વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧૦) : ફટાકડા, ધડાકા અને સૂરસૂરિયાં

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

વિક્રમ સંવતનું વધુ એક વર્ષ વિદાય લઈ રહ્યું છે, અને નવું વર્ષ બારણે ટકોરા મારી રહ્યું છે. દરેક દિવાળીએ ‘હવે પહેલાં જેવું રહ્યું નથી’ બોલવાની પણ એક મઝા છે, અને એ બોલનાર આપોઆપ અનુભવીની કક્ષામાં આવી જાય છે. ફટાકડાના ધૂમધડાકા, સર્વોચ્ચ અદાલતનું ફરમાન, આકરી મોંઘવારી, હવાનું ઝેરી પ્રદૂષણ.. આ બધાની વચ્ચે પણ દિવાળીના તહેવારો ઉલ્લાસ પ્રસરાવતા રહે છે એ હકીકત છે. આ કડીમાં આપણે કેટલાંક એવાં કાર્ટૂનો માણીશું, જેના કેન્‍દ્રમાં દિવાળી હોય.

**** **** ****

કાર્ટૂનિસ્ટ ટીમ કોર્ડેલ/Tim Cordell નું આ કાર્ટૂન માર્મિક છે. કોઈ મહાનગરમાં રસ્તાને કોરે બાંકડા પર બેઠેલું દંપતિ આતશબાજી જોઈ રહ્યું છે. પણ ધૂમધડાકા જોઈને તેને એ સમજાતું નથી કે તે દિવાળીના છે, બોનફાયર નાઈટના છે કે પછી તે (ત્રાસવાદી સંસ્થા) આઈ.એસ.આઈ.એસ. દ્વારા થઈ રહ્યા છે?

કોર્ડેલનાં વધુ કાર્ટૂનો તેમની વેબસાઈટ http://www.cordellcartoons.com/index.html પર જોઈ શકાશે.

****

આ કાર્ટૂન થોડું જૂનું છે. અમેરિકન પ્રમુખ બરાક ઓબામા મુંબઈનાં બાળકો સાથે દિવાળીની ઊજવણી કરે એવો કાર્યક્રમ હતો. અમેરિકન પ્રમુખની જડબેસલાક સલામતિ વ્યવસ્થા વચ્ચે આ ઊજવણી કેવી હશે એ કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્યે કશું લખ્યા વિના દર્શાવી દીધું છે!

****

કાર્ટૂનિસ્ટ નીલાભ બેનરજીનું આ કાર્ટૂન ચૂંટણી સમયનું છે. મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હતી અને કોણ જીતશે તેની અટકળો ચાલી રહી હતી. ત્યારે ભારતીય જનતા પક્ષ શી રીતે દિવાળીની ઉજવણી કરશે એ નીલાભે દર્શાવ્યું છે.

****

દિવાળીનું સૌથી લોકપ્રિય દારૂખાનું હવાઈ અથવા રોકેટ છે. આમ આદમી પર વિમુદ્રીકરણ અને જી.એસ.ટી.એમ બબ્બે ચીજોનો માર પડે ત્યારે તેની શી હાલત થાય એ અહીં દર્શાવી છે.

****

કુરીલના આ એક જૂના કાર્ટૂનમાં વાત તો વાયદાઓની જ છે. અન્ય પક્ષો પાસે એનું એ જ હવાયેલું દારૂખાનું છે, જ્યારે વડાપ્રધાન મોદી ‘જનધન યોજના’, ‘સત્યમેવ જયતે’, ‘મેઈક ઈન ઈન્ડીયા’ સહિત નવાં નામવાળા અનેક ફટાકડા આમ આદમીને ધરી રહ્યા છે.

****

કુરીલનું આ કાર્ટૂન પણ જૂનું છે. કાશ્મીરના પૂરપીડિતોને રાહત આપી રહેલા વડાપ્રધાન મોદીની પછવાડે બીજો એક બોમ્બ ફૂટવાની તૈયારી કરાઈ રહી છે. પશ્ચિમ બંગાળનાં મમતા બેનરજી તેની જામગરી ચાંપી રહ્યાં છે. અખબારી અહેવાલમાં જણાવાયા મુજબ પશ્ચિમ બંગાળ હવે ત્રાસવાદી પ્રવૃત્તિઓનું નવું સ્વર્ગ છે. કુરીલનાં આ બન્ને કાર્ટૂનમાં પરિસ્થિતિજન્ય વ્યંગ્ય ઓછો, અને વડાપ્રધાન પ્રત્યેની તરફદારી વધુ જણાય છે. અલબત્ત, કોઈ પણ પરિસ્થિતિને જોવાની કાર્ટૂનિસ્ટની આગવી દૃષ્ટિ હોય છે.

****

સતીશ આચાર્યના આ કાર્ટૂનમાં નેતાઓની મૂંઝવણ રજૂ કરાઈ છે. પોતે કયો ફટાકડો ફોડવો એ જાણે કે નક્કી કરવાનું છે. 2જી કૌભાંડના એ.રાજા પાસે લાં…આ…આ..બી લૂમ છે, કેમ કે, મામલો 176000 કરોડનો છે. કનીમોઝીના હાથમાં કરુણાનિધિરૂપી ટમટમીયું છે. કૉમનવેલ્થ રમતોના કૌભાંડવાળા સુરેશ કલમાડી પાસે વધ્યાઘટ્યા દારૂખાના જેવું રોકેટ છે. તો કર્ણાટકના યેદીયુરપ્પા ભોંયચકરડીલઈને બેઠેલા બતાવાયા છે.

****

શેખર ગુરેરાના આ કાર્ટૂનમાં બે રાજ્યોની સ્થિતિની તુલના કરાઈ છે. બિહારમાં નશાબંધી અમલી બની એ પછી મુશ્કેલી કેવી ઊભી થઈ! ત્યાં માણસ પાસે ફોડવા માટે રોકેટ છે, પણ તેને મૂકવા માટે શીશી નથી. દિલ્હીમાં સ્થિતિ વિપરીત છે. અદાલતના નિર્દેશો મુજબ ત્યાં હવાનું પ્રદૂષણ અત્યંત ગંભીર છે. ત્યાં શીશી સહેલાઈથી ઊપલબ્ધ છે, પણ તેમાં મૂકવા માટે રોકેટ નથી. જો કે, શીશી મળી જવાથી દિલ્હીવાસીને એકદમ ખુશ બતાવાયો છે.

****

અજિત નિનાનના આ કાર્ટૂનમાં તીવ્ર કટાક્ષ છે. ફટાકડા ખરીદવા ગયેલા પરિવારને દુકાનદાર કહે છે, ‘સરજી, આ બોમ્બ ચીની બનાવટના નથી. એ ઊત્તર કોરિયાથી આવેલા છે અને ઘણો મોટો અવાજ ધરાવે છે.’ ફટાકડાના ખોખા પર ઊત્તર કોરિયન પ્રમુખ કીમ જોંગની તસવીર બાકીનું બધું સૂચવી દે છે.

****

વર્તમાન સરકારે આપેલા ‘અચ્છે દિન’ના વાયદા હજી સાચા પડ્યા નથી. આ ટેટાની વાટ એટલી લાંબી છે કે હજી તે સળગી રહી છે, સળગતી રહેશે અને કોણ જાણે ટેટા સુધી ક્યારે પહોંચશે. આમ આદમી ચીંથરેહાલ અવસ્થામાં તેની રાહ જોઈને બેઠો છે, ત્યારે સૂટબૂટધારી વડાપ્રધાન તેને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

આ કાર્ટૂન સતીશ આચાર્યનું છે.

****

અજિત નિનાને મોંઘા ફટાકડાની સામે એક અકસીર ઊપાય બતાવ્યો છે. ટેટા આગળ એમ્પ્લીફાયર મૂકીને ફોડવાથી તેનો અવાજ મોટો આવશે અને મોંઘો તેમજ મોટા અવાજવાળો ફટાકડો ફોડ્યાનો સંતોષ થશે.

****

‘વેબગુર્જરી’ના સહુ વાચકો, લેખકો, સંપાદકો અને અગાઉ સંકળાઈ ચૂકેલા સહૃદયીઓને દીપાવલીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન!


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


Disclaimer: The cartoons in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.


આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.

– ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : bakothari@gmail.com

1 comment for “વ્યંગ્યચિત્રોના વિશ્વમાં (૧૦) : ફટાકડા, ધડાકા અને સૂરસૂરિયાં

  1. November 7, 2018 at 6:09 am

    સારુ સંપાદન કર્યું છે. પહેલું ટિમ કોર્ડેલનું કાર્ટુન આજની હકીકત બતાવે છે.
    સરયૂ પરીખ

Leave a Reply to SARYU PARIKH Cancel reply

Your email address will not be published. Required fields are marked *