સાયન્સ ફેર :: લો, ચીનવાળા હવે ‘ચાઈનીઝ ચંદ્ર’ પણ બનાવશે!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

ચાઈનીઝ આઇટમ્સ તકલાદી હોવાને કારણે એના માટે કહેવાય છે કે ‘ચલે તો ચાંદ તક, નહિ તો શામ તક!’ પણ હવે આ ઉક્તિમાં ચાંદ કયો… અસલી કે ચાઈનીઝ, એનું ય સ્પષ્ટીકરણ કરવું પડશે, કેમકે ચીન હવે પોતાની માલિકીનો એક આર્ટીફીશીયલ મૂન બનાવવા તરફ આગળ વધી રહ્યું છે!

ચાઈનીઝ મીડિયાના રિપોર્ટસ પ્રમાણે ચીની વૈજ્ઞાનિકો વેસ્ટર્ન ચાઈનામાં આવેલ ‘ચેંગ ડુ’ (Chengdu) નામક શહેરને પ્રકાશિત કરવા માટે એક માનવ સર્જિત ચંદ્રમાને આકાશે ચડાવવા માટે મથી રહ્યા છે. આ કૃત્રિમ ચંદ્ર રાત્રિના સમયે ચેંગ ડુના આકાશને રોશનીથી ઝળાહળા કરી દેશે! ચાઈનીઝ વૈજ્ઞાનિકોએ બનાવેલો કૃત્રિમ ચંદ્ર સંધ્યા સમયે હોય એટલું અજવાળું પૂરું પાડશે. એનો અર્થ એમ કે કૃત્રિમ ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરી રહેલા કુદરતી ચંદ્ર કરતાં અનેક ગણો વધુ પ્રકાશ ફેંકશે! વૈજ્ઞાનિકોના મતે કુદરતી ચંદ્ર કરતાં આ ચાઈનીઝ ચંદ્રનો પ્રકાશ આઠ ગણો વધુ હશે! કૃત્રિમ ચંદ્ર દ્વારા ૫૦ માઈલનો વ્યાસ ધરાવતા વર્તુળ જેટલા ક્ષેત્રમાં પ્રકાશ પહોંચાડી શકાશે. એટલે કે આશરે ૧૯૬૦ સ્ક્વેર માઈલ કરતાં પણ વધુ વિસ્તાર પર કૃત્રિમ ચંદ્ર દ્વારા અજવાળું રેલાશે.

The qinhuai river in nanjing, jiangsu province of China a full moon in the night


ઓકે, એવરીથીંગ સાઉન્ડ્સ ઇન્ટરેસ્ટિંગ. પણ આખરે આ કૃત્રિમ ચંદ્ર બનશે કઈ રીતે?!

ચીની વૈજ્ઞાનિકો જે કૃત્રિમ ચંદ્ર બનાવી રહ્યા છે, એ હકીકતમાં એક એવો સેટેલાઇટ છે જેની સાથે વિશાળ કદનો અરીસો લાગેલો છે! આ અરીસો સૂર્યના કિરણોને ‘રીફ્લેક્ટ’ કરશે, જેનાથી સૂર્ય દેખાતો ન હોય (રાત્રિ સમયે) ત્યારે પણ એના કિરણો પેલા અરીસા પરથી પરાવર્તિત થઈને પૃથ્વી સુધી પહોંચશે! આ આખી વાત પહેલી નજરે ટાઢા પહોરનું ગપ્પું કે શેખચલ્લીવેડા લાગી શકે છે. અધ્ધર આકાશમાં અરીસો ટીંગાડીને સૂર્યના કિરણો પરાવર્તિત કરવાની વાત બહુ મગજમાં ન ઉતરે એ સ્વાભાવિક છે. પણ જરા એ વિચારો, કે રાત્રિના સમયે કુદરતી ચંદ્રનો પ્રકાશ કઈ રીતે પૃથ્વી સુધી પહોંચે છે? ચંદ્ર પાસે પોતાનું તેજ તો છે જ નહિ, એ પણ સૂર્યના કિરણો પડવાથી જ ચમકે છે. ચંદ્રની સપાટી પર પડતા સૂર્યના કિરણો જ પરાવર્તન પામીને આપણને રાત્રિના સમયે પ્રકાશ આપે છે ને! ટૂંકમાં આખો ખેલ સૂર્યપ્રકાશના પરાવર્તન પામતા કિરણોનો છે. આ કિરણો ચંદ્રને અથડાઈને પરાવર્તન પામે કે વિશાળ કદના અરીસાને અથડાઈને પરાવર્તન પામે, અંતે તો પૃથ્વી ઉપર પ્રકાશ પહોંચે એ જ મહત્વનું છે ને!

અહીં એક અચરજ પમાડે એવી હકીકત વિષે જાણવું જોઈએ. સૂર્યના કિરણોના પરાવર્તનને કારણે ચંદ્ર જેટલો પ્રકાશિત લાગે છે, એના કરતાં પૃથ્વી વધુ પ્રકાશિત લાગતી હોય છે! કારણકે ચંદ્ર ઉપર પડતા સૂર્યના કિરણો પૈકી વધુમાં વધુ ૧૩% જેટલા જ કિરણો પરાવર્તિત થાય છે. જ્યારે પૃથ્વી પર આવતાં સૂર્યના કિરણો પૈકી ૩૭% જેટલા કિરણો પરાવર્તન પામે છે. પરિણામે પૃથ્વી ચંદ્ર કરતાં આશરે ત્રણેક ગણી વધુ ‘પ્રકાશિત’ લાગે છે! આ હિસાબે પૃથ્વી કે ચંદ્રને બદલે કોઈ અરીસાની સપાટી ઉપર સૂર્યના કિરણો ઝીલવામાં આવે તો પરાવર્તન કેટલું મોટા પાયે થાય?! સૂર્યપ્રકાશના કિરણો પરાવર્તિત કરવાનું જે કામ ચંદ્ર દ્વારા થાય છે, એ વિશાળ કદના અરીસા દ્વારા પણ થઇ જ શકે ને! ઉલટાનું વધારે સારી રીતે થઇ શકે. ચંદ્રની ઉબડખાબડ સપાટીને બદલે ચકાચક મિરર ફિનિશવાળી સપાટી સ્વાભાવિક રીતે સૂર્યકિરણોને વધુ સારી રીતે-મોટા જથ્થામાં પરાવર્તિત કરી શકે! એટલે જ, કુદરતી ચંદ્ર કરતાં કૃત્રિમ ચંદ્રનો પ્રકાશ આઠેક ગણો વધુ હોવાની ધારણા થઇ રહી છે.

કુદરતી ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ૨,૩૦,૦૦૦ માઈલથી વધુ છે. જ્યારે કૃત્રિમ ચંદ્ર વહન કરનાર સેટેલાઇટને પૃથ્વીથી માત્ર ૩૧૦ માઈલ દૂરની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાશે. આ તો હજી પ્રાયોગિક ધોરણે સ્થપાયેલો ચંદ્ર હશે. આ પ્રયોગ ઉપરથી વૈજ્ઞાનિકોને સૂર્યપ્રકાશના પરાવર્તનની પોતાની થિયરીમાં રહેલી ત્રુટિઓ (જો હશે તો) સમજાશે. ચેંગ ડુ શહેરની “ટીઆન ફૂ ન્યૂ એરિયા સાયન્સ સોસાયટી”ના હેડ એવા વુ ચુનફેંગ (Wu Chunfeng) કહે છે કે જો ચેંગ ડુ શહેર માટે કૃત્રિમ ચંદ્રનો પ્રયોગ સફળ થશે તો ૨૦૨૨ સુધીમાં ચાઈના આવા બીજા ૩ અરીસાને અવકાશમાં ચડાવશે! જેથી આખા શહેરને ચોવીસે કલાક સૂર્યકિરણોથી ઝળહળતું રાખી શકાય!

ચીની વૈજ્ઞાનિકોની આ વાત ઘણાને તરંગી તુક્કા જેવી લાગે છે, તો વળી ઘણાને એમાં નવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. અને આ રીતે કૃત્રિમ ચંદ્રનો પ્રયોગ કરવામાં ચીન કંઈ પહેલવહેલું રાષ્ટ્ર નથી. આ અગાઉ અમેરિકા અને રશિયા પણ કૃત્રિમ ચંદ્રનો ધખારો કરી ચૂક્યા છે. ઇસ ૧૯૯૩માં રશિયાએ આવો એક સેટેલાઇટ આકાશમાં તરતો મૂકેલો. પરંતુ થોડા જ દિવસોમાં એ (પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાં જ) સળગી ગયો.ચીની વૈજ્ઞાનિકોએ હજી હાલના પ્રોજેક્ટ વિષે ખાસ માહિતી બહાર પાડી નથી, પણ કેટલાક પ્રશ્નો જરૂર ઉભા થયા છે. કૃત્રિમ ચંદ્રનો મુખ્ય ફાયદો છે મફતમાં મળતો પ્રકાશ! રાત્રિ દરમિયાન કોઈ એક શહેરના જાહેર માર્ગો પર રોશની કરવા માટે સંખ્યાબંધ લાઈટ્સનો ઉપયોગ કરવો પડે. આ લાઈટ્સની ખરીદ કિંમત, મેઈન્ટેનન્સ વગેરેનો પણ ગંજાવર ખર્ચો આવે. પણ જો આ રીતે એકાદ ‘એકસ્ટ્રા ચંદ્ર’ જ સેટ કરી દીધો હોય, તો કાયમના ખર્ચામાંથી મુક્તિ મળે અને (ઇરેકશન કોસ્ટ બાદ કરતા) મફતનો પ્રકાશ મળે. બટ એટ ધી સેમ ટાઈમ, આપણી બોડી સાઈકલનું શું? પૃથ્વીના દરેક સજીવ માટે અંધારું પણ એટલું જ જરૂરી છે, જેટલો પ્રકાશ. જો સતત પ્રકાશમાં રહેવાનું આવે, તો તમામ સજીવોની બોડી સાઈકલ ખોરવાય જાય. આવું થાય તો જીવસૃષ્ટિને બહુ મોટું નુકસાન પહોંચે!

ચાઈનીઝ આઇટમ્સ આમ પણ શારીરિક અને અર્થતંત્રની દ્રષ્ટિએ નુકસાનકારક ગણાય છે. ચાઈનીઝ ચંદ્રનો તુક્કો ફાયદો કરશે કે નુકસાન, એ તો આવનારો સમય જ કહેશે!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

2 comments for “સાયન્સ ફેર :: લો, ચીનવાળા હવે ‘ચાઈનીઝ ચંદ્ર’ પણ બનાવશે!

  1. November 2, 2018 at 7:29 am

    चीनमां आ चंद्र वीशेना समाचार घणी जग्याए आवेल छे. देशमां अत्यारे सुपरीम कोर्ट अने राम जन्मभुमी बाबरी मस्जीदना वाद बाबत तथा राजकरणीओ अने धर्म गुरुओ नुं सुचन संसदमां कायदो बनावी राम मंदिरनुं निर्माण करवुं ए समाचार आवे छे.

    चीनना तकलादी माल बाबत ए जरुर खबर पडशे के उपरमांथी तकलादी समाचार क्या छे?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *