





ડો. દિનેશ વૈષ્ણવ
આ વાતના પે’લા ભાગ ૧, ભાગ ૨ અને ભાગ ૩ એમ ત્રણ ભાગ વે.ગુ.માં પ્રકાશીત થયેલ છે.
આ ભાગ ૪ પે’લા ત્રણ ભાગના અનુસંધાને છે એટલે જો ઈ ન વાંચ્યા હોય તો ઈ પે’લાં વાંચજો જેથી આ ભાગ સમજી સકાય.
ભાગ ૩માં કીધું એમ એની જીંદગીની છેલ્લી ઘડીયુંમાં જીયે જીવ ને શિવને વેંતનું છેટું છે તીયે ચિત્તળ “કનકાઈ” મંદિરના તળિયે જાતી સિંગોડા નદીનો ઘુનો હેકીક દઈને ટપી જાય છ ને ઈ ટાણે જે એની ઇન્દ્રધનુષ જેવી આક્ર્તિ થાય છ એને બાલુઆપાએ ત્રાઠી હયણી કઈ ને બિરદાવે છ. બરોબર ઈ જ ટેમે ચિત્તળ પાછળ પડેલ સિંહણ નદીના સામા આરે અટકી જાય છ ને બેએક મિલીટમાં ઈ રસ્તામાં પડેલ મરેલ ગાડરીયે નજર નાખ્યા વિના પાછી ભેખડે બેઠેલ એનાં બેય ભુરડાં ને એના રખોપા સાવજ કને જાય છ. આજે હું વિચારું છ કે ઈ સિંહ કટમ્બ નક્કી ભૂખ્યું હશે પણ ઈ સિંહણે મરેલ ગાડરીયા ઉપર નજર હોત ન નાખી, ને એટલે જ કવિ દાદ કે’તા હશે ને:
“મર્યા પછીનો માલ તો ગોલણે ગાડાં ભરે પણ
જેનું જીવતાં બાવડું ન જલાય ઈ સિંહની જાત
જાતકમાણી કરી ને ખાય ઈ સિંહની જાત
ભૂખ્યો રે પણ ખડ ન ખાય ઈ સિંહની જાત
છાને ખૂણે બેસી ને એકલા ખાય ઈ બીજા કોક
જેની થાળી માંથી કંઈક ધરાય ઈ સિંહની જાત”
હવે આ સિંહની કેવી જાત ને કેવી એની ટેક ઈ તો મને આજ યાદ આવ્યું ઈટલે લખ્યું પણ તીયે ૧૯૬૫માં તો બાલુઆપાની ગર્યનાં પશુપંખીની, ડાકુ વીસા માંજરીયાની અને ત્રાઠી હયણીની વાત સાંભળી ને સિંગોડાના સામે કાંઠે આવી ને અમારી મોટરમાં આપાના મેલડી નેસે પાછા જાવા નીકળ્યાતા. વળતાં મોટરમાં સૌ ઓછું બોલતાતા કારણ બધાની નજર મધપૂડે માખીયું બાધે એમ ગર્યની ઈ નવોઢાના રૂપે ઓપતી અષાડી સાંજે ટગી ગીતી. ઈ ટાણે સન્ધ્યાકાળ થાવુંથાવું હતો, ને ઈ દી’ આથમ્યાનું ગર્યનું આકાશ, ગર્યની ભીનાસ, ગર્યની હરિયાળી ને ભગવાને ભેળવેલ સાતેય રંગ જો હું આજ યાદ કરું તો મારે કવિ દાદના શબદે જ ઈ નજારો ચીતરવો પડે:
“એને એક રે ફુલડું જબોળી ને ફેકીયું રે લોલ ને ધરતી આખી બની રક્તચોળ જો
આ સંધ્યા શ્રાવણની રમે હોળી એ રે લોલ કે આ સંધ્યા શ્રાવણની રમે…
એને હરિયા રૂખડામાં કેવા રંગ ભર્યા રે લોલ વગડે જાણે વેલડા હાલ્યા જાય હો
આ સંધ્યા શ્રાવણની રમે હોળી એ રે લોલ કે આ સંધ્યા શ્રાવણની રમે…
કાળી વાદલીડી કેવી લાગતી રે લોલ હબસણના જાણે રંગ્યા હોઠ જો
આ સંધ્યા શ્રાવણની રમે હોળી એ રે લોલ કે આ સંધ્યા શ્રાવણની રમે…
ડુંગરાની ટોચું કેવી લાગતી રે લોલ કે જોગીડાની દાઢીમાં ગુલાલા જો
આ સંધ્યા શ્રાવણની રમે હોળી એ રે લોલ કે આ સંધ્યા શ્રાવણની રમે…
છાતીએ સીદુરીયા થાપા શોભતા રે લોલ સુરજ જાણે ધીંગગાણામાં જાય જો
આ સંધ્યા શ્રાવણની રમે હોળી એ રે લોલ કે આ સંધ્યા શ્રાવણની રમે…
વસુંધરાને “દાદલ” કેવાં સત ચડ્યા રે લોલ જાણે રજપુતાણી બેઠી અગનજાળ જો
આ સંધ્યા શ્રાવણની રમે હોળી એ રે લોલ કે આ સંધ્યા શ્રાવણની રમે…”
અમે આપાના મેલડી નેસે પાછા આવ્યા ઈ પેલાં આપાએ રસ્તામાં કીધુંતું કી કનકાઈની સવારસાંજની આરતી પત્યે પછી જ આજુબાજુના નેસડાઉમાં માતજીની આરતી થાય ને સાખીયું ને સરજ્યું ગવાય. એટલે અમે આમ નેસે આવ્યા તીયે ઈ નેસડાનાં પાંચેક ખોયડાઉંની ફળીયુંમાં તુલસીક્યારે સંધ્યાકાળનો ધૂપ ને દિવો મુકાણાંતા ને થોડાંક ખોયડે માંની સાખીયું ને સરજ્યું પણ ગવાતીતી. મને યાદ છે એમ આપાની ફળીમાં ઢાળીયે કપાસ ને હથેળી જેવડાં ખોળનાં બટકાં ખાતાં ઢોરઢાંખર દોવાય ને શેડકઢા દૂધના બોઘડાં ભરાઈ ગ્યાતાં ને ગમાણે પશુધનને લીલોસુકો રજકો દેવાઈ ગ્યોતો. બીજીકોર બેરખમાં આપાના જાતવંત ઘોડાંઉં આગળ જોગાણ, ચણા ને ગોળનાં દડબાં મુકાઈ ગ્યાતાં ને ઘરના આંગણે તુલસી ક્યારેથી પાંદડી ધૂપની ધમરખ હવામાં ચારે કોર ઈ ઉતરતી અષાડી સાંજની ઘોડે થર લઈ ગઇતી. ઘરના ટોડલે ભાતીગળ કોયડે ને ઘર માલીપા ટમટમિયાં દિવા જગતાતા. અમને આપાના દીકરા ભીમે ફળીમાં હાથપગ ધુવરાવી ને લુવા સારું પાણકોરાનો કટકો દીધો ને ઘરની ઓસરીએ આવીને નનકુઆઇએ વિવેકથી સાદ દીધો કે ” માંની કરપાથી હાલ્યો હંધાય કાઠીના રહોડે એઠા થાવા ની અમારું ખોયડું ઉજાગર કરવા.”
અમે સૌ ઓસરીએથી ખોયડાં માલીપા ઓયડામાં ગ્યા. યાં લીપેલ ભોંયે જીણા ટેભાની બાવળીયા ટાંકાની રજાઈ બે બેવને પાથરીતી ને સૌની જગ્યાએ જમણે પગે વેંત ઊંચું લાલપીળું ઢીંચણીયું, સામે જગાર મારતી કાંસાની થાળી, તાંસળી, કટોદાન ને કળશ્યો એમ ગોઠવ્યાતાં. પે’લા પપ્પા, બીજા બાલુઆપા, ત્રીજો હું, પછી ભીમ, એના બે દીકરા ખમીર ને ખેંગાર, ને અમારી ભાડાની મોટરનો ડ્રાઈવર એમ અમે રજાઈએ બેઠા. અમારી પડખે ચાકળે માં બેઠા. ઓયડાના એક ખૂણે રસોડું હતું. યાં ચૂલે ભીમના ઘરવાળાં જસુબા હૈયા લગી લાજનો ઘૂમટો કાઢી ને ચૂલો સંભાળતાંતાં. એને ચૂલા આગળ હાંડીયુમાં રાંધેલા અન્ન મુક્યાંતાં ને ગાડાના પૈડાં જેવા લીલાછમ સાતેક રોટલા “ઓલ્યા” ચૂલે (એટલે ચૂલાના પાછલો ભાગ) ઉભા ગોઠવ્યાતા. ઈ એના એના ત્રાજવાં ત્રોફેલ લોંઠકા હાથે એકેક બાજરાના રોટલાનો લોટ લાકડાની કાથરોટમાં મસળતાંતાં, રોટલો એની હથેળીમાં ટીપી ને માય આંગળીના ટેરવાંની ભાતીગળ ભાત પાડીને એને “આગોણ” ચૂલે (એટલે ચૂલાનો આગળનો ભાગ) કાળી માટીની તાવડીમાં ઠબેરતાંતાં.
નનકુઆઈએ અમને ઈ કાઠી જમણ – થાળીએથી ઘીએ લસરતી લાપસી, હરીસો, છાસીયાં ગોટા રીંગણાં, વેઢીયા ભીંડા, તાંસળીમાં ચૂલે ધુંવાડેલ આખા ખાટા મગ, રોટલો, કટોદાનમાં સાકરવાળું દૂધ ને માય ઘીની ધાર, લીલાં મરચાં, લૂણ, લીલી ડુંગળી ને લસણનો કોરો લચકો – પીરસ્યું. અમે પેટ ભરીને જમ્યા પછી આપાએ અમને ને આઇએ માંને ગળપણના બટકાં કરાવ્યાં. પછી જાડા ચોખાની ઓઘલે ખીચડી ને માય ખાડો પુરી ને ઘી, કાઠી ખાટિયું ને અરધોઅરધો લસણિયો રોટલો એમ પીરસ્યાં. અમારું પેટ ગળા સુધી ભર્યુંતું તો પણ અમે બેચાર કોળિયા ખાટીયે ભેળવેલ ખીચડી ને બેએક બટકાં રોટલો એમ ખાધું.
ખાઈ ને ફળીમાં અમે ભાયડાઉ ઢોલિયે ને બૈરાં ઓસરીની કોરે બેઠાં. આપાએ હુક્કો પેટાવ્યો ને એને ને પપ્પાએ ગુડુડ…ગુડુડ… અવાજે હુક્કો પીધો. એવામાં વરસાદના છાંટણા થ્યાં ને આજુબાજુના નેસથી મોરલાના ગહેકાટ શરૂ થ્યા તીયે ગળ્યા ગળાનો ભીમ ધીમેકથી ગણગણ્યો:
“અસીં ગિરિવર જા મોરલા ને અમે કંકણ ચણ પેટ ભરાં
અમારી રુત આવ્યે અમ ન બોલીયેં તોતો હૈયડાં ફાટ મરાં”
“અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ્
દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્, તડિતા તારમ્, વિસ્તારમ્
ના લહી સંભારમ્, પ્યારો અપારમ્, નંદકુમારમ્ નિરખ્યારી
કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી…”
બસ, આમ આપા અને એના કટમ્બ હારે અર્ધોએક કલાક બેસી ને અમે ઘેર જાવા મોટરે બેઠા તીયે આપાએ મારાં માંના હાથમાં કાપડના પૈસા મુક્યા, માએ પણ ભીમના બેય દીકરાના હાથમાં મુક્યા ને ઈ કટમ્બે ભાવથી કીધું, “દાક્તરસાહેબ, દહકે પાસા મળ્યા સ તી હવે પછી જાજી વાટ ન જોવરાવતા. મારો નેહ મારી બુનનું પિયર સે હો ને.” માં-પપ્પાએ પણ એમ જ સામો આગ્રહ કીધો. પછી અમે ઈ પછેડીવા ઝરમર વરસાદે સાવજુંની ડણક, પશુધનની ભાંભરટ, ઘોડાઉની હાવળ, દાદૂરનો ડેંકાર, દેડકાનો ડેંકાટ, મોરુંનો ગહેકાટ ને તમરાંની તમરાટ સાંભળતાસાંભળતા આગિયાના લાલલીલા અજવાળે ઘેર પોગ્યા.
આજ હું ઈ અષાડી મોંઘેરી સાંજે ઈ બાલુઆપાનાં કટમ્બનો અદકો આદર અને આવકાર, એની આંખ્યુંમાં સ્નેહ અને એનાં દલડામાં ભાવ, ઈ સૌનું ગર્યમાં નહીં પણ ગર્યને જીવતું જીવન, ઈ ગર્યની ઘીચ વનરાઈની મોંઘેરી મોહલાત ને ત્રાઠી હયણી કેટલાય દસકે યાદ કરું છ ત્યારે લોકસાહિત્ય માંથી બેત્રણ ચીજ મારા અંતરે અવાજ દે છ:
“મારી કાઠિયાવાડમાં તું કોક દી’ ભુલો પડીજા ને ભગવાન
તારાં એવાં કરું સન્નમાન કે તને સરગ ભુલાવું હું શામળા”
*****
“કરાલ ચાલ કેશવાળ કાળ હાલતા વને
ઝળાહળા ઝળાહળા ઝબૂક નૈન લોચને
ઝનૂન ખૂન અંગ અંગ તંગને મચાવતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા
અવાજ ભો ભરી શરીરથી કરી ડણંકતા
કદી વળી લડી મરી ધરા રુધીર રંગતા
નમે નહીં ખમે નહીં મહીં મહીં જ મારતા
વિહાર કેસરી કરા જરા જટા હલાવતા”
*****
“ચડશે ઘટા ઘનઘોર ને ગગન મેઘ જલ વરસાવસે
તીયે નીલવરણી ઓઢણી જ્યાં ધરા સર પર ધારસે
ગહેંકાટ ખાતાં ગીર મોરા પિયુપિયુ ધન પુકારસે
તીયે ઈ વખતના ગુજરાતને મારો યાદ હેમુ આવશે.”
ડૉ. દિનેશ વૈષ્ણવનો વિજાણુ સંપર્ક કરવા માટેનું સરનામું: sribaba48@gmail.com
भाग चार…. मुलाकातीओ अने जोनार वांचनार तो घणां छे पण कोमेंन्टनो दुकाळ… पोस्ट मुकनार पण क्यांक कोमेन्ट मुके ए जरुरी छे.