લગ્નગીતો – ફટાણાંનો વિસારાયેલો વારસો

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

વિશ્વની એવી કોઈ પ્રજા નથી જેની પાસે પોતાની કોઈ સંસ્કૃતિ નથી સંસ્કૃતિના કોઈ લોક ગીતો નથી. જીવનના વિવિધ પાસાને અડકતી, સ્પર્શતી આ સંસ્કૃતિ એવી ન્યારી છે કે તે પોતાનાં અસ્તિત્ત્વની અંદર ઉત્સવ, આનંદ, રીત રિવાજ, કલા, ખાસિયત,ખુમારી, સંઘર્ષ, લોકકથાઓ અને લોકગીતોને સમાવી લે છે. આજે આપણે આ આનંદ, ઉમંગ, રીતરિવાજો, સંઘર્ષ, ખાસિયત અને કલા તો જોવા મળે છે પણ લોકકથાઓ અને લોકગીતો લગભગ વિસરાઈ ગયાં છે.

લોકગીતો…આપણાં લોકગીતો એ એક સમયે લોકજીવન અને ગ્રામ્ય સંસ્કૃતિમાં એ રીતે સમાઈ ગયાં હતાં કે આ લોકગીતો સવાર સમયે પ્રભાતિયા, બાળકને પલનામાં ઝુલાવતી વખતે હાલરડાં, ખેતરોમાં લણણી, લગ્નને માંડવે ફટાણાં, તહેવારોમાં વ્રતગીત, યુવતીઓમાં ખાંયણાઓ અને સાંજના સમયે કીર્તન -ભજનનું રૂપ ધારણ કરી લેતાં હતાં. આજે આ સમગ્ર સંસ્કૃતિ ખોવાઈ ગઈ છે તો લગ્નગીતો ને ફટાણાંની સંસ્કૃતિ ક્યાંથી હોય? તો ચાલો આજે આ વિસરાયેલી સંસ્કૃતિના પાનાં ખંખોળીએ અને લગ્ન- વિવાહને મંગલ બનાવનારી આ કલા ને જીવંત કરીએ. 

જ્યારે છોકરાઓ યુવાન થાય ત્યારે તેના માટે નાતમાં યોગ્ય છોકરીની શોધખોળ થતી. જ્યારે છોકરી મળતી ત્યારે બંને પક્ષના કુટુંબીજનોની ઈચ્છા મુજબ છોકરા-છોકરીઓ મળતાં. પણ થોડા સમયમાં એકબીજાને ઓળખી ન શકાય. કારણ કે ઉપરથી બતાવેલ સારાપણું કદાચ અંદરથી સારું ન પણ હોય તેથી કન્યા પક્ષની કુટુંબી સ્ત્રીઓ બહારના ઓરડામાં બેસીને ગાતી કે,

વ્હાલી મારી ઊંચો વર તે ના જોશો, ઊંચો તો નીચા તોરણો તોડશે

                                ( અર્થ:- પોતાનાંથી ઠીંગણી પત્ની વરને સારી ન લાગે તેથી તે તેનું વારંવાર અપમાન કરશે )

વ્હાલી લાડકડી કાળો શ્યામલીયો વરે ય ના જોશો,
શ્યામલીયો યે કાળા શ્યામ જેવો કુટુંબ ખૂબ લજાવશે રે.

                             ( અર્થ:- કાળો વર કાનુડો કહેવાય, પણ જેમ કાનુડે ગોકુળ ગામ ગજવ્યું તેમ આ કાળો વરે ય કુટુંબ લજાવશે ને ગજાવશે. )

છોકરા -છોકરીના મળ્યાં પછી ચાંલ્લાં વિધિ થતી. કન્યાપક્ષ શગુન લઈ વરપક્ષ પાસે જાય ત્યારે વરના ઘરઆંગણામાં કન્યાપક્ષ ગૌછાણથી સાથિયો ને ચાંદલો કરતાં ને ગાતાં,

ગૌરી રે ગાયના છાણ મંગાવજો ને ચંદનચોક બનાવજો,
ચંદન ચોકે મોર મોર મોતીડાની સાથે ફૂલ ગુલાબના તોરણીયા બંધાવજો 

કન્યા પક્ષની જેમ વર પક્ષના લોકો ય કન્યાવાળાને ઘેર શગુન લઈને જાય. શગુન વિધિ પૂરી કરીને બંને પક્ષના લોકો સાથે બેસીને જમે પછી કન્યા પક્ષવાળા ફટાણાં ચાલું કરે.

લાવો તરજવાં ને લાવો શેર, જોખો રે પેલા છીબાના પેટ
આવ્યો ત્યારે હતો નવ શેરનો
, જમી ને ઉઠ્યો ત્યારે છે પૂરેપૂરો મણનો

લગ્નતિથી નક્કી થયા પછી વરપક્ષના લોકો વિદાય થાય ત્યારે ફરીથી કન્યા પક્ષ વાળી સ્ત્રીઓ ફરીથી ફટાણાં ઉપાડે છે અને આ ફટાણાંમાં હવે વેવાઈ-વેવાણને જોડે છે.

અમારા ખેડી ખેતર આપતાં જાજો વેવાઈડાં,
નહીં તો તમે કેવા રે વેવાઇડા
, કે જોર ના મળે જરાપણ

અને વેવાણને કહે છે કે,

જા જા રે વેવાણડી તને જતી કરું છું, તારા લૂગડાં -લૂગડી જોઈ જતી કરું છું.

લગ્ન જેમ નજીક ને નજીક આવતાં જાય છે તેમ તેમ બંનેપક્ષને ઘેર અનાજનો ભંડાર ભેગો થતો જાય છે. આ અનાજની સાફસૂફી વખતે કુટુંબી સ્ત્રીઓ ગાતી જાય છે-

સાંઢણીને સજાવીને મોકલાવજો રે સારા મુહર્તે, આજ મારે કંકુના કામ, આજ મારે કુંકુના કામ સાંઢણીને સજાવીને મોકલાવજો રે સૂરત દેશ રે, આજ મારે કુંકુ -ચોખાના કામ છે ઘણાં

લગ્નના બે-ત્રણ દિવસ અગાઉ મામા ને ઘરથી મોસાળા આવે પછી પીઠી લગાવવાનો પ્રસંગ શરૂ થાય છે.

મામા મારા તારી અમદાવાદી એલચીડીનો છોડ લાવ,
મામી તારા વ્હાલની સરવાણી ઢોળ રે
હું તો બે-ત્રણ દી ની મેમાન તારા ઘરમાં

વરઘોડો આંગણિયે આવે પછી ફટાણાંનું જોર ઓછું થઇ જતું અને લગ્નગીતોનો દોર શરૂ થતો. ઘોડે ચડેલ વરને જોઈ કન્યાની સહેલીઓ બેની ને વર કેવો લાગે છે તેની માહિતી આપવા દોડી જાય છે ને પોતાની સખીને કહે છે કે,

રસમાલ રસિયો આંગણિયે આવ્યો કે બેની કેમની કહું
સુલતાની સૂબો ઘોડીએ ચડી આવ્યો રે બેની કેમની કહું

સામે વરપક્ષને વરના સસરાની શેરી સાંકડી લાગે છે તેથી કહે છે કે,

વેવાઈ તમે વ્હાલા તો ઘણાં, પણ તારી શેરી એવી સાંકડી રે અંદર કેમ ના આવીએ.
આવીએ તો અમે ક્યાં રહી એ અમારી ઘોડીને ક્યાં રાખીએ. 

તોરણે આવીને જાન ઊભી રહે ત્યારે કહેતાં કે,

મોંઘેરા વેવાણ ઝટ કરતાં આંય નીસરો, જુઓ ને રૂડો રૂપાળો બાંકડિયો વર ઊભો તારા બારણે

તો સામે પક્ષેથી ગવાતું કે,

ઝર માલિયો, વર તું મોડો મોડો કાં આઈવો
કંઇ કને ગામની બાર ઊભો તો

હસ્તમેળાપ વખતે ગવાય કે, બંને પક્ષના સાથે સાથે ગાય કે,

એ મારે તે ઘેર ઢોલ ઢબૂકયાને જીયાવરના હાથ એવા મળીયા કે,
જાણે શિવપારવતીની ને રાધા કિશનની જોડ મળી રે લોલ

હસ્તમેળાપ પછી કન્યાદાન આવે ત્યારે કન્યા મનમાં બોલે

પ્રિયતમ આંગણે આવ્યો કે, બાપુ મારા કન્યાદાન કરજો રે
કન્યાદાન કરજો ને રૂપૈયાના દાન દેજો
, કે પ્રિયતમ આંગણે આવ્યો રે

સામે પક્ષેથી વર પણ મનમાં બોલે,

તું બાપુ મારી કાલની ઘરવાળીનો પણ,
આજે જો તારી દીકરી મને દેતો હોય તો હું તને મારો ય બાપુ ગણું

મંગળફેરા લેતી વખતે ગવાતું કે,

પહેલું પહેલું મંગળીયું વરતાય રે,પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે

અગ્નિની સાક્ષીએ ફેરા ફરાય રે, સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે

એક સમયે આ લગ્નગીતો, ફટાણાંઓનો વ્યાપ તો બહુ મોટો હોઈ તેઓ લોકગીતો અને લોકકથાઓ દ્વારા જીવનના વિવિધ પાસાને સ્પર્શી  ઉત્સવ, ઉત્સાહ, આનંદ, રીત રિવાજ, કલા, ખાસિયત, ખુમારી, સંઘર્ષ વગેરેને પ્રગટ કરતાં હતાં પણ આજે સમય જુદો છે. સંસારના મનોભાવોને છલકાવતી આ કલા વિસરાઈ ગઈ હોવાથી આપણે પણ વર -કન્યાના મંગલફેરામાં બીજું મંગળીયું ગાતા ગાતાં અહીંથી જ વિદાય લઈએ.

બીજે રે મંગળીયે સોનાના દાન દેવાય રે….


©પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ || purvimalkan@yahoo.com

3 comments for “લગ્નગીતો – ફટાણાંનો વિસારાયેલો વારસો

 1. ઉમાકાન્ત વિ.મહેતા. (ન્યુ જર્સી)
  October 23, 2018 at 7:10 am

  પૂર્વિ બહેન મ્હોંમાં મીઠાઈનો સ્વાદ રહી ગયો!
  મંગલફેરા અધુરા રહ્યા તે ન ચાલે, તે અધુરા લગ્ન કહેવાય.
  સુંદર રજુઆત, જૂના સ્વજનોના પ્રસંગો તાદૃશ્ય થયા.
  ઉમાકાન્ત વિ.મહેતા.

 2. Niranjan Mehta
  October 24, 2018 at 9:25 am

  બહુજ સુંદર રજૂઆત. પૂર્વીબેન હંમેશા નવી અને વિસ્તરીત સામગ્રી પીરસે છે. અભિનંદન.

 3. ભારતી
  October 24, 2018 at 7:23 pm

  મજા પડી ગઈ. આવા ગીતો વિષે સાંભળેલું પણ ક્યારેય જાણેલા નહીં. વર્ષો પહેલાની એક વાત યાદ આવી ગઈ. મારી ભાભી જૂનાગઢ પાસેના કોઈક ગામડાની છે, તેની સાથે મારા ભાઈના મેરેજ નક્કી થયાં, પણ ગામડામાં અમારે જઈને તેની ધૂળ ન ખાવી પડે તેથી અમે મુંબઈમાં લગ્નનો આગ્રહ રાખેલો. હવે આટલા વર્ષે સમજાય છે કે એ મોકો હતો અમારી પાસે એ નવી ગ્રામ્ય સંસ્કૃતિ જોવાનો. આજની વાત કરું તો હવે ઈન્ડિયામાં ગામડાઑ રહ્યાં નથી તેથી હવે શોધવા જવાનો કોઈ અર્થ નથી કારણ કે બધી રીતે મોડું થઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *