ફિર દેખો યારોં : નાગરિક બનવાનો સંકલ્પ ન હોય, તેનો અમલ જ કરી દેવાનો હોય!

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

વિક્રમ સંવતનું વધુ એક નવું વર્ષ આરંભાઈ રહ્યું છે, અને જૂનું વર્ષ વિદાય લઈ રહ્યું છે. રાબેતા મુજબની યંત્રવત્‍ શુભેચ્છાઓ, ‘દિવાળી હવે પહેલાં જેવી નથી રહી’નું એ જ ગાન, હૃદયના અંધકારને દૂર કરવાની સમજણયુક્ત વાતો અને ‘સમજણની આજના જેવી જરૂરિયાત અગાઉ ક્યારેય નહોતી’ની કટોકટીભરી સ્થિતિનો ચિતાર….! આ બધું પણ જાણેઅજાણે પરંપરાનો એક ભાગ બની રહ્યું છે. આજે વીજાણુ માધ્યમથી સાગમટે શુભેચ્છાસંદેશાઓ પાઠવવાવામાં આવે છે. પહેલાં જ્યારે ટપાલ દ્વારા શુભેચ્છાસંદેશ મોકલાતા ત્યારે પણ સાગમટે અને યંત્રવત્‍ ઢબે તે પાઠવવામાં આવતા હતા. આનાથી પણ અનેકગણી વધુ કટોકટી, જે તે સમયગાળાના સંદર્ભે આવતી રહી છે.

અત્યાર સુધીનો સમય માહિતીની ઓછપ કે અભાવનો હતો. તેને કારણે અફવાઓનું જોર રહેતું. એક યા બીજા પ્રકારના સમાચારની ખરાઈ કે રદિયો જાહેર ન થાય ત્યાં સુધી અનિશ્ચિતતાનો માહોલ રહેતો. વર્તમાન યુગમાં માહિતીનો સ્ફોટ થયો છે. આવા સમયમાં ખોટા સમાચારોનું ચલણ ઘટવું જોઈએ, તેને બદલે એ ઊલટાનું વધી રહ્યું છે, એટલું જ નહીં, તેનાં ચિંતાજનક પરિણામો જોવા મળી રહ્યાં છે. સાચાખોટા પુરાવાઓ સાથે ઈરાદાપૂર્વક પ્રસરાવવામાં આવતા આવા સમાચારો જાણે કે કોઈ ચોક્કસ હેતુપૂર્વક વહેતા મૂકાય છે. વીજાણુ માધ્યમ થકી, જાહેર અભિવ્યક્તિનું કાતિલ શસ્ત્ર હવે સૌ કોઈને સુલભ થઈ ચૂક્યું છે. ટેકનોલોજીને લઈને ઊભા થતા પડકારો બહુ વિશિષ્ટ હોય છે. તેનાથી થતી અમુક અસરો પ્રત્યક્ષ હોય છે, જ્યારે કેટલીક અસરો પ્રચ્છન્ન અને લાંબા ગાળાની હોય છે. તેને ઝટ સમજી શકાતી નથી, એમ તેના વિશે અગાઉથી ધારણા પણ બાંધી શકાતી નથી. આવા સમયે પ્રશાસન, શાસક યા કોઈ સંસ્થાકીય અભ્યાસ પર ભરોસો મૂકવો જોખમી પુરવાર થઈ શકે છે. સરકાર પોતે જ પોતાની સિદ્ધિઓના સતસવીર પુરાવાઓ માટે ટેકનોલોજિકલ જૂઠાણાનો આશરો લેતી હોય ત્યાં અન્ય એકમોનો ભરોસો શો અને કેટલો કરવો?

પહેલાં કોઈક ઘટના બને એ પછી તેની સચ્ચાઈ જાણવા માટે સરકારમાન્ય પ્રસારમાધ્યમો તેમજ અખબારો પર આધાર રાખવો પડતો. તેને બદલે હવે સાદો ફોન અને ઈન્ટરનેટ ધરાવતો કોઈ પણ નાગરિક હરતુંફરતું પ્રસારમાધ્યમ બની રહ્યો છે. આ આવિષ્કાર એટલો મોટો છે કે હજી આપણને તેની સાથે સંકળાયેલી જવાબદારીઓનું ભાન પણ થવું બાકી છે. આથી આ આવિષ્કારને હજી કૌતુકની જેમ જોવામાં આવે છે અને એક ગતકડાંની જેમ ગમે એમ વેડફવામાં આવે છે.

પોતાનું ઉત્પાદન બજારમાં મૂકતી કંપનીઓ માટે પ્રત્યેક વ્યક્તિ એક ગ્રાહક હોય છે, એ જ રીતે હવે રાજકીય પક્ષોને મન પ્રત્યેક વ્યક્તિ એક મતદાતા બની રહી છે. નાગરિક પણ ટેકનોલોજીના જોરે પોતાને નાગરિક નહીં, બલ્કે જે તે પક્ષના સમર્થક કે વિરોધી તરીકે ગોઠવી રહ્યા છે, અને તેમને લાગે છે કે એ રીતે તેઓ લોકશાહીનાં મૂલ્યોનું રક્ષણ કરી રહ્યા છે. પ્રચ્છન્નપણે ઘણા નાગરિકો એક પક્ષના વિરોધી યા અન્ય પક્ષના તરફદાર તરીકે રજૂ થઈ રહ્યા છે, અને અનાયાસે તેઓ કોઈ ને કોઈ રાજકીય પક્ષના હાથા બની રહ્યા છે. માહિતીના સ્ફોટનો જમાનો હોય કે તેના અભાવનો યુગ હોય, સામાન્ય નાગરિકોના જાનમાલની સલામતિ, તેમના જીવન માટે જરૂરી પાયાની સુવિધાઓ, રોજગારી જેવા મુદ્દાઓ શાશ્વત બની રહેતા આવ્યા છે. તેમના ઊકેલને બદલે શાસકો મોટે ભાગે આંકડાબાજી કે જુમલાબાજીથી કામ લેતા આવ્યા છે. એમ માનવાની જરૂર નથી કે આવી સ્થિતિ અગાઉ કદી નહોતી. અઢારમી સદીના અંત અને ઓગણીસમી સદીના આરંભે ઔદ્યોગિક ક્રાંતિ તેમજ યાંત્રિકીકરણની અસરો પછી ગંભીર કટોકટી સર્જાઈ હતી. આજે જેમ ટેકનોલોજી ઈચ્છાએ યા અનિચ્છાએ સામાન્યમાં સામાન્ય માણસના જીવનને સ્પર્શે છે, એમ એ સમયે પણ હતું. અલબત્ત, એ સમયે શાસકો વિદેશી હતા, જ્યારે ફરક એટલો છે કે આઝાદી પછી શાસકો આપણા રહ્યા છે.

નૂતન વર્ષના દિવસે અમુકતમુક સંકલ્પ લેવો એ એક રૂઢિ, અને હવે સામાજિક નેટવર્કિંગ માધ્યમોના યુગમાં, મનોરંજક ગતકડાથી વિશેષ કંઈ નથી. આપણે કોઈક સંકલ્પ લેવો હોય યા કોઈ વલણ બાબતે પ્રતિબદ્ધતા કેળવવી હોય તો એ વૃત્તિ કોઈ દિનવિશેષની મોહતાજ નથી હોતી. આપણા જીવનમાં આવતી કટોકટીની પળો આપોઆપ આપણું વલણ ઘડતી હોય છે, જો ખરેખર આપણે ઘડાવા ઈચ્છતા હોઈએ તો!

હજી નાગરિકધર્મ જેવા શબ્દો આપણે ત્યાં લગભગ ‘આધ્યાત્મિક’ કહી શકાય એવી શ્રેણીમાં મૂકવામાં આવે છે. તેના શ્રવણ અને મનનથી પાવન થવાનું, પણ તેના અમલથી માઈલો દૂર રહેવાનું. આપણા ઊપદેશકો આપણને સીધો અંતરાત્મા સાથે સંવાદ કરવાનું શીખવશે, પણ નાગરિકધર્મની પોથીમાં લખાયેલા શબ્દો વાંચવાનું શીખવતા નથી.

વિવિધ પર્વોએ આપણે ઈચ્છીએ છીએ કે કોઈ ગુરુ આપણા કાનમાં કોઈ મંત્ર ભણી આપે, જે આપણા આ ભવ અને આવતા ભવને પાર ઊતારી આપે. આ કારણે આપણે ત્યાં નાગરિકધર્મ સિવાયના તમામ ધર્મો જોરમાં રહે છે. આ સ્થિતિમાં કોઈ ફેરફાર થઈ શકે એમ છે ખરો? કોઈ પણ સ્થિતિમાં કશો ફેરફાર ત્યારે જ થઈ શકે જ્યારે તેનો પહેલાં સ્વીકાર થાય. આપણે કોઈ ધર્મના તરફી કે વિરોધી બની રહેવાને બદલે નાગરિકધર્મના અનુયાયી બનવાનો પ્રયત્ન કરીએ તો આ દિશામાં તે એક મહત્ત્વનું કદમ ગણાશે. કોઈ પણ રાજકીય પક્ષના સમર્થક હોવું ખોટી વાત નથી, પણ એથી આગળ આપણે નાગરિક છીએ એ યાદ રાખવું ખાસ જરૂરી છે. કોઈ પણ પક્ષ યા નેતાનું સતત મૂલ્યાંકન કરતા રહેવું એ એક નાગરિકની ફરજ છે. નેતા આપણો ચૂંટેલો લોકપ્રતિનિધિ છે અને આકાશમાંથી ટપકેલો આપણો ઉધ્ધારક નથી, એ સત્ય જેટલું વહેલું સમજી લેવાય એટલું સારું. તે સારું કામ કરે તો તેને બીરદાવવામાં, અને યોગ્ય કામ ન કરે તો તેનો કાન આમળવામાં એક નાગરિક તરીકે આપણને જરાય સંકોચ ન હોવો જોઈએ. તેનો કોઈ વિકલ્પ જ નથી, અને અન્ય કોઈ સબળ નેતા જ હાલમાં નથી- જેવાં વાક્યો નેતાગીરીની નહીં, નાગરિક તરીકેની આપણા સૌની નિષ્ફળતા સૂચવે છે.

સો વાતની એક વાત છે કે આપણે નાગરિક તરીકે આપણું ઘડતર સતત કરતા રહેવાનું છે. અને એ માટેનો સંકલ્પ લેવા માટે કોઈ દિનવિશેષની પ્રતીક્ષા કરવાની જરૂર નથી. તેનો સંકલ્પ લેવાનો ન હોય, સીધો અમલ જ શરૂ કરી દેવાનો હોય !


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૮-૧૧-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : નાગરિક બનવાનો સંકલ્પ ન હોય, તેનો અમલ જ કરી દેવાનો હોય!

  1. November 8, 2018 at 1:54 am

    આખોયે લેખ,એના શબ્દે શબ્દ ખૂબ જ ઉચિત રીતે લખાયા છે. મને સૌથી વધુ વાત ગળે ઉતરી ગઈ તે આ છેઃ
    “એ સમયે શાસકો વિદેશી હતા, જ્યારે ફરક એટલો છે કે આઝાદી પછી શાસકો આપણા રહ્યા છે.” અને

    “આપણે નાગરિક તરીકે આપણું ઘડતર સતત કરતા રહેવાનું છે. અને એ માટેનો સંકલ્પ લેવા માટે કોઈ દિનવિશેષની પ્રતીક્ષા કરવાની જરૂર નથી. તેનો સંકલ્પ લેવાનો ન હોય, સીધો અમલ જ શરૂ કરી દેવાનો હોય !”
    એકદમ સાચી વાત,બિરેનભાઈ. આપણે નાગરિક તરીકે, એક માનવ તરીકે આપણા વ્યક્તિત્વનું ઘડતર સતત કરતા રહેવાનું છે.

Leave a Reply to Devika Rahul Dhruva Cancel reply

Your email address will not be published. Required fields are marked *