ફિર દેખો યારોં : પાટા નહીં, એન્‍જિનની દિશા બદલવાની છે

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

કોઈ મોટો મુદ્દો જાહેરમાં ચગે એટલે ધીમે ધીમે તેમાં અણધાર્યાં નામ સામે આવતાં જાય છે. શરૂઆતમાં તે આંચકો આપે પછી ધીમે ધીમે લોકો એનાથી ટેવાવા લાગે છે. ભૂતકાળમાં જૈન બંધુઓનું હવાલાકાંડ જાહેર થયું કે તેમાં નવાંનવાં નામો રોજ નીકળવા લાગ્યાં. શરદ યાદવ, બલરામ જાખડ, વિદ્યાચરણ શુક્લથી માંડીને લાલકૃષ્ણ અડવાણી જેવા મોટા નેતાઓનાં નામ તેમાં સામેલ હતા. દાઉદ ઈબ્રાહીમે દુબઈમાં યોજેલી એક પાર્ટીમાં મુંબઈના ફિલ્મજગતના અનેક કલાકારો ઊપસ્થિત રહ્યા હતા. ચાહકોના દિલમાં આગવું સ્થાન ધરાવતા આ કલાકારો કોઈક ડૉનને ત્યાં જઈને નાચગાન કરે એ સાંભળીને પહેલી વાર આંચકો લાગે. પણ ધીમે ધીમે તેમાં એવા એવા કલાકારોએ ભાગ લીધો હોવાની જાણ થતી જાય કે કોણ બાકી રહ્યું હશે એ જ સવાલ થાય. આજકાલ ચાલી રહેલી ‘મી ટુ’ ઝુંબેશમાં પણ અત્યારે આવી સ્થિતિ છે. રોજેરોજ અનેક નવાંનવાં નામ પ્રકાશમાં આવતાં રહે છે, અને હવે પહેલાં જેટલો આંચકો લાગતો નથી.

કોઈ પણ કૌભાંડ પ્રકાશમાં આવે યા કોઈ મુદ્દા આધારિત ઝુંબેશ આરંભાય ત્યાર પછી તેમાં આગળ શી કાર્યવાહી થાય છે અને તેનો અંજામ શો આવે છે એ અગત્યનું છે. ઘણા કિસ્સામાં આવી ઝુંબેશો તેમાં જોડાનારાઓ માટે કલ્પવૃક્ષ સમી પુરવાર થાય છે. સૌને પોતપોતાની ઈચ્છા મુજબની ચીજ મળી રહે છે. સામાજિક નેટવર્કિંગ માધ્યમો દ્વારા અચાનક આરંભાયેલી અને આગળ વધેલી કોઈ પણ ઝુંબેશનું આયુષ્ય કેટલું એ શંકાનો વિષય છે. પોતાને મનમાં આવે એ રીતે લખીને છૂટી જવાનું હોવાથી તેમાં અન્ય કોઈ જવાબદારી બનતી નથી. આવાં માધ્યમો પર જે લખાય એ તરત જ પ્રકાશિત થઈ જતું હોવાથી આ લખાણો આવેગને વશ થઈને લખાય એ શક્યતા વધુ રહે છે. સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પરથી આ ઝુંબેશ અન્ય માધ્યમોમાં આવે અને વેગવાન બને એ શક્યતા હોય છે ખરી. એક તરફ આવા મુદ્દાઓ અને તેના આધારે થતી ઝુંબેશ આધુનિક માધ્યમો થકી પ્રસરે છે, બીજી તરફ તેના મુદ્દાઓ મોટે ભાગે એ જ જૂનાપુરાણા, તેમ જ પ્રાચીન માનસિકતાને લગતા હોય છે. થોડા સમય અગાઉ અચાનક દેશમાં વિવિધ સ્થળે ટોળા દ્વારા કરાતી વ્યક્તિગત હત્યાના કિસ્સાઓને પ્રેરતી વિડીયો ક્લીપ દ્વારા આ જ માધ્યમ થકી પ્રસરવા લાગ્યા હતા. અચાનક તે બંધ થઈ ગયા અને આવું કશું હતું એ પણ ભૂલાઈ ગયું હોય એમ લાગે. ‘મી ટુ’ ઝુંબેશનો અંજામ શો આવશે એ ખબર નથી. જો કે, આ ઝુંબેશ નિમિત્તે મહિલાઓ પોતાની સાથેના દુર્વ્યવહારની વિગતો વિશે બોલતી થઈ એ ઊપલબ્ધિ ઓછી ન આંકી શકાય. આમ છતાં, મૂળ મુદ્દો માનસિકતાનો છે.

છેલ્લા એક સપ્તાહના કેટલાક મહત્ત્વના સમાચારો પર નજર કરતાં આશ્ચર્ય થાય કે આ સમાચારો શું ખરેખર એકવીસમી સદીની ઘટનાઓના છે? સબરીમાલાના મુદ્દે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો અને આ ચુકાદા સામે કેટલીક મહિલાઓનો પ્રચંડ વિરોધ જોઈને સમજાય કે ‘પુરુષપ્રધાન માનસિકતા’ એકલા પુરુષોની જાગીર નથી. એ ગમે તે જાતિની વ્યક્તિમાં હોઈ શકે છે.

દશેરાના દિવસે અમૃતસરમાં રાવણદહન વખતે થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટના વિશે જાણીને ક્ષુબ્ધ થઈ જવાય? આ પ્રસંગે એકઠા થયેલા ટોળામાંથી સાઠ-સીત્તેર લોકો પર પૂરપાટ દોડતી ટ્રેન ફરી વળે એવું દૃશ્ય ફિલ્મોમાં પણ ભાગ્યે જ જોવા મળે. આવા જાહેર પ્રસંગે સલામતિના આગોતરા પગલાંથી માંડીને ટોળે વળવાની માનસિકતા સુધીના તમામ સવાલો મનમાં પેદા થાય છે. રાબેતા મુજબ અહીં પણ કોઈકને બલીનો બકરો બનાવાશે, તપાસપંચો નીમાશે અને બધું ભૂલાઈ જશે.

ગાંધીનગર જિલ્લામાં આવેલા રૂપાલ ગામે દર નવરાત્રિના છેલ્લા નોરતે ભરાતી પલ્લીની વિગતો જાણીને ઉદ્વેગ થઈ આવે. લાખો મણ શુદ્ધ ઘીનો અભિષેક આ પલ્લી નિમિત્તે કરવામાં આવ્યો, એટલે કે આટલું શુદ્ધ ઘી રસ્તા પર સરેઆમ ઢોળી દેવામાં આવ્યું. કવિ કરસનદાસ માણેકના કાવ્ય ‘મને એ જ નથી સમજાતું’ની એક પંક્તિ મુજબ ગરીબોના કૂબામાં ટીપું તેલ પણ દોહ્યલું હોય છે, જ્યારે અમીરોની કબર પર ઘીના દીવા થાય છે. પણ અહીં માતાજીના નામે થતા ઘીના ગુનાહિત વેડફાટ આગળ અમીરોની કબર પર થતા ઘીના દીવા તુચ્છ લાગે. વરસોથી ચાલી આવતી પરંપરાને ગૌરવપૂર્વક, વિચારહીન રીતે આગળ વધારવાની હોય કે તેના પર પુનર્વિચાર કરવાનો હોય?

બીજા એક સમાચાર મુજબ ઊત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ હવે રાજ્યના મહત્ત્વના શહેર અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાની ઘોષણા કરી છે. ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ પર આવેલું આ શહેર મોગલ શહેનશાહ અકબર દ્વારા બનાવવામાં આવ્યું હતું. અલબત્ત, તેનું ધાર્મિક માહાત્મ્ય

અનોખું છે. પણ તેના નામ સાથે મુસ્લિમ ઓળખ જોડાયેલી હોવાથી હવે તે તેના અસલ નામે ઓળખાશે. નામ બદલવાની કવાયત પાછળ જેટલી જહેમત લેવામાં આવે છે એટલી જહેમત આ શહેરની સમસ્યાઓ ઊકેલવા પાછળ લેવામાં આવે તો કદાચ તેનો અર્થ સરે. નામ બદલીને ઠાલું ગૌરવ લેવું હાથવગું હોય ત્યાં એવાં અઘરાં કામ કરવાનો સમય કોની પાસે છે? નગરોનાં, શહેરોનાં નામ બદલવાનું આ ચલણ હવે વ્યાપક બની રહ્યું છે. ઈતિહાસને આ રીતે ભૂંસવાનો પ્રયત્ન કરવાથી શું થાય? એને બદલે ભાવિ વિકાસ સુદૃઢ રીતે થાય એ વધુ ઈષ્ટ ગણાય. એમાં ગૌરવની ‘કીક’ ન આવે એ અલગ વાત છે.

આ સમાચારો ભલે અલગ અલગ મુદ્દાને લગતા છે, પણ તેની સાથે જે માનસિકતા સંકળાયેલી છે તેના વિશે વિચારવા જેવું છે. એક નાગરિક તરીકે આપણે વિચારવાનું રહે છે કે આપણે શાસકો દ્વારા કઈ દિશામાં દોરાવાનું છે. હજી આપણે જાતીય શોષણ, ધર્મ અને પરંપરાનું ઠાલું ગૌરવ અને તેની આડમાં થતી તમામ ગેરરીતિઓનો રાજમાર્ગ જ પકડી રાખવાનો છે? કે સ્વાસ્થ્ય, સુખાકારી, રોજગારી, જાહેર આરોગ્ય અને વર્તમાન સરકારનો સૌથી મહત્ત્વનો મુદ્દો છે એ ‘વિકાસ’ સાધવા તરફ ગતિ કરવાની છે? આ વિચાર વ્યક્તિગત સ્તરે કરવાનો છે અને પછી તેને યોગ્ય રીતે અમલમાં મૂકવાનો છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫-૧૦-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *