વલદાની વાસરિકા : (૬૨) વાણીવિનિમયમાં સંતુલિત અતિશયોક્તિની કળા (૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

વલીભાઈ મુસા

હવે અહીં હું મારા કથનને વળાંક આપું છું અને અગાઉના મારા લાલુજીના ઉલ્લેખ સાથે તમને સાંકળું છું. તેમના પદ્યનું અંગ્રેજીમાં રૂપાંતર ચોક્કસ રમુજ ઉત્પન્ન કરી શક્યું, પણ તેમના હિંદીમાંના ખૂબ જ અસરકારક પદ્યના મૂળ ભાવને તેઓ યોગ્ય ન્યાય આપી શક્યા ન હતા. આવી સમસ્યા સિદ્ધહસ્ત અનુવાદકોને પણ નડી શકે, કેમ કે કોઈપણ સાહિત્યિક રચના પ્રથમ જે ભાષામાં લખાઈ હોય તેનો મૂળ ભાવ જાળવી ન રખાય તો તેનો બિનકાર્યક્ષમ અનુવાદ તેના સૌંદર્યને ગુમાવે છે. બીજી વાત એ છે કે ગદ્ય કરતાં પદ્યનું અનુવાદકાર્ય વધારે કઠિન હોય છે. એમ કહેવાયું પણ છે કે, ‘કાવ્ય એ તો આત્માની કલા છે.’

કોઈકવાર અનુવાદક અનુવાદિત કાવ્યકૃતિના કવિએ કાવ્યની રચના વખતે જે લાગણીઓ અનુભવી હોય તેવી જ લાગણી પોતે ન અનુભવે, ત્યારે તેને ફક્ત તે કૃતિના શબ્દોના સમાનાર્થી શબ્દો ઉપર જ આધાર રાખવો પડતો હોય છે. આવા કિસ્સામાં અનુવાદિત કાવ્ય જાણે કે તેને થીગડાં માર્યાં હોય તેવું લાગતું હોય છે. કાવ્યનો ઉત્કૃષ્ટ અનુવાદ સર્જવા માટે તેણે કાવ્યની એકંદર છાપ કે અસર તથા તેનો સ્પષ્ટ ખ્યાલ અનુભવવો પડે અને પછી કવિના ભાવને સારરૂપ પોતાના જ શબ્દોમાં વ્યક્ત કરવો પડે. અહીં હું ઝવેરચંદ મેઘાણીને તેમના કેટલાક અંગ્રેજીમાંથી ગુજરાતીમાં સફળ અનુવાદો માટે જ નહિ, પણ એક રીતે કહીએ તો જાણે કે એ બધાં તેમનાં પોતાનાં જ સ્વતંત્ર સર્જન હોય તેમ તેમને યાદ કરું છું. નમૂનારૂપ તેમના અંગ્રેજી કાવ્યોના અનુવાદ છે : ‘Somebody’s Darling’ (કોઈનો લાડકવાયો), ‘On the bank of river Rhine’ (સૂના સમદરની પાળે) અને ‘Fair flowers in the valley’ (વનરામાં ગલ રાતાં ફૂલડાં).

હવે હું નીચે મારા આ આર્ટિકલના પહેલા ભાગમાં આપેલા મિરઝા ગાલિબના બે શેરનું અંગ્રેજીમાં ભાષાંતર અને સાથે સાથે ગુજરાતીમાં સારાંશ પણ આપતાં ખુશી અનુભવું છું. મજાકમાં કહું તો મારા અનુવાદને લાલુપ્રસાદજીના અનુવાદ સાથે સરખવતા નહિ; કેમ કે મેં આ નાના કામ માટે મેં મારી થોડીક સ્વયં સ્ફૂરણા અને અન્યત્રથી પ્રાપ્ય સંલગ્ન વાંચનસામગ્રી સાથે મારાથી શક્ય તેટલી મારી શક્તિઓ કામે લગાડી છે, એટલા માટે કે આ ઉત્તમોત્તમ કૃતિને ક્યાંક અન્યાય ન કરી બેસું. આગળ આપેલા હાથવગા ગુજરાતી શબ્દાર્થ રાજેન્દ્ર કૃષ્ણની વેબસાઈટ ઉપરથી લેવા ઉપરાંત સંબંધિત અન્ય સ્રોતો સાથે તુલનાત્મક અભ્યાસના અંતે મેં માત્ર આ બે જ શેરનું મારું અનુવાદકાર્ય પાર પાડ્યું છે. પહેલા શેરની ચોથી લીટીને સમજવામાં કે અનુવાદમાં મને ઘણી જગ્યાએ મતભેદો માલૂમ પડ્યા છે, પણ મેં તો મારા અર્થઘટનના દૃઢ નિશ્ચય સાથે ‘શાયરનું આત્મસન્માન’ એવો અર્થ લીધો છે. હવે આપ સૌ શેરનું રસદર્શન માણવા આગળ વધો.

** *

દિલ હી તો હૈ ન સંગો ખિશ્ત, દર્દ સે ભર ન આયે ક્યોં?
રોયેંગે હમ હઝાર બાર, કોઈ હમેં સતાયે ક્યોં? (૧)

            (સંગ=પથ્થરઃ ખિશ્ત=ઈંટ)

            It’s the heart, not a stone or a brick,
          Why shouldn’t it feel the pain?
          I’ll cry myself many times,
          How dare anybody harass me? (1)
                                      (આ દિલ છે, કોઈ પથ્થર કે ઈંટ નથી; તો પછી તે દર્દ કેમ ન અનુભવે? હું મારી મેળે તો ઘણીય વાર ભલે રડી લઉં; પણ કોઈની કેવી હિંમત કે તે મને પરેશાન કરે!)

* * *

દૈર નહીં, હરમ નહીં, દર નહીં, આસ્તાં નહીં,
બૈઠે હૈ રેહગુજર પે હમ, ગૈર હમેં ઉઠાયે ક્યોં? (૨)

                        (દૈર=મંદિર; હરમ=મસ્જિદ; દર=દરવાજો; આસ્તાં=ઊંબરો; રેહગુજર=રસ્તો)

            Neither it’s a temple, nor a mosque,
          Nor any shrine’s thresh-hold or a door,
          I am sitting on a public path,
           Why should anybody tell me to rise? (2)

(આ કોઈ મંદિર નથી કે મસ્જિદ પણ નથી; કે પછી કોઈ ધર્મસ્થાનનો ઊંબરો કે દરવાજો પણ નથી. હું સરિયામ રસ્તા ઉપર બેઠેલો છું; તો પછી શાનો કોઈ મને ઊઠી જવાનું કહે?)

વચ્ચે હું મારા વાચકોને જો ગાલિબની ઉપર ચર્ચિત આખી ગઝલ (મૂળ ઉર્દુમાં) અને તેને હિંદી તથા અંગ્રેજી લિપિમાં વાંચવામાં રસ હોય તો ‘Ghalib’s Corner’ વેબ સાઈટ ઉપર જવા સૂચવું છું. ઉર્દુ અઘરા શબ્દોના અર્થની મદદથી ઉર્દુ સાહિત્યના ઉત્તમ ગઝલકાર જનાબ ગાલિબ સાહેબની આ ઉમદા ગઝલને આપ સૌ આખે આખી માણી શકશો. આ સિવાય બીજા બે નીચેના સ્રોતથી આ શાયરની અન્ય ગઝલો પણ મેળવી શકાશે.

(૧) અશગર વાસણવાલાની માત્ર મિરઝા ગાલિબ સાહેબ ઉપરની વેબસાઈટ

(૨) ‘સ્મૃતિ’ ની ‘ગાલિબની ગઝલો’નો સંગ્રહ

હવે મારે મિ. બેનરજી અને આપ સૌ મારા બ્લોગ ફેમિલીના સભ્યોને મારા આપેલા વચનને નિભાવવાનો સમય આવી ગયો છે. મિ. બેનરજીને અપાએલી મારી ખાત્રી મુજબની તેમનાથી છૂટા પડતી વખતે અમારી વચ્ચે થએલી નીચે પ્રમાણેની આખરી વાતચીતના કેટલાક અંશ ઉપરથી પેલા ‘વધુ એક આશ્ચર્ય’ને આપ સૌ જાણી શકશો.

‘મિ. વલીભાઈ, હવે આપનાથી છૂટા પડવાનો સમય આવી ગયો છે. મને ‘વધુ એક આશ્ચર્ય’નું આપનું વચન યાદ છે?’

‘ચોક્કસ, કેમ નહિ?’

‘સીધું જ કહેશો કે પછી લલચાવીને?’

‘સીધું જ, પણ ટૂંકી પૂર્વભૂમિકા સાથે! હવે મને સાંભળો.’

કુતુહલમય ચળકતી આંખો સાથે મિ. બેનરજી તેમની મૂછોમાં મંદમંદ સ્મિત કરી રહ્યા હતા. હું મારા અવાજમાં લાગણીશીલ બની ગયો હતો. હું કંઈક એવી લાગણી અનુભવી રહ્યો હતો જેને અપરાધભાવ તો ન જ કહી શકાય; પણ મારા દિલમાં કંઈક ભોંકાતું હતું, એટલા માટે કે નખશિખ સજ્જન એવા મિ. બેનરજી સાથે પેલી હોટલના ફેમિલી રૂમમાં મેં નિખાલસતાપૂર્ણ શાબ્દિક અતિશયોક્તિ કરી હતી!

મેં થોડીક હિંમત કેળવીને કહેવાનું શરૂ કર્યું. ‘મિ. બેનરજી, સર્વ પ્રથમ તો હું આપનો આભાર માનું છું કે આપે અમને આપના યજમાન બનવાની તક આપી. આપ જાણો જ છો કે લાગણીસભર અતિથિસત્કાર એ આપણી ભારતીય પરંપરા અને અમારા પોતાના મજહબી વર્તન અને વ્યવહારના એક ભાગરૂપ ફરજ છે. મહેમાનની ઉત્તમ રીતે સરભરા કરવી એ ઈશ્વર (અલ્લાહ)ની ભક્તિ કે ઈબાદત કરવા બરાબર છે. આપનો મારી પાસેથી કોઈક ઉર્દુ ગઝલ સાંભળવા માટેનો ઉત્સાહ અને તાલાવેલી જોઈને મને લાગ્યું કે મારે આપને નિરાશ તો ન જ કરવા. હવે સાચું કહું તો હું ઉર્દુ ભાષાથી સાવ અજાણ છું. ઈશ્વરની કૃપાથી મિરઝા ગાલિબ સાહેબના એ બે જ શેર મને યાદ હતા. આપ સારી રીતે જાણો જ છો કે તેની રજૂઆતની મારી ખૂબીને લીધે હું આપના ઉપર એવી છાપ પાડી શક્યો, જાણે કે હું ઉર્દુ સાહિત્ય અને ખાસ તો તેની ગઝલોમાં નિપુણતા ધરાવું છું. પરંતુ વાસ્તવમાં એવું નથી. નિ:શંક, મને ગઝલમાં રસ ખરો, પણ માત્ર ગુજરાતી ગઝલમાં જ! મેં આપણી વાતચીત દરમિયાન મારા નજીવા જ્ઞાનને અતિશયોક્તિભરી રીતે રજૂ કર્યું તે બદલ હું અત્યંત દિલગીરી વ્યક્ત કરું છું.’

‘શું કહો છો, વલીભાઈ? હું માની શકતો નથી! પણ, ખરેખર તે સત્ય જ હોય તો મારા માટે આપનું ખૂબ ખૂબ ખૂબ મોટું આ આશ્ચર્ય જ કહેવાય! મને બરાબર યાદ છે કે હું જ્યારે આપને ભેટ્યો હતો, ત્યારે તરત જ આપે આ વચન આપ્યું હતું જે આપની નિર્દોષતા બતાવે છે. આપનું આ બીજું આશ્ચર્ય પેલા પહેલા આશ્ચર્યને પણ ઓળંગી ગયું જે મારા માનીતા શાયરના શેર સાંભળવાનું હતું. સાચે જ ગાલિબ સાહેબના શેર આવનારાં હજારો હજારો વર્ષો સુધી નહિ જ ભુલાય!’

મિ. બેનરજી ફરી એક વાર પોતાની આંખોમાં આનંદનાં અશ્રુ સાથે મને ભેટી પડ્યા. તેમણે કહ્યું, ‘હાલમાં મનુષ્યની આયુષ્યની મર્યાદા વધુમાં વધુ સો વર્ષની મનાય છે, પણ હું જો એમ કહું કે, વલીભાઈ, આપનાં બંને આશ્ચર્યો મને હજારો વર્ષ સુધી યાદ રહેશે તો તે અતિશયોક્તિ ગણાશે. આમ છતાંય એટલું તો જરૂર કહીશ કે આપનાં આશ્ચર્યો અને આપ પોતે મને જિંદગીભર ભુલાશે નહિ.’

છૂટા પડતી વખતે મેં મિ. બેનરજીને એક કહેવત સંભળાવી, ‘અતિશયોક્તિ એટલે સાપનું ચિત્ર દોરવું અને પછી પગ ઉમેરવા!’

‘પણ, આપે ઉમેર્યા નથી; પરંતુ દોર્યા પછી ભૂંસી નાખ્યા છે!’ તેમણે કહ્યું.

મારા સુજ્ઞ વાચકો, મારું તમને પણ અપાએલું ‘એક વધુ આશ્ચર્ય’નું વચન અહીં પરિપૂર્ણ થાય છે. હું બોનસ તરીકે ટ્રાયોન એડવર્ડ્ઝ (Tryon Edwards)નું એક અવતરણ આપીશ, ‘કેટલાક લોકો એટલી બધી અતિશયોક્તિઓ અને બડાઈઓ સાથે પોતાની વાત કહેતા હોય છે કે આપણે તેમાં મોટો ઘટાડો (discount) કરીએ ત્યારે જ તેમની વાતના મૂળ અર્થ સુધી આવી શકીએ.’ હવે હું ખુલાસો નહિ કરું, પણ તમને પૂછીશ કે ‘બે ભાગમાં વિસ્તરેલા મારા આ આર્ટિકલને તમે કયા સાહિત્યપ્રકારમાં ગણશો? આ નિબંધ છે, વાર્તા છે, પદ્ય (Poetry) છે, લેખ છે, કે પછી નાટક છે? હું આ પોસ્ટના ‘Comment Box’માં આપ સૌના જવાબનો ઈંતજાર કરીશ; વળી માત્ર સીધેસીધો જવાબ જ નહિ, પણ તમારા અભિપ્રાયો, વિચારો, વિવેચનો વગેરે જે કંઈ હોય તે પણ લખશો તો મને વધુ ગમશે.

(સંપૂર્ણ)

* * *

સંપર્કસૂત્રો :-

ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91 94261 84977

નેટજગતનું સરનામુઃ William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો

6 comments for “વલદાની વાસરિકા : (૬૨) વાણીવિનિમયમાં સંતુલિત અતિશયોક્તિની કળા (૨)

 1. Neetin Vyas
  October 17, 2018 at 8:02 am

  આપનાં લખાણ સર્વાંગ સુંદર રહ્યા છે, હવે આ લેખ બાબત, આ નાટક તો નથી જ, ગાલિબે જો અંગેજી ભાષામાં આ નઝ્મ લખી હોત તો કદાચ આમજ લખી હોત, પણ મજા છે તે લખાણ માં ગૂંથાયેલી રમૂજ – જે આપના અન્ય લખાણોમાં પણ સહજ વાંચવા મળેછે.( A write up with nice subtle humor – rather sophisticated humor)

  • October 17, 2018 at 11:32 am

   આભાર,.નીતિનભાઈ. સ્વાનુભવ આધિરિત સર્જન હંમેશા રસિક જ નીવડતુ હોય છે. આત્મકથાઓ એટલે જ તો.સફળતા પામે છે, સિવાય કે તેમા આત્મશ્લાઘા ન હોય.

 2. October 17, 2018 at 11:50 am

  ‘દાવડાનુ આગણુ’ મા આવતી બાબુભાઈ સુથારની આત્મકથા વાચવા જેવી છે.

  • Neetin Vyas
   October 17, 2018 at 5:52 pm

   શ્રી બાબુભાઇ સુથારે ચિત્રકાર અને છબીકાર શ્રી જ્યોતીભાઈ ભટ્ટની જીવન કથા પણ લખી છે, તેમાં ઘણા અલભ્ય ચિત્રો સાથે એક છબી યુવાન કલાકાર શ્રી એમ. એફ. હુસેઇન ની છે. શ્રી દાવડા સાહેબનાં બ્લોગ ઉપર આવી સરસ વાતોનો ખજાનો છે.

 3. Niranjan Mehta
  October 18, 2018 at 11:22 am

  ચોક્કસ આ લેખ જ છે પણ નાટ્યાત્મક. આશ્ચર્યોની હારમાળાને રજુ આપ જ કરી શકો. અભિનંદન.

 4. October 21, 2018 at 7:42 am

  અનુવાદ વિષે લખતાં શ્રી ઝવેરચંદ મેઘાણીને યાદ કર્યા, “કોઈનો લાડવાયો..” બહુ ગમ્યું.
  ઘણાં અનુવાદો યોગ્ય નથી લાગતાં, “અનુવાદિત કાવ્ય જાણે કે તેને થીગડાં માર્યાં હોય તેવું લાગતું હોય છે.” વાત ખરી છે.
  સરયૂ પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *