ફિર દેખો યારોં : બિન કહે સુન ઓ યારા

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

કળાના તમામ પ્રકારો લોકભોગ્ય બની શકતા નથી. ઘણી વાર પોતાની કૃતિ પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષવા માટે કળાકારે જાતભાતનાં ગતકડાંનો આશરો લેવો પડે છે. પણ માત્ર ને માત્ર ગતકડાં કરી જાણે એ સહુ કલાકાર હોતા નથી. કળાને વ્યક્ત કરવાનું માધ્યમ ગમે તે હોય, તેના દ્વારા કોઈ સંદેશ પ્રસરવો જોઈએ કે નહીં, એ અનંત ચર્ચાનો મુદ્દો છે. કળાકારનું અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પણ આવી જ બાબત છે. જનસામાન્યને કળાની ઝાઝી સમજ ન હોય એવી સ્થિતિમાં આવું અભિવ્યક્તિસ્વાતંત્ર્ય રાજકીય મુદ્દો પણ બની રહે એનો આપણને પૂરતો અનુભવ છે. આધુનિક ભારતીય ચિત્રકળાના જન્મસ્થાન સમી વડોદરાની ‘સ્કૂલ ઑફ ફાઈન આર્ટ્સ’ના અનુસ્નાતક અભ્યાસક્રમની અંતિમ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલું પોતાનું કાર્ય પ્રદર્શિત કરવાની પ્રથા છે. પરીક્ષકો તેની મૂલવણી કરી લે ત્યાર પછી જાહેર જનતાના દર્શન માટે આ કામ ખુલ્લું મૂકાતું. પોતાનું અસ્તિત્ત્વ અને ઓળખ પુરવાર કરવા મથનારા કેટલાક લોકો આ તક ઝડપવા લાગ્યા અને લાગણી દુભાવાના વાર્ષિક કાર્યક્રમો નિયમિતપણે યોજાવા લાગ્યા.

આની સરખામણીએ હજી ‘સ્ટ્રીટ આર્ટ’નો વિચાર આપણે ત્યાં ખાસ પ્રચલિત બન્યો નથી. આપણે ત્યાં સ્ટ્રીટ આર્ટ મોટે ભાગે દિશાસૂચક પાટિયાંઓ પર આડેધડ લગાવાયેલાં વિવિધ પોસ્ટરો, જાહેર ઈમારતોની દિવાલ પર લોકોને થૂંકતા રોકવા માટે લગાવાયેલાં દેવીદેવતાના ચિત્રો ધરાવતી ટાઈલ્સ, અને એ ટાઈલ્સ પર છૂટથી મારવામાં આવતી લાલ રંગની પિચકારીઓમાં સીમિત હોય એમ લાગ્યા વિના રહે નહીં.

પશ્ચિમના અમુક દેશોમાં ‘સ્ટ્રીટ આર્ટ’ એક સમાંતર, છતાં મૂક આંદોલનની કક્ષાએ વિકસેલી છે. ઈન્ગ્લેન્ડનું બ્રિસ્ટલ શહેર, અને તેનો કલાકાર ‘બેન્ક્સી’ હવે તો જગવિખ્યાત બની રહ્યા છે. મઝા એ છે કે બેન્ક્સીને કોઈએ જોયો નથી. તે કેવો દેખાય છે, ક્યાં રહે છે તેની જાણ કોઈને નથી. પણ તે મૂળ બ્રિસ્ટલ શહેરનો છે તેવું કહેવાય છે. ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં બ્રિસ્ટલની દીવાલો, રેલવેના ડબ્બા પર બેન્ક્સીના ચિતરામણો જોવા મળતા થયા, જે ધીમે ધીમે આખા ઈન્ગ્લેન્ડમાં પ્રસર્યાં. તેણે કદી કોઈને મુલાકાતો આપી નથી કે પોતાની જાતને ક્યાંય રજુ કરી નથી. બેન્ક્સી શેરીઓની દિવાલ પર બનાવેલાં ચિત્રોના માધ્યમ થકી માધ્યમથી રાજકારણ, પર્યાવરણ, સમાજકારણ, ધર્મકારણ, ધાર્મિક સંસ્થાઓ કે વિવિધ પ્રકારનાં સત્તાકેન્‍દ્રો કે એવા અન્ય નાગરિકલક્ષી મુદ્દાઓ પર તમતમતી ટીપ્પણીઓ કરે છે. આમ છતાં, તેને અરાજકતાવાદી કે ભાંગફોડીયો ઘોષિત કરીને કાયદાની વ્યાખ્યામાં બંધ કરી શકાતો નથી. તેની કળા મૂક હોવા છતાં અત્યંત બોલકી અને જલદ છે. શહેરીકરણ અને વિસ્તરણને લઈને ઉદ્‍ભવતી સમસ્યાઓ જેટલી પૂર્વના દેશોને પજવે છે એટલી જ પશ્ચિમના દેશોને પણ હેરાન કરે છે. બેન્‍ક્સી જેવો કલાકાર આ સમસ્યાઓને પોતાની રીતે વાચા આપે છે.

અગાઉ 2009માં બ્રિસ્ટલના મ્યુઝીયમની આર્ટ ગેલરીમાં તેની કળાનું પ્રદર્શન યોજાયું હતું. લોકોથી ઉભરાતી આ જગ્યાને રીપેરીંગના બહાના હેઠળ બંધ કરવામાં આવી. મ્યુઝીયમના સી.સી.ટીવીમાં હૂડ કે માસ્ક પહેરેલો કલાકાર રાત-દિવસ કામ કરતો દેખાતો. આખરે આ ગેલરી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી ત્યારે લોકોનો જબરો ધસારો થયો. આજકાલ આ કલાકાર ફરી એક વાર સમાચારોમાં ચમક્યો છે. આ વખતે તેણે એક અભૂતપૂર્વ ગતકડું કર્યું છે.

સૌ પ્રથમ આ ગતકડા વિશે, અને પછી તેની પાછળના હેતુની વાત. લંડનનું સોધબી લીલામગૃહ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. અહીં વિભિન્ન ઐતિહાસિક તેમજ મૂલ્યવાન ચીજોનું લીલામ કરવામાં આવે છે. આ મહિને થનારા એક લીલામમાં બેન્‍ક્સીની વિખ્યાત કૃતિ ‘બલૂન ગર્લ’ પણ મૂકવામાં આવી હતી, જેમાં એક બાળકી પોતાના હાથમાં રહેલા દિલ આકારના ફુગ્ગાને આકાશ તરફ છોડી મૂકતી અથવા તેને પકડવા જતી ચીતરાઈ છે. આ ચિત્ર સમયાંતરે વિવિધ મુદ્દાઓના સંદર્ભે બેન્‍ક્સી દ્વારા દોરાતું રહ્યું છે. પાંચમી ઑક્ટોબરે યોજાયેલા લીલામમાં આ ચિત્ર 10, 42,000 પાઉન્‍ડની અધધ કહી શકાય એટલી ઊંચી કિંમતે વેચાયું. ભવ્ય વિકટોરીયન શૈલીની ફ્રેમમાં મઢાયેલા આ ચિત્રને એક યુરોપીયન મહિલા સંગ્રાહકે ખરીદ્યું. બોલીની વિધિ સંપન્ન થયા પછી સોધબીના સંચાલકોએ આ ફ્રેમને એક દિવાલ પર અલગથી ટીંગાડી. એ પછીની થોડી જ મિનીટોમાં જાણે કે કશો ચમત્કાર થઈ રહ્યો હોય એમ સૌની નજર એ ફ્રેમ પર ચોંટી ગઈ. ફ્રેમમાં ગોઠવેલું ચિત્ર આસ્તે આસ્તે નીચે સરકી રહ્યું હતું, અને તેના લીરેલીરા થઈ રહ્યા હતા. પછી ખબર પડી કે બેન્‍ક્સીએ પોતે જ આ ચિત્રની ફ્રેમમાં છૂપી રીતે એક શ્રેડર મશીન ગોઠવ્યું હતું. પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ ઘટનાની વિડીયો મૂકવાની સાથે તેણે એક અવતરણ મૂક્યું હતું, જેમાં લખેલું હતું: ‘વિનાશની વૃત્તિ પણ એક સર્જનાત્મક જરૂરિયાત છે.’ આ અવતરણ અસલમાં રશિયન અરાજકતાવાદી મિખાઈલ બાકુનીનનું છે, અને ખૂબ જાણીતું છે. બેન્‍ક્સીએ બહુ સૂચક રીતે આ અવતરણ પિકાસોના નામે મૂક્યું છે. એ રીતે બાકુનીનના નામનો ‘નાશ’ કરી બતાવીને તેણે આ અવતરણની સત્યતાને પુરવાર કરી બતાવી છે.

બેન્ક્સી રાબેતા મુજબ ઓછામાં ઓછા શબ્દો વડે કામ લે છે, તેને લઈને તેના કામનાં અનેક અર્થઘટનો નીકળી શકે છે. કળાજગતમાં વ્યાપેલું હાડોહાડ વ્યાપારીકરણ, કળાકૃતિઓની વિસંગતિયુક્ત કિંમતો, ઊંચી કિંમતે કળાકૃતિઓ ખરીદવાનું ગાંડપણ અને તેની સાથે સંકળાયેલી મોભા તેમજ દેખાડાની વૃત્તિ વગેરે અનેક મુદ્દાઓ પર બેન્ક્સીએ આ ગતકડા થકી આબાદ નિશાન લીધું હોવાનું તેની કાર્યશૈલીને પિછાણનારાઓનું માનવું છે. કેમ કે, જાહેર ભીંત પર ચીતરાતી કૃતિઓ એટલે કે ગ્રાફીટી જેવા સસ્તા સ્વરૂપને કળા ગણાય કે કેમ એ પણ મતભેદનો મુદ્દો હોય ત્યારે બેન્‍ક્સીની આવી એક કૃતિ સોધબી જેવા પ્રતિષ્ઠિત સ્થળે લિલામ માટે મૂકાય, એટલું જ નહીં, અતિશય ઊંચી કિંમતે વેચાય એ વક્રતા તરફ ધ્યાન દોરવાનો બેન્‍ક્સીનો આશય પૂરેપૂરો સિદ્ધ થયો છે.

એક સંવેદનશીલ કળાકાર ઓછામાં ઓછું બોલીને પોતાની વાતને વધુમાં વધુ અસરકારક રીતે વિશ્વ સમક્ષ મૂકી શકે એ ઘટના ગૌરવ લેવા જેવી અવશ્ય ગણાય. પણ ગૌરવ શેનું લેવું એ મુદ્દે અવઢવ હોય તો કહી શકાય કે અભિવ્યક્તિસ્વાતંત્ર્યનો મહિમા આ રીતે થયો એ સૌથી વધુ ગૌરવપ્રદ ઘટના ગણાય. ગમે એ મુદ્દે લાગણીને દુભાવવા માટે હાથવગી રાખવાનો ઊપાય સૌથી સહેલો અને સસ્તો છે. તેને બદલે અભિવ્યક્તિસ્વાતંત્ર્યનો આદર કરતાં શીખવા જેટલી પુખ્તતા કેળવવાનો માર્ગ અઘરો છે. માનસિકતાને પરિપક્વ કરવાનું લક્ષ્ય હોય ત્યારે અઘરો માર્ગ પસંદ કરવા જેટલી હિંમત કેળવવી રહી.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮-૧૦-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

3 comments for “ફિર દેખો યારોં : બિન કહે સુન ઓ યારા

 1. Gajanan Raval
  October 25, 2018 at 6:35 pm

  Birenbhai,
  Your rational approach without any prejudice is worth to be appreciated..!! I like your Abhivyakati very much…
  With lots of Love…

 2. Gajanan Raval
  October 25, 2018 at 6:35 pm

  Birenbhai,
  Your rational approach without any prejudice is worth to be appreciated..!! I like your Abhivyakati very much…
  With lots of Love…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *