બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨૨

લેખિકા : નિર્મલા દેશપાંડે

અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે

આ પ્રસંગ પછી શેખર કદીક મશ્કરીના સ્વરે તો કદી ગંભીર અવાજમાં જામુનીને ‘ચા લાવ’ કે ‘પાણી લઈ આવ’ એવા હુકમ આપવા લાગી ગયો હતો. જામુની પણ ગૃહસ્વામિનીના તોરમાં સીધી રસોડામાં જઈ માટલામાંથી પાણી કાઢીને શેખરની રુમમાં પહોંચી જતી કે પછી સ્ટવ પેટાવીને ચ્હા માટે પાણી ગરમ કરવા લાગી જતી.

“અલી, ચંદા, આ ઘરમાં જે ચાલી રહ્યું છે તે જોયું? શેખર જામુનીને બિંદાસ ‘ચા લઈ આવ!, ‘પાણી લઈ આવ’ કહેવા લાગી ગયો છે. જાણે આપણે કદી તેને ચ્હા – પાણી આપ્યાં નથી. આ જામુની તેની કોણ લાગી ગઈ છે? તો’ય હું તને ક્યારથી કહેતી આવી છું કે જામુનીનાં લાડકોડ બહુ વધી ગયાં છે. હવે તેને ભણાવવાનું, તેના સાજ શણગાર કરવાનું બંધ કર જોઉં!”

“પણ બા, જામુની શેખરને ચ્હા કે પાણી આપે તેમાં કોઈનું શું બગડે છે?”

“હવે તને શું કહું, મારું કપાળ?”

“એટલે?”

“તેં ચાર ચોપડી અંગ્રેજીની શું વાંચી લીધી, પોતાને ડહાપણની ખાણ સમજવા લાગી ગઈ છે.”

“મારાં અંગ્રેજી પુસ્તકોના વાચનનો આ વાત સાથે શો સંબંધ?”

“મારો જ વાંક છે. તારી સામે મારે મોઢું જ ખોલવું ન જોઈએ. ભગવાન મને વહેલું મોત પણ આપતા નથી,” કહી જાનકીબાઈ ગુસ્સામાં જ ચંદ્રાવતીના ઓરડામાંથી બહાર નીકળી ગયાં.

‘બાએ અચાનક મરવાની વાત કેમ કરી?’ ચંદ્રાવતી ગભરાઈ ગઈ. ‘બા મને જ કેમ દરેક બાબતમાં કસૂરવાર સમજીને તતડાવતી હોય છે? લાડીલા દીકરા પર માયા મમતાનાં પૂર વહેવડાવે છે અને મને વાત વાતમાં કચડી નાખતી હોય છે. શેખર માટે ગુસ્સાનો એક શબ્દ પણ નથી નીકળતો એનાં મોઢામાંથી ; આસપાસ કોઈ નથી તેની ખાતરી કરી મારા પર ઉતરી પડતી હોય છે. શેખર અને બાબા નજીક હોય તો મારા પર એવી મીઠાશ વરસાવશે, ન પૂછો વાત. કહેશે, ‘અલી, એક રોટલી વધારે લેને? તારે બપોરે ચ્હા ન પીવી હોય તો એકાદ કપ દૂધ તો લેવું જોઈએ કે નહી?’ અને એકલી સપડાઈ જઉં ત્યારે મારા પર શબ્દોનાં ચાબૂક વિંઝવાના!’ આવા ઉદાસ વિચારમાં તે બારી પાસે જઈને ઊભી રહી. બહાર જોયું તો શેખર તેની સાઈકલનું અૉઈલિંગ કરી રહ્યો હતો.

“જીજી, બા તારા પર કઈ વાતથી ગુસ્સે થઈ હતી?” બાગમાંથી બારી પાસે આવી ગભરાયેલા અવાજમાં શેખર બોલ્યો.

“કંઈ નહી. આ તો રોજની વાત થઈ. આવી વાતો પર કોણ ધ્યાન આપે?”

“તો પણ કહે તો ખરી?”

“એની એક જ વાત હોય છે. બાંય વગરનાં અને ખુલ્લા ગળાનાં પોલકાં સીવી ને પહેરવા પરથી બોલતી હતી,” કહી ચંદ્રાવતીએ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો.

સાઈકલનું કામ મૂકી શેખર બંગલામાં આવ્યો અને ચંદ્રાવતી પાસે જઈને બોલ્યો, “મારાથી બધી વાત છૂપાવવામાં તને કેવું સુખ મળતું હશે, જીજી? બા કઈ વાતથી તારા પર ગુસ્સે થઈ હતી તે હું જાણું છું. હું બધું સાંભળતો હતો.”

“જવા દે હવે. તું કશું મનમાં ન આણતો. તું તારો અભ્યાસ કરતો રહેજે, હું તારી પાછળ અડીખમ ઊભી છું.,”

ચંદ્રાવતીની પૂરી વાત સાંભળ્યા સિવાય શેખર “હવે તો હદ થઈ” કહેતો ક્રોધમાં બહાર નીકળી ગયો.

બારી બહાર જોતી ચંદ્રાવતી વધુ કરમાઈ ગઈ.

***

છેલ્લા આઠ દિવસથી જામુની બંગલા તરફ ફરકી નહોતી.  સત્વંતકાકી રાબેતા મુજબ આવતા હતાં. કદી’ક કોઈ કામ નિમિત્તે તો ક્યારે’ક બીલીવૃક્ષની પ્રદક્ષિણા કરી પાછાં ઘેર જતાં. ચંદ્રાવતીએ ઘણી વાર જામુની વિશે પૂછપરછ કરી ત્યારે તેના જવાબમાં તેઓ ‘ઘઉં દળવાનાં છે’ કે ‘સેવૈયાં બનાવવાની છે’ એવા જવાબ આપતાં હતાં. તેની પાસે અભ્યાસ કરવા હવે એકલી મિથ્લા આવતી હતી. એક દિવસ ચંદ્રાવતીએ તેને પૂછ્યું કે તેની મોટી બહેન ભણવા કેમ નથી આવતી.

“જીજી અબ સયાની ભયી. માં કહત અબ જીજી ઈત્તૈ -ઉત્તૈ નહી જા સકત.”

જામુનીની ગેરહાજરીથી શેખર પર થયેલું વિપરીત પરિણામ ચંદ્રાવતીની નજરમાં આવી ગયું હતું કેટલીયે વાર તે હૉલની બારીમાંથી બડેબાુજીના ઘર તરફ તાકીને જોતો ઊભો રહેવા લાગ્યો હતો. સત્વંતકાકી પણ બંગલે આવતાં પણ થોડો વખત બા સાથે ગુસપુસ વાતો કરી તરત જતાં રહેતાં. કોઈ વાર ચંદ્રાવતી બાજુમાં ઊભી હોય તો પણ તેના તરફ નજર કર્યા વગર તેની પાસેથી નીકળી જતાં.

બાના વર્તનમાં પણ જબરો ફેર પડી ગયો હતો. મા દીકરી વચ્ચે એક પ્રકારનો વિપરીત અંટસ ઉદ્ભવ્યો હોવાની તેને તીવ્ર અનુભૂતિ થઈ હતી. ચંદ્રાવતી રસોડામાં રસોઈમાં મદદ કરવા કે અન્ય કોઈ કામ કરવા જાય તો બા તેના હાથમાંથી તે ખૂંચવી લેતાં, અને તેની પાસેથી ઝૂંટવી લીધેલું કામ કરતાં કરતાં ‘આ ઘરમાં હું એકલી જ કામ કરી કરીને મરું છું’નું રટણ કરતાં રહેતાં.

નવી સાડી પહેરવા માટે આજનો દિવસ કેવો છે તે પૂછવા જતાં “પહેરો, પહેરો હવે! તમને વળી વાર કે તિથીનો નિષેધ ક્યાં નડવાનો છે?” એવો આતતાયી જવાબ મળતો. બીજી તરફ શેખરનાં લાડકોડમાં બેસુમાર વધારો થયો હતો. તેને ભાવે એવી જ વાનગીઓ ઘરમાં બને. મહિનામાં એક વાર તો રુમાલીવડી, ખાજાંનાં ઘૂઘરા અચૂક બને કેમ કે શેખરને તે ભાવે છે!

‘શેખર અને જામુનીની બાબતમાં હવે બાબા સાથે વાત કરવી જ જોઈશે. અત્યાર સુધીમાં તેમના કાન પર આ વાતો પહોંચી હશે, પણ તેમની પાસે મારું મન ખોલ્યા વગર મને માનસિક સ્વસ્થતા કદી મળવાની નથી. બાબા જે નક્કી કરશે તે પ્રમાણે આગળનું કામ કરીશું. જે થવાનું હશે તે થશે, પણ બા તરફથી મળી રહેલો આ મૂઢમાર બંધ થવો જોઈએ,’ આવા વિચારમાં ચંદ્રાવતી ઊંડી ઉતરતી ગઈ.

બપોરે જમ્યા પછી બાબા તેમની બેડરુમમાં આરામ કરવા ગયા હતા. ચંદ્રાવતી વરંડામાં વિચારમાં ઊભી હતી. થોડી વારે તે હૉલમાં આવીને કોચ પર બેસી પુસ્તકનાં પાનાં ફેરવવા લાગી ત્યાં માતા – પિતા વચ્ચે ઉગ્ર અવાજમાં થતું સંભાષણ તેણે સાંભળ્યું. તેણે કાન સરવા કર્યાં.

“તમે શા માટે હાથ ધોઈને આપણી દીકરી પર અત્યાચાર કરવા લાગી ગયાં છો? પ્રારબ્ધે તેને જે સજા કરી છે તે ઓછી છે તે હવે તમે તેની પાછળ પડી ગયાં છો?” ડૉક્ટરસાહેબે ઊંચા અવાજમાં પત્નીને કહ્યું.

“શેખર તો મારો ભોળા શંભુ જેવો છે. આણે જ તેના અને પેલી છોડીના મનમાં નહોતાં એવા વિચાર ભર્યાં છે. શેખરને અને આ છોકરીને રાધા – કૃષ્ણ બનાવવા લાગી ત્યારથી જ સૌ તેમને ચીડવવા લાગી ગયા હતા. પછી તેમનાં કોમળ મન પર અસર પડ્યા વગર થોડી રહેવાની હતી? પેલીને અંગ્રેજી શું ભણાવવા લાગી ગઈ, તેના ઠઠારા કરીને શણગારવા લાગી – હવે તો તેણે માઝા મૂકી છે,” જાનકીબાઈ બોલ્યાં.

“હું કહું છું, ચૂપ થઈ જાવ.”

“અંગ્રેજી ચોપડીઓ વાંચી વાંચીને તેણે પોતાનું મસ્તક તો ફેરવી નાખ્યું. તેને કહો મારા દીકરાનો મગજ-મેટ ન કરે. પેલા મરાઠાની સાથે નાસી જવા નીકળ્યાં હતાં બાઈસાહેબ!”

“હવે મને જરા શાંતિથી આરામ કરવા દેશો કે નહી? મારી તબિયતનો તો કંઈ વિચાર કરો? શિવ, શિવ, શિવ…”

ચંદ્રાવતીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. ‘ઉપરથી બાબાનું મારા પ્રત્યેનું વલણ ભલે કઠોર દેખાતું હોય પણ તેમના આત્મામાં મારા પ્રત્યે કેટલો પ્રેમ છે! મારી કેટલી કાળજી રાખે છે!’  તેના પ્રાણમાં અસહ્ય ખેંચતાણ શરુ થઈ. કાળજું ધક ધક કરવા લાગ્યું. તેણે શૂન્યતાભરી નજર પુસ્તકમાં પરોવવાનો પ્રયત્ન કર્યો પણ પૃષ્ઠ પરનાં શબ્દો તેની આંખોનાં આંસુંઓમાં તરવા લાગ્યા. તેના મનમાં ફરી યાતના શરુ થઈ : ’શેખર – જામુનીને મેં કહ્યું તેથી તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા?’ કરુણ હાસ્ય કરી ચંદ્રાવતીએ પુસ્તકનું પાનું ફેરવ્યું.

ડૉક્ટરસાહેબના શયનકક્ષનો દરવાજો હળવેથી બંધ કરી જાનકીબાઈ બહાર હૉલમાં આવ્યાં. તેમનો ચહેરો લાલચોળ હતો અને આંખો તાંબાવરણી. દીકરીને કોચ પર ખિન્ન દશામાં બેઠેલી જોઈ તેઓ તેની પાસે આવ્યાં અને નરમાશથી બોલ્યાં, “મારું તો એટલું જ કહેવું હતું કે મોટી બહેન તરીકે તારે આ બેઉ જણાં પર સમયસર બંધન નાખવું જોઈતું હતું. તેં તો ઉલટાનું તેમને બન્નેને પ્રોત્સાહન આપ્યું.”

ચંદ્રાવતીની આંસુભરી નજર પુસ્તકનાં પાનાં પર ચોંટી હતી.

“શેખરનું ખાવા પીવા પરથી ચિત્ત ઊડી ગયું છે, તે તને દેખાતું નથી? કેટલો દુબળો થઈ ગયો છે? રામ જાણે પરીક્ષા માટે સરખી રીતે વાંચે છે કે નહી. તું જ કહે, સરખી રીતે અભ્યાસ નહી કરે તો તેનો કોઈ ભલીવાર થવાનો છે? વળી…”

“વળી શું?” ચંદ્રાવતીએ મા તરફ જોઈને પૂછ્યું.

“મારો શેખર જરાય આવો નહોતો.  સાવ સીધો સાદો છોકરો હતો. આજકાલ તેના પર જાણે કોઈએ મંતર માર્યાં હોય તેવી રીતે વર્તે છે.”

“પણ બા, તું આ બધું મને શા માટે સંભળાવે છે? જેના કારણે આ તોફાન ગરજી રહ્યું છે એ તો કોરો થઈને બાજુએ બેસી ગયો છે. આ ઘરમાં રહેવું પણ મારા માટે વસમું થઈ ગયું છે. થાય છે, ક્યાંક નાસી જઉં.”

“હું જ ક્યાંક ભાગી જઉં એવું મને થઈ રહ્યું છે. તમે બધાં મળીને મારું લોહી પીવા બેસી ગયા છો. જાણે મારા ગયા ભવના દુશ્મન ન હોય!” જાનકીબાઈ ચંદ્રાવતીને તતડાવવા લાગ્યાં.

“તને લાગે છે ત્રાસ તારા પર વરસાવાય છે. બાબાને લાગે છે તેમના પર ત્રાસ ગુજારાઈ રહ્યો છે. આ ઘરમાં ત્રાસ તો કેવળ મારા પર વરસી રહ્યો છે,” બોલતાં બોલતાં ચંદ્રાવતી રડી પડી. આંસુંઓથી છલોછલ થયેલી આંખો વડે તે મા તરફ જોઈને બોલી,”કોઈ ને કોઈ બહાનું કાઢીને મારા માટે આવેલાં સારા સારા ઘરનાં માગાં તેં નકારી કાઢ્યાં : ‘બંગલામાં રહેનારી મારી દીકરી મુંબઈના નાનકડા ઘરમાં કેમ કરીને રહે?’ બા, ગમે એટલી નાની જગ્યા કેમ ન હોય, મને ચાલી જાત. એ મારી હક્કની જગ્યા તો થાત! મુંબઈના સબનીસ પરિવાર તરફથી હકાર આવ્યો છે તો તું કહે છે સુરતથી મોટા મામા પોતે મુંબઈ જઈને તેમને જુએ અને પસંદ કરે તો જ અમે હા કહીશું! ઉપરથી મને મહેણાં મારતી ફરે છે કે મારા જ નસીબ ખોટાં!  હવે શેખર પરથી મને જ દોષ આપો. હું તો આ દોષ પણ સ્વીકારી લેવા તૈયાર છું. હું કહું છું, શેખર જામુની સાથે લગ્ન કરે તો ક્યાં આકાશ તૂટી પડવાનું છે?”

“ફરી પાછી એ ની એ જ વાત? આ બુંદેલા રાજપુત કોમ બહુ કડક હોય છે. તેમાં પણ દદ્દા કેવા માણસ છે એ તો તું જાણે છે. મારા એકના એક દીકરાનું સારું નરસું કરવા તે આગળ પાછળ નહી જુએ.”

“તારો એકનો એક દીકરો મારો એકનો એક ભાઈ છે. આપણે પોતે મજબૂત રહીએ તો આપણું કોઈ કશું નહી બગાડી શકે,” કહી તે પોતાના કમરામાં જતી રહી, અને બારી પાસે જઈને ઉભી રહી. સંધ્યા ટાણું થવા આવ્યું હતું. રાજમહેલની અગાસી પરના હવામહેલમાં હજી અંધારું હતું.

જાનકીબાઈ પગ ઘસડીને જતાં હોય તેમ હૉલમાંથી રસોડામાં ગયાં. તેઓ બે કપ ચ્હા બનાવી લાવ્યાં અને એક કપ ચંદ્રાવતી તરફ ધરી કહ્યું, “લે, એક ઘૂંટડો ચ્હા પી લે. ઠીક લાગશે. સમી સાંજના આમ આંસું સારવાનાં ન હોય.”


કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૨૨

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.