બે ગીત

Facebooktwitterredditpinterestlinkedinmail

-યોસેફ મેકવાન

                (  ) એક ઘટના

આંખમાંથી આભનો ઉઘાડ તમે કીધો ને
પુલક્યાં અમે તો રોમરોમ,
રૂપનો હેલારો અમને અડકી ગયો રે દોમદોમ!


તડકાને તીર હાથ ઊંચો કરેલ ને
થઈ ગઈ શું અણજાણી ભૂલ?
સાવ રે અચિંત તમે જોઈ લીધું આછું-
ને લજ્જાનું લ્હેર્યું *દુકૂલ!
હોઠોની લાલીને રેલાવી એમ તમે
કોળી ઊઠી ભીતરની ભોમ!
રૂપનો હેલારો અમને અડકી ગયો રે દોમદોમ!


ભવભવના ભૂલા પડેલા અમે તો પ્રિય!
ઊભા રહ્યા મારગ વચાળ,
ક્ષણના ઉછાળનો હુલાળ શો વાગ્યો કે
તૂટી પડી યાદ કેરી ડાળ!
ઘટનાના વહેળાની શીતળતા માણી-
બાકી ચાર કોર વ્યાપ્યો’તો બળબળતો ધોમ.
રૂપનો હેલારો અમને અડકી ગયો રે દોમદોમ!


                                        (*દુકૂલ=બારીક રેશમી વસ્ત્ર)

               * * *

                     ( ) આપણી તો

આપણી તો ખુશી છે હથ્થેલી જેવી ને જેટલી
ને સળવળતી વેદનાની આંગળીઓ સળગે છે કેટલી!
ખોબા શી છાંયડી તો માથે તોળાય
          ઉપર તપતા તડકાનો અવસાદ,
પળનો અવકાશ તો આખ્ખુંયે આભ
         અને વાદળનો થોડો વરસાદ.
સુખની લકીર સમી સરકંતી વીજ
          પછી આંખોમાં રાત હોય મેઘલી!
આપણી તો ખુશી છે હથ્થેલી જેવી ને જેટલી!


વાયરામાં વલવલતાં પાંદડાંની જેમ
                        આ આયખામાં ભારે વલોપાત,
ગૂંથાતી-છોડાતી-બંધાતી જાય એમ
                        આપણા સંબંધોની ભાત.
ઊડતા કપૂર સમા શ્વાસ ઊડી જાય
                      પછી રહી જતી ભાત એની એકલી!

આપણી તો ખુશી છે હથ્થેલી જેવી ને જેટલી!


છાતીમાં ખળખળતો વ્હેતો સમય અને
                      સપનાનું ગામ સામે કાંઠે,
શ્વાસોના હલ્લેસે હલ્લેસે આપણે
                      તરવાનું એકલે તે હાથે.
દર્પણ સપાટીનું છોળ છોળ ફૂટે-
તે                  વ્હેરાતી જાય જાત એટલી!
આપણી તો ખુશી છે હથ્થેલી જેવી ને જેટલી!


                               * * *

સંપર્ક :-

ઈ મઈલ – ybmacwan@gmail.com

* * *

(નેશનલ સાહિત્ય એકેડેમી અવોર્ડ મેળવનાર શ્રી યોસેફ મેકવાનનું નામ અમદાવાદમાં અજાણ્યું નથી. તેમની પાસેથી ભેટ મળેલ ’અલખના અસવાર’ કાવ્ય સંગ્રહ વાંચ્યો. ચીનુ મોદીએ લખ્યું છે તેમ યોસેફભાઈની કવિતા છંદ-અછાંદસ, ગીત-ગઝલ સૌમાં એકસરખી રીતે ફરે છે.તેમાંના બે ગીતો અત્રે પ્રસ્તૂત છે. સહમતી બદલ આભાર. – દેવિકા ધ્રુવ, ‘વેગુ’ સાહિત્ય સમિતિ)

1 comment for “બે ગીત

 1. October 23, 2018 at 2:46 am

  વાયરામાં વલવલતાં પાંદડાંની જેમ
  આ આયખામાં ભારે વલોપાત,
  ગૂંથાતી-છોડાતી-બંધાતી જાય એમ
  આપણા સંબંધોની ભાત…..
  બન્ને ગીત ગમ્યાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *