લ્યો, આ ચીંધી આંગળી : તમે ઓળખો છો આ અનોખા જણને ? કહો, હાલ ક્યાં છે ?

Facebooktwitterredditpinterestlinkedinmail

–  રજનીકુમાર પંડ્યા

‘જરા આપનું નામ લખાવશો ?’

“લખો, સાતસો છ્યાસી.”

“મેં આપનું નામ પૂછ્યું. શુકનવંતો નંબર નહીં”.

‘શુકનવંતો નંબર ના હોય તો હું નામ બોલતો નથી.’

“ઠીક, હવે નામ ?’

“પ્રવિણકુમાર સુખલાલ ગિરધરલાલ ભાઈચંદ ભાણજી મહેતા – સાતસો છ્યાસી.’

‘આ તમે તમારા નામ સાથે તમારી ચાર પેઢીનું નામ કેમ બોલ્યા ?’

‘હું કાયમ આમ જ બોલું છું. તમારે પોસાય તો લખો, નહીંતર મારે શું ?’

‘સરનામું ?’

‘સરનામાં’ બે છે. એક રહેવાનું ને એક ટપાલનું. રહેવાના સરનામે ટપાલ ના લખવી. કારણ કે નહીં મળે. મકાનધણી સાથે મનમેળ નથી. માટે ટપાલનું લખો. કેર ઓફ પ્રોફેસર એચ.એસ.મેડીવાલા,સુભાષ માર્કેટ પાસે, મોચી સાર પાસે, મિનારફળી, વોરાવાડ, જામનગર, પીનકોડ – 361001 પીન કોડ શબ્દોમાં પણ લખો.’

એમાંય આ તો દેખાવમાં મુફલિસનોય મુફલિસ. પગની પાનીથી દોઢ વેંત ઊંચું મેલુંદાટ પેન્ટ, ઊઘાડા પગ, સુતરાઉ બટનતૂટલો કોટ અને વળી તેની બંને બાંયો પણ લગભગ કોણીને અડકે. . સુકાઈ ગયેલી જૂની ખારેક જેવો ચહેરો, મિયાં ફૂસકી જેવી દાઢી, અને તે પણ એક તરફથી બકરી જરી ચાવી ગઈ હોય તેવી. વાળના નામે શાહુડીનાં પીંછા અને આંખોમાં વારેવારે થોડો ઉન્માદ ડોકાય. જોઈne કોઈ કહી ના શકે આવા ભેજામાં ગજબનું કેલ્ક્યુલેટર પડ્યું હશે.

પણ કામગીરી એવી કરી બતાવી કે માત્ર છવીસ જ મિનિટમાં છક કરી દીધા. જ્યારે આ માણસ જામનગરના તળાવ કિનારે સાંજ પડ્યે બે કલાક ફરીને લોકોની પગચંપી કરીને બે પૈસા રળતો હતો. પાણીની આ કારમી તંગીમાં લોકો માટે પાણી સારી લાવીને ક્યારેક ખીચડી કમાઈ લેતો હતો. ક્યારેક પરચૂરણ મજૂરી કરી લે. જૈન વાણિયા છે એટલે ક્યારેક નાતનો જમણવાર હોય ત્યારે એક-બે ટંક ટળ્યા સમજીને રાજી રાજી થઈ જાય છે અને આમાંથી કંઈ ન હોય ત્યારે ?

‘મંદિર પાસે ઊભો રહી જાઉં, સાતસો છ્યાસી.’

‘પણ આ તમે સાતસો છ્યાસીનું રટણ કર્યા કરો છો એ તો મારી જાણમાં કોઈક ઈસ્લામી પાક આંકડો છે. મંદિર સાથે એનો કેવી રીતે મેળ પડે ?’

‘કોઈ આંકડો ઈસ્લામી નથી, કોઈ હિંદનો નથી.’ એ બોલ્યા, ‘તમે જોયું નહીં ?થોડી વાર પહેલાં મેં પાટિયા પર ‘શ્રી રામ, જય રામ, જય જય રામ’નો ચમત્કાર નહોતો બતાવ્યો ?’

પાટિયા પર એણે જે ચમત્કાર બતાવ્યો હતો તેને રામ કે ઈસ્લામના ચમત્કારથી પર લેખવો જોઈએ. એ એના કોમ્પ્યુટર ભેજાની કમાલ હતી. એક જણે એને પૂછ્યું કે મારી જન્મતારીખ આડત્રીસની સાલની એકત્રીસમી જાન્યુઆરી છે તો એ તારીખે કયો વાર હશે? તો માત્ર પંદર જ સેકંડમાં કાગળ, પેન કે આંગળીના વેઢાનીય મદદ વગર પ્રવીણકુમારે કહ્યું કે વાર સોમ, અને તમને જન્મ્યાને દિવસ થયા આજે આટલા હજાર પાંચસોને એક. કોઇકે પાટિયા પર ચાર અને નીચે પાંચ આંકડા લખીને તેનો ગુણાકાર પૂછ્યો તો વગર કેલ્ક્યુલેટરે, વગર કાગળ, પેન અને વગર વેઢા ગણ્યે પલકમાં કહી દીધું. આઠ-દસ આંકડાની તો ઠીક, પણ પોકેટ કેલ્ક્યુલેટરમાં ન સમાય એવા ચોવીસ આંકડાની રકમને ત્રણ આંકડાની રકમ વડે ભાગવાની કહી તો એક મિનિટમાં બાવીસ આંકડામાં આવતી ભાગાકારની રકમ પાટિયા ઉપર માંડી આપી .ગમે તેવી મોટી રકમના વર્ગમૂળો, બીજ અને બીજા તત્વો નિમિષ માત્રમાં શોધી આપ્યાં.

‘આમાં ‘શ્રીરામ જયરામ જય જય રામ’નો ચમત્કાર ક્યાં ?” મેં. પૂછ્યું.

‘પહેલાં A ને 1, B ને 2, C ને 3, D ને 4 એમ આખી એબીસીડીના દરેક અક્ષરોને નંબર આપો. પછી SHREE RAM JAY RAM JAY JAY RAM ના અક્ષરોના એ નંબરનો સરવાળો કરો. બસોને ઓગણસાઠ થશે. હવે તમારી મરજી મુજબની કોઈપણ આઠ આંકડાની રકમ લખો, અને એને ત્રણવાર સીધી લાઈનમાં રિપીટ કરીને ચોવીસ આંકડાની બનાવો અને બસો ઓગણસાઠથી ભાગાકાર કરશો, તો શ્રીરામ, મારું વચન છે કે એની શેષમાં શૂન્ય વધશે.’

‘આ તો કદાચ 259 ને લાગું પડતું ગણિતનું કોઈ સિદ્ધસૂત્ર હોઈ શકે’ મેં કહ્યું :‘ચાલો, તમે ભાગાકાર તરીકે કઈ રકમ આવશે તે કહી શકશો ?’

‘કેમ નહીં?’ એમણે કહ્યું :‘શ્રીરામ, ટ્રાય કરો.’

મેં એ વાતની ચકાસણી કરી તો સાચું નીકળ્યું.

‘એવું જ સાતસો છ્યાસીનું છે’ એ બોલ્યા :‘બહુ શુભ આંકડો છે. સાતસો છ્યાસીથી ભાગાકાર કરતા શૂન્ય શેષ આવે તેવી કોઈપણ નંબરની લોટરીની ટિકિટ લો તો ઈનામ લાગવા પૂરો સંભવ.’

‘જવા દો…… પહેલાં એ કહો કે તમે આ વિદ્યા શીખ્યા ક્યાં ?’

‘હું તો નવ ધોરણ ભણીને ઊઠી ગયેલો માણસ છું’ એ બોલ્યા :‘આજે મને સુડતાલીસ વરસ થયાં. કરાચીમાં જન્મ્યો અને ત્યાં જ ભણ્યો બસ એટલું જ ’

‘પણ તમે તમારી આ ગજબનાક શક્તિનો ઉપયોગ ક્યાંય નોકરી મેળવવામાં ના કર્યો ?’

જવાબમાં કરુણ કથની સાંભળવા મળી. અને કરુણતાનીય કરુણતા એ હતી કે એને કરુણતા કહેવાય એની જ એને ગમ નહોતી. મા બહુ જ શ્રીમંત કુટુંબમાંની હતી, પણ બાપ કોઈક વૈરાગી જીવ હતો. કોલેજમાં ઈજનેરીનું ભણતા હતા ત્યારે પરણ્યા અને આ પ્રવિણકુમારના જન્મ પહેલાં જ દીક્ષા લઈને જૈન સાધુ થઈ ગયા. મોસાળ મજબૂત હોવાના કારણે પ્રવીણકુમારને ત્યાં તો વાંધો ના આવ્યો, પણ ખરાખરીનો ખેલ દેશના ભાગલા પડ્યા અને કરાંચી છોડીને જામનગર આવવું પડ્યું ત્યારે થયો. વતન જોડિયા, પણ જામનગર એટલા માટે આવવું પડ્યું કે મા માંદી હતી. દસ વરસના પ્રવીણકુમારે એને દવાખાનામાં દાખલ કરીને શહેરમાં રુમ ભાડે લીધી. મા સાજી તો થઈ પણ આર્થિક સ્થિતિ કદી તંદુરસ્ત ના બની. અઠ્ઠાવનની સાલમાં છાપાની ફેરી શરુ કરી પણ એમાં ફાવટ ના આવી એટલે માંદી માની સારવાર માટે પગચંપી, લોકોનાં પાણી ભરી લાવવાં જેવાં કામ પણ શરુ કર્યા. આમાં પરણી તો શક્યા જ નહિ. પણ જરૂરી શ્વાસ ખાવા ટાણું આવ્યું ત્યાં પિતા અચાનક જ સાધુવેશ ત્યાગીને પતિ બનીને ઘરમાં આવી પડ્યા. વૈરાગી જીવ શું કમાવાનો હતો ? ગણિતજ્ઞ પ્રવિણકુમારના ગળે મા અને બાપ બન્નેનો બોજો આવી પડ્યો. અંતે બાપા છાંસઠની સાલમાં અને મા છોંતેરની સાલમાં, એમ દસ વરસના અંતરે ઊકલી ગયાં. આ અફાટ સંસારમાં પ્રવીણકુમાર સુખલાલ ગિરધરલાલ ભાઈચંદ ભાણજી મહેતા વેરાન વગડામાં બાવળના અટૂલા ઠૂંઠાની જેમ રહી ગયા. શકુંતલાદેવીની જેમ એની શક્તિઓને એ રોકડી ના કરી શક્યા, શક્તિ અકબંધ રહી પણ એની આજુબાજુ થોડી ઘણી ઘેલછા કહી શકાય એવાં બાવાંજાળાં બાઝી ગયાં. જો કે એટલું સારું છે કે પોતાની આ શક્તિઓને એમણે એ રીતે વહેમીલા ધંધા સાથે નહોતી સાંકળી. જો કે એ પાછા ગુજરાત ગણિત મંડળના સભ્ય પણ છે.

એટલે જ મુંબઈમાં આવેલી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન નામની સંસ્થાના ફાંટા જેવી રાજકોટના રેસકોર્સ પર બાલભવનમાં આવેલી ‘પ્રયોગ’ નામની સંસ્થાએ તેમને તેમની આ શક્તિઓનો પ્રયોગ કરી બતાવવા (1983માં) નિમંત્ર્યા હતા. આ સંસ્થા સમાજમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વહેમને બદલે વિજ્ઞાનનો અભિગમ કેળવવાનો ઉદ્દેશ ધરાવે છે.

પણ એમની આ શક્તિનો કોઇ ઉપયોગ 1980 ના દાયકામાં થઇ શક્યો નહિ કે જે એમની ગરીબીને ટાળી શકે, અને હવે જ્યારે આવા સ્ટેજ કાર્યક્રમો ‘સોફિસ્ટિકેટેડ’ ફોર્મમાં કરીને આજિવિકા રળી શકાય તેવા દહાડા આવ્યા છે ત્યારે એમની ઉમરેય હવે એંસીની થવા આવી હશે. અને એમનો પત્તો પણ નથી.

( નોંધ:

વર્ષો અગાઉ લીધેલી એક મૂલાકાતના ટાંચણને આધારે આ લેખ લખાયો છે. જામનગરના કે ક્યાંયના કોઇ વાચક આ મહાશયની હાલની માહિતી આપશે તો હવે એમને મદદરૂપ થવાની શક્યતાઓ ઉભી થઇ છે.)

——————————————————————————————————

લેખકસંપર્ક-

રજનીકુમાર પંડ્યા.:

બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

7 comments for “લ્યો, આ ચીંધી આંગળી : તમે ઓળખો છો આ અનોખા જણને ? કહો, હાલ ક્યાં છે ?

 1. Gajanan Raval
  October 29, 2018 at 6:53 pm

  Hearty congrats Rajnibhai for attempting such a nice quest for the person who is worth to be appreciated…!! we wish you find some clue about his where abouts…

 2. Jyoti Ramaiya
  October 29, 2018 at 9:43 pm

  He expired long back!!!

 3. Naren Phanse
  October 31, 2018 at 1:32 am

  What a sad story of a genius whose talents went unrecognized! He would have gone unsung; thanks to you Rajnibhai, some of us could know about him and can now say, Rest In Peace, Pravinbhai.

 4. navin trivedi
  November 1, 2018 at 4:55 am

  આદરણીય શ્રી રાજનીકુમારભાઈ = સમાજને દાખલારૂપ લેખ – અમદાવાદમાં રહીને દૂરના શહેરના અજાણ્યા – જાણીતી વ્યક્તિમાટે સંશોધન કરવું અને લોકો સમક્ષ રજુ કરવું સામાન્ય વ્યક્તિ માટે અસંભવ – સ્થળ સમય અને ખર્ચની આહુતિ હિમ્મત માંગે છે – વારંવાર રજૂથાતી લેખમાળાઓ રસપ્રદ હોય છે – આનંદથી વાંચીએ છીએ – ખૂબ ખૂબ આભાર –
  નવીન ત્રિવેદી – ઓકલેન્ડ – ન્યૂઝીલેન્ડ

 5. Prafull Ghorecha
  November 2, 2018 at 4:03 pm

  સરસ અને કરુણ લેખ. ચાર પેઢીનું રહસ્ય તો અકબંધ જ રહ્યું. એક અજબ શક્તિ વેડફાઈ ગઈ.

 6. November 4, 2018 at 4:13 am

  ગજબનાક વાત/ અદ્દલ રામાનુજમ જ.

 7. Neetin D Vyas
  November 10, 2018 at 8:49 am

  ” જોતા રે જોતાં મળીયા રે સાચા સાગરના મોતી “, રાજનીભાઈ દરેક લેખમાં આ માનવ મહેરામણ નાં સાગર માંથી મોતી શોધીને વાચક સમક્ષ મૂકે છે. 786 વાળા શ્રી પ્રવિણકુમાર વિષે લેખ વાંચવાની મજા પડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *