સાયન્સ ફેર :: ફટાકડા : પાબંદીને બદલે ‘પાયરોટેકનોલોજી’ પર ધ્યાન આપવાની જરૂર !

જ્વલંત નાયક

ફટાકડા ફોડવા જોઈએ કે નહિ, એ વિષે દર દિવાળીએ વાદવિવાદ ચાલતો રહે છે. આ વર્ષે પણ કોર્ટ દ્વારા ફટાકડા ફોડવા માટે ચોક્કસ સમય નિયત કરાયો છે. ફટાકડા ફોડવા કે નહિ એ બાબતનો તટસ્થ ઉત્તર એ હોઈ શકે, કે પ્રમાણભાન જાળવીને કરાતી કોઈ પણ ઉજવણી સામે કોઈને કશો વાંધો ન હોવો જોઈએ. સાથે જ ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાવે, કે પછી કોઈકને દઝાડી મૂકે એવા ફટાકડાઓ પર ચોક્કસપણે નિયંત્રણ મુકાવું જોઈએ. જો કે કાયદા-કાનૂન દ્વારા ફટાકડાથી ફેલાતા પ્રદૂષણના નિવારણ માટેનો ઉકેલ મળવાની શક્યતા નહિવત છે! એના કરતા થોડું લાંબા ગાળાનું આયોજન કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી આવા પ્રશ્નોના વધુ કારગર, વધુ પ્રેક્ટિકલ ઉકેલ મેળવી શકાતાં હોય છે. સહુથી પહેલા ફટાકડાની બનાવટ અને કાર્યપદ્ધતિ વિષે જાણવું જોઈએ.


અદ્યતન ફટાકડાઓ માત્ર ધડાકાનો ‘ઘોંઘાટ’ નથી કરતાં, પણ રોશનીની છોળો પણ ઉડાડે છે. માટે જ તેમને માત્ર ‘ફટાકડાં’ કહેવાને બદલે ‘ફાયરવર્ક્સ’ કહેવું વધુ ઉચિત છે. આમ તો ફટાકડાની શોધ ચીનમાં થઇ, પરંતુ ફટાકડાને ટેકનિકલી ‘અપગ્રેડ’ કરવાનું શ્રેય ઇટાલિયન અને જર્મન ટેકનિશિયનોને આપવું પડે. આ ટેકનિશિયનોને પ્રતાપે આધુનિક ફટાકડાઓ બનાવવાની પદ્ધતિ શોધાઈ, જેને ‘પાયરોટેકનિક કમ્પોઝીશન’ તરીકે ઓળખવામાં આવે છે. ચીનાઓ વાંસની ટ્યુબ વાપરતા, પણ આધુનિક પાયરો ટેકનિશિયન્સ કાગળની ટ્યુબ (કન્ટેઇનર) વાપરતા થયા. સાથે જ રંગબેરંગી પરફોર્મન્સ અને મોટા ધડાકાઓ માટે કેટલાક કેમિકલ્સ વાપરવાની પણ શરૂઆત થઇ.

અદ્યતન ફાયરવર્ક્સની રચનામાં પ્લાસ્ટીકનો શેલ, કાગળનો માવો અને કાર્ડબોર્ડના કમ્પાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. કમ્પાર્ટમેન્ટના તળિયે બ્લેક પાઉડર (ગન પાઉડર) રહેલો હોય છે. ગન પાઉડરની બનાવટમાં ૧૫% જેટલો ભાગ કોલસાની બારીક ભૂકી અને ૧૦% ભાગ જેટલું સલ્ફર રહેલું હોય છે. બાકીનો ૭૫% ભાગ પોટેશિયમ નાઈટ્રેટ (KNO3)નો બનેલો હોય છે, જે ‘સોલ્ટપીટર’ તરીકે પણ ઓળખાય છે. અહીં સલ્ફર અને કોલસાની ભૂકી ‘બળતણ’ તરીકે કામ કરે છે. સ્વાભાવિક છે કે કોઈ પણ બળતણને બળવા માટે ઓક્સિજનની જરૂર પડે જ. અને ફટાકડાના બંધ કમ્પાર્ટમેન્ટમાં બળતણ માટે જરૂરી ઓક્સિજનનું પ્રમાણ નહિવત હોય એ પણ સમજી શકાય એવું છે. પણ બીજી તરફ પોટેશિયમ નાઈટ્રેટ પોતેજ એક ‘ઓક્સિડાયઝીંગ એજન્ટ’ છે, જે બળતણ માટે જરૂરી ઓક્સિજન ‘મુક્ત’ કરે છે. પરિણામે બળતણ પ્રક્રિયાને ઓક્સિજન માટે કોઈ ‘બહારી’ સ્રોતની જરૂર રહેતી નથી. આ સિવાય, કમ્પાર્ટમેન્ટમાં કેટલાંક રસાયણિક પદાર્થો રહેલાં હોય છે, જે ગરમ થતાં જ અલગ અલગ રંગોના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. આ રસાયણિક પદાર્થોને તેમના ગુણધર્મો મુજબ વાપરવાથી અલગ અલગ પરિણામ મેળવી શકાય. દા.ત. રેડ ગમ વાપરવાથી આતશબાજી લાંબો સમય સુધી ચાલે છે, જયારે ઝડપી અને તેજસ્વી આતશબાજી માટે એલ્યુમીનીયમ, મેગ્નેશીયમ કે ટાઈટેનિયમના સંયોજનો વપરાય છે. જો વધારે ધુમાડાનું સર્જન કરવું હોય તો બળતણ તરીકે સુગર વાપરી શકાય. આ સિવાય ‘કલરિંગ એજન્ટ’ તરીકે સ્ટ્રોનટીયમ કાર્બોનેટ (લાલ રંગ), કોપર સંયોજનો (ભૂરો રંગ), સોડીયમ સંયોજનો (પીળો રંગ) વગેરે વપરાય છે. ટૂંકમાં, ફટાકડાના ધડાકા-ભડાકા અને મનમોહક રોશની પાછળનું મુખ્ય કારણ છે ઓક્સિડાયઝીંગ એજન્ટ તરીકે વપરાતાં પોટેશિયમના સંયોજનો અને કલર એજન્ટ તરીકે ઓળખાતા કેમિકલ્સ. અને ફટાકડાના ‘પરફોર્મન્સ’ને બહેતર બનાવતી આ બન્ને ચીજો ભારે પ્રદૂષણ પેદા કરે છે! મૂળ તકલીફ અહીં જ છે.

ટ્રેડિશનલી જે પાયરોટેકનિક્સ ચલણમાં છે, એમાં પોટેશિયમના સંયોજનો – પોટેશિયમ પરકલોરેટ વપરાય છે. પોટેશિયમ પરકલોરેટ ઓક્સીડાઈઝીંગ એજન્ટ તરીકે વાપરવામાં આવે છે. પરંતુ પોટેશિયમના આ સંયોજનો હવામાં મોટે પાયે પ્રદૂષણ ફેલાવનારા હોય છે. એની અસરો મનુષ્ય સહિતની જીવસૃષ્ટિ માટે હાનિકારક હોય છે. વળી રંગીન રોશનીઓ માટે જે હેવી મેટલ્સ સહિતના મટીરીઅલ વપરાય છે, એ પણ ભારે નુકસાનકારક છે. અમેરિકન કેમિકલ સોસાયટી-ACS તો પોતાની જર્નલમાં લખે છે કે જળાશયોની આજુબાજુમાં ફૂટતા ફટાકડાને કારણે જે-તે જળાશયની ઇકો-સિસ્ટમને પણ ઘાતક અસર પહોંચે છે.

પ્રદૂષણથી બચવાનો ઉપાય છે ‘ગ્રીન ફાયરવર્ક્સ’! આપણે ત્યાં હજી ગ્રીન ફાયરવર્ક્સ વિષે બહુ સ્પષ્ટતાઓ કરવામાં નથી આવી. પરંતુ વિદેશોમાં તો છેલ્લા દસેક વર્ષથી આ ક્ષેત્રે ઘણું કામ થયું છે. ત્યાંના પાયરોટેકનિશિયન્સ હવે પોટેશિયમ પરકલોરેટને બદલે નાઈટ્રોજન-રીચ મટીરીઅલ વાપરતા થયા છે. આ મટીરીઅલ ‘નાઈટ્રોસેલ્યુલોઝ’ તરીકે પણ ઓળખાય છે. નાઈટ્રોસેલ્યુલોઝની ખાસિયત એ છે કે તે બળતી વખતે ઓછો ધૂમાડો ઓકે છે. ACS પોતાના ન્યૂઝ મેગેઝિન ‘કેમિકલ એન્ડ એન્જિનીયરીંગ ન્યૂઝ’ (C&EN)માં આ બાબતની પુષ્ટિ કરે છે. વળી નાઈટ્રોજન-રીચ મટીરીઅલ વાપર્યું હોય તો રંગીન રોશની માટે વપરાતા કલર પ્રોડ્યુસીંગ કેમિકલનો વપરાશ પણ ઘટાડી શકાય છે. પરિણામે ફટાકડાની ટોક્સિક ઈફેક્ટમાં પણ ડ્રામેટિકલ ઘટાડો જોવા મળે છે!


ભવિષ્યમાં જો અદ્યતન પાયરોટેકનિક્સની મદદ વડે નાઈટ્રોજન-રીચ મટીરીઅલ્સમાંથી બનેલા ફટાકડાને જ મંજૂરી આપવામાં આવશે, તો ફટાકડાને લીધે થતું પ્રદૂષણ પણ ઘટશે અને સુપ્રીમ કોર્ટે તહેવારની ઉજવણીમાં દખલઅંદાજી કરવાની જરૂરે ય નહિ રહે! છેક દિવાળી ટાંકણે કાયદાકીય પ્રતિબંધ મુકવાને બદલે પાયરોટેકનોલોજીના સહારે ફાયરવર્ક્સ પ્રોડક્શનને ટેકનિકલી અપગ્રેડ કરવામાં આવે તો આવનારા વર્ષોમાં ફટાકડાનો આનંદ પણ મળે અને પ્રદુષણથી પણ બચી શકાય.

એવું નથી લાગતું કે ફટાકડા અને પ્રદૂષણ જેવી બીજી અનેક સમસ્યાઓના ઉકેલ માટે રાજકારણને અખાડે દંગલ કરવાને બદલે સાયન્સ-ટેકનોલોજી પાસેથી ઉકેલ મેળવવાની ટેવ આપણે કેળવી લેવી જોઈએ?!

સહુને દિવાળીની શુભેચ્છાઓ !


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.