એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો – શમશાદ બેગમ : ૧૯૪૬-૧૯૫૦

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

સચિન દેવ બર્મનની સમગ્ર કારકીર્દી દરમ્યાન તેમણે સંગીતબધ્ધ કરેલ હિંદી ફિલ્મી ગીતોમાંનાં લગભગ ૪૫૦થી ૫૦૦ (૭૦%) ગીતોમાં સ્ત્રી પાર્શ્વગાયકોના સૉલો, યુગલ કે અન્ય પ્રકારે સ્વર સાંભળવા મળે છે. તેમણે લતા મંગેશકર, આશા ભોસલે અને ગીતા દત્ત સાથે મોટા ભાગનું કામ કર્યું છે . તે પછીના ક્રમે શમશાદ બેગમ અને સુરૈયા આવે છે. આ ઉપરાંત સચિન દેવ બર્મને અનિયમિતપણે અમીરબાઈ કર્ણાટકી, પારો દેવી, લલીતા દેઉલકર, મીના કપૂર, સંધ્યા મુખર્જી વગેરે સાથે પણ કામ કર્યું છે.

આની સરખામણીમાં પુરુષ ગાયકોમાં, લગભગ ૬૦% ગીતોના હિસ્સા સાથે, કિશોર કુમાર અને મોહમ્મદ રફી તેમના મુખ્ય ગાયકો રહ્યા છે અને તે પછી બીજાં લગભગ ૩૩% ગીતોમાં મન્નાડે, હેમંત કુમાર, તલત મહમૂદ, તેઓ ખુદ પ્ણ આ યાદીમાંનાં અનેક યાદગાર ગીતોના ગાયક તરીકે સ્થાન પામેલ છે. આ ઉપરાંત બાકીનાં લગભગ ૭ % ગીતો માટે, સચિન દેવ બર્મને બીજા ૧૮ જેટલા પુરુષ ગાયકોના સ્વરનો ઓછાવત્તા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે.

સચિન દેવ બર્મનનાં હિંદી ફિલ્મ વિશ્વનું એક મહત્ત્વનું પાસું આપણે તેમણે રચેલાં પુરુષ ગાયકો માટેનાં ગીતોની દીર્ઘ લેખમાળા કરી ચૂક્યાં છીએ. હવે આપણે ક્રમવાર તેમણે રચેલાં સ્ત્રી સ્વરનાં હિંદી ગીતોની વાત કરીશું, જેનિ શરૂઆત સચિન દેવ બર્મને રચેલાં શમ્શાદ બેગમનં ગીતોથી કરીશું.

શમશાદ બેગમે સચિન દેવ બર્મન માટે ૩૦ ગીતો ગાયાં છે, જેમાંથી ૧૯૪૬ -૧૯૫૦ના સમયગાળાનાં, ૪ ફિલ્મો માટેનાં, ૧૧ ગીતો છે.

શમશાદ બેગમ (જન્મ: ૧૪ એપ્રિલ, ૧૯૧૯ – અવસાન: ૨૩ એપ્રિલ, ૨૦૧૩)તે પહેલાં પાંચ વર્ષથી હિંદી ફિલ્મ જગતમાં, પંડિત ગોવિંદરામ, ગુલામ હૈદર અને પંડિત અમરનાથ જેવા ધુરંધર સંગીતકારોનાં ગીતો દ્વારા, જાણીતું નામ બની ચૂક્યાં હતાં. નવાં દાખલ થયેલ લતા મંગેશકરને એક ગીત દીઠ જ્યારે ૩૦૦ રૂપિયા મળતા હતા ત્યારે સમશાદ બેગમને ૨૦૦૦ રૂપિયા મળતા હતા. હિંદી ફિલ્મ જગતમાં ‘શિકારી’ (૧૯૪૬) દ્વારાપહેલું ડગલું માંડતા તળ બંગાળી સંગીતકારના હાથે તેમનું પહેલ વહેલું સ્ત્રી સ્વરનું હિંદી ગીત ઉત્તર ભારતીય શૈલીના નમૂનેદાર સુરની ઓળખસમાં ગાયિકા શમશાદ બેગમ સાથેનાં એક સૉલો ગીતનાં રૂપમાં રેકોર્ડ થયું.

કુછ રંગ બદલતી રહી હૈ મેરી ઉનકી બાતચીત – શિકારી (૧૯૪૬)

‘શિકારી’માં મુખ્ય ગાયિકાની ભૂમિકા પારો દેવીની હશે કેમકે તે એક મુખ્ય પાત્રમાં હતાં તેમના નામે ૫ સૉલો અને યુગલ ગીત છે. આ ઉપરાંત અમીરબાઈ કર્ણાટકીએ પણ એક સૉલો અને એક યુગલ પણ આ ફિલ્મમાં ગાયેલ છે. પ્રસ્તુત ગીતમાં શમશાદ બેગમના સ્વરની ખૂબી જાળવીને પણ તેમને કંઈક અંશે મૃદુ સ્વરૂપે રજૂ થયેલાં ભાળી શકાય છે.

એ પછી સચિન દેવ બર્મને શમશાદ બેગમનો સાથે ૧૯૪૯ની ફિલ્મ ‘શબનમ’માં કર્યો. આ ફિલ્મનાં ૧૦ ગીતોમાંથી શમશાદ બેગમના સ્વરમાં ૩ સૉલો, ૩ યુગલને અને ૧ કોરસ સાથેનું એમ ૭ ગીતો હતાં. આ ઉઅપરાંત સચિન દેવ બર્મને ગીતા રોય (૧ સૉલો અને એક યુગલ ગીત) અને લલિતા દેઉલકર (૧ સૉલો)ના સ્વરોનો પણ આ ફિલ્મમાં ઉપયોગ કરેલ છે.

યે દુનિયા રૂપકી ચોર, બચા લે મેરે બાબૂ – શબનમ (૧૯૪૯) – ગીતકાર: ક઼મર જલાલાબાદી

ગીત એક ટોળી પોતાના મનોરંજન માટે ગોઠવેલ એક ગુફામાંના સ્ટેજ શૉ રૂપે રજૂ થયું છે. પાંચ અલગ અલગ પ્રાંતના છોકરાઓ પોતપોતાની ભાષામાં કામિની કૌશલને ‘પ્રપોઝ ‘ કરે છે જેને શમશાદ બેગમે એ દરેક ભાષાની આગવી ઢબથી રજૂ કરેલ છે.

{આડ વાત: ક઼મર જલાલાબાદીનું મૂળ નામ ઓમપ્રકાશ ભંડારી હતું.)

એક બાર તૂ બન જા મેરા ઓ પરદેસી, ફિર દેખ મજ઼ા – શબનમ (૧૯૪૯) – ગીતકાર: કમ઼ર જલાલાબાદી

પરદાપર ગીતને રજૂ કરનાર કલાકાર પારોદેવી છે. આ પહેલાંની ફિલ્મોમાં પોતાનાં ગીતો પોતે ગાયા પછી પારો દેવીએ હવે પાર્શ ગાયન છોડી દેવું પડ્યું લાગે છે.

ક઼દર મેરી ન જાની, છોડકે જાનેવાલે – શબનમ (૧૯૪૯) – ગીતકાર: ક઼મર જલાલાબાદી

લગ્ન પ્રસંગે નાચગાનની ઉજવણીને રજૂ કરતું ગીત છે. આમ ગીત મસ્તીનું છે પણ બોલમાં વિરહ છે. સ્વાભાવિક જ છે કે સીચ્યુએશનનાં મુખ્ય પાત્રને એ જરા પણ પસંદ નથી પડતું એટલે નૃત્યાંગનાઓ હવે ડ્ર્મરના વેશમાં આવી ને ‘દેખો આયી પહલી મુહબ્બતકી રાત’ની શરૂઆત કરી દે છે !

દેખો આઈ પહલી મુહબ્બત કી રાત – શબનમ (૧૯૪૯) – સાથીઓ સાથે – ગીતકાર: ક઼મર જલાલાબાદી

આ પણ પારો દેવી પર ફિલ્માવાયેલું એક નૂત્ય ગીત છે. અંતરાનાં સંગીતમાં સચિન દેવ બર્મને લોકગીતની શૈલી અપનાવી છે.

તૂ મહલોંમેં રહનેવલી મૈં કુટિયામેં રહનેવાલા, ફિર તેરા મેરા સાથ કયા – શબનમ (૧૯૪૯) – મુકેશ સાથે – ગીતકાર: ક઼મર જલાલાબાદી

ગીતમાં વિખૂટો પડેલ નાયક પોતાની વાત કહે છે જ્યારે મુખ્ય નૃત્યાંગના જાણે પ્રેમિકાના બોલને વાચા આપે છે.

‘શબનમ’નાં શમ્શાદ બેગમ અને મુકેશમાં યુગલ ગીતો સારાં એવાં લોકચાનાપાત્ર થયાં હતાં.

તુમ્હારે લિયે હુએ બદનામ, ન ભૂલે ફિર ભી તુમ્હારા નામ, તુમ માનો યા ના માનો તુમ્હારી મરજી – શબનમ (૧૯૪૯) – મુકેશ સાથે – ગીતકાર: ક઼મર જલાલાબાદી

અહીં પણ પ્રેમી નાયક ફરિયાદીના સ્વાંગમાં છે અને તેની ફરિયાદોના પ્રતિભાવ મુખ્ય નૃત્યાંગના પ્રેમિકા નાયિકા વતી આપે છે.

પ્યારમેં તુમને ધોખા સીખા, યે તો બતાઓ કૈસે શબનમ (૧૯૪૯) – મુકેશ સાથે – ગીતકાર: ક઼મર જલાલાબાદી

ફરી એક વાર દરબારમાં ભજવાતાં નૃત્ય દ્વારા સમાજના રિવાજોને કારણે એક ન બની શકનારાં પ્રેમી-પ્રેમિકાનો સંવાદ મુખ્ય નૃત્યાંગનાના માધ્યમ વડે થાય છે.

મોહે લગા સોલવહાં સાલ હાય મૈં તો મર ગયી– મશાલ (૧૯૫૦) – અરૂણ કુમાર મુખર્જી સાથે – ગીતકાર પ્રદીપ

‘૫૦-‘૬૦ના દાયકામાં શમશાદ બેગમના ભાગે જે પ્રકારનાં ગીતો ગાવાનાં આવ્યાં તે જ પ્રકારનું આ ગીત છે. આ પ્રકારનાં ગીતો જ તેમને મળવા લાગ્યાં એટલે તેમની ઓળખ મુજરા જેવાં હલકાં ફુલકાં નૂત્ય ગીતોનાં ગાયિકા તરફની બનવા લાગી.

આડવાતઃ

ષોડશીના તરવરાટને તાદૃશ કરવાની એક વધારે તક શમશાદ બેગમને એન દત્તા એ સંગીતબધ્ધ કરેલ ૧૯૫૬ની ફિલ્મ ‘ચંદ્રકાંતા’નાં ગીત ‘મોહે લગા હૈ સોલવા સાલ હાયે નહીં છેડના’માં પણ મળી હતી. (આ ગીતની ડિજિટલ ક્ડી મને મળી નથી શકી.)

જલતી હૈ દુનિયા તેરા મેરા પ્યાર હૈ…મૈં તેરી બગીયા તૂ મેરી બહાર હૈ – પ્યાર (૧૯૫૦) – કિશોર કુમાર સાથે – ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

રાજ કપુર માટે પ ર્શ્વ ગાયક ત્રીકે મુકેશ નિશ્ચિત થઈ ગયા તે પહેલાં અને અમુક કિસાઓમાં તો તે પછી પણ, મોહમ્મદ રફી, તલત મહમૂદ, મન્ના ડે, શંકર દાસગુપ્તા, હેમંતકુમાર, ચિતળકર, નારાયણ દત્ત, બી. વાસુદેવ, કમલેશ અવસ્થી અને ખુ રાજ કપૂરે, પાર્શ્વગાયન કરેલ છે. તેમના માટે કિશોર કુમારે ગીત ગાયાં હોય તેવી આ એક માત્ર ફિલ્મ છે. આ ફિલ્મમાં આ ગીત સિવાય બાકીનાં બધાં સ્ત્રી સ્વરનાં ગીતો ગીતા રોયે ગાયાં હતાં.

સચિન દેવ બર્મને ૧૯૫૧થી ૧૯૬૦ના દાયકાનાં શમ્શાદ બેગમનાં ગીતો આપણે હવે પછીના અંકમાં સંભળીશું.

1 comment for “એસ ડી બર્મન અને સ્ત્રી પાર્શ્વગાયકો – શમશાદ બેગમ : ૧૯૪૬-૧૯૫૦

  1. Neetin D Vyas
    November 10, 2018 at 7:16 am

    સુંદર અને રસપ્રદ રજૂઆત, ભુલાય ગયેલી ફિલ્મો નાં સુમધુર ગીતો ને ફરી યાદ કરી સાંભળવાની મજાપડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *