વ્યવસાયી કામોનું બોઝીલ પોટલું ઝાડવે લટકાવીએ

Facebooktwitterredditpinterestlinkedinmail

હીરજી ભીંગરાડિયા

“કેમ બધાં આજ કામે નો’તાં ગુડાણાં ? રોંઢો થયો તોય નો છોકરો ફરક્યો એકેય કે ન તું ! ઘેર શું લકુંબો દાટ્યો હતો તે બધાં ઘેર જ ખોડાઇ રહ્યાં ? કામ કરવાનું તો ઘેર ગયું, મારા બપોરના રોટલાય ન પુગાડી હક્યા ? જાણો છો કે માગ્યાં નાણાં દેતાંય કોઇ દાડિયા મળતાં નથી ને કપાસ તરડીને તળાવ થઈ ગયો છે ? મારે એકલાયે શું મરવું ? આમનામ હાંકશો તો ભૂખભેળાં થઈ જાહું ભૂખભેળાં !” નામ નહીં દઉં, પણ નજરો નજર જોયેલું અને કાનોકાન સાંભળેલું આ દ્રશ્ય છે. મારા એક ખેડૂત મિત્રે રોંઢો ઢળી ગયે હૂહભર્યા ઘેર આવી ફળિયામાં સાયકલનો કર્યો ઘા અને ફેર કરતા કરતા ઘરવાળીને આમ ઉધડો લઈ નાખી.

“હં…હં ! થોડા ટાઢા પડો. લ્યો આ પાણી, હાથ-પગ ધોઇ ઓંશરી ઉપર તો આવો ! હું બધી માંડીને વાત કરું, પણ તમે હાંભળો તઇંને ! મોટા છોરા ગગજીડાને આવી ગ્યો છે તાવ અને નાનકાને નિહાળ્યેથી રજા નો મળી. હું વાડીએ આવવા નીકળી જ હતી ત્યાં આવી ગ્યા મે’માન ! પછી તો ઘર લઈને બેઠા છઇં, એટલે તમે જ ક્યો, આંગણે આવેલને રોટલાનું તો પુછવું પડે કે નહીં ? એના રોટલાની ધમાલમાં રહી, એટલે વાડીએ નો પુગાણું.”

“મે’માનને કંઇ રત્ય-કરત્યની ખબર પડે કે નહીં ? આ કામના દિ’માંયે ખેડૂને ઘેર કટાણે ટપકી પડવાનું ?”

“ઇ શેરવાળાને આપણા કામના દિ’ની નો ખબર્ય હોય-એટલુંયે તમે નથી સમજતાં ?”

“તો પછી રોટલા ખવરાવીને તો વળાવી દેવાય ને ? કે હજી ખોડાણા છે ?”

“હં..હં, ધીરા બોલો ! આ બપોર વચાળે-ચોરને કાંધ્ય મારવાની વેળાએ થોડા તગેડી મૂકાય ? સૂવાર્યા છે ઓલીપાના ફળિયામાં લીંબડા હેઠે.”

“ અરે પણ મે’માને તો કામનો બધો મેળ બગાડી માર્યો મારો !”

12-12 કલાકના રાત-દિ’ના ચકરડામાંથી ઉગતાં પહેલાંના અઢી-ત્રણ અને આથમ્યા પછીના બે-ત્રણ કલાક મળી 12ને બદલે 18 કલાકનું કામ ઢસડી લીધા પછીય “હજુ કામ બાકી રહી ગયું છે” એવી ફરિયાદ મારા આ એકલા મિત્રની નથી, સારાએ ખેડૂતઆલમની છે. ખેતીનો ધંધો જ એવો છે કે જેમાં કામ બાબતે બાર સાંધીએ ત્યાં તેર તૂટે ! ઇ તો જે કરતા હોય એને ખબર્ય હોય કે ખેડ્યમાં કેટલી વીહે સો થાય ! રોજીંદા કામનું ભારણ અને ધંધાની મુંઝવણો માણહની સાધ ચૂકવી દે તે આનું નામ !

શરીરનો થાક તો આરામ કર્યે ઉતરે, પણ મન થાકે તો ? :

હું યે ખેડૂત છું. છેલ્લા 48 વરહથી ખેડ્યમાં જ પડ્યો પાથર્યો છું. એટલે જ અનુભવે એમ કહેવાનું મન થાય છે કે શું આપણે ખેતીનો ધંધો સ્વિકાર્યો એટલે ‘માણહ’ મટી જવાનું ? બસ…જમીન, પાણી, છોડવા, ઝાડવાં, જીવડા અને જાનવરો સિવાય અન્ય કોઇ બાબતોની ઓળખાણ જ નહીં રાખવાની ? ખેડૂત થયા એટલે બે બળદની જોડ્ય જેટલું એકલું બળ જ કર્યે રાખવાનું ? વાડીએથી ઘેર આવ્યા છીએ તો બાળકો, પત્ની, માવતર, મહેમાન-સૌની સાથે પ્રેમ-સ્નેહથી બે ઘડી વાતચીત –આનંદ, કિલ્લોલને બદલે બસ કામનાં જ કળોયાં, ઠપકો અને ડારા-ડફારા ? “શાંતિ” જેવું નામ જ નહીં ? 60-55થી નીચેની વય હોય તો કામના અતિ ભારણની અસર એનું ‘પંડ્ય’ ભલે ન ભળાવા દેતું હોય, પણ ‘મન’ જે થાક અનુભવતું હોય છે એની અવળી અસરો વ્યવહારમાં આવ્યા વિના રહેતી નથી, એ મારા આ મિત્રના વર્તન પરથી બરાબર પામી શકાય એવું છે.

કામનું અતિ ભારણ મન-મગજને ચલિત કરી દે તેવો બીજો અનુભવ કહું :

1972થી 1983 સુધી 11 વરસ ચોસલામાં હું સરપંચ રહ્યો. એમાં અરધ ઉપરનો વખત તો માલધારી અને ખેડૂતના મોલ-ભેલાણ અને ખેડૂત-ખેડૂત વચ્ચેના શેઢાના જગડા પતાવટમાં જતો.

મેં ખેતી સંભાળી તેદુ’થી બપોરા કર્યા પછી આખનું ઝેર ભાંગે એટલી વેળા અરધો-પોણો કલાક રોટલો લાંબો કરવાની મને ટેવ. પણ મોટેભાગે એવું બનતું કે આંખ મિંચાણી ન મિંચાણીને “ક્યાં ગયા સરપંચ ? આ ભરવાડિયાએ શું ધારી છે એમ મને કહેશો ? એને પૂછો તો ખરા, મારા કોઠાવાળા કટકાની જાર [જુવાર] વચાળેના સાંકડે શેઢે બોરડીનું ઝાળું ચારવા ઓલ્યા માકલાએ માલ ખોસ્યો અને રાશરાશવા શેઢાની જાર માથે છીણી મૂકી દીધી ! હાલો, સુતા છો શું ? ઊભા થાવ, અને ડબો અને નુકશાની બેયનો ડંડ કરો મારી નજર સામે !” મારે કહેવું પડે કે “હેં ભાઇ ! એ બોરડીનું ઝાળું ચારવા કોણ હું આવ્યો હતો ?” તો કહે “ના !” “તો પછી મારી સાથે હું ચારી ગયો હોઉં એમ કાં છીંકોટા દ્યો છો ? મારી સાથે તો ધીરજથી વાત કરો.”

અને બનતું એવું કે માલધારીઓને પણ એવાં જ લખણ પડી ગયેલાં કે કાં બપોર વચાળે જ્યારે ખેડૂતો રોંઢો કરવા બેઠા હોય ત્યારે અને નહીંતો રુંજ્યુંકુંજ્યું વેળાએ જ્યારે ખેડૂતો ખેતરેથી ઘરભણી વળ્યા હોય ત્યારે, બરાબરનું ટાણું જોઇને જ માલ ઢીલો મૂકે અને ખેડૂતોને ભાગે રાડારાડી બોલાવવાનું બચે !

એવો જ એક બીજો દાખલો :

“ ક્યાં ગયા સરપંચ ? ઓલ્યા ગોધ્યાએ સૈયારે શેઢેથી ખુંટા ઉખેડી નાખી, આખો શેઢો ખેડી, મારીભણી પાળિયું ભોં ઉખેડી નાખી છે. એ શું બધેય રમણિયા જ સમજે છે ? ઓલ્યા વખતે તમે કીધું એમ મેં ઢીલું મૂકેલું, હવે નહીં ! મારો હતો એવો શેઢો કરી દ્યો, નહીં તો આ વખતે સારાવાટ નહીં રે હો હીરજીભાઇ !” અને મારે કહેવું પડ્યું “સાંભળ મના ! શેઢો કોણે મેં ઉખેડ્યો છે ?” તો કહે “ના, તમે થોડા શેઢો ખેડવા આવો ?” “તો પછી મારી સાથે તો ધીરજથી વાત કર ભલા !”

દરેક પ્રશ્નોના ઉકેલ હોય :

આમ વાડી-ખેતરમાં ઊભા થયેલા પ્રશ્નોની અસર આપણા માનસ પર પડે તો કુટુંબ સાથેના, સમાજ સાથેના સંબંધોમાંયે કડવાશ ભળે, અને જીવન આખું ધૂળધાણી થઈ જાય ભાઇ !

કોઇ પણ વ્યવસાયમાં વ્યવસાયને લગતા પ્રશ્નો તો ખડા થવાના જ. પણ એ પ્રશ્નની પતાવટ માટે ઘાંઘાં થઈ જઈ, ચારે બાજુ હાવલાં મારવા મંડીએ તો પાર ન આવે ! એ માટે જરા શાંત મને-નિરાંતવા થઈ એના રસ્તા ખોળવા વિચારવું પડે, કોઇની સલાહ લેવી પડે, ક્યારેક કોઇ પુસ્તકનો આશરો લેવો પડે. કોઇ સવાલ એવા નથી હોતા કે જેનો ઉકેલ ન હોય. હરકોઇ પ્રશ્નનો ઉકેલ એકાગ્રતાથી, શાંતચિત્તે, નિશ્ચયબળ અને યોગ્ય ઢબે કરવામાં આવે તો આશ્ચર્યકારક સફળતાને વરે છે, તે બતાવતો એક પ્રસંગ મેં વાંચેલો. તમેયે વાંચો.-

ગામડાંના એક ખેડૂતને એના પોતાના જ ઘરમાં ઘડિયાળ ક્યાં મૂકાઇ ગયું તેની ખબર રહી નહીં.ઘડિયાળ શોધવા અહીં-તંહી બૂમ બરાડા પાડતાં પાડતાં ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરનો ખૂણેખૂણો ફરી વળ્યો પણ ઘડિયાળ મળ્યું નહીં. થાક્યા પછી મનમાં થયું કે હું નીચો નમી કેટલેક ઠેકાણે નથી જોઇ શકતો, ત્યાં આ બાળકો જોઇ શકશે એવું વિચારી કહે “આવો છોકરાઓ ! આ ઘરમાંથી મારું ઘડિયાળ શોધી દેશે એને કોલેટી [કુલ્ફી] ખાવા રુ. 10 નું ઇનામ દઇશ.”

બાળકો તો ઇનામની લાલચે હડિયા-પાટી બોલાવી બધી જગ્યાએ ફરી વળ્યા. અરધો-પોણો કલાકની મથામણ પછીયે સૌ નિરાશ, ઘડિયાળ મળ્યું નહીં ! હવે ? ત્યાં એક બાળક આવ્યો અને કહે, “હું ઘડિયાળ શોધી દઉં, પણ મારી શરત છે કે મારી સાથે રૂમમાં બીજુ કોઇ ન આવે તો !” શરત મંજૂર થઈ અને એ ચતૂર બાળકે શોધ ચાલુ કરી. થોડી વારે ઘડિયાળ સાથે ઘરની બહાર આવ્યો ! ઘડીભર તો ખેડૂતને એમ થયું કે ક્યાંક આ છોકરાએ પહેલેથી જ ચોરીને સંતાડી તો નહીં રાખ્યું હોયને ? તેણે બાળકને કહ્યું “આ લે તારા 10 રૂપિયા,પણ મને એ કહે કે આ ઘડિયાળ તેં શોધ્યું કઈ રીતે ?”

બાળક કહે, “એમાં ક્યાં મોટી ધાડ મારવાની હતી ? મેં ઘરમાં જઈ, બધાં બારી-બારણાં બંધ કર્યાં, એટલે ચારે બાજુના અવાજ થયા બંધ, શાંતિ થઈ ગઈ એટલે મેં કાન સરવા કરી, ચારેબાજુ એકાગ્રચિત્તે ફરતા રહી, અવાજ સાંભળવા પ્રયત્ન કર્યો તો એક જગ્યાએ મને ટીક..ટીક અવાજ સંભળાયો. પછી જે બાજુથી અવાજ આવતો હતો તે બાજુ ધીરે ધીરે આગળ વધ્યો તો ઘડિયાળ મળી ગયું.” બાળકને ઓરડાની શાંતિ અને મનની એકાગ્રતા ઘડિયાળ શોધવામાં મદદરૂપ થઈ.

આપણે પણ વ્યવસાયના ધમાલરૂપી બારી-બારણાં બંધ કરી-કહોને ઘડીભર ધંધાકીય પ્રશ્નોને જરૂર હોય ત્યારે બાજુ પર રાખી શકવાની ક્ષમતા મેળવી લઈએ તો મનને મળેલી શાંતિથી જીવનમાં ઊભી થતી સમસ્યાઓના સમાધાન સાધવાનું આસાન બનાવી શકીએ.

બધું આપણે જ કરવાનું છે:

હું નથી કહેતો કે જાતેકામ ન કરવું કે ધંધાની ચિંતા ન કરવી તેવું. જાતે કામ પેટ ભરીને કરવું, અને ધંધાને લગતા પ્રશ્નોના નિરાકરણ આપણે નહીં કરીએ તો બીજું કોણ કરી દેવાનું છે ? પણ કામોના બોઝનું પોટલું ઘડીભર પણ હેઠે મૂકી થાકલો ન ખાઇએ તો માણસમાં ન રહીએ, સમાજમાં ન રહીએ. આપણાં કામ આપણે જ કરવાનાં, પણ બને ત્યાં સુધી ખેતેરે કે વાડીએ હોઇએ ત્યારે. ઘેર આવ્યા પછી બાળકો, પત્ની, મા-બાપ, સગાં-વહાલાં કે ગ્રામજનો-સૌની સાથેના સંબંધો, બાળ ઉછેર, એનું શિક્ષણ, વાત્સલ્ય, માવતર તરફ કૂણી લાગણી અને સેવા, પત્નીના કામની કદર, એના તરફથી મળતાં હુંફ-સધિયારાની પરખરૂપે બે મીઠાં વેણ એમની જરૂરિયાતોને ધ્યાને લઈ પોતા તરફથી અપાય તો ગૃહવાડી લીલીકુંજાર બને છે. સામાજિક જીવન પણ એવું જ બને જો કુટુંબ-કબીલા, પાડોશી, ગ્રામજનો સાથે સુખદુ:ખ વહેંચવાનો સમય કાઢીએ.આ બધાથી જ આપણે સફળતા પામીએ છીએ અને રૂડા લાગીએ છીએ.

“ Work whaile you work, and play whaile you ply. That ij the whay to be hapy and gay.”

આવું તો જ શક્ય બને : જો આપણે ધંધાના સવાલોનું પોટલું ઘરની બહાર ટીંગાડી દઈએ :

મેં શ્રી શૈલેષ સગપરિયાની ચોપડીમાં વાંચ્યું છે કે એક શેઠિયાએ પોતાના પડતર બંગલાની પાણીની પાઇપ રીપેર કરવા પ્લંબરને બોલાવ્યો. પાઇપ ઘણો વખત વપરાયા વિના પડી રહેલ હોવાથી કાટ ખાઇ ગયેલ હોઇ પ્લંબરના પાના-પક્કડ તૂટી ગયા છતાં આંટા ખુલ્યા નહીં. વધુ ભીંહ કરતા પાઇપ પોતે ફાટી ગયો અને ખિજાઇને ટોચા મારતા હાથ પર હથોડો વાગ્યો એ લટકામાં ! કારીગર તો કંટાળી ગયો. બબડતા બબડતા જેમતેમ કરીને કામ પૂર્ણ કરી જ્યાં ઘેર જવા તૈયાર થયો ત્યાં સ્કુટરમાં પંચર થઈ હવા નીકળી ગયેલી ! હવે ? સાંજ પડવા આવી ગઈ હોવાથી શેઠને વિનંતી કરી કે ‘ઘર સુધી મૂકી જાઓ’ શેઠ તો પોતાની ફોરવ્હીલ ગાડી લઈ મૂકવા નીકળ્યા, પણ કારીગર ગુસ્સામાં ખૂબ ધૂંઆપૂંવા ! આખી વાટ કંઇ બોલ્યો જ નહીં ! ઘર આવ્યું. કારીગરે શેઠને અંદર આવવા આગ્રહ કર્યો એટલે શેઠ પણ ફળિયાંમાં સાથે જ દાખલ થયા. શેઠે જોયું કે ઘરના ફળિયાંમાં પ્રવેશ કરતાં એક સુંદર ઝાડ જાણે કે તેને બોલાવી રહ્યું છે ! કારીગર પણ પેલા ઝાડ પાસે ગયો અને ઝાડને પ્રેમથી ભેટ્યો. અને તે સાથે જ એના ચહેરા પરના ભાવ બદલાવા માંડ્યા. એનો ગુસ્સો બધો અદ્રશ્ય થઈ ગયો. ચહેરા પર હાસ્ય ફરી વળ્યું.પછી ડોરબેલ વગાડી,ઘરનો દરવાજો ખૂલતાં હસતાં ચહેરે અંદર પ્રવેશ્યો ને પોતાના બાળકો-પત્ની સૌને પ્રેમથી ભેટ્યો

ચા-પાણી પીધા પછી કારીગર જ્યારે ગાડી સુધી શેઠને વળાવવા આવ્યો ત્યારે શેઠ પૂછ્યાવિના ન રહી શક્યા કે “ભાઇ ! આ ઝાડમાં એવી તે કઈ જાદુઇ શક્તિ છે કે એને સ્પર્શ કરતાં જ તારા ચહેરા પરનો ગુસ્સો સ્મિતમાં પલટાઇ ગયો ?”

