથી જરૂર જેટલા પૈસા ઉપાડી લેવાના, જરૂર હોય તો પેટ્રોલ પણ પુરાવી લેવાનું. કારણ કે એટીએમ અને પેટ્રોલ પંપ કાં સાસણમાં છે ને કાં તલાલામાં. પછી સાસણમાં જ કોઈ સરખી હોટલ જેમાં કાઠિયાવાડી ખાવાનું મળે ત્યાં બપોરનું જમી લેવાનું. જમીને સીધા ક્લબ મહિન્દ્રા પહોંચી જવાનું, ચેક-ઈન ટાઇમ બે વાગ્યા પહેલાં.

આમ કરવાથી એક લાભ ને ત્રણ બચત થશે. લાભ સિંહ જોવાનો. દેવળિયા પાર્ક જોવાઈ ગયાનો. ફરી દેવળિયા નહીં જવું પડે ને માત્ર ત્યાં જવા ટેક્સી નહીં કરવી પડે તેનો. ને પહેલી બચત સમયની. વહેલી સવારે રિસોર્ટમાં જઈને રૂમ ન આપે તો? બહેતર છે એ સમયનો દેવળિયા જોવામાં ઉપયોગ કરીએ. બીજી બચત બપોરના ભોજનના ખર્ચની. રિસોર્ટનું ખાવાનું મોઘું હોય જ. સાસણમાં જમી લેવાથી પર-હેડ રૂા. બસ્સો ત્રણસોની બચત થશે. ને ત્રીજી બચત ટેક્સી નહીં કરવાની તો કહી, યાર.

ક્લબ મહિન્દ્રા મસ્ત રિસોર્ટ છે. બે વાગ્યે ચેક-ઈન થઈ, રૂમ પર જઈ, ફ્રેશ થઈ, આરામ કરીએ. રિસોર્ટની રૂમમાં બાથરૂમમાં ગરમ પાણીનો અને ઠંડા પાણીનો એમ બે નળ છે. ગરમ પાણીના નળમાં શરૂઆતમાં ઠંડું પાણી આવે પછી ગરમ થતું જાય, પછી દાઝી જવાય એટલું ગરમ પાણી આવતું હોય છે, એટલે સાચવવું. નાનાં બાળકો સાથે હોય તો એમને આ સમજ ખાસ આપવી અથવા સાચવવાં. (બાથરૂમમાં સાબુ નથી હોતો, ટૂથપેસ્ટ પણ નહીં. ટોવેલ જોઈએ એટલા મળે છે.) ચારેક-પાંચેક વાગ્યે ફરી ફ્રેશ થઈ રિસોર્ટની પ્રોપર્ટી જોવાની, શું શું છે? અહીં, બાળકો માટે હીંચકા છે, ચિંચૂડો છે, ક્લાઈમ્બિંગ માટેનાં દોરડાં છે, લપસણી છે. ક્રિકેટ માટે નેટ-પ્રેક્ટિસ માટેની જાળી હોય છે તેવી જાળીવાળું ગ્રાઉન્ડ છે, તેમાં બેટ-બોલ છે. સૌથી મજાનો સ્વિમિંગ-પુલ છે. નાનાં બાળકો માટે નાનો ને તરતાં આવડતું હોય તેમના માટે મોટો. સ્વિમિંગ પુલમાં પડવા માટે સ્વિમિંગ કોસ્ચ્યુમ ફરજિયાત છે, એટલે ઘરેથી લઈને જ આવવું. ત્યાં ટ્યૂબ્સ પણ છે, જેથી તરતાં ન આવડતું હોય તો ડૂબવાથી બચી શકાય. ક્લબમાં રિસેપ્શન રૂમની સામેનો રૂમ ઇન્ડોર ગેમનો છે. કેરમ, એર બોલ, બિલિયર્ડ છે. ચિત્રકામ અને ટુકડા જોડીને બનાવવાની ક્રાફ્ટ ગેમ છે. આ જ રૂમમાં સ્ટોર છે, જ્યાં કેપ, ટી-શર્ટ, ઝુમ્મર જેવી વસ્તુઓ મળે છે. પણ અહીંથી ના લેવી. આવી કોઈ વસ્તુ ખરીદવી હોય તો દેવળિયા પાર્કમાં જે સ્ટોર છે ત્યાંથી ખરીદવી. કારણ કે અહીં કરતાં પાર્કમાં આની આ જ વસ્તુ પ્રમાણમાં ઘણી સસ્તી મળે છે. સ્ટોરમાં ખાણી-પીણીનો કોઈ સામાન નથી મળતો. એ સામાન લેવો હોય તો, કાં સાસણ જાઓ (આઠ કિ.મી.) અથવા તલાલા (૧૩ કિ.મી.). એટલે, જેમણે રિસોર્ટમાં રહીને પણ પૈસા બચાવવા હોય તેમણે ક્લબમાં પહોંચતાં પહેલાં સાસણ કે તલાલાથી બ્રેડ, બટર, જામ, ફ્રૂટ્સ લઈ લેવાં. જે લોકો આવી સગવડ કરવા ઇચ્છતા હોય ને રિસોર્ટની રૂમ પર જાતે જ એકાદ-બે ટાઇમ રાંધી લેવા ઇચ્છતા હોય તેમણે ઘરેથી જ પેકિંગ કરતી વખતે થોડા ચોખા, કાચી ખીચડી, બટાટા-કાંદા-મરચાં, દળેલું મીઠું-મરચું-હળદર-ધાણાજીરું. આખું રાઈ-જીરું, એક કાચની નાની પણ ફિટ બોટલમાં થોડું ઓઇલ (તેલ) યાદ રાખીને લઈ લેવાં જોઈએ. ત્રણ દિવસમાં રાત્રે રૂમ પર જાતે બનાવેલું ખવાય ને બહાર ફરવા જાઓ ત્યારે બહારથી જ જમીને આવો તો ચેક-આઉટ વખતે ઘણું ઓછું બિલ પે કરવું પડે.

રિસોર્ટમાં રેસ્ટોરાં છે. ત્યાં જઈ મેનુ જોઈ લેવું. ડિસ્કાઉન્ટ પૂછી લેવું. કિંમત જોઈ લેવી, કોમ્બો ઓફર્સ પૂછી લેવી. પછી કઈ રીતે ક્યાં જમવું તેનો નિર્ણય જાતે કરવો. ઘણાને રિસોર્ટમાં જ ખાઈ લેવાનો ક્રેઝ હોય છે. કહેતા હોય કે ફરવા ગયા છીએ તો રાંધવા થોડું બેસાય? બહાર જઈ જમી અવાય. એવાઓને પછી રિસોર્ટનું બિલ મોટું આવે છે. કોમ્બો ઓફર્સ પણ પર-હેડ રૂા. ૬૦૦ પર-ડેથી ઓછી નથી હોતી. ને આલા-કાર્ટનું બિલ અગાઉ જણાવ્યું તેમ રૂા. ૬૦૦-૭૦૦થી ઓછું તો નથી જ થતું. બે પિત્ઝા ખાવ તો રૂા. ૬૦૦ માઇનસ ૨૦-૨૫ ટકા ડિસ્કાઉન્ટ. જીરા રાઇસ રૂા. ૧૮૦, દાલફ્રાય રૂા. ૧૮૦, એક રોટી રૂા. ૫૫, એક સબ્જી રૂા. ૨૪૦-૨૮૦-૩૪૦. આટલું તો જોઈએ ને! ક્વોન્ટિટી ઘણી જ સારી હોય છે. એક બાઉલમાં ત્રણેક સમાય તેટલી. ક્વોલિટી પણ મસ્ત. પણ જેણે ખાવા નિમિત્તે પૈસા બચાવવા છે તેણે બ્રેડ-બટર-જામ કે વેજિટેબલ સેન્ડવિચ ખાવામાં કે ઘરેથી લાવેલા ચોખાથી ઓવનમાં પુલાવ બનાવીને કે ઘરેથી લાવેલી કાચી ખીચડીને ઓવનમાં પકાવીને ખાવામાં શા માટે શરમાવું જોઈએ? એ બચેલા પૈસા કદાચ વધુ ફરવામાં, ટેક્સી-ભાડાંમાં કામ આવી શકે ને વધુ મજા લૂંટી શકાય. આ મારો મત છે.

રિસોર્ટની બહાર હરિપુર જવાના રસ્તે (રિસોર્ટમાંથી બહાર નીકળતાં ડાબા હાથે) ૫૦૦ મીટર દૂર એક ઘર છે, હોટલનું બોર્ડ મારેલું છે. ત્યાંથી સવારે દૂધની ચા મળી શકે, નાસ્તો પણ. બપોર ને રાતનું જમવાનું પણ મળી શકે, પાર્સલ પણ, ૧૨૦ રૂપિયા લે છે પર-હેડ. કહ્યા મુજબનું બનાવી આપે છે. એમનું નામ સમીરભાઈ છે. તેમનો મોબાઈલ નંબર છે ૯૭૨૬૭૮૪૨૩૯.

રિસોર્ટની રૂમમાં ઓવન હોય જ છે. એક નાનું ફ્રિજ, સેન્ડવિચ મેકર, ટોસ્ટર, બાઉલ, ગ્લાસ, ચમચો-ચમચી, તાવેથો, વગેરે કિચનનો સામાન, ટી-મેકર (સાથે મિલ્ક પાઉડર, ટી બેગ, શુગર બેગ, કોફી પાઉચ) હોય છે. ના હોય તો માગી શકાય. ઇવન ઇલેક્ટ્રિક સ્ટવ પણ માગી શકાય. જે હશે ને આપી શકાતું હશે તે આપશે, નહીં તો ના પાડશે, આપણે તો માગી લેવાનું, એ આપણું કામ. માગ્યા વગર તો, મા યે ના પીરસે!

જે લોકો સેંક્ચ્યુરી પાર્ક જવા ઇચ્છે છે એમણે ઘરેથી જ, આયોજન કરતી વખતે જ ઓન-લાઇન પરમિટ મળે છે તે લઈ લેવી. તેના માટે ગીરની સાઇટ પર જવાનું http://girlion.in/ અથવા http://girlion.in/ForestVisitDetails.aspx. પરમિટ મળી જાય એટલે સીધા નેશનલ પાર્ક. રિસોર્ટમાંથી જિપ્સી ભાડે મળી શકે. ૩૫૦૦ રૂપિયા લે છે. પૂછી જોવું. પરમિટ ના હોય તો સેન્ચુરી પાર્ક પહોંચી જવાનું ને લાઇનમાં ઊભા રહી પરમિટ, ગાડી, ગાઇડ વગેરેના પૈસા ભરી દેવાના. યાદ રહે. આખા દિવસની માત્ર ૧૫૦ પરમિટ જ વહેંચે છે. સવારે ૬ થી ૯, ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬. માત્ર આ સમયે જ સેંક્ચ્યુરી પાર્કમાં પ્રવેશવા દે છે અને તે પણ ફોરેસ્ટની જીપમાં જ. અને દરેક સમયની પરમિટ તેના સમયે જ આપે છે. એટલે કે સવારની પરમિટ સવારે માત્ર ૫૦ મળે. આવી મને ખબર છે. આ સ્થળેથી પરમિટ અને જિપ્સીના ૬ વ્યક્તિ માટે ૪૦૦૦ રૂપિયા થાય છે. સેંક્ચ્યુરી પાર્કનો ૬ નંબરનો રૂટ વધુ સારો છે. નોંધી રાખો કે, નેશનલ સેંક્ચ્યુરી પાર્કમાં ૪૦૦૦ રૂપિયા ખર્ચતાંય સિંહ જોવા મળશે તેની કોઈ જ ગેરંટી નથી હોતી. નસીબની વાત છે. બહુ લોકોના નસીબ ખરાબ સાંભળ્યાં છે. તમારું સારું જ હશે. હા, જંગલમાં રખડ્યાંની ને જંગલી પ્રાણીઓ જોવાની મજા આવશે. હરણ, ચિત્તલ, નીલગાય, શિયાળ, જરખ, સાપ, નોળિયો વગેરે, જંગલી ભૂંડ ખાસ.

બસ, દેવળિયા જોવાઈ ગયું, નેશનલ સેંક્ચ્યુરી પાર્ક જોવાઈ ગયો. જંગલના રસ્તેથી પસાર થઈ ગયા, પતી ગયું. ગીરનો પ્રવાસ પૂરો.

હા, જેણે રખડવાનો આનંદ લેવો છે, એમના માટે બીજા રસ્તા છે. જેમ કે, રિસોર્ટથી ટેક્સીમાં (અહીં નાની ગાડી, નીચાં ટાયર-બોડી વાળી કામ નથી આવતી. રસ્તા ઊબડખાબડ ને મોટા ખાડાવાળા હોય છે.) સાસણ, ત્યાંથી વિસાવદર (બે રસ્તા છે. એક ફરતા જવાનો લોંગ ને બીજો ૧૩ કિ.મી.નો જંગલવાળો અને જંગલવાળો મજાનો છે.) વિસાવદરથી સતાધાર, ને સતાધારથી કનકાઈ માતા. આ આખો રસ્તો જંગલનો છે. સવારે જવાથી ક્યાંક તો સિંહ મળે જ એવું કહેવાય છે. કનકાઈથી તુલસીશ્યામ પણ જવાય, નહીંતર એના એ રસ્તે પાછા. સાંજે ૬ સુધીમાં રિસોર્ટ પર પાછા આવી જ જવાય તેવી ગણતરી સાથે જ ફરવું, નહીંતર જંગલના બે દરવાજા વચ્ચે બંધ થઈ જવાશે. પુરાઈ જવાશે. ને પછી સિંહ તો ઠીક છે પણ દીપડાને માણસનું માંસ વધુ ભાવે છે એ યાદ રાખજો.

તુલસીશ્યામ જવા વાયા તલાલા, જાંબર, અંકોલવાડીનો બીજો એક રસ્તો પણ છે, જે ૯૦ (નેવું) કિ.મી.નો બે-અઢી કલાકનો જંગલનો રસ્તો છે.

તુલસીશ્યામમાં બાજુબાજુમાં ગરમ, ઠંડા પાણીના કુંડ છે. ટેકરી પર દેવીનું મંદિર છે. જંગલની વચ્ચે છે એટલે જંગલી બધાં પ્રાણી મળે એવું કહી શકાય. સિંહ મળે જ એવું નહીં. એ કંઈ કહીને, રૂટ બનાવીને ને ટાઇમિંગ સાચવીને થોડો ફરતો હોય!

એક દિવસ આવો કાર્યક્રમ કરી શકાય. તો, બીજા કોઈ એક દિવસ માટે વાયા તુલસીશ્યામ, ઊના થઈ દીવનો કાર્યક્રમ કરી શકાય. દીવ જાઓ તો રાત્રે પાછા ના ફરાય તે યાદ રાખવું. આમ તો નજીક છે પણ એટલુંય નજીક નહીં. ને જંગલનો સિંગલ પટ્ટી રસ્તો. ધીમે જવાનું. ટ્રાફિક હોય. બધું કરતાં સાંજે છ સુધીમાં તો દીવથી પાછા ના જ આવી શકાય. એટલે, બહેતર છે કે રિસોર્ટમાંથી ચેક-આઉટના દિવસે આ કાર્યક્રમ હોય તો દીવમાં રાત રોકાઈ શકાય. નહીં તો ઊનામાં. સોમનાથ પણ અવાય. ને નસીબ હોય તો રાતની બસ કે ટ્રેન પણ સેટ થઈ જાય. પણ આ કાર્યક્રમ ઘરેથી નીકળતાં પહેલાં રિટર્ન રેલવે બુકિંગ કરાવતાં પહેલાં જ કરવું હિતાવહ છે. જો રિટર્ન બુકિંગ ના કરાવ્યું હોય અને એક દિવસનો પ્રવાસ વધવાની ચિંતા ના

હોય તો, દીવની મજા, દારૂની મજા. દરિયાની મજા. બીચની મજા. મજા જ મજા. રાત્રે તો દીવ બહુ અદ્‌ભુત દેખાતું હોય છે. આ સિવાય રિસોર્ટથી તલાલા ને તલાલાથી જામવાળા જવાનું પણ ગોઠવી શકાય.

તલાલાથી જામવાળાનો રસ્તો પણ જંગલમાંથી છે. ને નજીક જ છે. કહી દેવું જોઈએ કે, ગીરમાં ગમે ત્યાં કચરો ના ફેંકવો. પ્લાસ્ટિક તો નહીં જ. સેશેનાં ખાલી પેક પણ નહીં. ગીરમાં એની છૂટ નથી.

ગીરમાં જંગલમાં ફરવાની છૂટ નથી. આ મનાઈ જંગલની અંદર જવા માટે છે. જંગલમાંથી પસાર થતા રોડવાળા રસ્તેથી દરવાજા ખુલ્લા હોય ત્યાં સુધી ક્યાંય પણ જઈ-આવી શકાય. જંગલના કાચા રસ્તે ચાલતાં જવામાં કે વાહન પર જવામાં જોખમ તો છે જ. વન-વિભાગના કર્મચારીના હાથે પકડાઈએ તો રૂા. ૧૦,૦૦૦નો દંડ અને જેલ કંઈ પણ થાય. અને જો દીપડા, સિંહના હાથે પકડાઈ ગયા તો સ્વર્ગ કે નરકનું સુખ મળે

* * *

(સરસ મજાના માહિતીપ્રદ લેખ બદલ લેખકશ્રીને ખોબલે ખોબલે ધન્યવાદ. બિનધંધાકીય હેતુએ ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેના વિચારમંચ તરીકે દેશવિદેશના કેટલાક મિત્રો સેવાભાવે ‘વેબગુર્જરી’નું સંચાલન કરી રહ્યા છે. આપ લેખકશ્રીનાં સંપર્કસૂત્રો અપ્રાપ્ય હોઈ આપની સહમતીની અપેક્ષાએ આ લેખ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જે સહજ જાણ સારુ. -સંપાદક)


સૌજન્ય – mavjibhai.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *