ઠેરના ઠેર

Facebooktwitterredditpinterestlinkedinmail

પ્રવીણા કડકિઆ

યાદ છે એક રાતના ઘાંચી ખૂબ થાકેલો હતો. સવારના પહોરમાં તેલના ચાર ડબ્બા જોઈતા હતા. તેણે બળદને ધુંસરીએ બાંધ્યા પણ બીજી બાજુ ઘાણીને બાંધવાનું ભૂલી ગયો. બળદ આખી રાત ગોળ ગોળ ફરતો રહ્યા .સવારે ઘાંચી આવીને જુએ તો એક ટીપું તેલનું નિકળ્યું ન હતું. રાતના દારૂના નશામાં તેને ભાન રહ્યું ન હતું. સવારે નશો ઉતરી ગયો હતો. બળદને ટીપે તોય કોઈ ફાયદો ન હતો. એમાં બીચારા બળદનો શો વાંક ? તેલ ન મળ્યું એટલે ઘાંચીએ બળદને ભૂખ્યો રાખ્યો. ગુસ્સો કોના પર કાઢે ? અબૂધ મુંગા જાનવર પર ? ઘાંચી ભાઈ ઠેર ના ઠેર . તેલ નિકળ્યું નહી, ને પૈસા મળ્યા નહી !

માનવ સ્વભાવ એવો છે કે દુઃખ પડે ત્યારે બકરી જેવો થઈ જાય. સુખના સમુદ્રમાં હિલોળાં લેતો હોય ત્યારે રાવણ કરતાં વધારે અહંકારી થઈ જાય. સમત્વનું કે સમતાનું નામોનિશાન મિટાવી દીધું છે. માત્ર પોકળ વાતો, મોટી મોટી કરે છે. અરે આપણો દેશ ,’પુરૂષ પ્રધાન દેશ’ છે. એ બહાનું બનાવી આજે સ્ત્રીઓ એ બેફામ વર્તન કરવાનું શરું કર્યું છે. એમાં સ્ત્રીનો વાંક કાઢવો તેના કરતાં નાની બાળાના ઉછેરમાં ધરખમ ફેરફાર થઈ રહ્યો છે. કોઈવાર પુરૂષ મુખ્ય પાત્રમાં તો વખત આવે સ્ત્રી, આપણે રહ્યા ‘ઠેર ના ઠેર’ !

સ્ત્રી અને પુરૂષના બંધારણમાં કુદરતે જે ફેરફાર રચ્યો છે, તેનો ઈન્કાર કરવાની કોઈનામાં તાકાત નથી. ” શામાટે સ્ત્રીને પુરૂષ સમોવડી થવું છે “?

અરે “સ્ત્રીઓ”, બરાબર સાંભળો, ‘તમારું મહત્વ અને સ્થાન પુરુષ કરતાં અનેક ગણું ઉંચું છે. તે વિચારી હરખો ! તમારે તે પૂરવાર કરવાની કોઈ જરૂર નથી. જે તમે કરી શકો છો તે કોઇ પુરુષમાં તાકાત નથી કરવાની. ખાલી આંધળી દોટ શાને મૂકી છે ?  ૨૧મી સદીની સ્ત્રી પુરુષ કરતાં અનેક દિશામાં આગળ નિકળી ગઈ છે.’ પોતાના અભ્યાસ અને કાર્યક્ષેત્ર દ્વારા.

‘આ કઈ પ્રતિસ્પર્ધામાં તમે હિસ્સો લઈ રહ્યા છો  ‘?

“તમને શું પુરવાર કરવાની તમન્ના છે “?

આપણી સંસ્કૃતિમાં કહેવાય છે,’ સ્ત્રી (માતા) બાળકની પ્રથમ ગુરૂ છે’. હવે એ ગુરૂ જ્યારે ભટકી જાય તો બાળકની પ્રગતિ, તેના સંસ્કારની જવાબદારી સફળતાપૂર્વક કોણ પાર પાડી શકે ?  શામાટે સ્ત્રીના મગજમાં ઠસાવવામાં આવ્યું છે કે બાળક ઉછેરવા એ તેનો ધર્મ નથી ! જે બાળને આ ધરતી પર લાવવાનું અણમોલ કાર્ય સ્ત્રી કરી રહી છે. તો પછી તેના ઉછેરની જવાબદારી તેણે પ્રેમ પૂર્વક લેવી જરૂરી છે. તેમાં નાનમ નથી. એ તો ગર્વની વાત છે.

નહી કે બાળકને “નેની યા ડૅ કેરમાં મૂકી ‘ કમાવા જવાની જરૂરત છે !

આ ૨૧મી સદીમાં પણ આપણી વિચાર શૈલીમાં ફરક નહી જણાય તો પછી પથ્થર પર પાણી છે. ભારત જવાનું હમેશા મન થાય એ સ્વભાવિક છે. ત્યાં જઈ જુવાન દીકરીઓને મળવાનું. માત્ર શહેરની નહી . આજુબાજુના ગામડાઓની અથવા નાના શહેરોની. તેમનામાં ઉછળકૂદ કરી રહેલી જુવાની જોવાની મઝા આવે.

આજે પેલી સુહાની આવી, ભાવનગર મિત્રને ત્યાં ગઈ હતી. બે બંગલા છોડીને રહેતી હતી.

‘આન્ટી મને તામારા અમેરિકાની વાતો કહોને ‘?

‘બેટા મને તારી વાત સાંભળવામાં રસ છે’.

‘તો ચાલો હું કહું. મેં બે મહિના પહેલાં એમ.બી. એ. કર્યું . બસ હવે કોઈ જુવાન છોકરો મળે તેની સાથે પરણી જવાનું. જો પરણ્યા પછી સાસરીવાળા હા પાડૅ તો નોકરી કરવાની’.

આન્ટી અમે રહ્યા લુહાણા. અમારામાં તો દીકરો ભણેલો હોય તો તેના ‘ભાવ બોલાય.’

આ ‘ભાવ બોલાય’, શબ્દ સાંભળીને મારા કાન ચમક્યા. ‘ભાવ બોલાય એટલે શું”?

આન્ટી જો છોકરો ડોક્ટર હોય તો બે લાખ, એંજીનિયર હોય તો એક લાખ એવી રીતે.

‘આ ભણેલા છોકરાઓ પણ માતા પિતા કહે એ માને છે?

હવે આવી વાતો સાંભળીને ખૂન ખોળી ઉઠે ! માતા અને પિતાને સમજાવવાની જવાબદારી બાળકોની છે. લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલાં આવા હીણ કાર્યનું આચરણ ! ખરેખર અરેરાટી આવે છે. ક્યારે આપણો યુવાન વર્ગ ‘સત્ય’ માટે ઉભો થઈ અવાજ કાઢશે ! આજે ભારતની છોકરીઓ ચાંદ પર જઈ આવી. જાન ગુમાવ્યા. છતાં પણ આવી હાલત.

“ઠેર ના ઠેર” કહેતાં પણ લાજ આવે છે ! આ તો અધોગતિ તરફનું પ્રયાણ છે !

ખબર છે,  આપણું ‘ભારત’ ગામડાંઓમાં વસે છે. ભારતના ગામડૅ ગામડે ટેલિવિઝન આવી ગયું છે. એમ ન કહેશો કે અમે દુનિયાથી અજાણ છીએ. અરે, દુનિયા ગઈ ઝખ મારવા, તમારો અંતરાત્મા શું કહે છે ? તમારે ત્યાં પણ દીકરીઓ હશે ? ન હોય તો તમારા ભાગ્ય. પણ કેમ વિસરો છો, દીકરાને જન્મ આપનાર માતા એક જમાનામાં કોઈની લાડલી દીકરી હતી. તમને યાદ નથી આવતું તમારા માતા અને પિતા પર શું વિત્યું હતું ?

એક વાત લખ્યા વગર નથી રહી શકતી, “તમારી સાસુએ કદાચ તમને “ત્રાસ” આપ્યો હશે એટલે તમે આજે વ્યાજ સહિત વસૂલ કરો છો? “જાગો” આ તો ભગવાને અવસર આપ્યો તમારી અસલિયત સાબિત કરવાનો. તમે માનવ છો એ સહુને જણાવવાનો ! તમારી “માણસાઈ” મરી પરવારી નથી !

આજકાલ અમેરિકામાં રહીને મોટા થયેલા છોકરાઓ ભારતની કન્યા પરણીને લાવે છે. બસ થઈ રહ્યું , અંહી આવીને તેમને પાંખો આવે છે. ગયા અઠવાડિયે એક લગ્નમાં ગઈ હતી. ૩૦ વર્ષથી પરણીને આવેલીનો દીકરો પરણતો હતો. માતા, પિતા ,ભાઈ અને બહેન બધા લગ્નમાં ભારતથી આવ્યા હતા. એનો પોતાનો ભાઈ અમેરિકા આવ્યો ત્યારે ૯ વર્ષ સુધી બહેન અને બનેવીના રાજમાં પડ્યો પાથર્યો રહ્યો હતો. સજ્જન બનેવીએ એક પૈસો લીધો ન હતો. લગ્ન વખતે સહુને ભેટ સોગાદ આપી. એકની એક નણંદબાને કાંઈ નહી ! શું આવા માતા અને પિતાના સંસ્કાર છે ! સહ્રદયી નણંદ કશું બોલી નહી. પ્રેમથી ભાઈ અને ભાભીનો પ્રસંગ ઉજાળ્યો. આ છે અમેરિકાના ભારતિય સંસ્કાર. ભારતની સાધારણ યા પૈસાવાળી બધી સરખી. મોટેભાગે તેમાં માતા ભાગ ભજવતી હોય છે. પરણેલી દીકરી શામાટે પોતાનું દિમાગ ચલાવતી નથી.. યાદ રહે આ, ‘ ૨૧મી’ સદી છે.

હરી ફરીને આ ચવાઇ ગયેલા વિષય ઉપર લખું છું ત્યારે દિલમાં ટીસ ઉઠે છે. પણ સમાજમાં આના સિવાય કાંઇ દેખાતું નથી. આજકાલની ભણેલી, આધુનિક છોકરીઓ પણ આ વિષચક્રમાં ફસાયેલી જોઈને દર્દનો અહેસાસ થાય છે. અરે, બાળકોને સાચું શિક્ષણ આપો. તમારો પરિવાર તમારી મરજીથી સુંદર રીતે કંડારો. માતા અને પિતાની જરૂરત લાગે ત્યાં સહાય લો. બાકી બાળકો તમારા , પતિ અને પત્ની તમે એકબીજાના બાકી બધા પરાયા. તમારી ચોખટમાં કોઈને પગપસેરો કરવાની પરવાનગી શાને આપો છો ?

યાદ રાખજો અંતરાત્મા ક્યારેય જુઠું નથી બોલતો !

જ્યાં પૈસાની રેલમછેલ છે ત્યાં નજારો થોડો અલગ છે. આખરે દીકરીઓ અને દીકરાઓ વચ્ચે ભેદ ક્યાં સુધી રાખીશું ? આપણે ચાંદ પર જઈએ કે ગમે તેટલા આધુનિક ગણાઈએ રહ્યા, “ઠેર ના ઠેર ” !

ચારે બાજુ નજર કરો છાશવારે છૂટાછેડાના કિસ્સા સંભળાયછે. તમે નહી માનો ઉનાળાની રજામાં મારી મિત્ર ભારતથી આવી હતી.

“અરે યાર શું કહું મારો દીકરો પરણવાની ના પાડે છે”.

મેં કારણ જાણવા પૂછ્યું ,તો કહે,’ એના ચારેય મિત્રોએ લગ્ન પછી છૂટાછેડા લીધા’ !

છે ,તમારી પાસે આનો જવાબ ?

હવે તો આપણે કોઈ જાતિની, કોઈ પણ દેશના છોકરા અને છોકરી સાથે લગ્ન કરીને શાંતિથી જીવન વિતાવી શકીએ છીએ. મારી નજર સામે બેથી ત્રણ શાદી સુધા વ્યક્તિઓ છે જેઓ ૫૦ વર્ષથી આંતરરાષ્ટ્રિય લગ્નનો લહાવો માણી રહ્યા છે.

એક કદમ આગળ વધીને કહીશ ઃછોકરો ,છોકરાને અને છોકરી છોકરીને પરણીને પણ સુખી થાય છે. સુખ શેમાં શોધો છો? અરે અંદર નજર નાખો ‘તમારી અંદર આરામથી પલાંઠી વાળીને બેઠું છે”. ખોટી ભાગમભાગ ન કરો . આ જીવન શું છે ? જાણો છો ?

“પ્રથમ અને અંતિમ શ્વાસ વચ્ચેનો ગાળૉ” !

હવે એ સમયનું કોઈ માપ ખરું ?

કેટલાં વર્ષો?

કેટલા મહિના?

કેટલા દિવસો?

કેટલા કલાકો ?

કેટલી પળો ?

જરા વિચારો અને અમલમાં મૂકો. પ્રગતિના સોપાન સર કરો. સમય હાથમાંથી સરી જાય છે. ભલે અમેરિકાએ ‘સિટિઝનશીપ આપી” અંહી બોડિયા બિસ્તરા બાંધીને કાયમ રહેવાનું ભાગ્ય કોઈનું નથી ! એકલા રસ્તો માપવાનો છે !


પરિચય :

સુશ્રી પ્રવિણાબહેન કડકીઆ છેલ્લાં ૩૦ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયાં છે. તેમની અનેક્વિધ પ્રવૃત્તિઓનો વિગતે પરિચય અહીં જણાવાયેલો હોઈ, તેનો પુન્રોચ્ચાર કરવાનું મુનાસિબ નથી જણાતું.

સંપાદન સમિતિ, વેબ ગુર્જરી

સંપર્ક સૂત્રો :

ઈ-મેલ : pravina_avinash@yahoo.com || વેબ : મન માનસ અને માનવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *