





-બીરેન કોઠારી
સંબંધિત ખાતાના મંત્રીઓના ચહેરાને ચમકાવતી વિવિધ યોજનાઓની જાહેરખબરો અખબારોનાં પાનાંઓ પર તેમજ અનેક જાહેર સ્થળોએ મૂકાય એ બાબત સામાન્ય બની રહી છે. તેને કોણ વાંચતું હશે, અને કેટલી ગંભીરતાથી લેતું હશે એ સંશોધનનો વિષય બની શકે એમ છે. ઘોષિત કરાતી યોજનાઓમાંથી અમલ કેટલીનો અને કેવોક થતો હશે એ પણ સંશોધનનો વિષય ખરો. આવી યોજનાઓના નામે નાણાં ફાળવવામાં આવે ખરા, પણ પછી એ નાણાં વાપરવામાં આવે કોઈક ભળતે જ ઠેકાણે. એ ખરું કે કાગળ પર આ યોજનાઓ એકદમ આયોજનબદ્ધ હોય છે. તેનો અમલ સુયોગ્ય રીતે થઈ શકે તો તેનો હેતુ સિધ્ધ થઈ શકે. મોટે ભાગે એમ બનતું હોય છે કે જે વર્ગને ધ્યાનમાં રાખીને મુખ્યત્વે આ યોજનાઓ તૈયાર કરવામાં આવી હોય છે, તેમને એના વિશે ભાગ્યે જ જાણ હોય છે. આથી આ યોજના ખાતે ફાળવાયેલાં નાણાં પોતાના હકના છે એ ખ્યાલ પણ નથી હોતો.
1979-80 માં તત્કાલીન સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિના લાભાર્થે પહેલવહેલી વાર પંચવર્ષીય યોજનામાં વિશેષ જોગવાઈ કરી. સદીઓથી વંચિત અને સામાજિક રીતે ઉપેક્ષિત સ્થિતિમાં જીવી રહેલા આ વર્ગના વિકાસ માટે છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં ‘એસ.સી.એસ.પી.’(શેડ્યૂલ્ડ કાસ્ટ સબ પ્લાન)નો સમાવેશ કરવામાં આવ્યો. એ જ રીતે ‘ટી.એસ.પી.’(ટ્રાઈબલ સબ-પ્લાન)નો પણ સમાવેશ કરાયો. આ બન્ને વર્ગના વિકાસની દિશામાં આ એક મહત્ત્વનું પગલું બની રહ્યું, કેમ કે, હવે અન્ય યોજનાઓમાં નાણાંની ફાળવણી ઓછીવત્તી કરવાને બદલે આ વર્ગ માટે અલાયદા નાણાં તેમની વસ્તીના ધોરણે ફાળવવામાં આવ્યાં હતાં, જેથી તે કેન્દ્રિત રીતે વાપરી શકાય.
ત્રણ-સાડા ત્રણ દાયકા પછી આ જોગવાઈની શી હાલત છે? આ રીતે જે તે સમયની સરકાર દ્વારા ફાળવાતાં નાણાં તેને સંબંધિત વર્ગ સુધી પહોંચ્યા છે ખરા? પહોંચ્યા છે તો કેટલા પહોંચ્યા છે? અને બાકીનાં નાણાં ક્યાં વપરાયા છે?
અમદાવાદસ્થિત ‘કાઉન્સિલ ફૉર સોશ્યલ જસ્ટિસ’ના સેક્રેટરી વાલજીભાઈ પટેલ દ્વારા ‘આર.ટી.આઈ.’અંતર્ગત કરવામાં આવેલી અરજીના જવાબમાં સરકાર તરફથી જે માહિતી પૂરી પાડવામાં આવી છે એ ચોંકાવનારી છે. આ અગાઉ એ જાણી લેવું જરૂરી છે કે ગુજરાત સરકાર પોતાના બજેટની ચૌદ ટકા રકમ ‘ટી.એસ.પી.’ માટે અને સાત ટકા રકમ ‘એસ.સી..એસ.પી.’ માટે ફાળવતી આવી છે. આ નાણાં તેના મુખ્ય હેતુ સિવાય અનેક સ્થાને વપરાયાં છે. તેની કેવળ એક ઝલક.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં જી.આઈ.ડી.સી. માટે પાંચ કિ.મી.નો રોડ ત્યાંના ધારાસભ્યના નિવાસસ્થાન સુધી બનાવવામાં આવ્યો. સરકારી પ્રચાર માટે અનેક અંગ્રેજી પુસ્તકોનું મુદ્રણ કરવામાં આવ્યું. જિલ્લાઓમાં કાર્યરત નાયબ માહિતી નિયામક, ટેકનિકલ આસિસ્ટન્ટ અને સહાયક અધીક્ષકને વેતન ચૂકવાયું. સરકારી પાક્ષિક ‘ગુજરાત’ અને માસિક ‘રોજગાર સમાચાર’નું મુદ્રણ આ નાણાંમાંથી કરાયું. ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’માટે લોઢું એકઠું કરવાના ગતકડાની જાહેરખબર તેમજ સરકારની સિધ્ધિઓની જાહેરખબરો પણ આ નાણામાંથી કરાઈ. વર્તમાન વડાપ્રધાનના વતન વડનગર પર બનાવાયેલા એક દસ્તાવેજી ચિત્રનું નિર્માણ પણ આ જ નાણાંમાંથી કરવામાં આવ્યું. આ કેવળ થોડાં ઉદાહરણો છે. યાદી ઘણી લાંબી છે અને દરેક બાબત માટે કરાયેલા ખર્ચના આંકડા પણ ઉપલબ્ધ છે. સ્પષ્ટ છે કે આ નાણાંનો ઈરાદાપૂર્વક દુરુપયોગ થયો છે. જે વર્ગ માટે તે ફાળવાયેલા હતા તેમના સુધી આ નાણાં પહોંચ્યા નથી. સરકારની પોતાની સિધ્ધિઓથી આંજવાને બદલે જાહેરખબરમાં દર્શાવાયેલી સિધ્ધિઓ વડે આંજવાનો પ્રયાસ નિષ્ઠાપૂર્વક કરી રહી છે. આનો કોઈ ઉપાય ખરો? આ વેડફાટ અજાણપણે કરાયો હોત તો એનો ઊપાય હજી શક્ય બનત,પણ ઈરાદાપૂર્વક કરાયેલો હોવાથી એમ કરનારના મનમાં રામ વસે એવી ઠાલી હકારાત્મક વિચારસરણી અપનાવવાથી કામ ચાલે એમ નથી. તેને કાયદાથી બાંધવામાં આવે તો એ સંબંધિત સૌને બંધનકર્તા બની રહે, અને આ વેડફાટ અટકી શકે એ સંભાવના ઊભી થઈ શકે.
આ અંગેનું એક બિનસરકારી વિધેયક વિધાનસભામાં દસાડા મતવિસ્તારના ધારાસભ્ય નૌશાદજી સોલંકી દ્વારા રજૂ કરવા અંગે કાર્યવાહી ચાલી રહી છે. આયોજન પંચ દ્વારા જે તે રાજ્યને તેની કુલ વસતિમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની ટકાવારી અનુસાર નાણાંકીય ફાળવણી કરવાની માર્ગદર્શિકા સરકારોને અપાયેલી છે. દરેક રાજ્યની સરકાર પોતાની રીતે તેના આંકડા દર્શાવે છે. પણ એક નોંધપાત્ર પહેલ આંધ્ર પ્રદેશ દ્વારા કરવામાં આવી છે. 2012માં ત્યાંની રાજ્ય સરકાર દ્વારા ‘એસ.સી.એસ.પી.’ તેમજ ‘ટી.એસ.પી.’ માટે ફાળવાયેલા નાણાંના જે તે હેતુસરના જ ઊપયોગને કાનૂની ધોરણે બંધનકર્તા બનાવતો કાયદો પસાર કર્યો. ત્યાર પછી કર્ણાટક પણ આ બાબતને અનુસર્યું. એ ખરું કે કેવળ કાનૂની જોગવાઈ આ સમસ્યાનો ઊકેલ નથી. તેની સામે એ પણ હકીકત છે કે કાનૂની જોગવાઈ હોય અને તેનું પાલન ન થાય તો એ ગુનો બને છે. સરકાર માટે આ બાબત બંધનકર્તા બની શકે છે. ગુજરાત સરકારમાં પણ આવું બિનસરકારી વિધેયક ચર્ચા માટે રજૂ થાય એવી સંભાવના છે. સરકાર કોઈ પણ પક્ષની હોય, આ જોગવાઈ અનુસૂચિત જાતિ,જનજાતિના હિતનું રક્ષણ કરવાની દિશામાં છે, તેથી ગમે એ પક્ષ દ્વારા મૂકાય, તે પસાર થાય એ અગત્યનું છે. સમાજના અન્ય વર્ગના ધારાસભ્યો તો ખરા જ, પણ અનુસૂચિત જાતિ યા જનજાતિના ધારાસભ્યો પક્ષીય રાજકારણથી પર થઈને પોતાના સમાજના હિતમાં આ વિધેયકને પસાર થવામાં સહયોગ આપે એ જરૂરી છે. સંસ્કૃતિ અને ગૌરવગાન કેવળ કાગળ અને ફિલ્મો પર રહી જાય, અને વ્યવહારમાં તે ન આવે તો એનો શો અર્થ?
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૧-૧૦-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
કહેવાતા જાગ્રૃત નાગરિકો ને આવું કંઈ ધ્યાને જ નહી આવતું હોય ? કે વ્યવસાયીક જાગ્રૃતો છે.