પ્લંબરે કહ્યું, “શેઠ ! હું તમારા કામ પરથી ઘેર આવ્યો ત્યારે મારી સાથે ધંધામાં પડેલી મુશ્કેલીનું પોટલું વળગેલું હતું. પણ એની અસર મારા પરિવારના સભ્યો પર પડે અને નડે નહીં તેની તકેદારી લઈ એ પ્રશ્નોનું પોટલું ઝાડ પર ટાંગી દીધું. આવું હું કાયમખાતે મારી સાથેના ધંધાના અનેક સવાલોના પોટલાં ઝાડ પર ટાંગી પછી જ ઘરમાં પ્રવેશું છું, અને સવાર સુધી પ્રભુના હવાલે કરી દઉં છું. ખુબીની વાત એ છે કે સવારે પાછું પોટલું સંભાળું છું ત્યારે મોટાભાગના પ્રશ્નો પોટલામાંથી ગાયબ હોય છે. ક્યારેક તો પોટલું સાવ ખાલી પણ હોય છે.” એમ નથી લાગતું કે આપણે પણ ધંધેથી ઘેર આવીએ ત્યારેઆ પ્લંબરની જેમ આપણા ધંધાકીય પ્રશ્નોને ફળિયામાં એક ઝાડ ઉછેરી તેના પર જ ટાંગતા થઈ જઈએ ?

શાંતિ હોય તો :

ધંધા અંગે ઊંડાણથી વિચારી, ધંધા વિકાસના આયોજન થકી ધંધામાં સ્થિરતા મેળવી શકાય, ઓફીસ, કચેરી કે બેંક-મંડળીને લગતા કાર્યો સમયસર નિપટાવી શકાય, કાયદા-કાનૂન કે કોઇ લે-વેચ દસ્તાવેજના વ્યવહારો, કુટુંબ અને સગા-સહોદરના સુખદુ:ખમાં હુંફઅને સધિયારો જેવા બધા કાર્યોમાં “શાંતિ” હોય તો જ સમતોલ રીતે સર્વે બાબતોને ન્યાય આપી જીવન સમૃદ્ધ અને સફળ કરી શકાય. આ બાબતને આપણે પણ ગંભીરતાથી નહીં વિચારીએ ?


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

3 comments for “વ્યવસાયી કામોનું બોઝીલ પોટલું ઝાડવે લટકાવીએ

 1. Dipak Dholakia
  October 17, 2018 at 12:17 pm

  એક જ શબ્દ ઘણો છે – ક્લાસિક!

 2. vimla hirpara
  October 18, 2018 at 12:43 am

  નમસ્તે હીરજીભાઇ, મે પણ ખેતી કરેલી છે. એની મુશ્કેલી નજીકથી જોઇ છે. આ ધંધો જ એવો છે. નોકરી હોય તો એ ઓફિસ છોડો.તમે છુટ્ટા, કારખાનુ કે દુકાન બંધ કરો પણ ખેતર કે વાડીને તાળા કયા મારવા?. ખેતરમાં તૈયાર પાક કોઇ ચોરી જાય, ભેલાણ થાય, કુદરત રુઠે, તો તૈયાર પાક પર વરસાદ આવે ને બધુ કોહવાય જાય. ન આવે તો બધુ સુકવી નાખે. ખેડુની વાડીએથી થેલી ભરીને શાકભાજી વગરપુછ્યે લઇ જાય. એજ માલને વેપારીની દુકાનમાથી ચપટીભરીને લઇ જુઓ! એટલે તો કહેવાય કે ખેતી એ ચોવીસકલાકનો ધંધો. એમા શનિરવિ ન આવે. એટલે તો પન્નાલાલ પટેલે કહયુ છે કે ખેડુ એ જગતનો તાત નહિ પણ પોઠિયો છે.

 3. October 19, 2018 at 8:19 pm

  …. બધા કાર્યોમાં “શાંતિ” હોય તો જ સમતોલ રીતે સર્વે બાબતોને ન્યાય આપી જીવન સમૃદ્ધ અને સફળ કરી શકાય.
  જીવનમાં સમતોલન અને શાંતિની ચાવી આપણી પાસે જ છે. તેનો યોગ્ય ઉપયોગ કરે તેમનું જીવન ઓછી મુશ્કેલી ભર્યું અને શાંત સરળ બની શકે.
  સરયૂ પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *