લે ગઈ દિલ, સફર જાપાનકી : ૪: કુદરતની કરામત અને માણસની જહેમત

દર્શા કિકાણી

૩૦/૦૩/૨૦૧૮

સવારે સાત વાગ્યે એ જ સુંદર બ્રેકફાસ્ટ-હોલ, એ જ સુંદર માહોલ અને એ જ વાનગીઓ. મારી સિલેક્ટેડ વાનગીઓ એક જ વારમાં લઈ હું મનપસંદ જગ્યાએ શાંતિથી બેસી જાઉં. મારે માટે વાનગીઓ માણવા કરતાં સ્થળ માણવાનું વધારે અગત્યનું હતું.

સમયસર બસ આવી ગઈ હતી. ગ્રુપના સભ્યો બસમાં ગોઠવાઈ ગયાં. અમારી માહિતી મુજબ અમે એક ઈજનેરી અજાયબી જોવા જઈ રહ્યાં હતાં. એનું નામ એક્વાલાઈન અથવા ઉમીહોતારુ. જમીનના રસ્તા પર દોડતી બસ અચાનક દરિયાના પાણીની નીચે બનાવેલ બોગદામાં ચાલવા લાગી. નવ કિ.મિ. લાંબુ બોગદું છે. કેટકેટલી જહેમત ઊઠાવી આ બોગદું તૈયાર કર્યું છે. બોગદામાંથી બહાર આવીએ ત્યારે જ ખ્યાલ આવે કે આપણે કેટલે દૂર નીકળી ગયાં છીએ. બસ પાર્કિંગની સુંદર વ્યવસ્થા સાથેનું પાંચ માળનું સરસ સ્મારક બનાવ્યું છે. ઉપર જવા માટે એસ્કેલેટરની વ્યવસ્થા છે. છેક ઉપર જઈ જોઈએ તો લાગે કે માણસે કુદરતને નાથવામાં કંઈ બાકી રાખ્યું નથી! સખત પવન અને ઠંડી છતાં આસપાસનું દ્રશ્ય એકદમ મનમોહક લાગતું હતું. આસપાસના પ્રદેશની તથા ખોદકામની માહિતી આપતું નાનું પ્રદર્શન જેવું બનાવ્યું છે. આ બોગદું બનાવવામાં વપરાયેલ એક બ્લેડ હજી સાચવી રાખવામાં આવી છે અને સ્મારક તરીકે નીચેના માળે ડિસ્પ્લેમાં મૂકી છે. ફોટા લેવાં માટેનું અનોખું પોઈન્ટ બની ગયું છે.

pic-6 એક્વાલાઈન અથવા ઉમીહોતારુ

બસમાં પાછાં આવ્યાં તો પ્રેમલભાઈએ ડબ્બા ખોલવાની બિલકુલ ના પડી દીધી. અમે સ્ટ્રોબેરી ખાવા જઈ રહ્યાં હતાં. સ્ટ્રોબેરીની ખેતીમાં પણ સંશોધન ચાલી રહ્યું છે. જાતજાતની અને ભાતભાતની, વિવિધ સુગંધો, આકારો અને કદની સ્ટ્રોબેરી ઉગાડવામાં આવે છે. છેલ્લી માહિતી મુજબ તો કાળી સ્ટ્રોબેરી પણ વિકસાવવામાં આવી છે. સ્ટ્રોબેરી-પીકિંગનો અનુભવ અમારે માટે નવો જ હતો. અડધો કલાકમાં ખવાય તેટલી સ્ટ્રોબેરી ખાવાની! અમુક લોકો તો ૧૫૦ જેટલી સ્ટ્રોબેરી ખાઈ જતાં હોય છે ! વાતાનુકુલિત ગ્રીન હાઉસમાં ઊગાડવામાં આવતી સ્ટ્રોબેરીને ખાતી વખતે ધોવાની પણ જરૂર નહીં! બસ ઊભી રહી એટલે ગ્રીનહાઉસમાંથી જ એક ભાઈ આવી અમને જરૂરી માહિતી આપી અંદર લઈ ગયા. પ્લાસ્ટીકની બે ખાના વાળી નાની ટ્રે આપી જેના એક ખાનામાં કંડેન્સ મિલ્ક આપ્યું હતું જેથી સ્ટ્રોબેરી ખાવાની મઝા આવે! એકસાથે આઠેક ઊભી લાઈનમાં સ્ટ્રોબેરી ઉગાડી હતી એ ગ્રીનહાઉસમાં અમને લઈ ગયાં. શરૂઆતમાં તો અમે સૌ સ્ટ્રોબેરી પર તૂટી પડ્યા અને ખાવામાં મશગૂલ થઈ ગયાં. પણ પાંચ-સાત મિનિટમાં તો ઠંડા પડી ગયાં. આજુબાજુના લોકોને સ્ટ્રોબેરી ખાતાં જોવાની મઝા માણવા લાગ્યાં, એકબીજાના ફોટા પાડવા લાગ્યાં. કઈ લાઈનમાં કેવી સ્ટ્રોબેરી છે, કેવો રંગ છે, કેવી સુગંધ છે વગેરેની વાતો કરવા લાગ્યાં. પંદર-વીસ મિનિટ તો ઘણી. સ્ટ્રોબેરી ખાવાને બદલે છેલ્લે તો મસ્તી જ કરતાં હતાં. દરેકે નાનીમોટી થઈ સરેરાસ ૩૦-૪૦ સ્ટ્રોબેરી ખાધી હશે. પણ બહુ મઝા આવી, એક નવો અને સુખદ અનુભવ રહ્યો.

સ્ટ્રોબેરી-પીકિંગ

હજુ તો સ્ટ્રોબેરીની વાતોમાં જ અટવાયેલાં હતાં ત્યાં તો શીનજુકુ નેશનલ પાર્ક આવી ગયું. દરેક પાર્ક કે જોવાલાયક સ્થળ પર એન્ટ્રી ફી હોય જ છે અને આગળથી બુકિંગ કરાવી ગ્રુપ ટિકિટ લીધી હોય તો સમય તથા પૈસા બંનેમાં ઘણો ફેર પડે છે. ગ્રુપનાં સભ્યોને લાઈનમાં ઊભાં રાખી પાર્કના અમલદારે પાર્ક વિષે માહિતી આપી. જાપાનીસ સ્ટાઈલમાં બનાવેલ આ પાર્કમાં એક બાજુ ઝેન ગાર્ડન બનવ્યો હતો, વચમાં પાણીનો મોટો ઝારો હતો અને પછી શાકુરાનાં વૃક્ષો હતાં. બહુ વિશાળ એવા આ પાર્કને ૬ તો મોટા ગેટ હતાં અને ગયાં એ જ સ્થાને પાછાં આવવાં સાઈન બોર્ડનો ઉપયોગ કરવો જરૂરી હતો. આ મોટા પાર્કમાં ખુલ્લી જગ્યામાં ૨૫૦-૩૦૦ ચેરી-બ્લોસમ અથવા શાકુરાના વૃક્ષો હતાં. દરેક વૃક્ષ પર હજારોની સંખ્યામાં સફેદ કે ગુલાબી ફૂલો ખીલી રહ્યાં હતાં. ઝાડ પર એકલાં પુષ્પો જ દેખાય, પાન કે ડાળખાં શોધ્યાં ય મળે નહીં. પાર્કમાં જેટલાં ફૂલો હતાં તેટલાં જ માણસો હતાં. માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો પુષ્પોને જોવા. એક ઉત્સવ જેવું વાતાવરણ હતું. શેતરંજી પાથરી, નાસ્તા-પાણી સાથે કુટુંબો અને મિત્રો ટોળે મળી પુષ્પ-ઉત્સવની મઝા માણી રહ્યાં હતાં. વૃક્ષો પર પુષ્પોનાં ઝુંડ હતાં અને જમીન પર માણસોનાં! આટઆટલા માણસો પણ કેટલી શિસ્ત! કોઈ ધમાલ નહીં! બધાં પોતપોતાની દુનિયામાં મસ્ત અને વ્યસ્ત! કલાક તો ક્યાં જતો રહ્યો તે ખબર જ પડી નહીં.સમય બહુ ઓછો પડ્યો. આખો દિવસ હોય તો પણ ઓછો પડે!

શીનજુકુ નેશનલ પાર્ક

કચવાતે મને બધાં બસમાં બેઠાં. ‘અહિલ્યા’ માં જમ્યાં. સરસ કેરીનો રસ, બટાકા વડા, પૂરી, પાપડ, શાક વગેરે સાથે ગુજરાતી ભાણું જમ્યાં અને નજીક જ આવેલ હોન્ડાના શોરૂમમાં ગયાં. હોન્ડા મોટર કંપની મલ્ટીનેશનલ કંપની છે જે ઓટોમોબાઇલ્સ, એરક્રાફ્ટ,મોટોરસાઈકલ્સ અને પાવર એક્વીપમેન્ટ બનાવે છે. આ કંપનીનું મુખ્યમથક જાપાનમાં આવેલ છે. ૨ લાખથી વધુ કામદારો આ કંપનીમાં કામ કરે છે. આ કંપની રોબોટીક્સમાં ઘણું કામ કરી રહી છે. ‘અસીમો’ નામનો રોબો એટલે કે યંત્રમાનવ બનાવ્યો છે. અમારે પણ હોન્ડાના શોરૂમમાં રોબો શો જોવાનો હતો. સમયસર શો શરૂ થયો. સરસ ડિસ્પ્લે સાથે સારી માહિતી આપી. છેલ્લે અસીમો રોબો પણ આવ્યો મેદાનમાં. માણસની જેમ જ હાથ-પગ હલાવતો, નાચતો-કૂદતો અને ઊછળતો અસીમો ગમી જાય તેવો હતો. શો પૂરો થતાં બધાંએ અસીમો સાથે ફોટા પડાવ્યાં. શોરૂમમાં જ અદ્યતન મોટર-સાઈકલો ડીસ્પ્લેમાં મૂકી હતી. મોટર ગાડી કરતાં પણ મોંઘી એવી આ મોટર-સાયકલો ખરેખર સુંદર હતી. અમે તો એની પર બેસીને ટ્રાયલ પણ લીધો અને ફોટા પણ પાડ્યા.

દોડાદોડમાં થોડાં થાક્યાં હતાં અને સરસ ગરમાગરમ કૉફીનું કાઉન્ટર શોરૂમમાં જ હતું. સરસ કૉફી મળતી હતી. કૉફી પી ને આગળ ચલાવ્યું.

pic-9 અસીમો રોબો / મોટર સાઇકલ

હવે જે જગ્યાએ ચેરી-બ્લોસમ જોવા જવાનું હતું તે જગ્યાનું નામ ચીદોરીગાફૂચી હતું.


ભારતીય એમ્બસી આ પ્રિમિયમ રસ્તા પર આવેલ છે. બસ થોડે દૂર પાર્ક કરી અમે ચાલતાં ચાલતાં ચીદોરીગાફૂચી નામના સ્થળે કે રસ્તા પર પહોંચ્યાં. શીનજુકુ નેશનલ પાર્ક કરતાં પણ વધારે શાકુરાના વૃક્ષો હતાં. માણસો પણ અગણિત સંખ્યામાં હાજર હતાં. વધુમાં અખાતનો એક વહોળો કે નદી ત્યાંથી પસાર થતી હતી. પાણીની બંને બાજુ લાઈનસર શાકુરાનાં પુષ્પોથી ઊભરાતાં વૃક્ષો હતાં. નદીમાં પાણી સરસ વહેતું હતું અને નદીમાં હોડીઓ તરતી હતી. કોઈ ફિલ્મ કે પિક્ચર જોઈ રહ્યાં હોય તેવું સુંદર દેખાતું હતું. સવારે શીનજુકુ નેશનલ પાર્કમાંથી જલ્દી આવી જવાનો અફસોસ શમી ગયો. સાંજનો સમય હતો એટલે વાતાવરણ બહુ જ સુંદર બની ગયું હતું. પાછાં જવાનું મન થતું જ ન હતું. કમને અમે ધીમે ધીમે આગળ વધ્યાં. એક યુગલ ફોટા પાડતું હતું. યુવતીએ સુંદર રેશમી કીમોનો પહેર્યો હતો. મારાથી બોલાઈ જવાયું: ‘કેટલો સરસ કીમોનો છે! અને કીમોનો કરતાં તમે સુંદર લાગો છો! શું આ તમારો લગ્નનો કીમોનો છે? શું તમારી સાથે હું ફોટો પડાવી શકું?’ સદ્-ભાગ્યે યુવતી અંગ્રેજી સમજતી હતી. એણે થોડું શરમાતાં શરમાતાં કહ્યું કે તેમના આજેજ લગ્ન થયા હતા! શાકુરા જોવા આવેલ પરદેશીઓ સાથે ફોટો પડાવતાં તેમને ખૂબખૂબ આનંદ થશે. રાજેશે અમારા ફોટા પડ્યા અને તેમને લાંબા અને સુખી લગ્નજીવન માટેની શુભેચ્છાઓ આપી અમે બસ બાજુ જવા નીકળ્યાં.

બસમાં બેસી આજના દિવસ દરમ્યાન જોયેલ સ્થળોની વાતો વાગોળતાં વાગોળતાં પાછાં ‘કલકત્તા’માં જ જમવા ગયાં. આજે જમવાનું સરસ હતું. દિવસે જે જોયું હતું અને માણ્યું હતું તેનાથી જ અમે એટલાં ધરાયેલાં હતાં કે જમવામાં કદાચ પથ્થર આપ્યાં હોત તો પણ પચી જાત! શું દિવસ હતો! શું શું જોયું! એકદમ અનોખો દિવસ!


સંપર્ક :  દર્શા કિકાણી :  ઈ –મેલ –  darsha.rajesh@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

6 comments for “લે ગઈ દિલ, સફર જાપાનકી : ૪: કુદરતની કરામત અને માણસની જહેમત

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.