દિવાળી આવી, દિવાળી આવી

Facebooktwitterredditpinterestlinkedinmail

પ્રવીણા કડકિઆ

દીપાવલી , દિવડાઓની હારમાળા. આનંદ અને ઉલ્લાસનો પર્વ. નવા વિક્રમ સંવત વર્ષની શુભ શરૂઆત. દીવડાં તિમિર નાશક છે. દિલનો તેમજ આજુબાજુ પ્રવર્તક તિમિરને હટાવે છે. તેમાં પ્યારનું તેલ પૂરી, સ્નેહની વાટ બનાવી સમજણનો પ્રકાશ રેલાવીએ. નાનેરાઓ નાસમજ હોઈ શકે મોટેરાં દિલની ઉદારતા દર્શાવે.

મિત્રો, દિવાળી આવી. અંતર આનંદે છલકાયું. યાદ છે ને ગયે વર્ષે જ્ઞાનના દીપ જલાવ્યા હતા! અંધકાર રૂપી અજ્ઞાનને દૂર કરવાની કસમ ખાધી હતી. વળી પાછી એ કસમ યાદ કરીએ. દિલને પાવનતાથી ભરી દઈએ. ઈર્ષ્યા અને દ્વેષને દૂર કરીએ. અંહી અમેરિકામાં તો આપણા ભાઈ બહેનો સુખી છે ! ભારતના મિત્રોને યાદ કરી તેમને કાજે અંહીથી કશું એવું કામ કરીએ જેથી તેમની દિવાળી પણ સરસ રીતે ઉજવાય !

દિવાળી ને હોંશભેર મનાવીએ, આ મંગલ પર્વ વર્ષમાં એક વાર આવે છે. આનંદ ઉલ્લાસ ફેલાવીએ. સહુનું મંગલ થાય તેવી પ્રાર્થના કરીએ. અંતરમા જ્ઞાનની જ્યોત જલતી રહે તેને માટે સદા જાગૃત રહે. તોરણ બાંધી ખુશીનું પ્રદર્શન કરીએ. શુભ , લાભ અને મંગલ સહુનું વાંછીએ. દ્વેષ, વેરઝેર, ઈર્ષ્યાને તિલાંજલી આપીએ. નવા વર્ષને પ્રેમે વધાવીએ

દિવાળીનો પર્વ ખૂબ આનંદમય છે. ગત વર્ષનું સરવૈયું કાઢી જમા અને ઉધાર પાસાને નિરખીએ ! ભૂલનું પુનરાવર્તન ન થાય તેના માટે સજાગ બનીએ. લક્ષ્મીનું ઉપાર્જન સનમાર્ગે હશે તો કુટુંબમાં સુખ અને શાંતિ રેલાશે.. દિવાળીના પર્વ નિમિત્તે જરૂરથી કોઈની આંતરડી ઠારવાના પ્રયાસ કરીએ.

ગયા વર્ષનો ફોન ઉપરનો સંવાદ અચાનક યાદ આવી ગયો. સુરેશ તેની પત્ની અને બાળકો દિવાળીને દિવસે જમવા બેસવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં ફોનની રીંગ વાગી.

“હલો, બેટા સુરેશ શું ચાલે છે, દીકરા?”

શાંતાને ઈશારાથી કહ્યું, હમણા લંચ સર્વ નહી કરતી, મમ્મી છે. “બસ, મમ્મી લંચ લેવાની તૈયારીમાં છીએ. તું અને પપ્પા કેમ છો ?’

સુરેશને કોઈ સાથે લાંબી વાત કરવાની ટેવ ન હતી. માત્ર તેની મમ્મીનો ફોન આવે ત્યારે જોવો.

નાનો દીકરો બની જાય. સુરૂ બેટા આજે શાંતાએ શું બનાવ્યું છે.  મમ્મીને ખબર હતી શાંતા રસોઈ ખૂબ સરસ બનાવે. મમ્મી તું ને પપ્પા આવી જાવ ,પુરણપોળી, ઓસામણ ,છૂટીદાળ ગરમા ગરમ તળેલી ચોખાની પાપડી અને બટાકા વડા.  ‘

બે્ટા શું વાત કરું, ભારતમાં તો દાળના અને સૂકામેવાના ભાવમાં બહુ ફરક જણાતો નથી. આજે છાપામાં વાંચ્યું ૭૫૦૦૦ ટન દાળનો જથ્થો પકડાયો. ‘જો મમ્મી સાથે આ વિષય પર વાત ચાલુ રહી હોત તો સવારની સાંજ થઈ જાત. ‘મમ્મી શાંતા જમવાની રાહ જુએ છે’. કહી ફોન મૂક્યો.

સુરેશભાઈ પોતાની મમ્મીને જાણતા હતાં. ખૂબ હોંશિયાર હતા. તેમની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ જતા. ઘણીવાર મન મનાવતા શાંતા અમેરિકામાં આટલી સાહ્યબીમાં છે, શામાટે કોઈ સારો ઉદ્યમ નથી વિચારતી. પછી મનમાં સમાધાન કરી લેતાં. બધા એક સરખા ન હોય.

ચારેક દિવસમાં મમ્મી અને પપ્પા તરફથી દિવાળી કાર્ડ આવ્યું. વાંચીને ખૂબ ખુશી થઈ. અચાનક એક નાનો કાગળ હતો તેના પર નજર ગઈ. લખ્યું હતું, ;મિત્રો અને સંબંધીઓ આ વર્ષે દિવાળીમાં મિઠાઈ ને બદલે બધા દાળો ખાસ કરીને તુવેરની, મગની અને મગ. ભેટમાં આપજો. તમારે ત્યાં કામ કરતાં વર્ગને ખાસ. આપણે માનીએ છીએ કે ગરીબો દાળ રોટલાથી પેટ ભરે છે. જો દાળ આપશો તો તેમની આંતરડી ઠરશે. બાકી રોટલા પાણીમાં બોળીને ખાશે! વધુમાંઃ મિઠાઈથી ડાયાબિટિસ અને જાડા થવાનો ભય છે. દાળમાં પ્રોટિન છે !

જો કે આ વર્ષે દિવાળીમાં સામાન્ય પ્રજાને ઘણી રાહત મળી હતી. મિત્રો મોંઘવારી થોડા ઘણા અંશે રાહત લાવી છે. સહુનો સાથ અને સહકાર હશે તો દર વર્ષે દિવાળી સરસ રીતે ઉજવીશું.

દિવાળીના પાંચ દિવસ ઉમંગ અને આનંદથી ભરપૂર મનાવીએ! બીજે દિવસે નૂતન વર્ષનો પ્રારંભ,  જે દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દ્વાર  આપણે મંદીરોમાં ઉજવીએ છીએ. અંતે સહુથી પ્રિય દિવસ ‘ભાઈ બીજ”. જે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધ માટે પ્રસિદ્ધ છે. જરૂરથી કોઈની આંતરડી ઠારવાના પ્રયાસ કરીએ. નૂતન વર્ષ સહુનું લાભદાયી નિવડે. સહુને નવા વર્ષના અભિનંદન.

નાનપણના એ દિવસો યાદ આવે છે. કેવું નિખાલસ જીવન.ઘરમા કે મનમા ક્યાંય કચરો નહી. ખાવું ,પીવુ અને મોજ માણવી. મન ભરીને ફટાકડા ફોડવા. આજે આ મોંઘવારીના કપરાકાળમા ઉમરની સાથે એ લપાઈ ગયો.  આતંકવાદથી ભરપૂર આ જગમા હવે નિર્મળ આનંદ અંતર્ધ્યાન થઈ ગયો છે. માનવ તો સ્વાર્થ સભર ત્યારે પણ હતો. કિંતુ પરોપકારની ભાવના કદી કદી ડોકિયા કરી જતી. કદાચ સંરક્ષિત બાળમાનસ એ બધું પારખી ન શકતું. માત્ર આવી ને મળતા સુખમા મહાલવાની મોજ માણતું. હવે તો એ દિવસો, સ્વપનો, તમન્ના સઘળું ભૂતકાળમા સરી ગયું. કાળા ગયાને ધોળા આવ્યા. બાળપણ, જુવાની વિતી ગઈ અને શણપણ, પ્રૌઢાવસ્થાએ ઘર કર્યું.

બસ આપણી નિયતમાં સુધારો લાવીએ. જેણે આપ્યું છે તે સદમાર્ગે વાપરીને તેનું ઋણ અદા કરીએ. જમણા હાથે આપીએ તેની ડાબા હાથને પણ ખબર ન પડવા દઈએ. મોટા મોટા ભાષણ અને સલાહ સૂચનોની જરા પણ આવશ્યકતા નથી માત્ર માણસાઈના દીવા પ્રગટાવીએ અને આ શુભ પર્વને મંગલ બનાવીએ. દિવાળીની શુભકામના. નવું વર્ષ સહુને લાભદાયી નિવડે.

“દિવાળી આવી, દિવાળી આવી સહુના ઉરમાં ઉમંગ લાવી. દિલડામાં તરંગ લાવી.

અજ્ઞાનના તિમિર હટાવી. જ્ઞાનની જ્યોત જલાવી. નવા વર્ષની વધાઈ લાવી.’


સંપર્ક સૂત્રો :

પ્રવીણા કડકિઆ ઉર્ફ પ્રવિનાશ – ઈ-મેલ : pravina_avinash@yahoo.com || વેબ : મન માનસ અને માનવી

1 comment for “દિવાળી આવી, દિવાળી આવી

  1. November 7, 2018 at 8:33 pm

    We pray: “Learn to appreciate good things in life and share what ever we can to bring peace.”
    નૂતનવર્ષાભિનંદન. સરયૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *