બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૧૯

લેખિકા : નિર્મલા દેશપાંડે

અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે

સવારના દસ વાગ્યા હશે. રામરતનની ઘોડાગાડી બંગલાના ફાટક પાસે ઊભી હતી. જામુની અને મિથ્લા શેતૂરના ઝાડ નીચે શેખરની રાહ જોતી ઊભી હતી. જાનકીબાઈ રસોડામાં રોટલી વણી રહ્યાં હતાં ત્યાં શેખર રસોડામાં આવી પાટલા પર બેઠો.

“બા, મારા માટે સાઈકલ લેવા સારુ બાબા સાથે તેં વાત કરી?” ફૂલકીનો કકડો દાળમાં બોળીને મ્હોંમાં મૂકતાં શેખર બોલ્યો.

“એમની તબિયત સારી નથી ત્યાં સાઈકલની વાત કેવી રીતે કરું?” રોટલી વણી રહેલાં જાનકીબાઈએ ગરદન ઉંચી કર્યા વગર જ કહ્યું.

“બાબાની તબિયતનો સાઈકલ સાથે શો સંબંધ?”

“તું એમના સ્વભાવથી ક્યાં વાકેફ નથી? તારા માટે સાઈકલ લીધી કે તરત એમની ચિંતા વધી જ સમજ,” ફૂલકીને અંગારા પર ફૂલાવતાં જાનકીબાઈ બોલ્યાં. “દીકરો હેમખેમ નિશાળે પહોંચ્યો કે નહી? સાઈકલ પર જતાં તેને તડકો તો નહી ને નડ્યો હોય? પડશે – આખડશે તો? આમ એક ચિંતા થોડી છે?”

“આ ઘરમાં અમારા મનને ગમે એવી વાત કદી નહી થાય. અમારા નસીબ જ બેકાર છે,” હતાશ થઈને શેખર બોલ્યો.

“આ તારું મૅટ્રિકનું વર્ષ છે. વાત વાતમાં એ કેવી રીતે પૂરું થઈ જશે, તને ખબર પણ નહી પડે. તું કૉલેજમાં જઈશ ત્યારે જોઈશું. હાલ નહી.”

“જીજીસાહેબ ક્યાં છે?”

“ચંદા ગામમાં ગઈ છે. આજે મંજુલાના દીકરાનો નામકરણ વિધિ છે. તેણે ચંદા માટે બગ્ગી મોકલી’તી. એક ફૂલકી પીરસું?”

“ના,” તેણે કહ્યું, પણ મંજુલાના દીકરાની વાત સાંભળતાં તેના કાનની બૂટીઓ લાલ થઈ ગઈ. ચહેરો તમતમી ગયો અને અવાજ ઘોઘરો થઈ ગયો. થરથરતા હોઠથી સ્વગત બોલતો હોય તેમ તે મોટેથી બબડ્યો. “બેનપણીઓને છોકરાં થઈ ગયાં, પણ આમનાં લગનનાં ઠેકાણાં નથી.”

“સમય આવતાં તેનાં પણ લગ્ન થઈ જશે.”

“કોણ જાણે ક્યારે તેમનો ‘સમય’ આવશે. આ ચાર વર્ષમાં ત્રણ વાર મુંબઈ જઈ આવ્યાં, પણ એકે’ય છોકરો તેમને પસંદ પડ્યો? દિનકરકાકા શું ખોટા હતા? તેમનાં પણ લગ્ન એક રૂપાળી છોકરી સાથે થઈ ગયા.”

“પણ તેને દિનકરરાવ પસંદ હોત તો ને?”

“બા, કાલથી હું પગપાળો નિશાળે જવાનો છું. જામુની – મિથ્લાને જવા દે આપણી ઘોડાગાડીમાં.”

“આવું કેમ, મારા દીકરા?”

“એક ઘોડાગાડીમાં આ છોકરીઓ વચ્ચે બેસીને જવું મને નથી ગમતું.”

“આગળ બેસવા માટે જામુની ઝઘડો કરે છે કે શું?”

“છટ્, એની સાથે વાત પણ કોણ કરે?”

“તો પછી?”

“નિશાળના છોકરા મારી મજાક ઉડાવે છે.”

“એમાં મજાક જેવું શું છે? એમને કહી દે કે આ મારી બહેનો જેવી છે.”

“બહેનો કેવી? જીજી જેવી?”

“એટલે? તારા કહેવાનો અર્થ ન સમજી.”

“પહેલો નંબર ન આવે તો બાબાની તબિયત બગડે એ બીકથી હું તો ચૂપચાપ મારું લેસન કરતો હોઉં છું. જીજીનું લફરું થયું ત્યારથી તો બાબાની તબિયત બગડી છે.”

“ચંદાનું લફરું? એ શું વળી?”

“પેલા વિશ્વાસ પવાર સાથેનું. તમને બધાને લાગતું હતું કે શેખર નાનો છે. એને શી ખબર પડે? પણ બહાર રમતી વખતે સિકત્તર અને રામરતન વચ્ચે થતી સઘળી વાતો મને

સંભળાતી હતી. બધ્ધું સમજાતું હતું.”

“રામ જાણે તું શું જોતો’તો અને શું સમજાતું’તું!”

“પહેલાં તો બાબા જીજીને જોતાં જ ‘બેટા, બેટા’ કરતા’તા. પણ આ વાત થયા પછી કેટલા’ય દિવસ તેમણે જીજી સાથે વાત ન કરી.”

“હા, ભાઈ હા! બહુ સમજણો થયો છે. તું કહે એ જ સાચું, બસ?”

“બા, ખાલી ઢાંક-પિછોડા કર મા. અહીં તું બાબાને ખુશ રાખવા પ્રયત્ન કરે છે અને જીજીની પણ ખુશામત કર્યા કરે છે. મને તો તારી જ દયા આવતી હતી. સૌની સેવા – ચાકરી કરવામાં તારી પોતાની તબિયતનો સત્યાનાશ વળી ગયો તેનું શું?”

“સ્ત્રી જાતને કાયમ તલવારની ધાર પર ચાલવું પડે છે, ભાઈલા!” નિસાસો નાખી જાનકીબાઈ બોલ્યાં.

“બે વર્ષ પહેલાં વિશ્વાસે ઈંગ્લંડમાં ધોળી મડ્ડમ સાથે લગ્ન કર્યાના સમાચાર સાંભળતાં વેંત જીજીએ પોતાને પોતાની રુમમાં પૂરી લીધી હતી, અને તું તેના દરવાજા બહાર જમવાની થાળી લઈને વિનવણી કરતી ઊભી રહી હતી. બધી ખબર છે મને.”

“બહુ થયું હવે, ચાલ, જમી લે, જોઉં!”

“અહીં જામુની – મિથ્લા બંગલામાં મન ફાવે તેમ ફરતી હોય છે. ખાસ કરીને જામુની તો આ બંગલો તેની માલિકીનો ન હોય, તેવું માનવા લાગી છે. જીજીએ તેને એટલી છૂટ આપી રાખી છે, ન પૂછો વાત. હવે તો તે આપણા સીલાઈ મશીન પર પોતાનાં કપડાં સીવતી હોય છે, ગ્રામોફોન વગાડતી હોય છે, અને –  અને – મને આ નથી ગમતું. કહી દીધું તને. મારા અભ્યાસના ટેબલ સામેની ખુરશીમાં બેસીને કંઈક ને કંઈક કરતી હોય છે. મને પૂછ્યા વગર મારી ચોપડીઓ વાંચતી હોય છે. તને ખબર છે? મારી વાર્તાની ચોપડીઓમાંથી રંગીન ચિત્રો પણ ફાડી લે છે.”

“તને આ નથી ગમતું તો તારી જીજીને કહી દે ને?”

“જામુની વિશે જીજીને કશું કહેવા તો બાપુ આપણી હિંમત નથી ચાલતી. મારો દોસ્ત લલિત તિવારી મને હંમેશા ચિઢવતો હોય છે. કહે છે, ‘ક્યા યે જામુની તુમ્હારે બંગલેકી માલકિન બનનેવાલી હૈ?’ બોલ, તો બા!”

“જામુની વળી આ બંગલાની માલકિન કેવી રીતે બની શકે? આપણી જ્ઞાતિમાં છોકરીઓની કાંઈ ખોટ છે? લોકો બકવાસ કરે છે.”

આ વાત થતી હતી ત્યાં બહારથી મિથ્લાનો અવાજ સંભળાયો. “સેખરભૈયા, ચલો, હમેં દેરી હો રહી હૈ.”

ઊતાવળે જ કોગળા કરી, ખભા પર દફતર લટકાવી શેખર ઝડપથી બંગલાના પગથિયાં ઉતરી ગયો.

જમણા હાથમાંનું વેલણ પાટલી પર ઊભું રાખી, ઘૂંટણ પર ચિબૂક ટેકવી જાનકીબાઈ રસોડાની પાછળના બગીચા તરફ શૂન્યમનસ્ક દૃષ્ટિએ લાંબો વખત જોતાં રહ્યાં.

***

આજે ગુડી પડવો છે.

આગલા દિવસે બપોરે ચંદ્રાવતીએ જામુની અને મિથ્લાની મદદથી આંબા અને લીમડાની ડાળીઓ, ગલગોટાનાં ફૂલ અને ઘઉંના ઝવેરા પરોવીને બનાવેલા તોરણ બંગલાના દરવાજા અને બારીઓ પર લટકાવ્યાં હતા.

શેખરની મૅટ્રિકની પરીક્ષા પંદર દિવસ પર આવી પહોંચી હતી. તેની રુમમાં બેસી તે અભ્યાસમાં મગ્ન હતો.

જાનકીબાઈ પૂજાની તૈયારી કરી રહ્યાં હતાં. ગ્વાલિયરના મોટા ડૉક્ટરની સલાહ મુજબ ડૉક્ટરસાહેબ એક મહિનાની રજા પર હતા. પથારીમાં પડ્યાં પડ્યાં કંટાળો આવે તો બહાર વરંડામાં આવીને બેસતા અને અખબાર પર નજર ફેરવી લેતા.

નિત્ય નિયમ પ્રમાણે બડેબાબુજી ડૉક્ટરસાહેબને ઈન્જેક્શન અને હૉસ્પિટલનો રિપોર્ટ આપવા આવ્યા. તેમને બહાર બેસેલા જોઈ તેમણે ચિંતાના સ્વરમાં કહ્યું, “સા’બ, યહ ક્યા કર રહેં હૈં આપ? બડે ડાક્ટરસા’બને આપકો ચલને ફિરનેકા મના કિયા હૈ ના?”

“અંદર જી નહી લગતા, બાબુજી. ચિંતા કે મારે નિંદ ભી નહી આતી,” ડૉક્ટરસાહેબ કહ્યું.

“કિસ બાતકી ચિંતા કર રહે હૈં? ચિંતા કરનેવાલા ઊપર બૈઠા હૈ. આપ સિર્ફ અપની સેહત કા ખ્યાલ રખેં.”

“સો તો ઠીક હૈ, બાબુજી. પર લડકેકી પઢાઈ અભી પૂરી નહી હુઈ. લડકીકી શાદીકા અભી ઠિકાના નહી…”

“સબ ઠિકાને લગ જાયેગા…”

વરંડાના પગથિયાં પર લીંપેલા ચોક પર ચૈત્રની રંગોળી પૂરી કરી ચંદ્રાવતી બીલીપત્રના થડા ફરતી રંગોળી દોરી રહી હતી. તેને જોઈ ડૉક્ટરસાહેબ બોલ્યા, “દીકરી વીસ વર્ષની થઈ પણ જુઓ, હજી સુધી કશું થાળે નથી પડ્યું. ઘરેણાં તો મૂકો, સરખા કપડાં પણ નથી પહેરતી. ઝાંસીથી ખાદીની સાડીઓ મંગાવીને પહેરે છે. સારું છે કે આપની જામુની અને મિથ્લાનો મારી હઠીલી દીકરીને સંગાથ છે. નહી તો આ જંગલમાં આ છોકરી શું કરત?”

ડૉક્ટરસાહેબને ઈન્જેક્શન આપી બડે બાબુજી હૉસ્પિટલ ગયા.

થોડી વાર બાદ ડૉક્ટરસાહેબ મહા મુશ્કેલીથી આરામ ખુરશીમાંથી ઊઠવાનો પ્રયત્ન કરતા હતા ત્યાં જામુની –  મિથ્લા દોરીથી ગૂંથેલા મોટા રુમાલથી ઢાંકેલા થાળ માથા પર મૂકી બંગલાના પગથિયાં ચઢવા લાગી. બન્નેનાં હાથ – પગ પર મેંદીનો લાલચટક રંગ હતો. તેમણે જરી – ગોટા મઢેલા ચણિયા – ચોળી પરિધાન કર્યાં હતાં. શરીર પર ચાંદીનાં ઘરેણાં ચળકતા હતા અને પગમાં ઝાંઝર છમ છમ અવાજ કરતા હતા. તેમને જોઈ ડૉક્ટરસાહેબ ફરી ખુરશીમાં બેસી ગયા.

“અરે ચંદા, અંદરથી મારું પૈસાનું પાકિટ લઈ આવ તો! આ ભવાનીઓ પડવાની સોગાદ લઈને આવી છે.”

છોકરીઓ સામે સ્મિત કરી ચંદ્રાવતી અંદર ગઈ અને પૈસાનું પાકિટ લાવી ડૉક્ટરસાહેબને આપ્યું. માથા પરના થાળ ઉતારી અતિ નમ્રતાથી તેમણે તે ડૉક્ટરસાહેબ સામે ધર્યા.

“જોતજોતામાં છોકરીઓ કેટલી મોટી થઈ ગઈ!” થાળને સ્પર્શ કરી ડૉક્ટરસાહેબ બોલ્યા. બન્ને બાળાઓના હાથમાં પૈસા મૂકી તેઓ અંદર ગયા.

ગયા વર્ષ સુધી ડૉક્ટરસાહેબ પાસેથી મળેલા પૈસા બધાંની સામે ગણી, એકાદ રુપિયો વધતો – ઓછો મળ્યો હોય તો આપસમાં લડાઈ કરનારી આ બહેનો આજે શાંતિથી એક હાથમાં થાળ અને બીજા હાથમાં પૈસા લઈ પૂજાઘરમાં ગઈ. તેમણે બન્ને થાળ જાનકીબાઈ સામે મૂક્યા, જાનકીબાઈ પિત્તળના નાનકડા ખાંડણિયામાં કેસર અને એલચી ખાંડી રહ્યાં હતાં. હાથમાંનું કામ બાજુએ મૂકી તેમણે બન્ને થાળ પરનાં રુમાલ બાજુએ સરકાવ્યા. એક થાળમાં સત્વંતકાકીનાં હાથના બનાવેલા માલપૂવા હતા અને બીજામાં ચાર પંખા હતા. બંગલામાં રહેનાર ચાર જણા માટે પીળી – જર્દ સળીઓ એકબીજા સાથે જોડીને બનાવેલા આ સુંદર પંખાઓને લાલ

અને લીલા રંગની ઝાલર લગાડવામાં આવી હતી. રેશમી ભરતકામ કરેલા આ પંખાઓ પર પોપટ, મોર, કેરી અને તુલસીનાં છોડની કશિદાકારી કરવામાં આવી હતી.

“ચલો, પંખા મળી ગયા! અમારા માટે હવે ગરમીમાં શીતળતા આવી ગઈ! આટલા બધા પંખા બનાવવાની તમારી માને ફૂરસદ ક્યારે મળી?” જાનકીબાઈ બોલ્યાં.

“જામુનીજીજીને બનાયે!” મિથ્લાએ કહ્યું. અહીં જામુનીએ મિથ્લા સામે જોઈ આંખો કાઢી!

“રેશમની ડોર વડે પંખા પર કોનું નામ ગુંથ્યૂં છે?” એક પંખો ઉપાડી ઝીણી નજરે નિરીક્ષણ કરતાં જાનકીબાઈએ પૂછ્યું.

“સેખરભૈયા કા!” અતિ ઉત્સાહથી મિથ્લા બોલી. અહીં જામુનીના હોશકોશ ઉડી ગયા. જાનકીબાઈ જામુની તરફ જોવા લાગ્યાં.

“શેખર, એ’ય શેખર! અહીં આવ તો! આ જામુની – મિથ્લા પંખા લઈ આવ્યાં છે તે જોવા આવ. એક પંખા પર તો તારું નામ પણ ગુંથ્યૂં છે!” ચંદ્રાવતીએ શેખરને સાદ પાડ્યો.

“જીજી, હમણાં હું વાંચવા બેઠો છું, પછી જોઈશ.” શેખરે અંદરથી જવાબ આપ્યો.

જામુનીએ અર્થપૂર્ણ નજરથી ચંદ્રાવતી તરફ જોયું.

“આવું કેમ કરે છે, મારા ભાઈ? બિચારી તારા માટે ખાસ પંખા લઈને આવી છે. જરા આવીને જોવામાં તારું શું જાય છે?”

“ચંદા, દર વર્ષે આવે છે તેવા આ પંખા છે. તેમાં જોવા જેવું શું બળ્યું છે? આપણા ઘરમાં તો હવે વીજળીના પંખા આવ્યા છે, ત્યાં હાથેથી પંખાની હવા લેવા કોને ફૂરસદ છે?” જાનકીબાઈએ ટાપસી પૂરી.

“તું પણ ખરી છો, બા. આ છોકરીઓ આપણા માટે ખાસ ચીજ બનાવે તેની તને કિંમત નથી. જો, આ બન્નેને હું આપણે ત્યાં જમવા રોકવાની છું.”

“આજે નહી. તહેવારના દિવસે તેમણે પોતાના ઘરે જમવું સારું. વળી શેખરને નહી ગમે…” હળવા અવાજે જાનકીબાઈ બોલ્યાં.

“શેખરને ન ગમે એટલે? આ ઘરમાં મને કશો અધિકાર નથી? શેખર દીકરો છે એટલે તેની હકૂમત બધે ચાલવી જોઈએ?” કહી તેણે બે વાટકીઓમાં શિખંડ કાઢી જામુની – મિથ્લાને આપ્યો અને તેમને તેની રુમમાં જવા કહ્યું.

“તારી સાથે બાઈ, કોણ વિવાદ કરવા બેસે? આજે સપરમા દહાડે મને ઘરમાં કચકચ નથી જોઈતી. આમ પણ ‘એમની’ તબિયત સારી નથી.”

“આ તારી કાયમની દલીલ છે,” કહી ચંદ્રાવતી ગુસ્સામાં પોતાની રુમમાં ગઈ. ત્યાં જઈને જોયું તો શિખંડની વાટકીઓ સીવવાના સંચા પર રાખી જાનુમી – મિથ્લા બારી પાસે ઊભી હતી.

“ચલો, ખાવાનું શરુ કરો જોઉં.”

“અમને ભૂખ નથી, જીજી. અમે નાસ્તો કરીને આવ્યાં છીએ,” જામુનીએ કહ્યું.

“તમારે ખાવું જ પડશે. મારા સમ.”

બન્ને બહેનોએ વારાફરતી એકબીજા તરફ જોયું અને શિખંડ ખાવાનું શરુ કર્યું. વાટકીઓ ખાલી થતાં જામુનીએ બહેનને કહ્યું, “જા મિથ્લા, રસોઈમેં જા કે કટોરિયાં ધો ડાલ ઔર ઘર જા, મૈં પાંચ મિનટમેં આતી હું.”

જબરી નાખુશીથી મિથ્લા કમરામાંથી નીકળી.

બારી બહાર અપલક નજરે જોઈ રહેલી જામુનીની આંખોમાં અશ્રુ ભરાઈ આવ્યા. તેની ઘેરી પાંપણોમાંથી હીરાનાં લોલકની જેમ આંસુ લટકી રહ્યા હતા.

“શું થયું, જામુની?” તેની નજીક જઈ ચંદ્રાવતીએ પૂછ્યું.

“કંઈ નહી.”

“કોઈ વાત જરુર થઈ છે. મનમાં કશું ન રાખીશ. બોલ, શું થયું?”

“પંખા જોવા પણ ‘તે’ ન આવ્યા.”

“અરે, જોઈ લેશે. તું ચિંતા ન કરતી.”

“કોઈ કોઈ વાર તેમના મનમાં મારા વિશે શું ચાલે છે તેની ખબર નથી પડતી. કોઈ વાર સારી રીતે હસીને વાત કરતા હોય છે, તો કોઈ વાર મને જોઈ મોઢું ફેરવીને જતા રહે છે. હું બંગલામાં આવતાં જ તે બહાર જતા રહે છે. મેં તેમનું શું બગાડ્યું છે?”

“હાલની વાત છોડ. જ્યારે તું તારા મામાને ઘેર ગઈ હતી ત્યારે તારા વિશે મને પૂછતો હતો.”

જામુનીનો ઉત્સુકતાપૂર્ણ ચહેરો જોઈ ચંદ્રાવતીએ કહ્યું, “હા! એ પૂછતો હતો, ‘આજકાલ જામુની કેમ દેખાતી નથી?’ મેં કહ્યું, કેમ એ નથી તો તું કેમ બેચેન થઈ ગયો છે? તેની સાથે લડાઈ – ઝઘડો કર્યા વગર તને ચેન નથી પડતું કે શું?’ તો તે હસી પડ્યો હતો.”

જામુનીના ચહેરા પર ખુશીનો પ્રકાશ ફેલાઈ ગયો અને તે ઘેર ગઈ.

બપોરે સૌનું જમણ પતી ગયા બાદ ત્રણેક વાગે જામુની ફરી બંગલે આવી.  ચંદ્રાવતીએ તેનો સખત બાંધેલો ચોટલો છોડી તેના વાળ ઓળ્યાં અને ઢીલો શહેરી ઢબનો ચોટલો ગૂંથ્યો. કપાળ પરનાં વાળ વર્તૂળાકારમાં ગોઠવી, ચહેરા પર પાઉડર – કંકુ લગાડ્યાં અને કબાટમાંથી મુલાયમ પ્રિન્ટેડ સાડી કાઢી તેને પહેરાવી. છેલ્લે તેના કાનમાં પોતાનાં મોતીનાં લટકણિયાં ચઢાવી આપ્યા.

અરીસામાં પોતાનું બદલાયેલું સ્વરુપ છાની રીતે જોઈ તેણે કહ્યું, “જીજી, આ વખતે મુંબઈ જાવ તો મારા માટે ફૂલવાળી સાડી લઈ આવજો.”

“જરુર. સાડી અને સારા પુસ્તક પણ.”

“પણ ત્યાં સુધી મારે શું વાંચવું?”

“નિશાળનાં પાઠ્ય પુસ્તક, બીજું શું?”

“અમારું નિશાળમાં જવાનું બંધ થઈ ગયું છે. અમે ભણીએ તે દદ્દાને ગમતું નથી.”

“એમને જવા દે. તને હું ભણાવીશ. એક્ટર્નલ વિદ્યાર્થિનિ તરીકે મૅટ્રિકની તૈયારી કરાવીશ. પણ હું અહીં હવે કેટલા દિવસ રહીશ કોણ જાણે!”

“કેમ? તમે કાયમ માટે મુંબઈ જતા રહેવાના છો?” જામુનીએ ચિંતાના સ્વરમાં કહ્યું.

“તો શું હું આખી જિંદગી કુંવારી મા-બાપના ઘરે પડી રહીશ? ભગવાને મારા માટે પણ કોઈક શોધી રાખ્યો હશે કે નહી? જે હોય તે, પણ તારે મુંબઈ આવવું પડશે.”

“આટલે બધે દૂર હું કેવી રીતે આવી શકીશ?”

“કેમ વળી? મારો ભાઈ તને મારે ઘેર નહી લઈ આવે?”

“ચલો હટો, જીજી! આપ પણ…” કહી જામુની શરમાઈ ગઈ. તેનો ગૌર ચહેરો લાલ ચટક થઈ ગયો.


કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.