સાયન્સ ફેર :: સોલાર પાવર : તેજને કાબૂમાં રાખવાની મથામણ બહુ મોંઘી છે!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

આ વખતે શ્રાદ્ધ પક્ષમાં સૂરજદાદાએ ઉનાળા જેવી જ ગરમી વરસાવી! નવરાત્રીના દાંડિયા રમે એ પહેલા જ ગુજરાતીઓ બિચારા પરસેવે રેબઝેબ થઇ ગયા. એવો વિચાર ચોક્કસ આવે કે સૂરજ આપણા ઉપર આમ ગરમી કરે, એના કરતા કંઈક કામ લાગતો હોય તો?! સૂરજની આ વણજોઈતી ગરમી અને પ્રકાશને સંઘરી રાખીએ અને શિયાળામાં વાપરવા કાઢી શકીએ તો કેવું સારું?! આમ તો આ વાત ફૂલગુલાબી સપના જેવી જ છે, પણ ભવિષ્યમાં સાયન્સ અને ટેકનોલોજીની મદદથી સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ થવા માંડશે એ નક્કી. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા ગત વર્ષે જે રિસર્ચ પબ્લિશ થયા, એ સૌર ઉર્જાનો વધતો વપરાશ દર્શાવનારા છે. ૨૦૧૬ની ગણતરી મુજબ, પાવર પ્રોડક્શનના જે કોઈ નવા સ્રોત ઉત્પન્ન થયા, એ પૈકીના બે તૃતીયાંશ સ્રોતો બિનપરંપરાગત સ્રોત હતા! અને એમાંય મુખ્ય ફાળો સૌર ઉર્જાનો હતો. અને એથી ય વધુ હરખાવા જેવી વાત એ છે કે ભારત અને ચાઈના જેવા ગીચ વસતી ધરાવનારા દેશો પણ સૌર ઉર્જાના ઉપયોગ તરફ વળી રહ્યા છે.

સૌર ઉર્જા એ વિન્ડ એનર્જી કે ટાઈડ એનર્જીની જેમ જ ઉર્જાનો બિન પરંપરાગત અને સૌથી મોટા પ્રમાણમાં મળતો સ્રોત છે. સ્વાભાવિક રીતે જ કુદરત તરફથી ખોબલે ખોબલે સાવ મફત મળતા આ સ્રોતને ‘લૂંટી લેવાની’ લાલચ બધાને થાય. દુનિયાના તમામ ડાહ્યા દેશો આજ કારણોસર સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવા માટે મન બનાવી રહ્યા છે. એક અંદાજ મુજબ ઈંગ્લેન્ડમાં ઇસ ૨૦૨૦માં પ્રથમ સોલાર ટ્રેઈન દોડતી થઇ જશે. જેનાથી રેલ્વે કંપનીઝને ઈંધણના ખર્ચમાં વર્ષે દહાડે આશરે ૪.૫ મિલિયન યુરોની બચત થશે. જર્મની પણ સૌર ઉર્જા જેવા બિનપરંપરાગત ઊર્જાસ્રોતના વપરાશમાં પાછળ નથી. ઇસ ૨૦૧૭ની ૩૦મી એપ્રિલે એક પ્રયોગ તરીકે આખા જર્મની દેશમાં ઉર્જાના વપરાશના કુલ ૮૫% જેટલી ઉર્જા સોલર એનર્જી, બાયોમાસ, હાઈડ્રો ઇલેક્ટ્રિક પાવર અને વિન્ડ એનર્જી જેવા બિનપરંપરાગત સ્રોતમાંથી મેળવવામાં આવેલી! એ સમયગાળો વીક-એન્ડનો હતો એટલે સ્વાભાવિક રીતે ઉર્જાનો વપરાશ ઓછો હોય, તેમ છતાં બિનપરંપરાગત ઉર્જાનો આટલે મોટે પાયે વપરાશ થઇ શકે, એ વાત સાબિત થઇ!

ઓકે ફાઈન, અહીં સુધીનો લેખ એકદમ ‘બેટર ફ્યુચર’ની છાંટ વાળો લાગ્યો હોય તો હવે એની કિંમત ચૂકવવા તૈયાર રહો! કારણકે સૂરજ દાદા રોજેરોજ જે અઢળક ઉર્જા સાવ મફતમાં ઠાલવી જાય છે, એને મોટા પાયા પર પ્રેક્ટિકલી વાપરવા માટે આપણે અતિશય ખર્ચાળ અને પરફેક્ટ પ્લાનિંગ સહિતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું પડશે. કેલિફોર્નિયાનો દાખલો જુઓ.

યુએસમાં બાયોમાસના ઉપયોગની સરખામણીએ સોલાર એનર્જીના ઉપયોગનો રેશિયો વધતો જાય છે. કેલિફોર્નિયાની સરકારે ‘ગો સોલાર કેલિફોર્નિયા’ની ઝુંબેશ ચલાવી છે, જેથી વધુને વધુ લોકો સોલાર એનર્જીનો ઉપયોગ કરતાં થાય. ઇસ ૨૦૩૦ સુધીમાં ઉર્જાના તમામ સ્રોતો પૈકી અડધોઅડધ સ્રોત ‘કાર્બન ફ્રી’ હોવા જોઈએ, એવા લક્ષ્ય સાથે શરુ થયેલી આ ઝુંબેશને મોટે પાયે સફળતા મળી છે. પણ એ સાથે જ કેલિફોર્નિયામાં એક નવી જ પરિસ્થિતિએ આકાર લીધો છે. ઉત્સાહી સરકારી તંત્રએ દરેક નવા બંધાયેલા મકાનમાં સોલાર પેનલ્સ બેસાડવાનું ફરજીયાત કરી દીધેલું. આને કારણે મકાન દીઠ કંસ્ટ્રક્શન કોસ્ટમાં ૧૦,૦૦૦ ડૉલર જેટલો અધધ વધારો થઇ ગયો! જો કે સોલર એનર્જી માટેના ઈંસ્ટોલેશન્સ આમ પણ મોંઘા જ પડતા હોય છે. ભારતમાં લોકો સૂર્ય ઉર્જા વાપરવા માટે બહુ તત્પર નથી હોતા, એની પાછળનું એક મુખ્ય કારણ હાઈ ઇન્સ્ટોલેશન કોસ્ટ છે જ. પરંતુ કેલિફોર્નિયામાં તો લોકોએ હોંશે હોંશે પૈસા ખર્ચી નાખ્યા. પરિણામે એપ્રિલના અંત સુધીમાં સૌર ઉર્જાનો વપરાશ બીજા પરંપરાગત ઉર્જા સ્રોતના વપરાશને ટપી ગયો. પણ તકલીફ મે મહિનામાં શરુ થઇ. મે મહિનામાં તો સોલર ઉર્જાનું એટલું બધું ઉત્પાદન થયું કે જાણે પાવર ગ્રીડમાં પૂર આવ્યા હોય! સરકારે પાવર ગ્રીડ ઓપરેટર્સને ફરજ પાડીને વીજળીના ઉત્પાદન પર રોક લગાવવાની નોબત આવી ગઈ. ૯૫,૦૦૦ મેગાવોટ-અવર જેટલી વીજળી વપરાશ વિના જ વેડફાય ગઈ! એક અંદાજ મુજબ આટલી વીજળીમાંથી ૩૦ મિલિયન ઘરોને એક કલાક સુધી રોશનીથી ઝળાહળા કરી શકાયા હોત!

સોલર એનર્જીના આવા ‘ઓવર સપ્લાય’ને કારણે આ ક્ષેત્રમાં સર્જાઇ શકતી કેટલીક અંધાધૂંધીની વાત સામે આવી છે. દાખલા તરીકે સૂર્યની ઉર્જાનો મહત્તમ જથ્થો બપોરના સમયે પ્રાપ્ય થતો હોય એ સ્વાભાવિક છે. પરંતુ એ જ સમયે ઘરોમાં ઉર્જાનો વપરાશ સાવ ઓછો હોવાનો! આ અસમાનતાને બેલેન્સ કઈ રીતે કરવી? કમાલની વાત એ છે કે પોતાના વેલ પ્લાન્ડ પ્રોગ્રામ અને ફાઈન ટ્યુન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રખ્યાત અમેરિકા જેવું વિકસીત તંત્ર પણ ડીમાન્ડ અને સપ્લાયનો બેઝીક નિયમ પાળવામાં લોચો મારી ગયું! સોલર એનર્જીની લ્હાયમાં અતિશય ખર્ચાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી લીધા બાદ મોટા ભાગની સૌર ઉર્જા વેડફાઈ ગઈ! જો આગોતરું પ્લાનિંગ સરખી રીતે થયું હોય તો પણ સૌર ઉર્જાનો સંગ્રહ કરવાની ચેલેન્જ બહુ મોટી છે. વળી સોલર એનર્જી પ્રોડક્શન ક્ષેત્રે ગંજાવર બજેટ ફાળવીને કૂદી પડેલી પ્રાઈવેટ કંપનીઓ પણ પોતાનું વળતર મેળવવામાં નિષ્ફળ જઈ રહી છે.

જો આ બધી અરાજકતામાંથી ઉગરવું હોય તો નવેસરથી આખી સિસ્ટમ ગોઠવવી પડે. વળી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા કરવા માટે મસમોટા ઇન્વેસ્ટમેન્ટની પણ જરૂર રહે જ. એનર્જી પ્રોડક્શન કંપનીઓએ પણ પોતાનું બિઝનેસ મોડેલ નવેસરથી ગોઠવવું પડે! સરળ શબ્દોમાં કહીએ તો મફતમાં મળતી સૂર્ય ઉર્જાને ખરા અર્થમાં – મોટે પાયે ઉપયોગમાં લેવી હોય, તો એ કામ બહુ માથાકુટીયું છે. કેલિફોર્નિયાના કેસ સ્ટડીને ધ્યાનમાં રાખીને ભારત અને ચાઈના જેવા દેશોએ આ દિશામાં સાવચેતીપૂર્વક આગળ વધવું જોઈએ.

અને મોરલ ઓફ ધી સ્ટોરી ઇઝ… સૂર્યનું હોય કે વ્યક્તિનું, તેજ હંમેશા બેધારી તલવાર જેવું હોય છે. જો યોગ્ય વ્યવસ્થા વડે કાબુમાં ન રાખો તો આ તેજ ઉર્જા આપવાને બદલે અરાજકતા ફેલાવતું હોય છે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.2 comments for “સાયન્સ ફેર :: સોલાર પાવર : તેજને કાબૂમાં રાખવાની મથામણ બહુ મોંઘી છે!

 1. Suresh Prabhu
  October 24, 2018 at 8:54 pm

  જ્વલંતભાઈ,
  ખરેખર ઘણોજ સુંદર લેખ. સૂરજદાદાની ઊર્જા મેળવવા અને તેનો સંગ્રહ કરવા માટેનું કામ કેટલું માથાકુટીયું છે તેની વિગતવાર માહિતી ગામડામાં એકાદ કાકો વાચે તો તે મોદીજીને કહેશે, છાનો માનો બેહી રહે. જે હાલતું છે તે હાલવા દે. ખોટા ખોટા ખર્ચા કરવાની જરુરી નથી”. ચોક બાજુએ રાખીએ…તમોએ કહ્યું તે મુજબ બુદ્ધિપુર્વક આયોજની જરુર છે.

 2. Jwalant
  November 13, 2018 at 7:22 pm

  thanks Sureshbhai. ગામડાના કાકા ભલે ગમે તે કહે, પણ સૌર ઉર્જા અને એના જેવા જ બીજા બિન પરંપરાગત ઉર્જા સ્રોતો સિવાય આપણને ચાલવાનું જ નથી. બસ, એના માટેનું તંત્ર વ્યવસ્થિત ગોઠવવું પડશે. તમે લેખનો મુદ્દો પકડ્યો એનો આનંદ અને આભાર. 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *