ઉપશમની આરાધિકા : સીતા

Facebooktwitterredditpinterestlinkedinmail

ડૉ.દર્શના ધોળકિયા

ભારતીય સાહિત્યના આદિ કવિ વાલ્મીકિનો સમયગાળો ભારત દેશનો પ્રશિષ્ટ (Classic) યુગ છે. રામાયણ ને મહાભારત આથી જ આપણાં પ્રશિષ્ટ મહાકાવ્યો છે. આ બંને કૃતિઓમાંથી તત્કાલીન સમાજજીવનની શિષ્ટ છબી ઊપસે છે. સામાન્ય રીતે તો સાહિત્ય જીવાતા જીવનને ઝીલતું હોય છે. પણ મહાકાવ્યનાં સ્વરૂપ પાસે એક ખાસ પ્રકારની અપેક્ષા રાખવામાં આવે છે. મહાકાવ્યનો નાયક અસામાન્ય હોય છે; મહાકાવ્યનાં અન્ય પાત્રોમાં પણ આચારનિષ્ઠા હોવી આવશ્યક ગણાય છે; મહાકાવ્યને અંતે જીવનમૂલ્યોનું સંસ્થાપન થતું હોય છે. આથી મહાકાવ્ય અન્ય સાહિત્યકૃતિ કરતાં જુદું પડતું હોય છે.

‘રામાયણ’ ને ‘મહાભારત’માં જો કે બંને કવિઓએ જીવનની વિષમતાઓને શુદ્ધ વાસ્તવિક અભિગમથી આલેખવાનો પૂરો યત્ન કર્યો છે. જીવનની નક્કર ને કઠોર વાસ્તવિકતાઓની વચ્ચે આ કૃતિઓનાં આદર્શ પાત્રો ટકી રહે છે ને એ રીતે કૃતિમાં સત્યનું સ્થાપન થાય છે. બાકી તો વ્યાસ અને વાલ્મીકિએ ઉત્તમ ઘટનાઓ, આદર્શો ને ચરિત્રોની પૂર્ણતાની નજીક પહોંચાડવાનો સફળ પ્રયત્ન કર્યો છે એવું આદરપૂર્વક કહેવાની ફરજ પડે તેમ છે.

વાલ્મીકિકૃત ‘રામાયણ’ પ્રશિષ્ટ કૃતિ તરીકે સન્માન પામી શકે તેવી કૃતિ હોવાનું એક મુખ્ય કારણ તેનામાં રહેલું શાશ્વત દર્શન છે. વાલ્મીકિનાં પાત્રો ક્યારેય પુરાણાં લાગે એવાં નથી. વાલ્મીકિ આ અર્થમાં ‘આધુનિક’ કવિ લાગે છે. રવિન્દ્રનાથ ટાગોર જેને ‘દ્રષ્ટિકોણની આધિનિકતા’ કહે છે તેવી આધુનિકતા વાલ્મીકિનાં પાત્રોમાં અનેક જગાએ જોવા મળે છે. આ પાત્રોમાં એ દ્રષ્ટિએ સીતા વિશેષ આકર્ષે તેવું પાત્રત્વ ધરાવે છે.

મૂળ કૃતિના અભ્યાસના અભાવે સીતાના પાત્રની જે છાપ ભાવકના મનમાં પડેલી છે તે વાલ્મીકિને વાંચતાં સાચી ઠરતી નથી. સામાન્ય ભાવક સીતાને વ્યક્તિત્વ વિનાની પતિવ્રતા સ્ત્રી માની બેસવાની ભૂલ કરે છે. સીતા જાણે દુ:ખોથી ઘેરાઈ ગઈ છે, અન્યાયનું ભાજન બનેલી છે, રામે તેને માટે જે સ્થિતિ નિર્મી છે એ સ્થિતિને મૂંગે મોઢે સ્વીકારતી ગઈ છે. સીતાનું નામ લેતાં જ સાક્ષાત્ દુ:ખની મૂર્તિ આપણી નજર સમક્ષ ઊપસે છે.

સીતાનું આવું ચિત્ર એના અદભુત વ્યક્તિત્વને ભારે અન્યાયકર્તા બને છે. વાલ્મીકિએ જે સીતાને આલેખી છે એ સીતા અસાધારણ છે, ગરિમામય છે, ઉપશમની દેવી હોવા છતાં ઓજસ્વી છે. સીતાનાં પાત્રને ક્રમશ: ઉઘાડતા વાલ્મીકિની પ્રસન્નતા પદે પદે વેગ પકડતી જણાય છે.

વાલ્મીકિ ભારે મિતભાષી કવિ છે. પોતાનાં અસામાન્ય પાત્રોનો પરિચય કરાવવાની એમને જરાય ઉતાવળ નથી. પાત્રોને બનતાં સુધી, પ્રથમ પરોક્ષ રીતે પ્રગટ કરીને પ્રત્યક્ષ કરવાની વાલ્મીકિની આદત સીતાના આલેખનમાં દેખાય છે. આથી જ, સીતાનો પહેલવહેલો પરિચય તેના વિવાહ સમયે ભાવકને પરોક્ષ રીતે થાય છે. પોતાની મહિમાવંત નાયિકાના આગમનનું કવિ અદબથી ઉદઘાટન કરે છે. રાક્ષસોનો ધ્વંસ કરીને વિશ્વામિત્ર સાથે જનકના રાજ્યમાં આવેલા રામ ને લક્ષ્મણ સમક્ષ રાજા જનક પોતાનું ધનુષ બતાવવા ઈચ્છે છે. આ ધનુષ જનક પાસે શિવની અમાનત તરીકે પડેલું છે. જનક આ ક્ષણે જણાવે છે કે અગાઉ યજ્ઞ માટે ભૂમિનું શોધન કરતી વખતે હળની અણી (સીતા)થી જમીન ખોદતાં મારી પુત્રી મને મળી આવી છે. આવી અયોનિજા પુત્રીને જનક સામાન્ય વ્યક્તિના હાથમાં સોંપવા માગતા નથી. આ કારણે તેમણે પુત્રીને ‘વીર્યશુલ્કા’ રાખેલ છે. સીતાને મેળવવા ઇચ્છતા પુરુષે પોતાનાં પરાક્રમની કિંમત ચૂકવવાની છે. એ કિંમત પેટે જેને અત્યાર સુધી કોઈ ઊંચકી પણ શક્યું નથી એવાં મહાદેવના ધનુષને તોડવાનું છે.

સીતાનો અહીં બેવડો પરિચય મળે છે : જન્મની અસાધરણતા અને વિદેહરાજ એવા જનકને મન પોતાની અસાધરણ પુત્રીનું અસાધારણ મૂલ્ય. સીતાના આ પરોક્ષ પ્રવેશ સમયે એ અનુપસ્થિતિ છે ને છતાં એનું પાત્ર આ ક્ષણથી રોચક રીતે છવાઈ જાય છે.

રામ, સીતા માટે જનકે નક્કી કરેલું મૂલ્ય ચૂકવે છે ત્યારે પ્રસન્ન થઈને અભિનંદતા જનક પોતાની પુત્રી રામને પતિરૂપે મેળવીને ‘જનકવંશની કીર્તિનો વિસ્તાર કરશે’ એવી ખાતરી આપે છે. સીતાને મળેલું આ સૌથી પહેલું પ્રમાણપત્ર છે. જનક જેવા પિતા પાસેથી એ મળેલું હોઈ, એને અંતિમ પ્રમાણપત્ર પણ ગણી શકાય.

લગ્ન કરીને અયોધ્યામાં સ્થિર થયેલી, કિશોરવયની સીતાના ગુણલક્ષણો વર્ણવતા વાલ્મીકિ નોંધે છે : ‘સીતા રામને અત્યંત પ્રિય હતી, કેમ કે તે એના પિતા જનક દ્વારા રામના હાથમાં પત્ની રૂપે સોંપાયેલી હતી; સીતાના પાતિવ્રત્ય અને સૌંદર્ય જેવા ગુણોથી રામનો એના પરનો પ્રેમ ઉત્તરોત્તર વધતો રહ્યો હતો…જનકનંદિની સીતા રામના હાર્દિક અભિપ્રાયને પોતાના હૃદયથી વધારે સારી રીતે જાણી લેતી હતી અને સ્પષ્ટરૂપે વ્યક્ત પણ કરી દેતી હતી….!’ સીતા રામને પ્રિય હોવાનું પહેલું કારણ વ્યાવહારિક છે ને બીજું ને ત્રીજું એના ગુણોને કારણે છે. વિષમ પરિસ્થિતિમાં પગ મૂકતાં પહેલાંની સીતાનો આ પરિચય પછીની ઘટનાઓને સમજવામાં ભારે મદદરૂપ થાય છે.

કમળના બિસતંતુ જેવી કમળ સીતા જીવનદર્શનની બાબતમાં અત્યંત સ્પષ્ટ છે. આ વાતનો પ્રથમ પરિચય રામના વનગમન સમયે થાય છે. વનમાં જતાં પહેલાં સીતાની રજા લેવા આવેલા રામ, સીતાને પરિસ્થિતિથી વાકેફ કરીને સીતાએ હવેના સંજોગોમાં રાખવાના વર્તન અંગે સલાહ આપે છે ત્યારે સીતાએ રામને આપેલો ઉત્તર પત્ની સીતાનો નહિ પણ વ્યક્તિ સીતાનો છે. નાયિકાની દીપ્તિવત એવી આ ક્ષણોને ભારે પ્રસન્નતા અને વિવેકથી વાલ્મીકિએ મૂકી આપી છે : ‘પ્રિયવાદિની વિદેહકુમારી સીતાજી, જે સર્વ પ્રકારે સ્વામીનો પ્રેમ મેળવવા યોગ્ય હતી તે પ્રેમથી કંઈક નારાજ થઈને બોલી, “આપ મને ઓછી (સામાન્ય) સમજીને આ શું કહી રહ્યા છો ? આપની આ વાતો સાંભળીને મને હસવું આવે છે. તમે જે કહ્યું છે તે અસ્ત્ર-શસ્ત્રોના જ્ઞાતા વીર રાજકુમારને છાજે તેવું નથી; તેમ જ અપયશ આપનારું હોઈ, સાંભળવા યોગ્ય પણ નથી. બધા સંબંધોમાં માત્ર પત્ની જ પતિના ભાગ્યનું અનુસરણ કરનારી છે આથી મને પણ તમારી સાથે વનમાં રહેવાની આજ્ઞા મળી ગઈ છે. ઊંચા ઊંચા મહેલોમાં રહેવું, વિમાનોમાં ચડીને ફરવું કે અણિમા વગેરે સિદ્ધિઓ દ્વારા આકાશમાં વિચરવું – આ બધાં કરતાં સ્ત્રી માટે પતિના ચરણોની છાયામાં રહેવું વધારે મહત્વનું છે.”..’ સીતાનાં આ વચનો તેને રામની કહ્યાગરી પત્ની નહિ પણ સમાનધર્મી તરીકે વ્યક્ત કરે છે. આ વચનોથી પણ આગળ વધીને રામને એ તારસ્વરે સમજાવતાં કહે છે, ‘મારે કોની સાથે કેવું વર્તન રાખવું એ વિષયમાં મારાં માતા-પિતાએ મને અનેક પ્રકારે શિક્ષણ આપ્યું છે. આથી એ વિષયમાં મને કોઈ શિક્ષણ આપવાની જરૂર નથી. તમે તો વનમાં રહીને બીજા લોકોની પણ રક્ષા કરી શકો છો તો પછી મારી રક્ષા કરવી એ તમારા માટે કઈ મોટી વાત છે ?…તમારા વિના મને સ્વર્ગનો નિવાસ પણ રુચશે નહિ. તમરો વિયોગ મારા માટે મૃત્યુને લાવનારો બનશે.’

સીતાના કથનના ઉત્તરમાં રામ ફરીથી વનમાં દુ:ખો વર્ણવે છે ત્યારે સીતાનો આ આખરી ઉત્તર છે : ‘હું જાણું છું કે વનવાસમાં અવશ્ય ઘણાં દુ:ખો પ્રાપ્ત થાય છે પણ એ જેનાં મન ને ઇન્દ્રિયો એના વશમાં નથી એને જ જણાય છે. હું આપની ધર્મપત્ની છું, ઉત્તમ વ્રતને પાળવાવાળી ને પતિવ્રતા છું, તો પછી ક્યું કારણ છે જેથી તમે મને સાથે લઈ જવા માગતા નથી ?’ આટલું કહ્યા પછી પણ રામ તેને સાથે લઈ જવા અંગે અનિચ્છા દર્શાવે છે ત્યારે ભાગ્યે જ પ્રતાપ દર્શાવતી સીતા રામને અટકમાં લેતાં કહે છે, ‘શું મારા પિતા વિદેહરાજ જનકને આપને જમાઈ તરીકે મેળવતી વખતે એ ખબર હશે કે આપ કેવળ શરીરથી જ પુરુષ છો, કાર્યથી તો સ્ત્રી છો ? તમે છોડીને ચાલ્યા જાવ ને અજ્ઞાનવશ સંસારના લોકો જો એમ કહે કે સૂર્ય સમાન તેજસ્વી રામમાં તેજ અને પરાક્રમનો અભાવ છે તો એમની અસત્ય ધારણા મારા માટે કેટલી દુ:ખની વાત બનશે ?…જેનો કૌમાર્યાવસ્થામાં જ તમારી સાથે વિવાહ થયો છે અને જે લાંબા કાળ સુધી તમારી સાથે રહી ચૂકી છે તેવી મારા જેવી સતી-સાધ્વી પત્નીને આપ સ્ત્રીની કમાણી ખાતા નટની જેમ બીજાના હાથમાં સોંપી દેવા માગો છો ? આપ મને જેની અનુકૂળ રહેવાની શીખ આપો છો ને જેને કારણે તમારો રાજ્યાભિષેક રોકાયો છે એ ભરતને વશ વર્તીને તમે જ રહો, હું નહિ રહી શકું.’ વાલ્મીકિએ જો આ વાક્યો નોંધ્યાં ન હોય તો એ સામાન્ય ભાવકે કલ્પેલી સીતાનાં વાક્યો હશે કે કેમ એવી શંકા ઊઠે રાજ્ય ગયા છતાં પણ રામ તટસ્ત છે તો સીતાની અલિપ્તતા પણ કંઈ ઓછી નથી. રામ સાથેની આખીય વાતચીતમાં સીતાએ ક્યાંય પણ રાજ્યનો, દશરથ કે કૈકેયીનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો અંથી. એને તો સંબંધ છે માત્ર રામની સાથે. સીતા સાથેની આ ક્ષણોમાં રામ પણ જાણે ઝંખવાઈ ગયા છે.

આ પ્રકારની સૌમ્ય ગરિમાને સીતાએ અવારનવાર પ્રગટાવી છે. વનવાસ દરમ્યાન અત્રિપત્ની અનસૂયા સેતાને પતિવ્રતાનું પાલન કરવા ઉપદેશે છે ત્યારે અનસૂયાનું માન જાળવીને ઉત્તર આપતી સીતનું ક્ષાત્રત્વ જોવા જેવું છે. વિનીતભાવે સીતા અનસૂયાને જણાવે છે : ‘આપ સંસારની સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છો. નારીનો ગુરુ એનો પતિ જ હોય છે એ વિષયમાં આપે મને જે ઉપદેશ કર્યો એની મને પહેલેથી જાણ છે. મારા પતિ અનાર્ય હોત તો પણ હું એમની સેવા કરત, ત્યારે રામની તો વાત જ ક્યાં છે? આ અંગે મારાં સાસુ કૌશલ્યાએ તેમ જ મારી માતાએ મને ઉપદેશ આપેલો જ છે!’

રામને ગુરુ માનતી સીતાએ જરૂર જણાઈ છે ત્યારે રામને મૈત્રીભાવે કેટલોક ઉપદેશ પણ કર્યો છે. રાક્ષસોના વધ માટે રામને ઉધત થયેલા જોઈને કરુણાદ્ર સીતાએ રામને સલાહ આપતાં કહ્યું છે, ‘આપ મહાન છો તો પણ અત્યંત સૂક્ષ્મતાથી વિચારતાં આપ અધર્મમાં પ્રવૃત્ત થયા છો. મિથ્યાભાષણ, પરસ્ત્રીગમન અને વેર વિના જ બીજા પ્રત્યે ક્રૂરતાભર્યું આચરણ જેવા દોષોથી આપ મુક્ત છો, આપ જિતેન્દ્રિય છો પણ બીજાં પ્રાણીઓની હિંસા કરવા ઉધત છો. આપના હાથમાં રહેલું ધનુષ આપને યુદ્ધ કરવા પ્રેરશે જ. આથી પ્રેમ ને આદરને કારણે હું આપને જણાવું છું કે તમારે રાક્ષસોને મારવા ન જોઈએ. મન ને ઇન્દ્રિયોને વશમાં રાખનાર ક્ષત્રિયવીરો માટે સંકટમાં પડેલાં પ્રાણીઓ માટે જ ધનુષ ધારણ કરવું એ પ્રયોજન છે. ક્યાં શસ્ત્રધારણ ને ક્યાં વનવાસ ! ક્યાં ક્ષત્રિયોનો હિંસામય કઠોર ધર્મ ને ક્યાં બધાં પ્રાણીઓ પર દયા કરવારૂપ આ તપ– આ બધું પરસ્પરવિરુદ્ધ જણાય છે. અત્યારે આપણે દેશધર્મનું પાલન કરવું જોઈએ. કેવળ શસ્ત્રોનું સેવન કરવાથી મનુષ્યની બુદ્ધિ કૃપણ પુરુષો જેવી કલુષિત થઈ જાય છે. આથી આપ અયોધ્યા જઈને જ ફરી ક્ષાત્રધર્મનું અનુષ્ઠાન કરજો. રાજ્ય ત્યાગીને વનમાં આવી જવાથી આપ મુનિવૃત્તિથી રહો તો જ મારાં સાસુ-સસરાને અક્ષય પ્રસન્નતા થશે….આ સંસારમાં ધર્મ જ સાર છે. ચતુર મનુષ્ય ભિન્ન ભિન્ન વાનપ્રસ્થોચિત નિયમો દ્વારા પોતાના શરીરને ક્ષીણ કરીને યત્નપૂર્વક ધર્મનું સંપાદન કરે છે. કારણ કે સુખદાયક સાધનોથી સુખના હેતુભૂત ધર્મની પ્રાપ્તિ થતી નથી.’ આટલું કહ્યા પછી વિનમ્રતાપૂર્વક રામની સ્તુતિ કરતાં વાતને સમેટતાં એમ પણ કહે છે કે ‘આપને ધર્મનો ઉપદેશ આપવા માટે કોણ સમર્થ છે ? આપ આ વિષયમાં તમારા અનુજ સાથે બુદ્ધિપૂર્વક વિચાર કરીને યોગ્ય લાગે તેમ કરો.’ રામે ઉત્તરમાં સીતાના વિચારને અભિનંદ્યો છે તમ જ એની સરાહના પણ કરી છે. આ આખીય ઘટના રામ-સીતાનાં પ્રસન્ન ને મૈત્રીસભર દામ્પત્યનું સુઘડ ચિત્ર સ્પષ્ટ કરે છે.

પ્રેમ, પવિત્રતા, લજ્જા, ધૃતિ જેવા મહાન ગુણોની સ્વામિની એવી સીતા રામ પ્રત્યેના અપાર પ્રેમને કારણે કરીને એક જ વાર એના કેન્દ્રમાંથી હલી ઊઠી છે. સુવર્ણમૃગનો વેશ ધારીને આવેલા મારીચની પાછળ રામને મોકલ્યા પછી લક્ષ્મણના નામથી મારીચે પાડેલી બૂમથી ચિંતિત થયેલી વૈદેહી લક્ષ્મણને ન કહેવાનાં વચન કહી બેસે છે. વાલ્મીકિએ આ ક્ષણે તેને ‘ક્ષુબ્ધા’ જણાવી છે. રામ પ્રત્યેનો તેનો પ્રેમ એને મોહમાં ખેંચી ગયો છે.

સીતાના જીવનમાં થોડી વાર માટે આવેલી આ વિક્ષુબ્ધતાએ એનાં પછીનાં જીવનને છિન્નભિન્ન કરી નાખ્યું છે. રામનો બે વખતનો વિરહ તેને માટે ભોગવવાનો આવ્યો છે. પણ આ ક્ષણોને સીતાએ પોતાનાં સ્વભાવગત સ્થૈર્યથી ઓળંગી લીધી છે. પરિણામે રાક્ષસ રાવણ પણ તેનું કંઈ બગાડી શક્યો નથી.

રામનું દુતત્વ કરવા ગયેલા હનુમાન, જેમને વાલ્મીકિએ ‘બુદ્ધિમતાં વરિષ્ઠમ્’ તરીકે ઓળખાવ્યા છે તેઓ પણ સીતાને જોઈને દુ:ખમિશ્રિત આદરથી આંદોલિત થઈ જાય છે. હનુમાન જુએ છે આવી સીતાને જે મલિન વસ્ત્રોમાં રાક્ષસીઓથી ઘેરાઈને બેઠી હતી; ઉપવાસને કારણે દુર્બળ ને દીન દેખાઈ રહી હતી; શુક્લ પક્ષના આરંભે ચન્દ્રની કળા જેવી નિર્મળ ને કૃશ દેખાતી હતી; ધૂંધળી સ્મૃતિના આધારે થોડીક ઓળખાણથી દેખાતાં એના રૂપથી એ પોતાની સુંદર પ્રભા વિખેરી રહી હતી અને ધુમાડાથી ઢાંકેલા અગ્નિ જેવી દેખાતી હતી….એ સુખ ભોગવવાને યોગ્ય હતી પણ દુઃખથી સંતપ્ત થઈ રહી હતી. રામની સેવામાં રુકાવટ આવવાથી તેને વ્યથા થઈ રહી હતી.’ આવી સીતાને જોતાં હનુમાનને રામનું ભાગ્ય પ્રશંસનીય જણાય છે. આવી અનુપમ પત્ની વિરામ જીવી શકે છે એ ઘટના હનુમાનને મન દુષ્કર છે. સુંદર નેત્રોવાળી સીતા પોતાના શીલથી જ સુરક્ષિત છે એવું જાણીને હનુમાન મનિમ્ન સીતાનું અભિવાદન કરે છે.

હનુમાનને સીતાનો પહેલો પરિચય તેના બાહ્ય દેખાવથી થયો છે તો તેનો બીજો પરિચય રાવણ સાથે સીતાની થયેલી વાતચીત સમયે થાય છે. આ પરિચય હનુમાન જેવા તાર્કિક પુરુષને વધુ સ્પર્શી જાય છે. સીતાને મનાવવા આવેલા રાવણ સાથે પવિત્ર હાસ્યવાળી સીતાએ તણખલાને આડશમાં રાખીને વાત કરી છે. આ આખીય વાતચીત ક્ષત્રિયાણી સીતાને, રાજરાણી સીતાને છાજે તેવી છે. રાવણને સૌમ્યતાપૂર્વક સમજાવતાં સીતાએ તેને આત્મીયજનોને પ્રેમ કરવા જણાવ્યું છે. પોતાનું મહાત્મ્ય પ્રગટ કરતાં સીતા જણાવે છે કે, ‘જેમ પાપાચારી પુરુષ સિદ્ધિઓની ઈચ્છા કરી શકતો નથી તેમ તું મારી ઈચ્છા કરવા યોગ્ય નથી…હું સતી અને પારકી સ્ત્રી છું…જેમ તારી સ્ત્રીઓ તારાથી રક્ષણ પામે છે તેમ બીજાઓની પણ તારે રક્ષા કરવી જોઈએ. તું તારી જાતને આદર્શ બનાવીને તારી જ સ્ત્રીઓમાં અનુરક્ત રહે. જે પોતાની સ્ત્રીઓથી સંતુષ્ટ રહેતો નથી તેની બુદ્ધિ ધિક્કારવા યોગ્ય છે. એવા ચપળ ઇન્દ્રિયોવાળા ચંચળ પુરુષને પરસ્ત્રીઓ હરાવે છે.’

રાવણની ચિંતા કરતી કલ્યાણી સીતા તેને પૂછે છે કે ‘શું તારે ત્યાં સત્પુરુષો રહેતા નથી કે રહેતા હોવા છતાં તું એને અનુસરતો નથી જેથી કરીને તારી બુદ્ધિ આવી આચારશૂન્ય થઈ ગઈ છે ?… જેનું મન સદુપદેશને ગ્રહણ કરતું નથી એવા રાજાના હાથમાં પડીને મોટાં મોટાં સમૃદ્ધશાળી રાજ્યો ને નગરો નષ્ટ થઈ જાય છે. આથી આ રત્નરાશિથી પૂર્ણ એવી લંકા તારા હાથમાં આવીને માત્ર તારા જ અપરાધથી ઝડપથી નષ્ટ થઈ જશે.’

આટલું કહ્યા પછી પોતાની ગરિમા પ્રગટ કરતાં સીતા સ્પષ્ટ થઈને કહે છે, ‘જેમ પ્રભા સૂર્યથી અલગ નથી તેમ હું રઘુનાથથી અભિન્ન છું. ઐશ્વર્ય કે ધનથી તું મને લોભાવી નહિ શકે. શ્રીરામની સમ્માનિત ભુજાઓ પર માથું રાખનારી હું બીજા કોઈના હાથનો તકિયો કેમ કરું ? જેમ વેદવિદ્યા આત્મજ્ઞાની સ્નાતક બ્રાહ્મણની જ સંપત્તિ છે તેમ હું કેવળ એ પૃથ્વીપતિ રામની ભાર્યા થવા જ યોગ્ય છું. તારે માટે એ જ સારું છે કે વનમાં સમાગમની ઈચ્છાવાળી હાથણીને જેમ કોઈ હાથી સાથે મેળવી દે તેમ તું મને દુઃખિયાને રામ પાસે પહોંચાડ. જો તને તારા નગરની રક્ષા અને દારુણ બંધનથી બચવાની ઈચ્છા હોય તો તારે રામને મિત્ર બનાવી લેવા જોઈએ. એનાથી વિપરીત કરતાં તું ભારે વિપર્રિમાં મુકાશે.’

સીતાનાં આવેગરહિત છતાં નક્કર વિધાનોથી ગુસ્સે ભરાયેલો રાવણ સીતાને મારી નાખવાની ધમકી આપે છે ત્યારે સીતા વિહવળ થયા વિના જણાવે છે કે, ‘મારું તેજ તને ભસ્મ કરવા માટે પૂરતું છે. માત્ર શ્રીરામની આજ્ઞા ન હોવાને કારણે તેમ જ મારી તપસ્યાને સુરક્ષિત રાખવાના વિચારથી જ હું તને ભસ્મ કરતી નથી. હું મતિમાન શ્રીરામની પત્ની હોઈ, મને હરવાની તારામાં શક્તિ જ નહોતી. નિઃસંદેહ તારા વધને માટે જ વિધાતાએ આ વિધાન રચ્યું છે.’

રાવણ સાથે સીતાની આટલી વિસ્તૃત વાતચીત પહેલી ને છેલ્લી વારની છે, જે હનુમાનની ઉપસ્થિતિમાં થયેલી છે. સીતાની ભાષામાં શાલીનતા, સ્વગૌરવ છતાં દુશ્મનનું પણ માન જાળવવાની વૃત્તિ, રોષનો અભાવ ને નારીત્વને જાળવવાની તેની આવડત હનુમાનને નતમસ્તક બનાવે છે.

હનુમાન સીતા સમક્ષ પોતાનું મૂળ રૂપ પ્રગટ કરે છે ત્યારે સીતા એમનું સ્વાગત કરતાં કહે છે, ‘જો તમને આત્મજ્ઞાની ભગવાન રામે મોકલ્યા છે તો મારા માટે તમે વાતચીત કરવા યોગ્ય છો. દુર્ધષ વીર એવા રામ મારી પાસે એવા કોઈ પુરુષને ન જ મોકલે જેનાં પરાક્રમો તેઓ ન જાણતા હોય તેમ જ જેમના શીલ-સ્વભાવની તેમણે પરીક્ષા કરી ન હોય.’

સીતાના વિલાપથી દ્રવિત થયેલા હનુમાન સીતાને પોતાની સાથે લઈ જવા જણાવે છે ત્યારે વિવેકમૂર્તિ સીતા હનુમાનને અન્યાય ન થાય એ રીતે જણાવે છે; ‘તમારી શક્તિ હું જાણું છું. પણ તમારી સાથે આવવું કોઈ પણ દ્રષ્ટિએ ઉચિત નથી. કારણ કે તમારો વેગ વાયુ સમાન છે. એ મને મૂર્છિત પણ કરી શકે. તમારી પીઠ પરથી હું નીચે પણ પડી શકું. રાવણ તમારો પીછો કરે તો તમારે લડવું પણ પડે.’ હનુમાનનાં પરાક્રમને આટલી દાદ આપ્યા પછી સીતા બે મહત્વની વાત કરતાં એનું બુદ્ધિમાન વ્યક્તિત્વ પ્રગટાકે છે. તેને મતે હનુમાન બધા રાક્ષસોનો વધ કરે તો રામના યશને વિઘ્ન નડે. વળી પતિવ્રતા નારી હોવાથી શ્રીરામ સિવાય બીજા કોઈ પુરુષને સીતા સ્વેચ્છાએ સ્પર્શ કરવા માગતી નથી. રાવણનો સ્પર્શ તો બળાત્કારે થઈ ગયો છે. સીતાની આટલી સ્પષ્ટતાથી બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ એવા હનુમાન સીતાના પાત્રને સાદર અભિવંદે છે. સીતાનું આ દર્શન હનુમાનને મતે રામની ધર્મપત્નીને અનુરૂપ છે.

સીતા, દુશ્મનને પણ પ્રેમ કરવાનું મન થાય એવી શુદ્ધ આચારનિષ્ઠા સ્ત્રી છે. આથી જ, રાવણના મૃત્યુ પછી વિલાપ કરતી મંદોદરી રાવણના મૃતદેહને અનુલક્ષીને જણાવે છે, ‘ભગવતી સીતા, અરન્ધતી અને રોહિણીથીયે વધારે પતિવ્રતા છે. એ વસુધાની વસુધા અને શ્રીનીયે શ્રી છે. પોતાના સ્વામી પ્રત્યે અનુરક્ત અને સૌની પૂજનીય એવી દેવી સીતાનો તિરસ્કાર કરીને તમે ભારે અનુચિત કર્મ કર્યું છે. એને પામવી તો દૂર રહી, ઊલટું એ પતિવ્રતાની તપસ્યાથી તમે બળીને ખાખ થઈ ગયા. આશ્ચર્ય તો એ વાતનું છે કે એનું અપહરણ કરતી વેળા તમે બળીને રાખ કેન ન થઈ ગયા ?’ રાવણપત્ની હોવાને નાતે મંદોદરી સીતાની ઈર્ષા કરે એવા નિરૂપણની આપણને અપેક્ષા હોય પણ સીતાના ચારિત્ર્યની સુવાસ એના વિરોધીને પણ પુલકિત કરી દે છે.

રાવણના મૃત્યુ પછી રામે પહેલાં તો સીતાને હનુમાન દ્વારા માત્ર યુદ્ધમાં મળેલા વિજયની સૂચના જ પહોંચાડી છે. આ ક્ષણે સીતાએ પણ રામને મળવાની કોઈ ઉતાવળ કે ઉત્સાહ દર્શાવ્યાં નથી. ઉત્સાહના અતિરેકની આ ક્ષણને સીતા ભારે માવજતથી જાળવી લે છે.

સીતા પાસે આવેલા હનુમાન સીતાના પતિવ્રત્યની જ જીત જાહેર કરીને સીતાને હેરાન કરનાર રાક્ષસીઓને મારી નાખવા ઈચ્છે છે. પણ રાજનીતિ તેમ ક ધર્મને જાણનારી સીતા ઔચિત્યને દર્શાવતાં હનુમાનને વારે છે. તેને મતે આ રાક્ષસીઓ રાજાને આધીન હતી. સાધુપુરુષનું કામ માત્ર સદાચારની રક્ષા કરવાનું જ છે એવું માનતી સીતા મનુષ્યનાં મનને બરોબર જાણે છે. ‘એવું કોઈ પ્રાણી નથી જેનાથી કોઈ અપરાધ ન થાય’ એવું કહીને સીતાએ સમત્વની ચરમ કોટિ અહિં પ્રગટ કરી છે.

અગાઉ સીતાએ ક્ષુબ્ધાવસ્થામાં કરેલી લક્ષ્મણની અવમાનનાનો ઉત્તર વાળતા હોય તેમ રામે સીતાને બોલાવી મંગાવ્યા પછી ભરી સભા વચ્ચે સીતાને ઉપાલંભ કર્યો છે. સીતાને છોડાવવા પાછળ કુળની કીર્તિને સાચવવાનો જ ઈરાદો છે એમ કહેતા રામ કઠોર થઈને સીતાને અન્ય જગ્યાએ, અન્ય વ્યક્તિ પાસે સ્થિર થવા જણાવે છે. સીતા પરપુરુષ પાસે રહેલી છે તેથી રામને માટે ત્યાજ્ય છે એવું જાહેર કરતા રામને જોઈને સીતા જરા પણ ખળભળ્યા વિના સૌમ્યતાપૂર્વક આંખ ઉઠાવે છે. આ ક્ષણની સીતામાં પૃથ્વીતત્વની સૌમ્યતા જાળવાઈ છે તો વિદેહ જનકના લાલનપાલનથી કેળવાયેલી સમજ ને એને અભિવ્યક્ત કરવાની ક્ષમતા એનાં દીપ્તિમંત પાત્રને સંપૂર્ણતઃ ઉઘાડે છે. રામને એ સવિનય જણાવે છે : ‘આપ આવી કઠોર, અનુચિત, કર્ણકટુ, રુક્ષા એવી વાત મને શા માટે સંભળાવો છો ? જેવી રીતે કોઈ નિમ્ન શ્રેણીનો પુરુષ, નિમ્ન શ્રેણીની સ્ત્રીને ન કહેવા જેવી વાતો પણ કહી નાખે છે તેમ આપ પણ મને કહો છો. નીચ સ્ત્રીઓનું આચરણ જોઈને આપ સમસ્ત સ્ત્રી જાતિ પર સંદેહ કરતા હો તો એ અનુચિત છે. જો તમે મને ઓળખી હોય તો આ સંદેહને મનમાંથી કાઢી નાખો…આપણો અનુરાગ સાથે સાથે વધ્યો છે. છતાંય જો આપ મને ન ઓળખી શક્યા હોત તો એ મારું દુર્ભાગ્ય છે. હનુમાનને મોકલ્યા ત્યારે જ મારો ત્યાગ કર્યો હોત તો તમે જીવને જોખમમાં નાખીને કરેલો યુદ્ધનો વ્યર્થ પરિશ્રમ તમારે ન કરવો પડત. આપના મિત્રોને પણ અકારણ કષ્ટ ન પડત. રાજા જનકની યજ્ઞભૂમિમાંથી જન્મી હોવાથી હું ‘જાનકી’ તરીકે ઓળખાઉં છું. વાસ્તવમાં મારી ઉત્પત્તિ થઈ નથી. હું ભૂતળમાંથી પ્રગટી છું. મારી આ વિશેષતાને તમે લક્ષમાં લીધી નથી. બલ્યાવસ્થામાં તમે કરેલું મારું પાણિગ્રહણ, મારી તમારા પ્રત્યેની ભક્તિ ને શીલને પણ તમે ધ્યાનમાં લીધાં નથી.’ અહીં ભરી સભામાં સીતાને રામનાં કઠોર અને અનુચિત વચનો સાંભળવાં પડ્યાં એ નહિ પણ એના ચારિત્ર્યનું પ્રમાણ આપવું પડ્યું એ ઘટના કરુણનો વિભાવ બને છે.

પૂર્વજીવનમાં આવી અનેક કરુણતાઓને સમાવતી સીતાને કાળે અંત લગી છોડી નથી. મહારાણી બનેલી સીતા પર પ્રજાને સંદેહ છે. ઉમદા એવી પત્ની પર ચારિત્ર્ય વિશે આવેલા આક્ષેપથી વિહ્વળ બનેલા રામ. સીતાને છોડવાનો નિર્ણય કરે છે. સીતાને મળ્યા વિના જ લક્ષ્મણની સાથે તેને વનમાં મોકલતા રામ બહારથી તેનો ગર્ભાવસ્થાનો દોહદ પૂરો કરવાનું જણાવે છે. પરિસ્થિતિથી અજાણ એવી સીતા જતી વખતે લક્ષ્મણને પોતાને થતાં અપશુકનો વિશે જણાવે છે ત્યારે પણ કલ્યાણની કામના કરવાનું ચૂકતી નથી. જતાં જતાં એ રામનું, સાસુઓનું ને પ્રજાનું કલ્યાણ ઇચ્છે છે. અહીં એક રીતે જોતાં જે કામ રાવણે કરેલું તે જ પ્રજાએ દોહરાવ્યું છે એવું સ્પષ્ટ રીતે જણાય છે પણ કલ્યાણમયી સીતાએ રાવણ ને પ્રજા બંનેને શુભ ભાવનાઓની ભેટ જ આપી છે. સીતા સત્યની ધારક છે એનો આ એક જ પુરાવો પૂરતો છે.

લક્ષ્મણના મુખેથી રામે કરેલા પોતાના ત્યાગની વાત સાંભળીને સીતા પાસે બે પ્રશ્નો છે, જેનો કોઈ ઉત્તર કદાચ વાલ્મીકિને પણ સાંપડ્યો નહિ હોય. લક્ષ્મણને એ કહે છે, ‘મુનિજન મને પૂછશે કે રામે ક્યા અપરાધથી મારો ત્યાગ કર્યો છે, ત્યારે હું શો જવાબ આપીશ ? મારો ક્યો અપરાધ દર્શાવીશ ? આમ તો હું ગંગાજળમાં મારો દેહ અર્પણ કરી દેત; પણ એવુંય કરી શકું તેમ નથી કેમ કે રામનો વંશ મારા પેટમાં છે.’ આ ક્ષણે પણ રામ પ્રત્યેના તેના કર્તવ્યથી એ પૂરી સજાગ છે. વિલાપ કરતા ને ક્ષમા માગતા લક્ષ્મણને એ શાંતિથી આશ્વાસન આપતાં જણાવે છે કે લક્ષ્મણનું અત્યારનું કર્તવ્ય ‘મહારાજ’ રામની આજ્ઞા પ્રમાણે સીતાને ત્યજવાનું જ હોઈ શકે. લક્ષ્મણનો તો કોઈ અપરાધ સીતા માની જ કેવી રીતે શકે ?

સૌમિત્રિ સાથે રામને સંદેશો આપતાં સ્વગૌરવને સાચવી લેતાં સીતા જણાવે છે, ‘તમે તો મારી શુદ્ધિને જાણો જ છો. પણ અપયશથી ડરીને તમે મને ત્યાગી છે. મારે કારણે જે અપવાદ ફેલાયો તેને દૂર કરવાની મારી પણ ફરજ છે. તમે સાવધાનીપૂર્વક પ્રજાજનો સાથે ભાઈઓ જેવો જ વ્યવહાર કરજો.’ આ ક્ષણે સીતા રામની પ્રિયતમા બની જાય છે. પતિનો વિશ્વાસ તેના માટે એટલો બળવાન છે કે પ્રજાના મતની તેને પડી નથી. એનો વિલાપ રામથી દૂર થવાનો છે, લોકાપવાદનો તો એ ન જ હોઈ શકે.

સત્યના કઠોર માર્ગની ચિર પ્રવાસી સીતાની આ વિષમ ક્ષણોમાં દોડતા આવેલા ઋષિ વાલ્મીકિ જાણીને તેને ‘પતિવ્રતા’નું સંબોધન કરે છે. આશ્રમની મુનિપત્નીઓને સીતાની સોંપણી કરતાં યથાર્થ રીતે જ વાલ્મીકિએ સીતાની ઓળખ આપતાં કહ્યું છે, ‘મારા કહેવાથી અને વધારે તો પોતાના ગૌરવથી જ સીતા તમારા માટે વિશેષ આદરણીય છે.’

દ્રૌપદીના જીવનમાં બનેલી વસ્ત્રાહરણની ભીષણ ઘટના કરતાંયે સીતાના જીવનની અંતિમ ક્ષણો વધારે ભીષણ જણાય છે. અશ્વમેઘ યજ્ઞ કરતા રામના દરબારમાં આવેલા વાલ્મીકિ સમક્ષ રામ સીતાને ફરીથી ભરી સભા વચ્ચે સતીત્વનું પ્રામાણ્ય આપવા જણાવે છે. આ ક્ષણે રામાયણના આરંભે ક્રૌંચવધથી વિક્ષિપ્ત થયેલા વાલ્મીકિની એ ક્ષણ પુનરાવર્તિત થાય છે. આરંભે નિષાદ પ્રતિ શાપવાણી ઉચ્ચારતા આ ઋષિએ શાપવાણીને પોતા ઉપર લઈને કહી બેસે છે, ‘આ સીતા ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળી ને ધર્મપરાયણા છે. આપે લોકાપવાદથી ડરીને મારા આશ્રમ પાસે તેને છોડેલી. આ લવ-કુશ તમારા જ પુત્રો છે. હું પ્રચેતા (વરુણ)નો દસમો પુત્ર છું. મારા મોઢેથી કદીય અસત્ય નીકળતું નથી. જો સીતામાં કંઈ દોષ હોય તો મારી હજારો વર્ષની તપસ્યાનું મને ફળ ન મળો. જો એ નિર્દોષ હોય તો મારાં પાપશૂન્ય કર્મોનું ફળ મને મળો. મેં મારી દિવ્યશક્તિથી એ જોઈ લીધું છે કે સીતા ભાવ અને વિચારથી પવિત્ર છે. તમે જાણો છો કે શુદ્ધ છે પણ લોકાપવાદના ડરથી ક્લુષિત ચિત્ત થઈને તમે તેને ત્યાગી છે.’ રામાયણનો આરંભ ને અંત અન્ય વ્યક્તિએ કરેલી નિર્દોષની હત્યા પર આવીને એક બને છે. સીતાને કારણે આખીય કૃતિ ટ્રેજેડી કરતાંય વધુ તો પચાવી ન શકાય એવી શુદ્ધતમ વાસ્તવિક કૃતિ બનીને અટકે છે.

સભાની મધ્યમાં બીજી વાર થયેલા અપમાનની આ ક્ષણે સીતાએ કોઈ જ પ્રતિભાવ આપવાનું પસંદ કરવાને બદલે નિર્ણાયક થવાનું ઉચિત માન્યું છે. હંમેશા રામની આજ્ઞામાં રહેલી સીતાએ આ ક્ષણે સ્વતંત્ર નિર્ણય લઈને પોતાની શુદ્ધિના પ્રમાણ તરીકે મૃત્યુનું આહવાન કર્યું છે. જે પૃથ્વીએ તેને જન્મ આપ્યો છે તે જ પૃથ્વીએ તેને સમાદરપૂર્વક અંતિમ આશ્રય આપીને મૃત્યુ બક્ષ્યું છે. યજ્ઞભૂમિના શોધનની ક્ષણે જન્મલી સીતાનો જીવનયજ્ઞ આ ક્ષણે મૌનપૂર્વક સમેટાયો છે. જાતનું શમન કરતી સીતા મૃત્યુક્ષણે રામથી જાણે તટસ્થ બની છે. અયોનિજા હોવાને નાતે એને માતાપિતા તો નથી જ, અંતે પતિ ને પુત્રોને પણ એણે કર્ણનાં કવચ-કુંડળની જેમ અલગ કરી નાખ્યા છે.

સીતાની મૃત્યુક્ષણ રામાયણના ધીરોદાત્ત નાયક રામને માટે પણ એમના જીવનયજ્ઞની ચરમ ક્ષણ છે. રામનું અપાર મહિમાવંત ચરિત્ર છતાં સીતા અંતે પતિના મહિમાનું અતિક્રમણ કરતી સાબિત થાય છે. રામયણનો અંત સીતાની દીપ્તિવંત પ્રતિભાને લઈને સદ-અસદનીયે પાર જઈને આવતો લાગે છે. ને તેથી જ, બાહ્ય રીતે કરુણ એવી કૃત ઉપશમની બનીને વિરમે છે.


ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧

• ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

2 comments for “ઉપશમની આરાધિકા : સીતા

 1. October 22, 2018 at 4:06 pm

  વાલ્મીક, તુલસીદાસ, ટાગોર અને દર્શનાબેન, આમ બધાએ સ્વીકારેલ છે કે યજ્ઞ માટે ભૂમી શોધન કરતી વખતે હળની અણી (સીતા)થી જમીન ખોદતાં મળી આવી છે…

  જે ધનુષથી સીતા રમત કરતી હતી એ ધનુષ રાવણથી ઉંચકી શકાયેલ નથી.

  એવી સીતાનું રાવણ હરણ કેમ કરી શકે?

  સીતા પોતે કહે છે હું તારા શરીરને ભષ્મ કરી શકું છું.

  અને છેવટે આ સીતા ધરતીમાં સમાઈ જાય છે.

  ટુંકમાં આ કથા ભારોભાર કાલ્પનીક છે એ પુરવાર થાય છે… કાલ્પનીક કથાના પાત્રો દીલ્લી, યુરોપ કે અમેરીકાના લોકો પોતાની રીતે ફેરફાર કરી રામાયણ બનાવી શકે છે.

  હજાર બારસો વરસ પહેલાં ભવભુતીએ ફેરફાર કરેલ છે. 

  એ હીસાબે કથાની સીતા રામની બહેન હોઈ શકે.  સીતા રાવણની પત્ની હોઈ શકે. 

 2. October 22, 2018 at 6:41 pm

  રામાયણ જેવી મહાવાર્તાના વહેણમાંથી મીઠા જળનુ આચમન લઈ પોતાના સંસારને સારે રસ્તે વાળવો એ તાત્પર્ય હોય છે.
  સાચા ખોટાની રામાયણ કરવાનો અર્થ નથી.
  સરયૂ પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *