પરિસરનો પડકાર : ૧૬ : ભારતના જંગલોમાં એન્ટીલોપ્સ (Antelopes)

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા

મિત્રો, ગયા બંને લેખમાં આપણે ભારતના જંગલોમાં મળી આવતાં હરણોની વિવિધ પ્રજાતિઓ વિષે જાણ્યું. પ્રસ્તુત લેખમાં, હરણ જેવાં જ દેખાતા એક અન્ય તૃણભક્ષી (ઘાસ અને પાંદડાઓ ખાતા) પ્રાણી વિષે માહિતી મેળવશું. આ પ્રાણીઓને એન્ટીલોપ અગર તો ગેઝલ કહેવામાં આવે છે. દુરથી દેખાવમાં તેમ જ ચરવામાં અને દોટ મુકવામાં હરણ જેવું લાગતું આ પ્રાણી વાસ્તવમાં હરણ કરતા ઘણી રીતે જુદું પડે છે. હરણને ‘સર્વીડી’ કુળમાં (Family: Cervidae) સમાવવામાં આવેલ છે જયારે એન્ટીલોપને ‘બોવીડી’ કુળમાં (Family: Bovidae) સ્થાન મળ્યું છે. અગાઉ આપણે એ પણ જોયું કે આ તમામ હરણ અને એન્ટીલોપ ૧. વાગોળતાં પ્રાણીઓ છે અને ૨. પગને તળિયે ખરી ધરાવે છે. એટલે કે તેઓ અનુક્રમે Ruminants અને Ungulates કહેવાય છે.

એન્ટીલોપ્સના શિંગડાં ‘હોર્ન્સ’ (Horns) તરીકે ઓળખવામાં આવે છે જયારે હરણના શિંગડાં ‘એન્ટલર્સ’ (Antlers) તરીકે ઓળખાય છે. હોર્ન્સને શાખાઓ હોતી નથી જયારે એન્ટલર્સને શાખાઓ હોય છે. હોર્ન્સ નક્કર હાડકાંના બનેલાં હોય છે જેની ફરતે એક સખત મજબુત આવરણ આવેલું હોય છે. ઉપરાંત એન્ટીલોપ્સના હોર્ન્સ એકદમ નજીક ગોઠવેલી નાની રીંગો ધરાવે છે. એન્ટલર્સ પ્રતિ વર્ષ ખરી પડે છે અને નવાં ઉગે છે જયારે હોર્ન્સ ખરતાં નથી. જીવનપર્યંત સ્થાયી રહે છે.

હરણના શિંગડાં (Antlers)

એન્ટીલોપના શિંગડાં (Horns)

ભારતમાં નીચે દર્શાવ્યા મુજબના મુખ્યત્વે ચાર એન્ટીલોપ્સ જોવામાં આવે છે.

૧. કાળીયાર અથવા તો બ્લેકબક

૨. નીલગાય અથવા તો રોજડું અથવા બ્લુ બુલ

૩. ચૌસીંગા અથવા ફોર હોન્ડઁ એન્ટીલોપ અને

૪. ચિંકારા અથવા ઇન્ડીયન ગેઝલ


કાળીયાર (Antilope cervicapra)

કાળીયાર (Antilope cervicapra)

ભારતના તમામ એન્ટીલોપ પૈકી કાળીયાર સૌથી સુંદર કદ, બાંધો અને દેખાવ ધરાવે છે. તેની તમામ લાક્ષણિકતાઓ જોતાં તેના કુળનું એક આદર્શ પ્રતિનિધિ કહી શકાય. તેનો ભરાવદાર રંગ અને સ્પ્રિંગ આકારના શિંગડાં તેને અત્યંત સૌંદર્યવાન બનાવે છે. બચ્ચાં અને માદા આછા બદામી રંગના હોય છે પરંતુ જેમ જેમ વય વધે તેમ ઘાટા રંગના બનતા જાય છે. તેના શિંગડાં ત્રીજા વરસથી જ સ્પ્રીન્ગાકાર ધારણ કરી લે છે. મોગલોના સમય વખતે બ્લેકબકના ટોળાં ભારતના મોટા ભાગના મેદાની વિસ્તારોમાં જોવામાં આવતા હતા પરંતુ બેફામ રૂપે ચાલતી શિકાર કરવાની પ્રવૃત્તિના પરિણામે તેમની સંખ્યા ઘટીને અમુક વિસ્તારોમાં માર્યાદિત રહી જવા પામી છે. કોઈ કોઈ વિસ્તારોમાં રાજાઓ દ્વારા કાળીયારનો શિકાર કરવા માટે ચિત્તાઓનો પણ ઉપયોગ કરતા. કાળીયાર ખુલ્લા ઘાસિયા મેદાનો પસંદ કરે છે અને ખેતરોની આજુબાજુ પણ ચરિયાણ કરે છે. ખેતીના પાકને નુકસાન કરતું આ પ્રાણી તેની દોડવાની ગતિ માટે જાણીતું છે. જયારે પણ ભય લાગે ત્યારે ઊંચા કુદકા અને લાંબી છલાંગો મારતું ભાગે છે. તેની એક છલ્લાંગ ૨૦ થી ૨૫ ફૂટ જેટલાં અંતરની હોઈ શકે. તેનો સંવનન સમય ફેબ્રુઆરી-માર્ચમાં આવે છે અને તે સમયે બે નર, માદા પર કબજો જમાવવા માટે એકબીજાના શિંગડાં ભરાવીને બાઝતા જોવામાં આવે છે.

નીલગાય અથવા તો રોજડું અથવા બ્લુ બુલ

નર નીલગાય: રોજડું (Boselaphus tragocamelus)

માદા નીલગાય

અન્ય એન્ટીલોપ્સ કરતા તદ્દન વિપરીત, નીલગાય એક ઘોડા જેવું કદ ધરાવતું અને ગાય જેવું મોઢું ધરાવતું પ્રાણી છે. ગરદન આગળ ઉંચી ખુંધ અને પૂંઠનો ભાગ નીચો હોય છે. પુખ્ત નર ઘેરા રાખોડીયા રંગનો અને ચારે ય પગમાં નીચેની બાજુ સફેદ રીંગ ધરાવે છે. નાની વયના નર અને માદા બંને પીળચટ્ટાં, આછાં બદામી રંગના હોય છે. નર રોજડું ગળામાં કાળા રંગના વાળનો ઝૂમખો ધરાવે છે. નીલગાયના શિંગડાં નાના, સખત, માથા આગળ ત્રિકોણાકાર અને ઉપરના ભાગે ગોળાકાર હોય છે. નીલગાય હિમાલયની તળેટીથી કર્ણાટક અને રાજસ્થાનથી આસામ સુધીના પ્રદેશોમાં માત્ર ભારતમાં જ જોવા મળે છે. ગાઢ જંગલમાં ખાસ જોવા ના મળે. નાની ટેકરીઓ ધરાવતો ખુલ્લો વિસ્તાર પસંદ કરે છે. નીલગાય ખેડૂતોનો દુશ્મન ગણાય છે કારણ કે ઉભા પાકને પારાવાર નુકસાન કરે છે. ચારે ય એન્ટીલોપ્સ પૈકી નીલગાય કદમાં સૌથી મોટું છે. ગ્રામિણ વિસ્તારોમાં વાહનમાં પ્રવાસ કરતા હોઈએ અને નીલગાય આવ-જા કરતું હોય તેવા ખેતરાઉ વિસ્તારમાંથી પસાર થવાનું હોય ત્યારે ખુબ જ કાળજી રાખીને વાહન ચલાવવું હિતાવહ છે કારણ કે આજુબાજુની વાડમાંથી અચાનક નીલગાય વાહન સાથે ભટકાઈને ગંભીર અકસ્માત સર્જી શકે છે. જમીન પર ઉગેલું ઘાસ ચરી પણ શકે છે (Grazing) અને બકરીની માફક નાના વૃક્ષોની નીચેની ડાળીઓમાંથી પાન પણ ખાઈ શકે છે (Browsing). નીલગાયને પાણી પીવાની જરૂર બહુ ઓછી પડે છે. દિવસો સુધી પાણી પીધા વગર ચલાવી શકે છે. ઘ્રાણેન્દ્રીય તેજ ધરાવે છે અને લાંબા અંતરે જોઈ શકે છે. ભય જણાતા ઘોડાની માફક ઉછાળા મારીને પુરપાટ દોડીને ભાગી શકે છે. નીલગાયની એક ખાસિયત એ છે કે એક જગ્યાએ લાદ કાર્ય બાદ ફરીને એજ જગ્યાનો ઉપયોગ અવારનવાર કરે છે. ટોળાંના અન્ય સભ્યો પણ આ મુજબ એક જગ્યાને ‘સાર્વજનિક શૌચસ્થાન’ બનાવી ત્યાં જ લાદ કર છે. પુખ્ત નર એકલા ફરવાનું પસંદ કરે છે જયારે નાના નર અને માદાઓ ૪ થી ૬ ના ટોળામાં ફરે છે.


ચૌસીન્ગા: (Four horned Antelope): Tetracerus quadricornis

ચૌસીન્ગા: (Four horned Antelope): Tetracerus quadricornis

ચૌસીન્ગાને આમ તો એન્ટીલોપ વર્ગમાં મુકવામાં આવેલ છે પરંતુ તે આ વર્ગનું આદર્શ પ્રતિનિધિત્વ કરતું નથી કારણ કે તેના શીંગડાં ભમરીયા આકાર (સ્પ્રીન્ગાકાર) ધરાવતાં નથી. તેને આગળ અને પાછળ નાના કદના બે જોડી શીંગડાં આવેલાં હોય છે. સમગ્ર એન્ટીલોપ્સમાં ફક્ત ચૌસીન્ગને જ ચારની સંખ્યામાં શીંગડાં આવેલાં છે. આગળના બે નાના અને પાછળના બંને સહેજ મોટાં. તેની ચામડીનો રંગ નબળો રતાશ પડતો ભૂખરો હોય છે અને પરત ઉપર સફેદી જોવા મળે છે. ચારે ય પગ ઉપર ઘેર રંગના પટ્ટા હોય છે જે આગળના બંને પગ પર વધારે પ્રમાણમાં દેખીતા હોય છે. ચૌસીન્ગા મુખ્યત્વે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્નાટક, કેરળ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં જોવા મળે છે. ઊંચાં ઘાસવાળી ટેકરીઓ અને છૂટાછવાયા જંગલમાં રહેવાનું પસંદ કરે છે. આ પ્રાણીની પીવાના પાણીની જરૂરિયાત વધારે હોવાથી પાણીના સ્રોતથી દુરના વિસ્તારમાં જોવા ભાગ્યે જ મળે. ચૌસીન્ગા એકલવાયું રહેવાનું પસંદ કરે છે અને માત્ર સંવનનકાળ વખતે જ નજીક આવે છે. અન્ય એન્ટીલોપ્સની માફક ચૌસીન્ગા પણ એક જ જગ્યાએ મળ વિસર્જન કરવા ટેવાયેલું છે.


નર ચિંકારા: Indian Gazelle: Gazella gazella

નર ચિંકારા: Indian Gazelle: Gazella gazella

ચિંકારા અથવા ઇન્ડીયન ગેઝેલ તેના રેતી જેવાં પીળાશ પડતા રંગ અને મોઢાની બંને બાજુ સફેદ આડીઅવળી રેશાઓથી સહેલાઈથી ઓળખી શકાય. ચિંકારા એ એન્ટીલોપ વર્ગમાં આવતો એક ખાસ ઉપવર્ગ ગેઝેલ માં સ્થાન મેળવે છે. એવું કહે શકાય કે તમામ ગેઝેલ એન્ટીલોપ તો છે પરંતુ તમામ એન્ટીલોપ્સ ગેઝેલ ના હોય શકે. કારણ એટલું કે ગેઝેલમાં નર તેમ જ માદા, બંને ભમરીયાળા અને સ્પષ્ટ રૂપે દેખાતી રીંગો ધરાવતા શીંગડાં ધરાવે છે જયારે એન્ટીલોપ્સમાં ફક્ત નરને જ શીંગડાં હોય છે. માદા શીંગડાં વગરની હોય છે. તેમને પણ ઘૂંટણમાંથી વાળનો ગુચ્છો ઉગે છે.

ગેઝેલ્સ અને એન્ટીલોપ્સ ઘાસિયા મેદાનો પસંદ કરે છે. એક જમાનામાં આ બંને પ્રાણીઓના ટોળાં ભારતના મોટા ભાગના મેદાની ઇલાકામાં જોવા મળતા હતા પરંતુ ખાસ કરીને કાળીયાર તેમ જ ચિંકારાનો માંસ માટે મોટા પ્રમાણમાં શિકાર થવાથી તેમની સંખ્યા ઓછી થઇ ગઈ છે. ચિંકારાની એક ખાસિયત એ છે કે જયારે કોઈ શિકારી પ્રાણી નજીક આવે ત્યારે તે હવામાં સીધો ઉછાળ મારીને તેના શરીરનો પાછળનો ભાગ ધનુષ આકારમાં વાળે છે અને પછી ચારે ય પગને એકદમ સજ્જડ કરીને લગભગ ૬૦ કિલોમીટરની ઝડપે ભાગી શકે છે. અન્ય એન્ટીલોપ કરતા તેની ઝડપ બમણી છે તેમ કહી શકાય.

તો મિત્રો, હરણ અને એન્ટીલોપ વિશેની માહિતી અત્રે પુરી કરીએ છીએ. આશા છે કે આપણે આ લેખમાળા પસંદ આવતી હશે.


નોંધ: આ લેખમાં માહિતી તેમ જ પિક્ચર્સ ઈન્ટરનેટ પરથી લેવામાં આવ્યા છે જેનો હેતુ ફક્ત અભ્યાસ અને જાગૃતિ ફેલાવવાનો છે. કોઇપણ પ્રકારનો વ્યવસાયિક હેતુ રાખવામાં આવ્યો નથી.


શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com

મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *