ભારતઃ ગુલામી – અને આઝાદી માટેનો સંઘર્ષ:: ભાગ ર :: આઝાદી માટેનો સંઘર્ષ :: પ્રકરણ ૬ : પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ દક્ષિણ ભારતમાં? (૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

અંગ્રેજ કંપનીનું મૂળ લક્ષ્ય પૈસા કમાવાનું હતું. આના માટે કોઈ પણ સાધન એમના માટે અપવિત્ર નહોતું. બે રજવાડાં વચ્ચેના ઝઘડામાં માથું મારવું અને પછી કબજો જમાવી લેવો, ખાસ કરીને નાણાના સ્રોત પોતાના હાથમાં લઈ લેવા – જમીન મહેસૂલ અને બીજા વેપારધંધાના કરવેરા – એ એમનું મુખ્ય ધ્યેય રહેતું. આમાં રાજાઓને લાંચ આપવી પડે તો તે, લડાઈ કરવી પડે તો તે – ઈસ્ટ ઇંડિયા કંપની બધા ઉપાયો માટે તૈયાર હતી. રાજાઓ પોતાની ગાદી બચાવવા માટે જનતાને બદલે વિદેશી વેપારીઓ પર આધાર રાખતા હતા.

કંપનીની નજરે લોકોનું અસ્તિત્વ જ નહોતું. ૧૭૭૦ના દુકાળમાં ખેતરોમાં ઊભો પાક સુકાઈ ગયો હતો. લોકો પાસે બહારથી અનાજ મંગાવવા સિવાય રસ્તો નહોતો, પણ ગાડે જોડવા બળદ નહોતા, કંપનીએ બધા બળદ મૈસૂર સામેની લડાઈમાં લશ્કરનો સરસામાન લઈ જવામાં જોતરી દીધા હતા. લોકો માટે જવા-આવવાનું પણ સાધન નહોતું, તો અનાજ ક્યાંથી લાવે? એ જ રીતે, અનાજ પણ કંપનીના એજન્ટો બળજબરીથી ઉઠાવી જતા; લોકો ભલે ભૂખે મરે, લશ્કરને અનાજ મળવું જોઈએ. કંપની હસ્તકના પ્રદેશોમાં વેપારધંધા પણ તૂટવા લાગ્યા હતા કારણ કે એક બાજુથી કંપનીની લૂંટ ચાલતી અને રહ્યાસહ્યા માલ પર કર ચુકવવાનું ભારે પડતું હતું. આમ જે પરંપરાઓ હતી તે તૂટવા લાગી હતી.

બિલ ઑફ રાઇટ્સ

કનારા જિલ્લાના દેશભક્તોએ અવાજ ઉઠાવવાની પહેલ કરી. લોકો જૂના દિવસો યાદ કરતા હતા, પહેલાં કરવેરા વધતા નહીં અને એના માટેના તકાદા પણ મોળા રહેતા. કનારામાં કલેક્ટર થોમસ મનરો જ્યાં જતો ત્યાં લોકો એને અરજીઓ આપતા અને જાણ કરતા કે પરંપરાથી લેવાતા કર કરતાં વધારે એક પૈસો પણ ન હોવો જોઈએ. લોકો આ કર નહીં ચૂકવે. થોમસ મનરોએ પોતે જ આ અરજીઓને Bill of Rights ( અધિકારો માટેનો માંગપત્ર) તરીકે ઓળખાવી છે.

પોલીગારો તો માનતા જ હતા કે અંગ્રેજી વહીવટકારો એમની વાત કદી માનશે નહીં. ૧૭૯૭માં કંપનીને એક નનામો પત્ર મળ્યો. એમાં ચેતવણી આપવામાં આવી હતી કંપની લોકોનાં જૂનાં ઘરો તોડીને એની જગ્યાએ પોતાના કૅપ્ટનો અને કલેક્ટરો માટે નવાં ઘરો બાંધવા લોકોને એમનાં ખેતરોમાંથી પકડીને લઈ જાય છે અને બેગાર કરાવે છે તે ન્યાયની વિરુદ્ધ છે. જનતા જાગવા લાગી હતી.

પ્રજાકીય સંઘો અને મરુદુ ભાઈઓ

૧૭૯૫ અને ૧૭૯૯ વચ્ચે લોકો સંઘો બનાવીને સંગઠિત થવા લાગ્યા. કંપનીની હકુમતથી ત્રસ્ત અને દેશી શાસકોની સ્વાર્થી નીતિઓથી નિરાશ જનતા પાસે હવે બીજો કોઈ રસ્તો નહોતો. શિવગંગા, રામનાડ અને મદુરૈના નેતાઓએ અંગ્રેજવિરોધી સંગઠન ઊભાં કરવામાં આગળપડતો ભાગ ભજવ્યો.

આમાં શિવગંગાના મરુદુ પાંડ્યન ભાઈઓનો ઉલ્લેખ ખાસ જરૂરી છે. બન્ને ભાઈઓ ‘શેરોગાર’ (લશ્કરી અથવા મંત્રી) તરીકે ઓળખાતા. બન્ને પડછંદ, ભરાવદાર અને હિંમતવાન હતા. અંગ્ર્રેજોના એ ખાસ દુશ્મન હતા, ૧૭૭૨માં શિવગંગા પર કંપનીએ કબજો કરી લીધો તે પછી આ ભાઈઓએ લોકોને સંગઠિત કર્યા અને અંગ્રેજો તેમ જ કર્ણાટકના નવાબની સંયુક્ત ફોજને હરાવીને શિવગંગા પાછું લઈ લીધું. તે પછી શિવગંગામાં એમણે રાણીને બહુ મદદ કરી.

જો કે વેળ્ળ (મોટા) મરુદુને રાજકાજ કરતાં શિકારમાં વધારે રસ હતો. જંગલી પ્રાણીઓનો પીછો કરીને એને ઢાળી ન દે ત્યાં સુધી એને ચેન ન પડતું. એ એટલો જોરાવર હતો કે એના વિશે લોકવાયકા હતી કે એ ચલણી સિક્કો હાથથી વાળી શકતો. એણે રાજકાજ ચિન્ન્ન (નાના) મરુદુ પર છોડી દીધું હતું. અંગ્રેજો એને છંછેડવા નહોતા માગતા અને એની પાસેથી મહેસૂલની રકમ પણ માત્ર આવકના ત્રીજા ભાગ જેટલી જ વસૂલ કરતા. આમ છતાં ચિન્ન મરુદુએ જનતાના સંગઠનની આગેવાની લીધી.

એણે સ્થિતિની સમીક્ષા કરી કે દેશના અધઃ પતન અને અંગ્રેજોની ચડતીનાં ચાર કારણો હતાંશાસકોની અંદરોઅંદરની લડાઈઓ, એમાં અંગ્રેજોની મદદ લઈને હરીફને હંફાવવાની વૃત્તિ, અંગ્રેજોની દગાબાજી, અને આપણા લોકોની શાસકો સામે અહોભાવથી નમી પડવાની ટેવ. જો કે એને ભારતમાં બીજે ઠેકાણે શું થતું હતું તેની બહુ ખબર હોય તેવું જાણવા નથી મળતું.

ચિન્ન મરુદુએ કેટલાંય ગામોના પટેલોને સંદેશ મોકલ્યા અને અંગ્રેજો સામે લડવા માટે તૈયાર થવાનું એલાન કર્યું. રામનાડના મેલપ્પન, સિંઘમ ચેટ્ટી, મુત્તુ કરુપા તેવર અને તંજાવ્વુરના જ્ઞાનમુત્તુએ આ આહ્વાન સ્વીકાર્યું અને ‘શેરોગાર’ મરુદુની આગેવાની હેઠળ સંગઠિત થવા સંમત થયા. મદુરૈના સામાન્ય લોકો અને ખાસ કરીને કલ્લણો તો સક્રિય વિદ્રોહી બની ગયા. આમ ચિન્ન મદુરુની આગેવાની હેઠળ એક સંઘ બની ગયો.

મદુરુના સાથીઓમાંથી મેલપ્પન પહેલાં એક અર્ધ લશ્કરી દળમાં હતો. એના રાજા સેતુપતિની હાર થતાં એણે અંગ્રેજોની સામે લોકોને તૈયાર કર્યા. અંગ્રેજોને એની હિલચાલની ખબર પડી જતાં એને જેલમાં નાખ્યો પણ એ ત્યાંથી ભાગી છૂટીને મદુરુના આશ્રયમાં શિવગંગા પહોંચી ગયો હતો. એણે તાડપત્ર પર લોકોને કરવેરા ન ચુકવવાના સંદેશ મોકલ્યા. “પહેલાં જે થઈ ગયું, તે થઈ ગયું પણ હવેથી એવું કંઈ ન કરવું કે અંગ્રેજો રાજી થાય. એના સંદેશ પછી લોકોએ કર ભરવાનું બંધ કરી દીધું, એટલું જ નહીં, કેટલીયે જગ્યાએ તો કર વસૂલવા આવેલા કંપનીના માણસોને પણ એમણે તગેડી મૂક્યા.

૧૭૯૯માં કંપની ટીપુ સામેની અંતિમ લડાઈમાં વ્યસ્ત હતી ત્યારે વિદ્રોહીઓએ દુશ્મનના શસ્ત્રાગારો પર હુમલા કરીને શસ્ત્રો લૂંટી લીધાં.

વિદ્રોહીઓનો પહેલો પરાજય

પરંતુ અંગ્રેજોની સૈન્યશક્તિ સામે એમની સંખ્યા બહુ ઓછી હતી. જબ્બરદસ્ત હતી. ૧૭૯૯ના ઍપ્રિલમાં અંગ્રેજી લશ્કરી ટૂકડીએ કોમેરી પાસે વિદ્રોહીઓની છાવણી પર ઓચિંતો છાપો માર્યો, એમાં ઘણા વિદ્રોહી માર્યા ગયા. પાલામંચેરી પાસેની લડાઈમાં વિદ્રોહીઓનો એક નેતા સિંઘમ ચેટ્ટી માર્યો ગયો. એનું માથું કાપીને એમણે કોમેરીમાં જાહેર સ્થળે થાંભલે લટકાવી દીધું. એના માણસોએ હવે વિદ્રોહમાં ન જોડાવાનો સમજીવિચારીને નિર્ણય લીધો અને એવી હવા ઊભી થઈ કે લોકો ફરી વફાદાર બની ગયા છે. આટલી શાંતિથી રામનાડના કલેક્ટરને પોતાની પણ શંકા પડી કે લોકો ખરેખર હાર્યા છે કે કંઈ નવું રંધાય છે. એણે લખ્યું કે આવા ઓચિંતા હુમલાઓમાં પણ ગામવાસીઓને કંઇ નુકસાન ન થયું અને લૂંટફાટ પણ માત્ર શસ્ત્રોની થઈ એ દેખાડે છે કે લૂંટ, માત્ર લૂંટ નહોતી, એનો હેતુ કંઈક જુદો જ હોવો જોઈએ.

તિરુનેલવેલીમાં સંઘ

બીજી બાજુ, પૂર્વમાં તિરુનેલવેલીના પંજાલામકુરિચિના વીર પાંડ્ય કટ્ટબોમ્મને સક્રિય બનીને સંગઠન ઊભું કર્યું.

આ બાજુ પંજાલમકુરિચિનો પોલીગાર કટ્ટબોમ્મન સતત અંગ્ર્રેજો સામે ટટક્કર લેતો રહ્યો હાતો પણ સ્વભાવે એ શાંતિપ્રિય હતો પણ અંગ્રેજો સામેની લડાઈઓમાં અપમાન ભર્યા પારાજયો અને બીજી બાજુ મદુરુએ પણ સંઘ બનાવ્યો છે તે જાણીને એને સંતોષ થયો.હતો. હવે એને મળવા મટે મદુરુએ વિદ્દ્રોહીઓની એક ટુકડી મોકલી. કટ્ટબોમ્મન એમને મળ્યો અને બન્ને સંઘોએ સાથે મળીને લડવાનો વિચાર કર્યો. એ મદુરુને મળવા માટે શિવગંગા જવાઅ નીકળ્યો પણ કલેક્ટર લુશિંગ્ટનને આમાં ખતરો દેખાયો. એ તબક્કે વિદ્રોહીઓને અંગ્રેજો સામે લડાવાનું યોગ્ય ન લાગ્યું એટલે એ રસ્તામાં જ રોકાઈ ગયો. ત્યાં મદ્દુરુના માણસો એને મળ્યા અને બન્ને સંઘોએ સાથે મળીને લડવાનું નક્કી કર્યું. મદ્દુરુના પાંચસો સૈનિકો કટ્ટબોમ્મન સાથે ગયા.

આમ વિદ્રોહની આગના તણખા દૂર સુધી પહોંચતા થયા. પરંતુ પોલીગારો બહુ સાવધાનીથી, ઓચિંતો ભડકો ન થાય તેની કાળજી રાખીને આગળ વધતા હતા. આ સંદર્ભમાં રામનાડના ઉદ્ધત અને લાંચિયા કલેક્ટર સામે કટ્ટબોમ્મને મગજને કેટલું શાંત રાખ્યું તે જાણવા જેવું છે. એનો હેતુ માત્ર એટલો જ કે અંગ્રેજો સામે લડવા માટે સંઘો વ્યાપક બને તે પહેલાં જ કંઈ થાય તો વિદ્રોહની આખી યોજના પડી ભાંગે તેમ હતી. પણ એ કથા હવે પછી.

0-0-0-૦

સંદર્ભઃ

1. South Indian Rebellion: The First War of Independence 1800-1801 by K. Rajayyan, first published 1971 Rao and Raghavan Publishers, prince of Wells Road Mysore-4 (ઇંટરનેટ પર ઉપલબ્ધ)

2. Popular uprisings in India with special reference to Tamilnadu (1750-1857) Edited by G. J. Sudhakar. ISBN 978819083059-1 (ઇંટરનેટ પર ઉપલબ્ધ) Chapter 3 by G. Balaji.

3. http://www.sivagangaiseemai.com/maruthupandiyar/maruthu-pandiyar-history.html

4. http://www.diamondtamil.com/india/india_history/palayakkarar_rebellion/index_en.html#.W8oi-3szbIU


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો

ઈમેલઃ dipak.dholakia@gamil.com

બ્લૉગઃ મારી બારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *