વિમાસણ : મારી કંપની સારી છે કે ખરાબ ?

Facebooktwitterredditpinterestlinkedinmail

-સમીર ધોળકિયા

પહેલા તો એ સ્પષ્ટતા કરી દઉં કે આ કોઈ નાણાકીય વ્યવહાર કરતી સંસ્થાઓ વિષેની વાત નથી.  આ તો આપણી આજુબાજુ રહેતી વ્યક્તિઓના ‘સંગાથ કે સંગ ‘ અથવા કંપની વિષેની વાત છે. અને આપણી આજુબાજુની વ્યક્તિઓ મિત્ર હોઈ શકે અને ન પણ હોય. પણ તે આપણી આજુબાજુ તો હોય જ! એટલે અહીં દૂર રહેતા મિત્રો/સગા વિષે વાત નથી કરી રહ્યા.

આપણે સર્વે નાના હોઈએ ત્યારથી આપણે કોની સાથે ફરતા હોઈએ છીએ તેના પર નજર રખાતી હોય છે. નાના હોઈએ ત્યારે માબાપ તથા બીજા વડીલો  અને મોટા થઈએ ત્યારે જીવનસાથી અને સમાજ આપણા પર  બરોબર નજર રાખતાં હોય છે! આ સંગાથથી પણ અસર પડતી જ હોય છે, કોઈ વાર સારી અને કોઈ વાર નરસી. પણ સંગાથની અસરથી કોઈ મુક્ત રહી શકતું નથી કારણ કે જીવનની દરેક ઘડીએ સાથી કે સંગાથ વગર જીવન શક્ય નથી; ભલે વિદ્વાનો એમ કહેતા હોય કે માનવ એકલો આવે છે અને એકલો જ વિદાય લે છે!

બાળપણમાં સંગાથ અનિવાર્ય છે કારણ કે બીજા આસપાસના સંગાથ અને આપણા કુટુંબના સંગાથથી જ રીતભાત, બોલચાલની પહેલી શિક્ષા મળે છે પણ જો કે  તેની મોટે ભાગે  આપણા ભવિષ્યના વલણ પર સારી-નરસી અસર બહુ રહેતી નથી. જો કે, એમ કહેવાય છે કે નાનપણમાં ૪ વર્ષ સુધી બાળક  અધિકતમ શિક્ષણ ગ્રહણ કરી શકે છે.

પછી આવે છે કિશોરાવસ્થા અને યુવાની, જેમાં સાથી-મિત્રનો ફાળો અધિકતમ રહે છે અને ત્યારનો સંગ  જીવનની દિશા, વ્યક્તિત્વનું સ્વરૂપ વ. બદલવાની તાકાત ધરાવે છે. આ સંગાથમાં  પાડોશી, સાથી-મિત્ર, પિતા, મોટાભાઈ/બહેન કે મા કે બીજા કોઈ પણ સગા હોઈ શકે છે. જો કે આ વયગાળામાં અધિકતમ અસર સામાન્યતઃ મિત્રોની હોઈ શકે છે. અહીં એ પણ ઉમેરવું રહ્યું કે આ વયે પોતાથી બહુ જ અલગ, એટલે દાખલા તરીકે, બહુ  પૈસાદાર સંગ હોય તો તેની પણ અવળી અસર પડતાં વાર લાગતી નથી કારણ કે આ ઉમરે દેખાદેખી સૌથી વધારે હોય છે જે ખરાબ આદતોને જન્મ આપે છે. પાડોશી પણ અમુક અંશે અસરકર્તા  હોઈ શકે છે. અધિકતમ અસરનું  મુખ્ય કારણ એ છે કે આ અવસ્થામાં વ્યક્તિ સૌથી વધારે પ્રભાવક્ષમ હોય છે અને સાથે સાથે શક્તિનો ધોધ વહેતો હોય છે અને સાચા-ખોટાની  સમજ પૂરી રીતે હજી આવી નથી હોતી – મોટે ભાગે!

પછીની વય અવસ્થાઓમાં સંગાથ/કંપનીનો ફાળો ઓછો થતો જાય છે, પણ સાવ નાબૂદ નથી થઈ જતો. મારા એક યુવાન મિત્રે મને કહ્યું હતું કે નોકરીમાં શરૂઆતમાં તેના બધા સાથીદારો-મિત્રો વધુ સારી નોકરીની તપાસમાં સતત રહેતા, જેથી તેને પણ વધારે સારા ભવિષ્યની ભૂખ ઉભી થઈ અને તેના કારણે  જ તેને બીજી સારી નોકરી મળી. વિદ્યાર્થી અવસ્થામાં મિત્રોમાં જો બધા વાંચતા હોય તો ન વાંચનારને પણ વાંચવું પડે છે! મધ્યમ વયે અને ત્યાર પછીની વયે  કંપની મિત્ર-દર્શક-માર્ગદર્શક બને છે, ભલે અસર એટલી બધી તીવ્ર રહેતી નથી. કારણ કે વ્યક્તિમાં પોતાનામાં પણ થોડે ઘણે અંશે  પરિપક્વતા આવી ગઈ હોય છે.

પણ સવાલ એ થાય કે કંપની સારી ક્યારે કહેવાય અને ક્યારે ખરાબ. અને સારી-ખરાબ કંપનીને પારખી કઈ રીતે શકાય? એ પણ કહી શકાય કે કંપની કેવી મળશે તેના માટે કોઈ પસંદગી શક્ય હોતી નથી. જેવું જેનું નસીબ !

આનો જવાબ એ જ હોઈ શકે કે વ્યક્તિએ પોતે જ પોતાની કંપનીનું  મૂલ્યાંકન કરવું પડે છે. બાળપણ વટાવ્યા પછી દરેક વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતા મળી જતી  હોય છે અને ત્યારે તેને એટલી  માનસિક સમજ હોવી જોઈએ કે કંપનીની સારી ખરાબ અસર વિષે વિચારી શકે. જો મિત્રોને કોઈ કુટેવ હોય તો એ લત પણ આપણને લાગુ પડી શકે છે. તે જ પ્રમાણે પડોશમાં કે કુટુંબમાં કોઈ નિયમિત કસરત-વાંચન –સામાજિક સેવા કરતો/કરતી હોય તો આપણને  પણ તે સારી ટેવ પડી શકે છે.

કંપનીની અસર જરૂર હોય છે એટલે કે સંગાથ સાથે સહવાસની અસર વધારે હોય છે. દૂર રહેતા નજીકના મિત્ર કે સગા કરતા પાસે રહેતો સહકાર્યકર્તા કે પડોશી વધારે અસર કરી શકે છે.

આપણે મૂલ્યાંકન કઈ રીતે કરી શકીએ ? અભ્યાસમાં કે નોકરીમાં જો આપણી દેખીતી પ્રગતિ ન થાય કે આપણે આડે રસ્તે ચડી ગયા છીએ એવું ઘરમાં કહેવાવા માંડે તો સમજવું કે કાં તો પોતામાં ખોટ છે અને કાં તો આજુબાજુમાં એટલે કે – કંપનીમાં! સારી ટેવો કે ખરાબ ટેવો પડવામાં બાહ્ય પરિબળો એટલે કે સારી-ખરાબ કંપની હંમેશાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અને કોઈ પણ ઉંમરે આ મહત્ત્વ રહે જ છે.

વનપ્રવેશ પહેલાં ખરાબ કંપનીથી દેખીતી રીતે સમજદાર વ્યક્તિઓને ખરાબ ટેવો – જેવી કે, જુગાર રમવો, શેરબજાર માં સટ્ટો ખેલવો, બિલકુલ બિનઆધારભૂત જગ્યાએ રોકાણ કરવું તે થઈ શકે છે. આ બધી અસરો ૫૦ વર્ષ પછી ઓછી થતી જાય છે કારણ કે અનુભવ અને ભૂલોને કારણે  સમજ આવી ગઈ હોય છે. અલબત્ત,  કંપનીની જરૂર આ વય તથા નિવૃત્તિ પછી વધુ રહે છે, ભલે અસર ઓછી હોય!

સારી કંપની કોને કહેવાય? દરેક વયમાં સારાપણાની વ્યાખ્યા થોડી થોડી બદલે છે પણ એમ કહી શકાય કે કંપની ખોટી ટેવો ન પાડે એ સારાપણાની પહેલી જરૂરિયાત છે. પછી જ સારી આદતો જેવી કે નિયમિત કસરત, નિયમિત બચત, જલ્દી ગુસ્સો ન કરવો, યુવાનીનો સમય વેડફવો નહિ, હકારાત્મક વિચારો વગેરેની વાત થઈ શકે. અહીં એક વાત ફરી  કહેવાની  કે ગાઢ મિત્ર કે નજીકના સગા દૂર રહેતા હોય તો પણ  તેની ખાસ અસર રહેતી નથી. પણ સામાન્ય ઓફિસ મિત્ર કે પડોશીની અસર વધુ થઈ શકે છે અને તેનું કારણ નિયમિત અને નજીકનો સહવાસ અને અને નિયમિત મળવાનું. ટૂંકમાં સામે હોય તેની અસર વધુ!

આ બધી વાત સાથે એક વાત તો કહેવી જ રહી કે આપણા પોતામાં આ બધી સારી કંપનીની સારી અસર ને ઝીલવાની તૈયારી હોવી જોઈએ કારણ કે બધા જાણે છે કે ખરાબ ટેવો ઝડપથી પડે છે, તેની અસર જલ્દી થાય છે અને લોભામણી પણ વધારે જ લાગે છે! સારી અસર ઝીલવા માટેનો અભિગમ અને ઈચ્છા તો પોતાનામાં જ હોવાં જોઈએ.

એમ કહેવાય છે કે સારા પુસ્તકો જેવી કોઈ સારી કંપની નથી પણ આ જમાનામાં કે જયારે પુસ્તકોનું વાંચન ઘટતું જણાય છે ત્યારે આ વિકલ્પ બહુ બળવાન જણાતો નથી. અને માનવ માટે સહવાસ-સંગ વગર રહેવું લગભગ અશક્ય છે! આ સંજોગો(બાલ્ય કે કિશોરાવસ્થા)માં એ જ વિકલ્પ જણાય છે કે કુટુંબે સારો સાંસ્કૃતિક પાયો નાખવો અને બહાર સારી કંપની મળશે તેવી અપેક્ષા રાખવી તથા તે વયે તે બાલ્ય/કિશોર વ્યક્તિ સાથે સંપર્ક રાખવો અને સતત નજર પણ! આ અવસ્થામાં મોબાઈલ ફોન અને તેનો ઉપયોગ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે પણ તેના માટે આપણે કશું કરી નથી શકવાના કારણ કે આપણે પોતે મોબાઈલમાં રચ્યાપચ્યા રહેતા હોઈએ છીએ!

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે તે આપણે ભણતા આવ્યા છીએ અને તેથી  બાહ્ય વ્યક્તિઓના સંપર્કથી દૂર રહેવું શક્ય નથી. અને  આજુબાજુના સાથીઓની ગુણવત્તા અને ઉપયોગિતા વિષે કોઈ ગેરંટી મેળવવી  શક્ય નથી. આપણે માત્ર  આશા જ રાખી શકીએ કે સહવાસ સારો મળે. ઘણા મહાપુરુષો/ સ્ત્રીઓનાં જીવન વૃત્તાંત પરથી આપણે બાહ્ય અસરો એટલે કે કંપની તથા વાતાવરણની સારીનરસી અસર વિષે જાણીએ છીએ. તો શા માટે એના પરથી કોઈ બોધ ન લઈ શકીએ? આપણા સમાજમાં પણ કંપનીની સારી નરસી અસર વિષેના દાખલાઓ આપણી આજુબાજુ  હોય જ છે ને?

આપ પોતે, તમારી આસપાસનાં માટે, અને ખાસ તો,પોતા માટે, તો સારી કંપની હશો જ, ખરું ને ?

૦-૦-૦-0

શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *